Pardarshi - 17 books and stories free download online pdf in Gujarati

પારદર્શી - 17

પારદર્શી-17
સમ્યક અને દિશા રાતનાં 2.30 વાગ્યે પોતાના લીવીંગરૂમમાં બેઠા હતા.સમ્યકને જયાંરે મોહિનીનો ફોન આવ્યોં ત્યાંરે એના મગજમાં ઝબકાર થયો કે જો મોહિની સાથ આપે તો આ સિદ્ધીની શરતનો ભંગ થાય તો પાછો હું મારી દુનિયામાં, મારી દિશા પાસે આવી શકુ.પણ દિશાએ ફરી સમ્યકનાં ખભ્ભા પર માથુ રાખ્યું અને હળવેથી બોલી

“મોહિનીને અત્યાંરે શું કામ હતુ?”

“એ છોકરી અડધી પાગલ છે.એને કંઇક ઓફીસનું કામ યાદ આવી ગયુ તો અત્યાંરે ફોન કર્યોં.” સમ્યક તો આરામથી ખોટું બોલી શકતો હતો.એના ચહેરા કે આંખો તરફ દિશા કયાં જોઇ શકતી હતી? દિશાએ જાણે હવે સમ્યકને કયાંય પણ ન જવા દેવો હોય એમ સમ્યકનો એક હાથ પકડી રાખ્યો હતો.પણ સમ્યકને હવે ઉતાવળ આવી કે જલ્દી એ મોહિની સાથે ફરી વાત કરે,અને મોહિનીની પણ ઇચ્છા પુરી કરે.

“દિશા, હું હવે ફાર્મહાઉસ પર જાઉં છું.”
સમ્યકે પોતાનો હાથ ખેંચીને કહ્યું.
દિશા એકદમ જ સમ્યકની નજીક આવી ગઇ.બંને શરીરો વચ્ચે હળવી ટકકર પણ થઇ ગઇ.ફરી દિશાએ સમ્યકનો હાથ શોધીને પકડી રાખ્યોં અને હજુ ખુંટતું હોય એમ પોતાની ઇચ્છાને શબ્દો આપતા બોલી

“ના...પ્લીઝ...તમે અહિં જ રહો.હવે તમારે કશે જ જવાનું નથી.”

“ના હું ન રહી શકું.અહિં આપણા બાળકોને મારા વિશે જાણ થઇ જશે.”

