Jindagi... Ramat shuny chokdini - 2 in Gujarati Love Stories by Urvi Hariyani books and stories PDF | જિંદગી ….રમત શૂન્ય ચોકડીની ! - 2

જિંદગી ….રમત શૂન્ય ચોકડીની ! - 2

જિંદગી ….રમત શૂન્ય ચોકડીની !

પ્રકરણ - ૨

છેલ્લાં છ મહિનાથી અનમોલનાં સંપર્કમાં આવેલી લાવણ્યા દિન - પ્રતિદિન પોતાની જાતને અનમોલ પ્રત્યે ખેંચાઈ રહેલી મહેસૂસ કરી રહેલી.

પોતાની ભૂતકાળની જિંદગીની અસલિયતથી વાકેફ એવી લાવણ્યા સભાનપણે પોતાનાં મનને અનમોલનાં વિચારો કરતું રોકવાના પ્રયાસ કરતી, તો એનાથી બમણી ઝડપે અનમોલ એનાં દિલદિમાગ પર છવાઈ જતો.

અનમોલ હોનહાર, મેધાવી, ગર્ભશ્રીમંત હોવાની સાથે એની સોસાયટીનો 'મોસ્ટ એલિજીબેલ બેચલર' હતો.

ટેક્સાસ ખાતેથી ચાર વર્ષના મેનેજમેન્ટનો ઉચ્ચ અભ્યાસ પૂરો કરી એ એનાં ડેડી અચલ મહેતાને એમની ધંધાકીય જવાબદારીમાંથી મુકત કરી નિવૃતિનો આનંદ આપવાની નેમ સાથે મુંબઇ પાછો ફર્યો હતો.

બહાર સતત અનરાધાર વરસી રહેલાં વરસાદની ઠંડક વાતાવરણમાં પ્રસરી ગઇ હતી. બીજી તરફ અનમોલ મહેતાની એસી કેબિનની ઠંડક વધુ કાતિલ બની ગયેલી.

થંભવાનું નામ ન લઈ રહેલાં વરસાદને કારણે બીજા બધા મુંબઇકરની જેમ સમયસર ઓફિસમાંથી બહાર ન નીકળી શકેલા અનમોલ - લાવણ્યાને ઓફીસમાં રાત રોકાઈ જવાની ફરજ પડી હતી.

અચલ મહેતા એમની પત્ની સાથે વિદેશ ટુર પર હતા. સારી રીતે ટ્રેઇન થઈ ચૂકેલી લાવણ્યાની મદદથી અનમોલે સરસ રીતે કમ્પનીનો કાર્યભાર સંભાળી લીધેલો...પણ દિલ?? એ દિલ નહોતો સંભાળી શક્યો.

ટેક્સાસમાં અનમોલ ઘણી ખૂબસૂરત યુવતીઓના સંપર્કમાં આવ્યો હતો. ઉંમરના આ પડાવ પર એ કેટલીક તરફ આકર્ષાયેલો અને થોડી યુવતીઓ સાથે મિત્રતા પણ કેળવી હતી. જો કે આજ સુધી કોઈ યુવતી એને ક્યારેય સંપૂર્ણ લાગી ન હતી.

પણ લાવણ્યા ? પહેલી વારના જ મિલને લાવણ્યા તરફ આકૃષ્ટ થઈ ગયેલ અનમોલને લાગતું કે લાવણ્યા સાથે તેની પ્રત્યેક પસાર થતી પળ સુખદ છે. એ પળોને ફરી -ફરીને મમળાવી એને ગમતી.

એ જોઇ શક્યો હતો કે લાવણ્યા માત્ર અદ્ભૂત સૌંદર્યવતી જ નહોતી, પ્રખર બુદ્ધિમંત હતી.એને એનાં કાર્ય માટે પુષ્કળ લગાવ હતો. એટ્લે જ એ કદાચ નિપુણ અને દક્ષ હતી.ઘણી વાર એટ્લે જ એ જાણતા-અજાણતાં લવી ઉઠતો, 'ધ પરફેક્ટ વુમન'!

