Prem ke Pratishodh - 38 books and stories free download online pdf in Gujarati

પ્રેમ કે પ્રતિશોધ - 38

પ્રેમ કે પ્રતિશોધ-38

(આગળના ભાગમાં જોયું કે રાધીને વિનયની સાથે વિતાવેલી કેટલીક ખાટી-મીઠી પળો યાદ આવવા લાગે છે.)

હવે આગળ....

જેમ જેમ કોલેજના દિવસો પસાર થતાં જાય છે. તેમ તેમ વિનય અને રાધી એકબીજાની વધારે નજીક આવતાં જાય છે.
“વિનય તું રાધીને કહી દે ને કે તું એને પસંદ કરે છે."અજયે કોલેજ પાર્કિંગમાં બાઈક પાર્ક કરતાં કરતાં કહ્યું.
“અરે યાર, મારી ઈચ્છા તો છે. પણ..."
“પણ શું વિનય?"
“મને બસ એજ વાતનો ડર છે કે જેમ પ્રેમને આખી કોલેજ વચ્ચે તમાચો માર્યો તેમ મને પણ...."
“એ વાત જ અલગ છે યાર, તમે તો વર્ષોથી એકબીજાને ઓળખો છો.. અને રાધી પણ તને પસંદ કરે જ છે."
“એ વાત જુદી છે કે અમે એકબીજાને ઓળખતા હોઈએ, ક્યારેય મેં રાધી હારે એ રીતે વાત જ નથી કરી, અને તને કોણે કહ્યું કે રાધી પણ મને..."વિનય આટલું બોલી સામેથી દિવ્યાને તેની બાજુ આવતી જોઈ અટકી ગયો.
દિવ્યાએ નજીક આવીને કહ્યું,“મેં સાંભળ્યું વિનય...."
“શું મેં તો કઈ કહ્યું જ નથી તો તું શું સાંભળવાની..."વિનયે પોતાનો બચાવ કરતાં કહ્યું.
“ખરેખર મેં સાંભળ્યું અને હવે તો હું...."દિવ્યા જાણી જોઈને આગળ કશું બોલી નહીં.
“બસ હો તમે તો રહેવા જ દો, બિચારા પ્રેમને આખી કોલેજ સામે.... અને રાધીને હું કહી દઈશ સમય આવશે ત્યારે..."
“હમ્મ!"દિવ્યા કઈ વિચારતી હોઈ તેમ ખાલી હકારમાં માથું ધુણવ્યું.
“શું હમ્મ...?"વિનયે પ્રશ્નાર્થ નજરે તેની સામે જોતાં કહ્યું.
દિવ્યાએ સસ્મિત ઉત્તર આપતાં કહ્યું,“મતલબ મારુ અનુમાન સાચું હતું, રાધી વિશે વાત કરતાં હતા.."
“એટલે? તું કઈ સાંભળી જ નહોતી..."વિનયે આશ્ચર્યપૂર્વક પૂછ્યું.
“ના, પણ હવે તો ખબર પડીને..."
વિનય આગળ બોલવા જતો હતો ત્યાં રાધી ગેટથી અંદર પ્રવેશતી દેખાઈ એટલે આગળ કઈ બોલ્યો નહીં.
“કેમ આજે સવાર સવારમાં અહી પાર્કિંગમાં જ ઉભા રહી ગયા, ક્લાસ બાજું જવાની ઈચ્છા નહીં લાગતી તમારી લોકોની...?"
દિવ્યા કઈક બોલવા જતી હતી ત્યાં વિનયે ઈશારા વડે તેને શાંત રહેવાનો સંકેત કર્યો, પણ રાધીનું ધ્યાન વિનય બાજુ જ હોવાથી એણે જોયું કે દિવ્યા કશુક બોલવા જતી હતી પણ વિનયે તેને ઈશારા વડે ચૂપ રહેવાનો સંકેત કર્યો છે.
દિવ્યાએ કહ્યું કે,“બસ તારી જ રાહ જોતા હતા, બીજું કશું જ નહીં, મેં આ લોકોને કહ્યું કે રાધી બસ આવતી જ હશે 5 મિનિટ અહીં જ પાર્કિંગમાં વેઇટ કરીએ પછી ક્લાસમાં સાથે જઈશું એમ..."
“સાચે એ જ વાત હતી?"
“હા, હવે ચાલો ને યાર આમ પણ લેટ થઈ ગયું છે."દિવ્યાએ કલાસ તરફ ચાલતાં કહ્યું.
“OK"
ત્રણેય દિવ્યા સાથે કોલેજમાં પોતાના ક્લાસરૂમ બાજુ ચાલ્યા. કોલેજમાં બ્રેક પડતાં જ બધા કેન્ટીનમાં જઈને એક ટેબલની ફરતે ગોઠવાઈ જતાં અને આડી-અવળી વાતોમાં બ્રેકનો ટાઈમ કેમ પસાર થઈ જતો કોઈને કઈ ખબર જ ન પડતી. આમ જ બધાની મિત્રતા પણ ગાઢ થતી ગઈ અને પછી તો કોલેજ જવા-આવવામાં પણ આ ટુકડી સાથે જ હોય!
