Jindagi... Ramat shuny chokdini - 9 - Last Part books and stories free download online pdf in Gujarati

જિંદગી ….રમત શૂન્ય ચોકડીની ! - 9 - છેલ્લો ભાગ

જિંદગી ….રમત શૂન્ય ચોકડીની !

પ્રકરણ - ૯

વારંવાર લાવણ્યા અને અનમોલની નજર એક થઈ જતી હતી. ઓફીસમાં યંત્રવત કામ કરી રહેલ લાવણ્યાનાં હૈયે જરાય ધરપત ન હતી.

એનાથી આજે વારંવાર અનમોલ તરફ એટલે જોવાઇ જતું હતું કે કદાચિત તે આજના દિવસ પૂરતી જ અનમોલને નજરભરી નિહાળવા સ્વતંત્ર હતી.કેમ કે આજે સાંજે હોટેલ સેન્ટોરમાં એણે શલ્ય સાથે ડિનર લેવાનું હતું અને તેનો અંતિમ જવાબ આપવાનો હતો, એ પણ હકારમાં જ સ્તો.

ઘરના લોકો સાથે વિચારવિમર્શ કર્યા બાદ સંજોગો -વિધીને આધીન થઈ લાવણ્યાને ફરી એક વાર એની જિંદગી શલ્યને હવાલે કરવાનો નિર્ણય લેવો પડેલ.

સાયંકાળનો સમય જેમ જેમ નજીક આવવા લાગ્યો તેમ તેમ લાવણ્યાનાં ચહેરા પર ફિકકાશ પથરાવા લાગી.આ ઘડીએ એને સુધનની યાદ તીવ્રતાથી આવી ગયેલી. એનું અંતર લવી ઉઠેલું, '....કાશ સુધન તેં મારો સાથ નિભાવ્યો હોત ! તો ફરી

શલ્યનો મારી જિંદગીમાં આવવાનો યોગ ન થાત.'

અજાણતાં આજે તે બે વાર અનમોલ સાથે અથડાતા રહી ગઈ હતી.એમાંય એક વાર તો અનમોલે એને ટેકો આપી સંભાળી લીધી હતી. એ સમયે અનમોલનાં સ્પર્શથી એણે વર્ણવી ન શકાય એવી આશાયેશ અનુભવેલી. મનોમન એનાંથી શલ્યનાં અને અનમોલનાં સ્પર્શની સરખામણી થઈ ગઈ હતી. શલ્યનો સ્પર્શ દઝાડતો હતો તો અનમોલનો સ્પર્શ હુંફાળો અને આત્મીય હતો.

'વેલ લાવણ્યા, સાંજે તું ફ્રી છે ?' અચાનક અનમોલે ઓફિસ છૂટવાના અડધા કલાક પહેલાં પ્રશ્ન કર્યો.

' આજે ? ' લાવણ્યાનાં હોઠ આછું ફફડ્યા.

'હા, ફકત અડધા કલાક માટે...પ્લીઝ..' અનમોલનાં અવાજની આત્મીયતા લાવણ્યાને સ્પર્શી ગઈ. એણે એની પાંપણના પલકારે સંમતિ આપી ત્યારે ઘડીભર અનમોલ લાવણ્યાની કાળી, લાંબી, ઘેરી આંખોમાં ખોવાઈ ગયેલો.

લાવણ્યા વિચારી રહેલી કે અનમોલને શું કહેવું હશે ? એ વરસાદી રાત્રે શલ્ય અને સુધન સાથેનાં મારાં થયેલાં લગ્નની વાતથી એ એવો ઠંડો થઈ ગયેલો કે એ વાતને વીસ દિવસ વીતવા આવ્યાં છતાં એણે એ વાત ફરી ઉખેળી નથી. શલ્યવાળી વાત મેં કહી હતી પણ સુધનવાળી વાત તો એ સદંતર જાણતો નથી.

ઓફિસથી નજીક આવેલા મહાલક્ષ્મીના મંદિરે અનમોલ અને લાવણ્યા આવ્યાં. મંદિરમાં દર્શન કરી બંને બહાર નીકળ્યા. ત્યાંથી થોડે દૂર ચાલ્યા બાદ અનમોલ ત્યાંના પથરીલા ઢોળાવ પર બેઠો ત્યારે લાવણ્યા પણ એનાંથી સ્હેજ અંતર રાખી જોડે કહી શકાય એ રીતે બેઠી.

ધબ..ધબ...ધબાક..ધબ..

