debate competition books and stories free download online pdf in Gujarati

વકતૃત્વ સ્પર્ધા

બાળકો આપણી શાળામાં ભણતા દરેક વિદ્યાર્થી માટે એક અગત્યની જાહેરાત છે, આચાર્ય અનીલાબેને પ્રાર્થના સભામાં જાહેરાત કરી.
આ વર્ષે મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી ના 150 વર્ષની ઉજવણી અને કલાઉત્સવ નો સુવર્ણ સંગમ થયો છે. આના માટે વિવિધ સ્પર્ધાઓ યોજાશે. નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, કાવ્યગાન, વકૃત્વ સ્પર્ધા, વગેરે. અને દરેક સ્પર્ધામાં એક થી ત્રણ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને ઇનામ મળશે. વધુ વિગત દરેક ક્લાસમાં વર્ગ શિક્ષક આપશે.
સાતમા ધોરણ ના વર્ગ શિક્ષક મનીષભાઈ વર્ગમાં આવ્યા. સ્પર્ધા વિશેની માહિતી આપી, અને બાળકોને પૂછ્યું કોને કોને ભાગ લેવો છે? નામ નોંધાવો ચાલો, વકૃત્વ સ્પર્ધા માં કોને જવું છે? કોઈએ નામ નોંધાવ્યું નહીં. નિબંધ સ્પર્ધામાં બે ત્રણ વિદ્યાર્થીઓએ નામ લખાવ્યા ચિત્ર સ્પર્ધામાં પાંચ વિદ્યાર્થીઓ એ નામ લખાવ્યા, એટલે મનીષભાઈએ ફરીથી પૂછ્યું વકૃત્વ સ્પર્ધામાં કોઈને નથી જવું? એમણે જોયું કે છેલ્લી પાટલી પર બેસેલી સંગીતા હાથ ઉંચો કરવા જતી પણ મનમાં મૂંઝાતી હતી. મનીષભાઈ સંગીતા પાસે ગયા અને પૂછ્યું બેટા તારે ભાગ લેવો છે? સંગીતા એ હા કહ્યું, અને વર્ગમાં બધા હસવા લાગ્યા, એક ડાયો છોકરો તરત બોલ્યો "સર એને તો વાંચતા નથી આવડતું એ ક્યાંથી ભાગ લેશે?" વર્ગના પ્રિય બાળકોમાં સંગીતાનું નામ પહેલું હતું, વાંચનમાં એક, ગણન માં ઝીરો, અને લેખનમાં બે માર્ક ધરાવતી સંગીતાને વકૃત્વ સ્પર્ધામાં ભાગ લેવો હતો.
મનીષભાઈ એ બધા બાળકોને શાંત કર્યા અને કહ્યું કે "એવું ક્યાં લખેલું છે કે વકૃત્વ સ્પર્ધામાં ભાગ લેવા માટે વાંચતા આવડવું જરૂરી છે? આપણા દેશમાં ઘણા અંગૂઠાછાપ નેતાઓ કેટલા સારા સારા ભાષણો કરે છે, સંગીતા જરૂર ભાગ લેશે" એમ કહી મનીષભાઈએ પહેલું નામ સંગીતાનું લખ્યું, ત્યાં જ રવિ બોલ્યો! " પણ સાહેબ આપણી શાળામાંથી તો શિવાની આગળ જશે છાપેલું કાટલું હા હા હા". જ્યારે જ્યારે શાળામાં વકતૃત્વ સ્પર્ધા નો પરિપત્ર આવતો ત્યારે અન્ય બાળકોમાં જાહેરાત કર્યા વિના શિવાની નું નામ લખી નાખવામાં આવતું હતું. એટલે બધા શિવાની ને છાપેલું કાટલું જ કેહતા હતા.