'મે આઇ કમ ઈન સર...? ' લાવણ્યાએ કેબિનમાં પ્રવેશવા અનમોલની પરવાનગી માંગી હતી. લાવણ્યાનાં વિચારોમાં ખોવાયેલ અનમોલ સચેત થઈ ગયો. હાથમાં ફાઇલ લઇને આવેલી લાવણ્યા તરફ એણે જોયું.

'પ્લીઝ કમ !' કહ્યાં, પછી એ હસી પડ્યો.

'એક વાત કહું લાવણ્યા ? આમ જુવો તો ઓફીસ અવર્સ પૂરા થઈ ગયા છે. બધા લંચ બ્રેક પછી, એક પછી એક જતા રહ્યાં છે. તું કાલની મિટિંગની તૈયારીને લીધે ન ગઇ. પણ એ પછીનાં કલાકોમાં તું શાંતિથી બેસી શકતી હતી ને! આ કઈ નવી ફાઇલ પર તું કામ કરી લાવી?'

અનમોલનાં ટેબલ સુધી ફાઇલ લઇને આવી પહોંચેલી લાવણ્યાએ અનમોલની સહી લેવા ફાઇલ ખોલી, એની સામે ધરી દીધી. અનમોલે ફટાફટ સહી કરતાં પુછ્યું, ' આ કઈ ફાઇલ?'

'સર, જો હું કાલે ન આવી શકી તો?તમારે બે દિવસ પછી પૂના જે મિટિંગમાં જવાનું છે એની ફાઇલ તૈયાર કરી છે....' લાવણ્યાએ સસ્મિત કહ્યું.

' ઓહ! રીયલી વેરી થેન્કફુલ ટુ યુ ' અનમોલથી તરત સહજપણે બોલાઈ ગયું હતુ. એ મિટિંગ ખરેખર મહત્વની હતી.

અચાનક એ ક્ષણે વીજળી ગુલ થતાં અંધારપટ છવાઈ ગયો.

ધબ...ધબ...ધબાક...ધબ...

લાવણ્યાનું નાનકડું હ્રદય જોરથી ધડકી ઊઠ્યું. કેબિનમાં સંપૂર્ણપણે શાંતિ છવાઈ ગઇ. કશાયનો અવાજ ન હતો. ન પ્રિન્ટરની ખટાખટ, ન કી-બોર્ડ પર ચાલતી આંગળીઓનો હળવો રવ કે ન એસીનો ધીમો ઘરઘરાટ. નિતાંત મૌન અને શાંતિ!

આકાશી નૈઋત્ય ખૂણે જોરદાર વીજળીનો કડાકો થયો. આભ ધ્રુજાવતો એ ચમકારો અને અવાજ એવો જોરદાર હતો કે ડરી ગયેલી લાવણ્યાનાં હોઠેથી એક ધીમી ચીસ સરી પડી.

પ્રત્યાઘાતરૂપે અનમોલ તરત એની ચેર પરથી ઉભો થઈ લાવણ્યાની એકદમ સમીપ આવી ગયો. અનાયાસે લાવણ્યાને આશ્વસત કરવા અનમોલે એને એની મજબૂત ભુજાઓમાં આવરી લીધી હતી.

કંઇક ડરને લીધે, કંઇક વાતાવરણની અસરે, તો કંઇક કેટલાય સમયથી અનમોલ તરફ સતત ખેંચાણ અનુભવી રહેલ લાવણ્યાની નાજુક બાંહો પણ અનમોલને વીંટળાઇ વળી. બન્નેયનાં દેહમાં આટલી ઠંડકમાંય ગરમી દોડવા લાગી. એકમેકને એકબીજાના ગરમ શ્વાસ સ્પર્શી રહ્યાં.લાવણ્યાનાં દેહમાંથી ઉઠતી સુગંધી ફોરમથી અને એનાં નરમ દેહના સ્પર્શે અનમોલ ભાન ભૂલ્યો. અનમોલનાં નરમ-ગરમ હોઠનો સ્પર્શ લાવણ્યાને ઠેકઠેકાણે થઈ રહ્યો.લાવણ્યા બહારથી -ભીતરથી ચોગરદમ જાણે પીગળી રહી.