લાવણ્યા પોતાનાં દિલનાં ધબકારને સ્પષ્ટપણે અનુભવી રહી. અનમોલ એકટક લાવણ્યાને જોઈ રહેલો. એ દિવસે એણે લાવણ્યાને 'આઈ લવ યુ 'કહ્યાં પછી, લાવણ્યાની અડધી જીવન કહાણી સાંભળ્યા બાદની - એક - એક પળ બેચેનીમાં પસાર કરી હતી.આજે હવે એ બેચેનીનો અંત લાવવા એ આતુર હતો.

'અનમોલ, જરાય ખચકાયા વગર કહી દે કે મારાથી ભુલથી 'આઈ લવ યુ ' કહેવાઈ ગયું. હું ખરેખર તારાં માટે લાયક નથી. મને એનું જરા પણ માઠું નહીં લાગે....' લાવણ્યા આવુ કંઈક કહી અનમોલનો ક્ષોભ ઓછો કરવા માટે વિચારી રહેલી.

એ પહેલાં....

'લાવણ્યા, એ દિવસે મેં તને કહયું કે હું તને ચાહું છું.એ પછી તેં તારો ભુતકાળ જણાવ્યો. એ જાણ્યા બાદ તારા તરફની મારી લાગણીઓમાં તને લાગ્યું હશે કે ઓછપ આવી હશે, પણ એવું બિલકુલ નથી થયું. બલ્કે તારી નિખાલસતા અને વિપરીત સંજોગો સામે ઝઝૂમવાની તારી હીંમત જોઈ તને વધુ પસંદ કરવા લાગેલો......'

લાવણ્યા માટે આ એક સુખદ આંચકો હતો. એનાં મુરઝાઈ ગયેલા ચહેરા પર સુરખી છવાઈ રહી.અનમોલને એ કાનોથી સાંભળી રહેલી તો આંખોથી અપલક નેત્રે જોઈ રહી.

'.....તું જાણે છે કે એ સમયે મોમ -ડેડ ત્રણ મહિનાના વિદેશ પ્રવાસે ગયેલાં હતા. હું તને વિધિસર પ્રપોઝ કરી શકું એટલા માટે એમની પરત ફરવાની રાહ જોઈ રહેલો. પરમ દિવસે એ લોકો આવ્યાં, ગઈકાલે મેં એમને વાત કરી. તું ડેડની સેક્રેટરી રહી ચૂકી છે. તારો ભુતકાળ એમને જણાવ્યા બાદ એમણે માત્ર એટલું કહ્યું કે લાવણ્યા મારી દીકરી બરાબર છે. એક બાપની દ્રષ્ટિએ એની દીકરી જેટલી પવિત્ર હોય છે એટલી જ પવિત્ર મારાં માટે લાવણ્યા છે. તું બને એટલી જલ્દીથી એને ઈન્ફોર્મ કર કે આપણે એને આપણાં ઘરની પુત્રવધૂ તરીકે સ્વીકારવા પૂરી તત્પરતા સાથે તૈયાર છીએ.....'

લાવણ્યાનું સમગ્ર અસ્તિત્વ આનંદના મીઠા અતિરેકથી ધ્રુજી રહેલું. અશ્રુઓ પાંપણોની પાળ તોડી બહાર ધસી આવેલાં.

'...સૉ લાવણ્યા હું તને પૂછું છું કે વુડ યુ લાઈક ટુ બી માય બેટર હાફ ?' લાવણ્યાની અશ્રુ છલકતી આંખોમાં આંખો પરોવી, તેની તરફ પોતાનાં જમણા હાથની હથેળી લંબાવતા અનમોલ પૂછી રહયો.

પળ માત્રનાં વિલંબ વગર લાવણ્યાએ અનમોલના લંબાયેલા હાથમાં પોતાનો હાથ મૂકી દીધો. એ સાથે જ અનમોલે એને નજીક ખેંચી લીધી હતી.સામે દરિયાની ક્ષિતિજે સૂરજ આથમી રહ્યો હતો પણ લાવણ્યાનાં જીવનમાં તો આ જ પળથી સુખરૂપી સૂરજનો ઉદય થઈ રહ્યો હતો.

??????

શલ્ય સ્તબ્ધ હતો. ફકત શ્યામલી નહીં, લાવણ્યા પણ એનાં હાથમાંથી સરકી ગઈ હતી.