રિશેષ પછી મેડમ એ ભાગલેનાર બધા બાળકોની યાદી મંગાવી અને શિક્ષકોની ટીમ બનાવી સ્પર્ધાની તૈયારી શરૂ કરી દીધી. અહીં શાળા કક્ષાએ જેનો નંબર આવશે તેને શાળા તરફથી ક્લસ્ટર માં મોકલવામાં આવશે એવું જાહેર કરી દીધું હતું. ચિત્રસ્પર્ધા, નિબંધસ્પર્ધા, કાવ્યગાન, આ બધી સ્પર્ધાઓમાં બાળકોની સંખ્યા વધુ હતી પરંતુ વકૃત્વ સ્પર્ધામાં શિવાનીનો જ નંબર આવશે આવું જાણતા હોવાથી સંગીતા સિવાય કોઈએ નામ લખાવ્યું હતું.
સ્પર્ધા શરૂ થવાની હજી બે કલાકની વાર હતી. સંગીતા મનીષભાઈ પાસે ગઈ અને કહ્યું, "સર મને વાંચતા પણ નથી આવડતું એ સાચી વાત છે પણ તમે મને શીખવાડો મારે કઈ રીતે બોલવું". મનીષભાઈ સંગીતાના આત્મવિશ્વાસને મનોમન વંદન કરી રહ્યા હતા. એમણે સંગીતાને ખૂબ હિંમત આપી અને કહ્યું "બેટા તને ગાંધીજી વિશે જે આવડતું હોય! તે જે સાંભળેલું હોય તે ચોક્કસ સમયમર્યાદામાં અટક્યાવિના બોલી જજે, વોર્નિંગ બેલ વાગે એટલે તારું વક્તવ્ય ટૂંકાવી પૂરું કરી દેજે, અને હા! સહેજ પણ ગભરાવાનું નથી,કારણકે તારા જેટલું હિંમતવાન આ શાળામાં બીજું કોઈ બાળક નથી, જો હોત તો તેણે આ સ્પર્ધામાં ભાગ ન લીધો હોત?" આટલું કહી મનીષભાઈએ સંગીતાનો આત્મવિશ્વાસ વધાર્યો.
બધી સ્પર્ધાઓ પૂર્ણ થઇ ગઇ હતી. બાળકો હોલમાં ગોઠવાઈ ગયા હતા. ફક્ત બે જ સ્પર્ધકો હતા એટલે વકૃત્વ સ્પર્ધા છેલ્લે રાખવામાં આવી હતી. અનિલામેડમતો શિવાની નું નામ ફાઇનલ લખી નાખવા માગતા હતા પરંતુ મનીષભાઈ ના આગ્રહને કારણે આ સ્પર્ધાનું આયોજન કરવું પડ્યું હતું.
વકૃત્વ સ્પર્ધા શરૂ થવા જઈ રહી હતી,છેલ્લા ત્રણ વર્ષથી વકૃત્વ માં અનુભવી અને તાલુકા તથા જિલ્લાકક્ષા ની સ્પર્ધામાં બે વાર પ્રથમ નંબર મેળવી ને આવેલી શિવાની જ્યારે વક્તવ્ય આપવા સ્ટેજ પર આવી!ત્યારે જ તાળીઓનો ગડગડાટ થવા લાગ્યો હતો, અને એને પણ આવા અભિવાદન ઝીલવાની ટેવ પડી ગઈ હતી,જ્યારે સંગીતા મનમાં મુંજાઇ રહી હતી.
શિવાનીએ તેની આગવી છટામાં ખુબ સુંદર વક્તવ્ય આપ્યું હતું. હવે બધાને સંગીતા નું વક્તવ્ય સાંભળવા માં કોઈ રસ નહોતો, તેનું નામ બોલાયું તે સ્ટેજ પર આવી,માઇક હાથમાં પકડ્યું ત્યાં તો બધા હસવા લાગ્યા, થોડી વાર આંખો બંધ કરી સંગીતાએ
મનીષભાઈ ને યાદ કરી માઇક પર એવી તો વરસી કે એનું વક્તવ્ય સાંભળી આખો હૉલ સ્તબ્ધ થઈ ગયો. શુ એની વાક્છટા! શું એનો અવાજ! સામે બેઠેલા વિદ્યાર્થીઓ અને શિક્ષકો વાહ વાહ પોકારી ઉઠ્યા.
