Dada mohi, me nahi license layo books and stories free download online pdf in Gujarati

દાદા મોહી, મૈ નહિ લાઈસન્સ લાયો..!

દાદા મોહી, મૈ નહી લાઈસન્સ લાયો..!

આકરા ટ્રાફિક દંડ ઠોકાયા ત્યારથી, ચમરબંધીની હવા પણ ટાઈટ થઇ ગઈ. જાણે એક્સીલેટર ઉપરથી સીધા વેન્ટીલેટર ઉપર આવી ગયાં..! બહાર અણુબોંબ ફૂટ્યો હોય, એમ વાહનના ટાયર-ટ્યુબ ને વાલ્વને પણ અંદર બેઠાં-બેઠાં ધ્રુજારી છૂટી ઉઠી કે, આ ઘોઘો હવે આપણને હવાફેર કરવા બહાર નહિ કાઢે. ગાડીના કાગળિયાં જ નહિ હોય તો ક્યાંથી કાઢવાનો..? એવાં નોંધારા મુકશે કે, જ્યાં કુતરા સિવાય કોઈ આપણો ભાવ પૂછવા નહિ આવે. કાગળિયાં વગરનું વાહન ને કંકોતરી વગર ઉઠાવેલી રખાત બંનેની હાલત સરખી. એમાં એવું છે ને ભાઈ કે, દશાઓ જ્યારે ફેસિયલ કરવાની થાય, ત્યારે દિશાઓ પણ પૂંઠ બતાવે..! ટ્રાફિક દંડની રકમ સાંભળીને, અમુકની તો જૂની કબજીયાત પણ મટી ગઈ. ‘લુઝ મોશન’ ના વાયરલમાં સપડાયા હોય તેવી હાલત થઇ ગઈ...! પાટલુન માપના હોવા છતાં, ઢીલ્લા પડી ગયાં. મૂછે લીંબુ ભેરવીને ફરનારાના તેવર પણ, એવાં ‘ડાઉન’ થઇ ગયાં કે, મૂછ પરથી લીંબુ ઉતારી, મરચાં બાંધવાનો નિર્ણય લઇ બેઠાં. જેથી સામાને ખબર પડે કે, ભાઈને કોઈ વાતે મરચાં લાગ્યા છે..!

કોઈએ હવે થૂંક તો ઉડાવવું જ નહિ કે, કાળા માથાનો માનવી ધારે તે કરી શકે. એ જમાના ગયાં હવે..! પ્રમાણ જોઈતું હોય તો, આ પાંચ કામ કરી બતાવે. મોંઢે ફીઈઈણ ના આવે તો કહેજો. (૧) જિરાફને ગળે વળગીને ઝપ્પી ના અપાય. (૨) હાથીને ખોળે બેસાડી ગલીપચી ના કરાય. (3) કીડીના પગે ઝાંઝર નહિ બંધાય. (૪) મચ્છરના શરીરે માલીસ નહિ કરાય, ને (૫) આવતી કાલે મોદીસાહેબ કયો ફતવો બહાર પાડવાના છે, એ કળી ના શકાય..!

નો ડાઉટ, આ બધું જરૂરી છે. આઝાદી મળ્યાને પોણી સદી થઇ, છતાં લોકોની માનસિકતામાં સફેદી જ નહિ આવે તો, સરકાર આક્રમક નહિ થાય તો શું ઘરે આવીને ગલગલીયાં કરે..? જે ધરતી ઉપર ભગવાનના જનમ થયાં હોય, એના માણસ તો ઠીક, ગાલ્લાં પણ ઠીકઠાક નહિ રાખે તો બીજું કરે શું..? લોકોને રસ્તા ઉપર મરવા થોડાં દેવાય ? ભારતના માથે ટપલીદાવ થાય તે જોયાં કરવાનું ? દેશપ્રેમીના જીવડા બળે કે નહિ..?