જ્યારે લાવણ્યાને બદલે હોટેલ સેન્ટોરમાં એણે લાવણ્યા અને અનમોલને સાથે પ્રવેશતાં જોયા ત્યાં જ એના પગ તળેથી ધરતી સરી રહી હોય એમ એને લાગ્યુ હતું.

એ પછી અનમોલ અને લાવણ્યાનાં પરિચય અને પ્રણયની સિલસિલાબદ્ધ હકીકત એમનાં મોઢે સાંભળી, વળતા પ્રત્યુત્તરમાં એ કંઈ જ નહોતો બોલી શકયો. અરે ! તે બન્નેયમાંથી એકને પણ તેમનાં એક થવાનાં નિર્ણય બદલ અભિનંદન પણ નહોતો આપી શક્યો.

એ ત્યાં થોભ્યા વગર સડસડાટ નીકળી ગયેલો, કેમ કે એના માટે આ તેની જિંદગીની સૌથી મોટી અને કારમી હાર હતી.

??????

મધુરજનીની એ રસભરી પ્રથમ રાત હતી.

'આપણા સહજીવનની શરૂઆત કરતાં પહેલાં મારે તને કંઇક કહેવું છે...જણાવવું છે અનમોલ...' લાવણ્યાએ અનમોલને કહેલું.

'શું એ કહેવું ખૂબ જરૂરી છે ? ' અનમોલે પત્નીનાં ચહેરા પર ઝૂલી રહેલ લટને કાનની પાછળ સરકાવતા પૂછેલું.

'હા, અનમોલ. જો એ તને નહીં કહું તો ન માત્ર મારો અંતરાત્મા ડંખશે પણ સુધનને પણ અન્યાય થશે.....'લાવણ્યાનો સ્વર ભાવુક બની ગયેલો.

'એમ હોય તો, જે કહેવું હોય એ કહી દે લાવણ્યા...તારાં મનમાં કાંઈ ન રાખીશ....'

લાવણ્યા સ્વસ્થ થઈ કહી રહી, ' એક તરફ હું ડિવોર્સી અને બીજી તરફ સુધને તાજેતરમાં જ એની મમ્મીને કેન્સરની બીમારીમાં ખોઈ હતી એટલે અમારાં લગ્ન ખૂબ સાદાઈથી આટોપી લેવાયેલ.એ ખુબ પ્રેમાળ અને કૅરિંગ નેચરવાળો હતો. મને સન્માન આપતો અને ખુબ ચાહતો હતો......'

અનમોલ સ્તબ્ધ હતો. એની નવોઢા પત્ની લગ્નજીવનની પ્રથમ રાત્રીએ પૂર્વ પતિની યાદો તાજી કરી રહી હતી.

'ખરેખર લાવણ્યા ? એ તને ચાહતો હતો ? તો એણે આપઘાત કેમ કર્યો ? ' સુધનની વાત અનમોલ માટે કોયડો બની રહી.

'સુધન કદાચ એની જાત કરતાં પણ મને વધુ ચાહતો હતો, એથી જ અમારાં લગ્નનાં બીજા મહીને એણે મારાં પર એક નાનકડી ચિઠ્ઠી લખી આત્મહત્યા કરી...'લાવણ્યાની આંખો ભીની હતી.

'સુધનની શારીરિક ખામીનો ખ્યાલ મને અમારાં લગ્નની પ્રથમ રાત્રિથી જ આવી ગયેલો.જો કે એ ખુદ એનાથી એટલો માહિતગાર ન હતો.પરંતુ સંપૂર્ણ તપાસ પછી ડોક્ટરે મહિના બાદ એને જણાવ્યું કે તે પતિ-પત્નીનાં સંબંધ માટે મિસફિટ છે, ત્યારે તે ભાંગી પડ્યો હતો.તૂટી તો હું પણ ગયેલી, પણ મેં એને ખૂબ સમજાવ્યો અને આ બાબત સદંતર ભૂલી જવાનું કહેલું. છતાંય આ આઘાત સહી ન શકાતા એણે પોતાની શારીરિક ખામીનો એકરાર કરતી ચિઠ્ઠી લખી જિંદગી ટૂંકાવી દીધી.એ ચિઠ્ઠી મેં કોઈનાય હાથમાં આવવા દીધી ન હતી. હું ઇચ્છતી નહોતી કે સુધનની ખામી એના મોત પછી જાહેર થાય અને ચર્ચાનો વિષય બને. સુધને જાણીજોઈને એમ નહોતું કર્યુ. એ ખૂબ સરળ હતો. એ ક્યારેય મને છેતરવા માંગતો નહોતો. અજાણતાં થયેલી એની ભૂલ માટે એ જરાય દોષિત ન હતો.અનમોલ, આજે આપણે સાથે છીએ તો એનાં બલિદાન થકી, એટલે હું આપણાં નવા જીવનની શરૂઆત કરતાં પહેલાં એને છેલ્લી વાર યાદ કરી શ્રધ્ધાંજલિ આપવા ઇચ્છતી હતી.'