વિનય અને રાધી એકબીજાને પસંદ કરે છે એ તો હવે બધા જાણતાં હતા પણ બંને માંથી કોઈએ આ બાબતે વાત નહોતી કરી એ પણ તેમના મિત્રોને ખબર હતી.
એક દિવસ બધા રોજની માફક જ બ્રેકમાં કેન્ટીનમાં બેઠા હતા.
“યાર વેલેન્ટાઈન ડે નજીક આવી ગયો, પણ મને કોઈ આ બે વર્ષમાં મળ્યું જ નહીં..."સુનીલે એની આદત માફક વાતો વગોળવાની શરૂ કરી.
નિખિલે વ્યંગ કરતાં કહ્યું,“મળી જશે ભાઈ, પેલી કહેવત સાંભળી છે ને કેધીરજના ફળ મીઠા હોઈ.."
અજયે વચ્ચે કહ્યું,“એ હવે હમણાં બે વર્ષ પતી જશે...પછી કેટલીક ધીરજ હોય"
દિવ્યાએ બળતામાં ઘી હોમવાનું શરૂ કરતાં કહ્યું,“વાત તો સાચી છે. અને તમે પણ વિનયની જેમ કેટલીક ધીરજ રાખશો..."
બધા વારાફરતી વિનય અને રાધી સામે જોઈ રહ્યા. રાધી દિવ્યા સામે એ રીતે જોઈ રહી હતી જાણે કે દિવ્યા એ તેને ઉદ્દેશીને જ કહ્યું હોય શિવાનીએ દિવ્યાના કાનની નજીક જઈને અત્યંત ધીમા સ્વરે કહ્યું,“ બરાબર તિર નિશાના પર વાગ્યો છે..."
“તું કહેવા શુ માંગે છે?"થોડીવાર બાદ વિનયે સ્વસ્થ થતાં કહ્યું.
“અરે એમ જ કહે છે કે હવે તો બે વર્ષ વીતી ગયા. આ વખતે તો કંઈક કરો..."બાકીની કસર પુરી કરતાં સુનીલે કહ્યું.
ત્યાં તો બેલ વાગ્યો એટલે બધા ઉભા થઈને ફરી કલાસ તરફ ચાલ્યા પણ વિનય હજી ત્યાં જ બેઠો હતો. અને તેના ચહેરા પર મંદ મંદ સ્મિત રેલાઈ રહ્યું હતું. અને રાધી પણ બધા સાથે ચાલતાં ચાલતાં એકટીશે વિનય સામે જોઈ રહી. અને એમ જ ધીમે ધીમે આંખોથી ઓઝલ થઈ ગયો.
******
અચાનક રાધીની આંખ સામે એનું વર્તમાન તરી રહ્યું હતું. જ્યાં ન તો કોલેજ હતી કે ન વિનય... આ તો એક સ્વપ્ન હતું ખુલી આંખે જોયેલું દિવાસ્વપ્ન અથવા તો ભૂતકાળ....
તેણે મોબાઈલની સ્ક્રીન પર જોયું તો રાત્રીના 12 વાગ્યા જેટલો સમય થયો હતો. વિનયની યાદમાં ને યાદમાં ક્યાં સમય પસાર થયો કઈ ખ્યાલ જ ન રહ્યો. રાત્રીના 12 વાગ્યે વિનયની તપાસ કરવા અર્જુનને અથવા માહીને ફોન કરવો કે નહીં તે ગડમથલમાં પડી. અંતે તેણે થોડું વિચારી મોબાઈલ મુકી, બેડની પાસે પાણીની બોટલમાંથી થોડું પાણી પીધું અને ફરી સુવાનો પ્રયત્ન કર્યો......
પણ આપણા સાહિત્યમાં દુહો છે ને કે,
“નીંદર નનાવે ત્રણ જણા, કહોને સખી કીયા,
પ્રીત વછોયા, બહુ ઋણા અને જેને ખટકે વેરી હૈયા!"
( ત્રણ જણાને ક્યારેય શાંતીથી નીંદર ન આવે, જેના માથે ઘણું બધું લેણું હોય, જેને કોઈ મોટો દુશ્મન હોય અને જેને કોઈ પ્રત્યે આપર પ્રેમ હોય અને તે વ્યક્તિ જુદું પડી ગયું હોય.)
રાધીને લેણું કે દુશ્મન તો નહીં પણ વિનય પ્રત્યે અપાર કે અનહદ પ્રેમ હતો જેના કારણે તે આંખ બંધ કરે તો પણ વિનયનો ચહેરો આંખ સામે તરી આવતો.... ફરી તેનું મન ભૂતકાળમાં ભમવા લાગ્યું અને એ દિવસ જ્યારે વિનયે રાધી સામે પોતાની લાગણી કે પ્રેમનો પ્રસ્તાવ મુક્યો...


(ક્રમશઃ)


ઉપર પ્રયોજવામાં આવેલ દુહો પ્રાચીન ગુજરાતી સાહિત્યનો છે. આ વાર્તામાં પણ એવી દુહાને અનુરૂપ બંધબેસતી સ્થિતિ સર્જાઈ હોવાથી તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલે એ દુહો મારી કોઈ રચનાનો ભાગ નથી જેની વાચક મિત્રોએ નોંધ લેવી.....

આભાર....