સમ્યક ઘણું બધુ સમજાવતો ગયો અને દિશા એક શબ્દ બોલતી ગઇ ‘ના પ્લીઝ’....
આખરે સમ્યકે કહ્યું ‘હું ઉપર જ છું, અલગ રૂમમાં ઉંઘવા જાઉં છું’ ત્યાંરે વિવાદનો અંત આવ્યોં.
દિશા પણ હવે એના બાળકો પાસે જઇ ઉંઘી ગઇ.સમ્યકે બધાને ઉંઘતા જોયા ત્યાંરે એ બહાર નીકળી ગયો.બહાર હજુ અંધારી રાત એનું આધિપત્ય જમાવીને બેઠી હતી.સમ્યક પણ પોતાની રાત જેવી જ કાળી ગાડીમાં ગયો.ગાડી ચાલુ કરી એ નીકળી પડયો.આખરે એ છેલ્લું ચાર રસ્તા વાળુ સર્કલ આવ્યું જયાંથી ડાબી તરફનાં રસ્તે એ જાય તો મોહિનીનું ઘર આવે અને જમણી બાજુનાં રસ્તે જાય તો એના ફાર્મહાઉસ તરફ જવાય.એણે ગાડી રસ્તાની એક બાજુએ ઉભી રાખી.વિચારે ચડયો ‘મોહિનીનાં ઘરે અત્યાંરે તો કંઇ જવાતું હશે? એનો પતિ અને પરીવાર પણ ઘરે જ હોય.સવાર સુધી રાહ જોવી પડે.આવતી કાલે મોહિનીને મળીશ.પણ તો ફાર્મહાઉસ પર જઇને શું કરીશ?’ એવા વિચારોનાં ચકડોળમાં ફરીને અચાનક જ એણે આજુબાજુ કંઇ જોયા વિના ગાડી જમણી તરફ વાળી.પણ એ જ સમયે એની પાછળ એક બીજી ગાડી આવતી હતી.સજજડ બ્રેકને લીધે ગાડીનાં ટાયર રસ્તા પર ઘસડાયા છતા બંને ગાડી અથડાઇ ગઇ.સમ્યકની ગાડીને તો પાછળ નુકસાન થયું પણ પેલી ગાડી આગળથી દબાઇ.એમાં ખુબ નુકસાન થયુ.પણ એમાંથી બે યુવાન નીચે ઉતર્યાં અને સમ્યકની ગાડી તરફ ધસી આવ્યાં.સમ્યકે પોતાનો કાચ નીચે ઉતાર્યો.પહેલા તો એ બંને યુવાનો ગાળો બોલવા લાગ્યાં.પણ ગાડીમાં અંદર કોઇ હતુ નહિ એ જોઇ થોડા ગભરાયા એકે બીજાને કહ્યું “ભાગી ગયો લાગે છે.” એના અવાજ સાથે અંદર દારૂની વાસ પણ આવી.સમ્યકે કારમાં ઓડીયો સીસ્ટમ ચાલુ કરી દીધી.એક તો ગભરાઇને દુર ભાગ્યો.બીજો હજુ સમ્યકનાં દરવાજા પાસે ઉભો હતો.હવે સમ્યકે જોરથી દરવાજો ખોલ્યો એટલે એના ધકકાથી પેલો નીચે પડી ગયો.પણ વીજળીક ઝડપે એ ઉભો થઇ પોતાની કારમાં ગોઠવાઇ ગયો.સમ્યકને આ જોઇ હસવું આવ્યુ.એને મજા આવી એટલે વાત આગળ વધારવા એ ઉતરીને એ કાર તરફ ગયો.પેલો યુવાન ડ્રાઇવીંગ સીટ પર બેસી પોતાની ગાડી ચાલુ કરવા ઉતાવળો થયો પણ ટકકરને લીધે એની ગાડી ચાલુ થતી ન હતી.સમ્યકે પોતાનો પંજો કાચ પર અથડાવી અવાજ કર્યોં.પેલો અંદર ધ્રુજવા લાગ્યો.સમ્યકે દરવાજો ખોલ્યો અને પેલાની ડરી ગયેલી આંખો જોઇ પછી અંદર નજર કરી તો એક અધુરી દારૂની બોટલ બાજુની સીટ પર દેખાઇ.સમ્યક હવે બીજા દરવાજા તરફ ગયો.દરવાજો ખોલ્યો તો પેલો દારૂડીયો ગાડીમાંથી ભાગવા ગયો પણ સમ્યકે એક હાથથી એના શર્ટનો કોલર પકડી લીધો.એની ધ્રુજારી સમ્યકે પણ અનુભવી.સમ્યકે બીજા હાથેથી દારૂની બોટલ ઉંચકીને પુછયું

“આ શું છે?”

પેલાનો બધો નશો એક ઝાટકે ઉતરી ગયો.એના હોઠ ફફડતા હતા પણ અવાજ નીકળતો ન હતો.સમ્યકે એને હલાવ્યો અને ફરી પુછયું

“બોલ, કેમ અવાજ નથી આવતો?”

પેલાએ પહેલા તો ફકત ‘દ...દ...દ...’ એવું કહ્યું પછી એક શબ્દ બોલ્યોં “દારૂ”.
સમ્યક ખડખડાટ હસીને બાજુની સીટ પર બેસી ગયો.પેલો કારમાંથી ઉતરવા ગયો તો સમ્યકે એને ધમકાવતા કહ્યું
“ખબરદાર જો નીચે ઉતર્યો છો તો...તને અહિં જ પુરો કરી નાંખીશ.”

હવે તો પેલા યુવાનને મૃત્યુ નજીક દેખાયું.એનો ગભરાટ જોઇ સમ્યકે ફરી પુછયું “અત્યાંરે રાત્રે આમ દારૂ પીયને કયાં જતો હતો?”

સમ્યકે એક ક્ષણ પછી ફરી કહ્યું
“જવાબ આપ....સાચો જવાબ.નહિંતર તને પતાવી દઇશ.”
આમ કોઇ અદ્રશ્ય શકિત વાતો કરે છે એ જોઇને જ પેલા યુવાનનું મગજ શુન્ય થઇ ગયેલું.પણ મૃત્યુ ખુદ જ સવાલ પુછે છે એવું લાગે એટલે સાચો જવાબ આપવો પડે.અને એટલે જ એણે ખોવાયેલા વિચારો ફરી મગજમાં લાવવા પ્રયત્ન કર્યો.અને આડાઅવળી વાકયરચનામાં બોલ્યોં “છોકરી...એકને મળવાનું હતુ.એનો આજે દિવસ છે....જન્મદિવસ.”

“નાલાયક! છોકરીને પરેશાન કરવા જાય છે?” એમ કહી સમ્યકે પેલાને એક તમાચો મારી દીધો.

“ના...ના પરેશાન નહિ પ્રપોઝ..”

“તો આ દારૂ કયાંથી વચ્ચે આવ્યોં?”

“એ તો....મે તો...તો..તો..”

