Jindagi... Ramat shuny chokdini - 1 in Gujarati Love Stories by Urvi Hariyani books and stories PDF | જિંદગી ….રમત શૂન્ય ચોકડીની ! - 1

જિંદગી ….રમત શૂન્ય ચોકડીની ! - 1

જિંદગી ….રમત શૂન્ય ચોકડીની !

પ્રકરણ - ૧

માઝા મૂકીને વરસી રહેલાં વરસાદને કારણે મુંબઇમાં જળ-થળ-તળ બધું એક થઈ જળબંબાકાર દેખાઈ રહેલું.આગલી રાતથી વરસી રહેલો વરસાદ આજે બીજા દિવસે પણ અટકવાનું નામ નહોતો લઈ રહ્યો.

એવા સમયે નમતી સાંજે લાવણ્યા હજી ઓફિસમાં હતી. એનાં ચહેરા પર ચિંતાની વાદળીઓ ઊતરી આવેલી.

'આઈ થિંક ધિસ ઇઝ કલાઉડ બર્સ્ટ!' અનમોલ દાદરમાં આવેલી એની આધુનિક ઓફિસની ગ્લાસ વિન્ડોઝમાંથી બહાર તાકતા બોલ્યો.પછી એ લાવણ્યા તરફ ફર્યો.

'હું માનું છું કે લાવણ્યા તારે જલદી ઘરે પહોંચી જવું જોઈએ...' અનમોલ લાવણ્યાનાં ખૂબસૂરત ચહેરાની પાણીદાર આંખોમાં ઝાંકતા બોલ્યો.

અનમોલની નજર સાથે લાવણ્યાની નજર એક થઈ અને એનાં સમગ્ર તનબદનમાં એક ઠંડી લહેર દોડી ગઇ. એ મનોમન ક્ષોભિત થઈ ઉઠી. એય તે પછી ગ્લાસવિન્ડોની આરપાર અવિરત વરસી રહેલાં વરસાદ સામે પ્રશ્નાર્થ નજરે તાકી રહી.

એને છ મહિના પહેલાંની અનમોલ સાથેની પ્રથમ મુલાકાત યાદ આવી ગઇ.

????????

'ખટાક...' અવાજ સાથે અચલ મહેતાની કેબિનનું દ્વાર ઝડપથી ખૂલ્યું હતું.

લાવણ્યા અને અચલ મહેતા એકસરખાં જ ચમક્યા હતા. વગર પરવાનગીએ અચાનક ધસી આવનાર એ આઞંતુક સામે લાવણ્યા સહેજ આશ્ચર્યસહ તાકી રહી ; કેમ કે ત્યારે કેબિનમાં અંદર આવવા માટેની મનાઈની સૂચના સાથે એક મહત્વની ફાઇલ પર ગંભીર ચર્ચા થઈ રહી હતી.

'ઓહ અનમોલ બેટા તું? ' અચલ મહેતાના સ્વરમાંનો ઉમળકો અછતો ન રહ્યો. પ્રતિભાસંપન્ન, ગૌર, ઊંચા અને દેખાવડા યુવકને પ્રથમ વાર જોઇ રહેલ લાવણ્યાને એની ઓળખાણ તરત પડી ગઇ હતી. એ જાણતી હતી કે તે જે કમ્પનીમાં સર્વિસ કરી રહી હતી, એ કમ્પની ' અનમોલ સૉફટ ડ્રિન્કસ પ્રાઇવેટ લિમિટેડ'નું નામાભિધાન અચલ મહેતાએ એમનાં પુત્ર 'અનમોલ'નાં નામથી કરેલું છે.

'ઇટ્સ અ વન્ડરફૂલ સરપ્રાઈઝ...!' કહેતાં અચલ મહેતાએ એમનાં પુત્ર અનમોલનાં અચાનક આગમનને ગળે લગાડતા વધાવી લીધેલ. હળવા સ્મિત સાથે લાવણ્યા પિતા-પુત્રના મિલનને નીરખી રહી.