અનમોલ અવાક્ હતો. એણે ક્યારેય સુધન વિશે લાવણ્યાને પૂછ્યું ન હતું પણ સત્યથી અજાણ રહેલી અનસૂયાએ સુધનના મોતનું કારણ એની મમ્મીનો વિયોગ દર્શાવેલ.

આવેશમાં આવી જઈ અનમોલે પત્નીને પોતાનાં અંકમાં ભીડી દીધી હતી. એ ભાગ્યશાળી હતો કે સંબંધની ઊંડાઈ અને ગરિમાને ખૂબસૂરત રીતે જાળવી શકે એવી પત્ની પામી શકેલો.

ત્રણ દિવસ પછી....

મોરિશિયસની વૈભવી હોટલના એ હનીમૂન સ્વીટની શાંતિને ભન્ગ કરતો મોબાઇલ રણકી ઉઠેલો.

નવવિવાહિત પત્નીની બાંહો અને ઝુલ્ફોમાં કેદ યુવાનના મોબાઇલ સ્ક્રીન પર 'શ્યામલી'નું નામ ઝળહળી રહેલું.

' હલો..' અનમોલે કૉલ કર્યો.

'અનમોલ..હાય ! તારા માટે પ્લેઝન્ટ સરપ્રાઈઝ છે. હું આવતી કાલની ફ્લાઈટમાં હંમેશ માટે તારી પાસે મુંબઇ આવી રહી છું. તું મને રિસિવ કરવા આવશે ને ?' શ્યામલીનો ઉન્મત્ત સ્વર સાંભળી અનમોલ ક્ષણભર ચૂપ રહ્યો.

'સૉરી શ્યામલી, હું તને રિસિવ કરવા નહીં આવી શકું. સરપ્રાઇઝ મારા તરફથી પણ છે, જો કે એ તારાં માટે પ્લેઝન્ટ નથી. હું અત્યારે મારી બેટર હાફ સાથે હનીમૂન પર છું. આયમ એક્સ્ટ્રીમ્લી સૉરી ! હું તને ઉતાવળમાં જણાવી ન શક્યો....'

તે વધુ કંઇ કહે એ પહેલાં શ્યામલીનો કૉલ ડિસ્કનેક્ટ થઈ ગયો. હંમેશ માટે જ સ્તો !

એકદમ ડિસ્કનેક્ટ થઈ ગયેલ કોલથી સ્હેજ બઘવાઈ ગયેલ અનમોલને નીરખી રહેલ લાવણ્યા મંદ મંદ હસી રહેલી.

અનમોલ લાવણ્યાને એનાં અંકમાં ભીંસી ધોધમાર પ્રેમ વરસાવી રહ્યો. એનાં પ્રેમમાં ભીંજાઈ રહેલી લાવણ્યા મનોમન લવી રહેલી, 'અનમોલ, મારી જિંદગીની શુન્ય-ચોકડીની રમતનું તું અંતિમ શુન્ય ! અર્થાત ઝીરો ? ઓહ નો, હવે જિંદગીમાં કોઈ શુન્ય કે ઝીરો નહીં.માત્ર હિરો...અર્થાત ડાયમન્ડ...!જે ફોરએવર રહેવા સર્જાયેલ છે. લવ યુ અનમોલ...' છેલ્લાં જે શબ્દો ધીરેથી અસ્પષ્ટ બોલાયેલા પણ અનમોલને બરાબર સમજાયા હતા.

ધીરે ધીરે નિદ્રાધીન થઈ રહેલ પત્નીને હળવેથી ચુમી લેતાં એણે કહ્યું, ' લવ યુ ટુ...' અને લાવણ્યા ઊંઘમાં પણ આછું મરકી ગઈ હતી.

હોઠો પર મીઠા મલકાટ અને ચહેરા પર પરિતૃપ્તિના ભાવ સાથે સૂતેલી પત્નીને જોતો જોતો અનમોલ પણ ધીરે ધીરે નિદ્રાધીન થઈ ગયો.

સંપૂર્ણ.