સ્પર્ધાનું પરિણામ આવ્યું, અનિલ આ મેડમ પોતે નિર્ણાયક માં હતા તેમણે પરિણામ જાહેર કરતા કહ્યું કે "શિવાની એ ખુબ સરસ વક્તવ્ય આપ્યું, પરંતુ આજે એના વક્તવ્યમાં નેગેટિવિટી વધુ હતી. શિવાનીએ એના વક્તવ્યમાં કહ્યું કે ચલણી નોટો પર માત્ર ગાંધીજીનો જ ફોટો કેમ આવે છે? એમણે એવું તો શું કર્યું?આઝાદીમાં તો ભગતસિંહ, ચંદ્રશેખરઆઝાદ,આવા બધા ક્રાંતિકારીઓ નાની ઉંમરે શહીદ થઈ ગયા તો એમનો ફોટો કેમ નહીં? જ્યારે સંગીતા એ એના વક્તવ્ય માં ગાંધીજી ના કાર્યો, ગાંધીજીનું યોગદાન, એમના સિદ્ધાંતો, વગેરે ખુબ જ સરસ રીતે વર્ણવ્યા છે એટલે આપણી શાળામાં આજે એવું બનશે કે શિવાની સિવાય કોઈ અન્ય વિદ્યાર્થી આગળ જશે" અને સૌ કોઇએ તાળીઓના ગડગડાટ સાથે સંગીતા ને વધાવી લીધી હતી.
આજે જેને બિલકુલ વાંચતા નહોતું આવડતું, એ બાળા સમગ્ર રાજ્યમાં વકૃત્વ સ્પર્ધામાં "મને આવેલું ગાંધીજીનું સ્વપ્ન" વિષય પર પ્રથમ ક્રમાંકે આવી હતી. જ્યારે રાજ્યકક્ષાએ રાજ્યના મુખ્યમંત્રીશ્રીના હસ્તે સંગીતાને ઇનામ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યું, ત્યારે એને હાજર રહેલા એક પત્રકારે પૂછયું "બેટા અમનેજાણવા મળ્યું છે કે તને વાંચતા બરાબર નથી આવડતું છતાં તે આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે શું કહીશ?
સંગીતા એ કહ્યું મારા બાપુ મજૂરી કરે છે. ચાર ચોપડી ભણેલા છે.એ ગાંધીજીની ખૂબ વાતો કરતાં, જે મને યાદ હતી, છેલ્લા કેટલાય દિવસથી બાપુ બીમાર છે. ઘરમાં એક વખત જમવાનું બનતું હતું, મા મજૂરી કરી સો રૂપિયા લાવતી તો તે બાપુ ની દવા માં વપરાઇ જતા. જ્યારે મેં સાંભળ્યું કે આ સ્પર્ધામાં જે વિજેતા બનશે તેને 300 રૂપિયા ઇનામ મળશે. તો મેં વિચાર્યું કે જો આ ઇનામ મને મળે તો મારા ઘરે અમને બે ત્રણ દિવસ જમવાનું મળશે, એટલે મેં ભાગ લીધો.આજે મને 11000 રૂપિયા ઇનામ મળ્યું છે તો હું એટલું કહીશ મારા મનીષસર મારા માટે ભગવાન છે.
પત્રકારની આંખોમાં પણ આંસુ આવી ગયા, તેણે એના ફેસબુક પર દીકરી સંગીતા ની સ્ટોરી અને ખાતાનંબર ની વિગત મુકી, જેમ જેમ સ્ટોરી વંચાતી જાય છે,તેમ તેમ આજે પણ સંગીતા ઇનામ મેળવતી જાય છે.
એ દિવસે સંગીતા ના મોઢે બોલાયેલા શબ્દો "બાપુ તમે મોટાલોકો પાસે નાના નાના ફોટા સ્વરૂપે રહો છો, અને અમારા જેવા નાના માણસો ના ઘરે મોટા ફોટા સ્વરૂપે દીવાલે કેમ ટીંગાયેલા રહો છો"
લેખક - મેહુલ જોષી (પ્રા.શિક્ષક)
લીલીયા-અમરેલી-ગુજરાત