' મીટ લાવણ્યા ઝવેરી....માય સેક્રેટરી.' અચલ મહેતાએ એમનાં પુત્ર અનમોલની લાવણ્યા સાથે ઓળખાણ કરાવતાં કહ્યું.

ફક્ત સરસરી નજર નાખવાનાં ઈરાદાથી લાવણ્યા તરફ ઉંચકાયેલી અનમોલની નજર કેમેય કરી તરત પાછી વળી શકી નહોતી.એની નજર ક્ષણો સુધી અપલકપણે લાવણ્યાનાં મોહક ચહેરા પર થંભી ગયેલી.

કંડારેલ શિલ્પ આકૃતિ જેવી લાવણ્યાની કમનીય દેહાકૃતિનાં વળાંકો પર પણ અનમોલની નજર કલાકારની પીંછીની માફક ફરી વળેલી. સંમોહિત થયેલો અનમોલ આ રીતે લાવણ્યાના સમગ્ર અસ્તિત્વને તેની આંખોમાં ભરી રહેલો, એ જ સમયે અચલ મહેતાનું ખડખડાટ હાસ્ય કેબિનમાં પડઘાઈ ઉઠેલું. અનમોલ ઓઝપાઈ ગયેલો.

'ઇટ્સ ઓકે માય સન ! લાવણ્યાને જે કોઈ પ્રથમ વાર જુએ છે, એની સાથે આમ જ થાય છે. તેથી જ સ્તો, એ માત્ર મારી સેક્રેટરી નથી. આપણાં પ્રોડક્ટની 'મોડલ' પણ છે.'

' ગ્રેટ ! ઇટ્સ રીયલી એપ્રિસીએબલ લાવણ્યા. ગ્લેડ ટુ મીટ યુ ' અનમોલે લાવણ્યા સમક્ષ હસ્તધનુન માટે હાથ લંબાવી દીધો હતો.

સ:સંકોચ લાવણ્યાએ એનો ગુલાબી હાથ અનમોલ તરફ લંબાવેલો. આજનાં દિવસે જેમ અનમોલનાં નજરસ્પર્શથી એનાં તન-મનમાં જેવો ખળભળાટ મચી ગયેલો, તે જ રીતે એ દિવસે અનમોલનાં પ્રથમ સ્પર્શથી એનાં શરીરમાં રોમાંચની લહેર દોડી ગયેલી.

તે દિવસે જે વિચાર એનાં મનમાં કડાકાભેર વીજળીનાં ઝબકારા જેવો ચમકી ગયેલો કે આવું અદમ્ય ખેંચાણ તો આ પહેલાં એ બે યુવાનોનાં સંપર્કમાં આવી ચૂકી હોવાં છતાં પણ નથી અનુભવ્યું તો આજે શું થઈ રહ્યું છે એની સાથે ??

છ મહિના પછી ફરી એક વાર એ જ વિચાર આજે પણ એને પરેશાન કરી રહ્યો હતો કે ન જાણે એનાં હ્રદયને શું થઈ ગયું છે કે એ ખુદની પાત્રતા, યોગ્યતાનો વિચાર કર્યા વગર અનમોલ તરફ ફરી એક વાર...ના બીજી વાર... ભૂલાયું.. ત્રીજી વાર, પછડાટ ખાવા દોટ મૂકી રહયું છે.

ક્રમશ:

લાવણ્યાનો આ ત્રીજો અનુભવ એને તારશે કે ડૂબાડશે ? એનાં જીવનમાં પહેલાં આવનાર એ પાત્રો કોણ હતા? કેવા હતા અને અત્યારે ક્યાં છે? એનાં માટે બીજા પ્રકરણની રાહ જોશો.

***

Rate & Review

Priya

Priya 2 years ago

મનસુખ ગોકાણી
Rachna Modi

Rachna Modi 3 years ago

Viral

Viral 3 years ago

Nita Mehta

Nita Mehta 3 years ago