સહસા જિંદગીમાં પ્રથમ વાર સાંપડેલી આ સ્વર્ગીય ક્ષણે, તેને શલ્ય યાદ આવ્યો, સુધન યાદ આવ્યો....અને તેની જાણ બહાર એની આંખોમાંથી અશ્રુધાર વહી નીકળી.

એ વહી રહેલા અશ્રુઓના સ્પર્શે અનમોલને ઝબકાવ્યો. તરત લાવણ્યાને તેના દઢ આલિંગનમાંથી મુકત કરતાં તે બોલી ઊઠ્યો, ' આઈ ઍમ સૉરી, લાવણ્યા !'

અનમોલનાં અવાજમાં સ્પષ્ટપણે અફસોસ ઝળકી રહેલો. લાવણ્યા કંઇ બોલ્યાં વગર એવી ને એવી કાષ્ઠમૂર્તિની પ્રતિમા સમી ખોડાઇ રહી.

અનમોલ ઘણા સમયથી બેચેન હતો. સમય વહેવાની સાથે એને લાવણ્યા વધુ ને વધુ ગમતી ચાલી હતી. આજે એ એની લાગણીઓને વાચા આપવા તત્પર બની ગયેલો. કેમ કે થોડી પળો પહેલાં લાવણ્યાનાં દેહે જે અનુકુળ પ્રતિભાવ આપેલો, તેમ જ એનો ભાવવાહી ચહેરો એને અનમોલ પસંદ છે તે દર્શાવી રહેલો - એ અનમોલ સ્પષ્ટપણે કળી શક્યો હતો.

આ અચાનક સાંપડેલી એકલતાની ક્ષણો તેનાં પ્રેમનો એકરાર કરવા માટેની કદાચ શ્રેષ્ઠ ક્ષણો હતી. તે આ ક્ષણ ચૂકવા નહોતો માંગતો.

'લાવણ્યા, આઈ લવ યુ વેરી મચ ! એન્ડ બી ફ્રેન્ક, ટેલ મી આર યુ એન્ગેજડ ઍનીવ્હેર?'

અનમોલે એનાં પ્રેમનો એકરાર તો કર્યો પણ સાથે-સાથે એને વીંધી નાખતો ઝંઝાવાતી પૂરક પ્રશ્ન પણ કર્યો, કે જેથી એને ખ્યાલ આવી શકે કે લાવણ્યા કયાંક કોઈ સાથે જોડાયેલી તો નથી ને !

લાવણ્યા ક્ષણભર માટે આંખો બંધ કરી ગઇ.

કાશ! અનમોલ એનાં જીવનનો પ્રથમ પુરૂષ હોત !

એ કંઇ બોલી ન શકી. એની આંખોમાંથી સરસરાટ વહેતા અશ્રુઓની ભાષા સમજવાની કોશિશ કરતા અનમોલે એની તરફ પાણીનો ગ્લાસ ધર્યો.લાવણ્યા પાણી પી રહી.

દરમ્યાન, અનમોલે કેબિનની ઇમરજન્સી લાઈટ ઑન કરી. એ લાવણ્યાનાં અશ્રુઓની પાછળની દાસ્તાન જાણવા આતુર હતો. લાવણ્યા પણ એનાં હૈયાને ભીંસી રહેલ પોતાની જીવન કથની અનમોલને અક્ષરસ: જણાવવા માંગતી હતી.

એ જ ક્ષણે લાવણ્યાનો મોબાઇલ રણક્યો. મોબાઇલ સ્ક્રીન નામ વગરનાં નંબરથી ઝળહળી ઉઠયો.

લાવણ્યાનાં ચહેરાનો રંગ સફેદ પડી ગયો. હાથ-પગ ઠંડા પડી ગયા.

ત્રણ વરસ બાદ, હા - પૂરા ત્રણ વરસ બાદ પણ એ ફકત દસ આંક્નો નંબર જોઈને એ કૉલ કરનારને ઓળખી ગઇ હતી.

એ હતો શલ્ય ! એનો પતિ!!!!

ક્રમશ :

રાહ જોશો..પ્રકરણ ૩ ની…..