ટ્રાફિકના નવા નિયમે શું ધાક બેસાડી દીધો યાર..! ઘોઘાને રાતે પથારીમાં પણ પોલીસ જ દેખાય. વાઈફ તોપછી, એના કરતાં હેલ્મેટને વધારે સાચવે. સુતી વખતે ઓશીકું તો વાપરે જ નહિ, હેલ્મેટ ઉપર જ માથું નાંખીને ઊંઘી જાય. જમતી વખતે પણ સ્ટુલને બદલે, હેલ્મેટ ઉપર બેસીને જ જમવાનો. વાઈફ તો ઘણીવાર ખાખણી પણ કાઢે કે, “હેલ્મેટ ઉપર બેસીને જમો ત્યારે બહુ સારા નથી લાગતાં..! ખબર જ નથી પડતી કે, જમવા બેઠાં છો કે, વોશરૂમ કરવા..? સરકારી કાયદાનો અમલ કરવાનો, પણ આટલો કડક નહિ કરવાનો...! માપમાં કરવાનો..!” વાહન લઈને નીકળે ત્યારે શું એની ધડકે છે..? જાણે ચાર રસ્તા ઉપર લોહી ચૂસવા દ્રેક્યુલા ના ઉભી હોય..? ને વાહન ચલાવે ત્યારે, પાછળ વાઈફ બેઠેલી છે કે, રસ્તે ઉથલી પડેલી છે, એ પણ નાં જુએ. એનું ધ્યાન પોલીસમાં જ હોય..! ખાખીમાં કોઈને પણ ભૂલેચૂકે જુએ, એટલે પરસેવો છૂટવા માંડે. પછી ભલે પેલો પોલીસને બદલે ગેસના બાટલાવાળા હોય..! એવો ચિતભ્રમ થઇ જાય કે, ધંતુરો કયા કામે વાહન લઈને બહાર નીકળ્યો છે, એ કામ પણ ભૂલી જાય. આવાં ભાગેડુ મિજાજવાળા સાથે પાછલી સીટ ઉપર બેસતાં ખુદની વાઈફ પણ ધ્રુજે. કારણ વાહન પાછું, ઘોઘાના નામે તો હોય જ નહિ, વાઈફના નામે જ ચઢેલું હોય. પકડાયા તો, ઘોઘો છુટ્ટો ને છુટ્ટો, ધક્કે ચઢવાનું વાઈફે આવે..! ને ઘોઘાનો ભરોસો શું..? એ તો એમ કહી દે કે, ‘ ક્યાં તો સાહેબ વાહન જપ્ત કરી લો, ક્યાં તો એના માલિકને..! જાણે ભલું થયું ભાંગી જંજાળ, હવે સુખે ફરશું જઈ નેપાળ..! તાજુજુબની વાત તો એ કે, લોકોની ગાળો દેવાની ડીઝાઈન પણ બદલાય ગઈ. કોઈ સાથે બબાલ થાયતો, ગાળનો જુનો સ્ટોક તો કાઢે જ નહિ, નવી જ ગાળ કાઢે કે, ‘ તારી હેલ્મેટ ચોરાય જાય, તારું લાયસન્સ ખોવાય જાય, ચાર રસ્તે પોલીસવાળો તારો ૫૦૦૦ નો મેમો ફાડે..! ને ટ્રાફિક પોલીસવાળો તારી વાઈફને પકડીને જેલમાં નાંખે...! વગેરે વગેરે..!!‘

ચતુર ચમનીયો તો ‘દૂધનો દાઝ્યો ફૂંકી-ફૂંકીને પીએ’ એમ વાહનના કાગળિયાં સાથે લગનની કંકોત્રી ને મંગળફેરા વખતના ફોટા પણ સ્ટીચ કરી દીધાં. મને કહે, ‘રમેશિયા, આ સરકારનો કોઈ ભરોસો નહિ. કાલે ઉઠીને એવું પણ લાવે કે, ‘ તમારા વાહન પાછળ, ખભે માથું નાંખીને ઘોરતી સ્ત્રી તમારી પોતાની જ વાઈફ છે કે કેમ, એનો પુરાવો બતાવો..! જાગતો નર સદા સુખી રમેશિયા..!”

આ તો માણસની વ્યથાની કથા થઇ. સ્વયં વાહનો પણ ઊભા-ઉભા જાણે થથરતા હોય એવું લાગે. કોઈ અડીયલ વહુ સાસરે જવાની ધરાર ના પાડે, એમ વાહન પણ રસ્તા ઉપર નીકળવા ઝટ તૈયાર નહિ થાય. ચમનીયાએ એના ફટફટીયાને ગણીને ૩૬ કિક મારી, તો પણ ફટફટીયું કોમામાંથી બહાર નહિ આવ્યું. બિચારા ચમનીયાને અસ્થમા લાવી દીધો. વાહન જાણે કે, જે ચમનીયો ઘાસલેટ નાંખીને ગાડું હાંકે, એ મારાં કાગળિયાં શું રાખતો હશે.? પકડાયા ત્યારે પોલીસ થાણાની દીવાલ ટેકવીને તો અમારે જ સડવાનું ને..? જેમ દરેકની વાઈફોને ખબર કે, આપણા ઘોઘામાં કયા કયા વિટામીનની, આઈ મીન....લખ્ખણોની ઉણપ છે, એમ દરેક વાહનને પણ ખબર હોય કે, આપણો ચાલક કેટલો ચાલુ છે? પોતે જ એક વીમો હોય, એ વાહનનો વિમો રાખે ? જેને ખુદના આધારકાર્ડના ફાંફા હોય, એ આર. સી. બુક રાખે ? જેના વાહનમાં હોર્ન સિવાયનું બધું જ ખખડતું હોય, એ હેલ્મેટ વસાવે ખરો..? ને ચમનીયો એટલે ભારે ગણતરીબાજ. વાઈફના દાંતનો ખર્ચ આવે, તો બીલ સસરાને મોકલે. કે. મારી વાઈફ દાંત પિયરથી લઈને આવેલી, એટલે દાંતનો ખરચ તમારે વેઠવાનો વડીલ..!

જડબેસલાખ ધાક બેસાડી દીધો યાર..! એક સમય હતો કે, ‘ઝોળીમાં છોકરું સુતું નહિ ત્યારે એવું કહેવાતું કે, ‘ સુઈ જા જલ્દી, નહિ તો બાવો આવશે.’ હવે એવું કહેવાની જરૂર જ નહિ પડે. અમુકનું નામ લો એટલે છોકરું ઊંઘી જાય...!

----------------------------------------------------------------------------------------------------------------------