સમ્યકને હસવું આવ્યું પણ એણે હાસ્યનો અવાજ દબાવ્યોં.
“કંઇ ભાષામાં બોલે છે?”

“દારૂ પીયને થોડી હિંમત ખુલી જાય એટલે"....

સમ્યક હવે કંઇક વિચારવા લાગ્યોં.ત્યાં તો પેલો દરવાજો ખોલી બહાર નીકળી ગયો.બે વાર નીચે પડી ગયો તો પણ એ ભયભીત થઇ ભાગી ગયો.સમ્યકે એ અધુરી દારૂની બોટલ પોતાની સાથે લઇ લીધી અને પોતાની કારમાં બેસી ગયો.પોતાના ફાર્મહાઉસ પર પહોચ્યો.વહેલી સવારનાં 4.30 વાગી ગયા હતા.દારૂની બોટલ એણે હજુ તો ફકત પોતાની સામે ટેબલ પર જ રાખી.ભુતકાળ યાદ આવ્યોં ‘કે જયાંરે લગ્ન પછી એક મિત્ર સાથે પહેલી વાર અને છેલ્લી વાર દારૂ પીધેલો.ઘરે દિશાને ખુબ દુઃખ થયેલું.આખરે એને વચન આપેલું કે જીંદગીભર દારૂથી દુર રહીશ.’ પણ આજે તો હું દિશાને છોડીને અને આ બોટલ પકડીને આવ્યોં.અને હવે દિશાથી છુપાવીને મોહિની સાથે સમય વિતાવવો પડશે.હું આ શું કરી રહ્યોં છું? પણ શું કરું? મારે દિશાને જીંદગીભર પરેશાન નથી કરવી.મારા સિવાય એનું કોણ? હું આવું કરવા લાચાર છું.....કે પછી આવું કંઇ જ ન કરું અને અમર થઇ જઉં.આખરે બધા મરવાના જ છે.હું તો જીવ્યાં જ કરીશ, આવો ને આવો.આ અદ્રશ્ય દુનિયામાં કયાં કંઇ ચીંતા છે.સમય આ દુનિયાને ઘણાં નવા રંગરૂપ આપશે એનો હું સાક્ષી રહીશ.ના...હું મારા સ્વાર્થ માટે મારી જવાબદારીઓમાંથી છટકી ન શકું.અમર થઇને જીંદગીઓ ભરનો અફસોસ સાથે રહેશે કે હું એવા લોકોને છોડીને ભાગ્યો જે મારા પર નિર્ભર હતા...એમના હૃદયમાં તો મારા વિશે કાયમી ભંગાણ થઇ જશે.આ અદ્રશ્ય દુનિયામાં જો કદાચ ઉપરવાળો આવે અને મને પુછે કે તું શું છોડીને આવ્યોં? મારી જ બનાવેલી એક પુર્ણ સ્ત્રીને છોડી દીધી? તમારા નિર્દોષ બાળકોને છોડી દીધા? માત્ર ને માત્ર અમર થવાની લાલચે?... સમ્યક પોતાની જ અંતહીન આંતરીક દલીલોમાં અટવાયો.ચારે તરફથી અલગ અલગ વિચારોનાં અલગ અલગ અવાજો એને સંભળાવા લાગ્યા.એની નજર જયાંરે સામે પડેલી દારૂની બોટલ પર પડી તો એ પણ જાણે કહેતી હતી ‘અરે સમ્યક, જો તારે તારી મહાન પત્નિને અંધારામાં રાખીને મોહિની સાથે કોઇપણ જાતનો સબંધ બાંધવો હોય તો હું જ તને મદદ કરી શકું.’
આખરે સમ્યકનાં હાથમાં એ બોટલ હતી અને એના ચાર-પાંચ ઘુંટ એની અંદર અદ્રશ્ય થયા.પણ થોડી વાર પછી સમ્યકની નવી ઇચ્છા બની એ પ્રગટ થયા.સમ્યકે વહેલી સવારે મોહિનીને ફોન કર્યોં.મોહિની પોતાના બેડરૂમમાં એકલી જ હતી.એનો પતિ ઘરે ન હતો.એટલે જ અડધી રાતે એણે સમ્યકને ફોન કરવાની હિંમત કરેલી.પણ જયાંરે સમ્યકે ફોન કર્યો ત્યાંરે મોહિનીને નવાઇ લાગી એટલે એણે સામાન્ય વાતચીત દરમિયાન એક જ સવાલ પુછયા કર્યો ‘સર, તમે આ વહેલી સવારે મને સામે ચાલીને કેમ ફોન કર્યોં?’
સમ્યકની અંદર આજે દરેક સવાલનાં જવાબ આપવાની હિંમતનો નશો સમાયેલો હતો એટલે એણે કહ્યું

“મોહિની, મે એક જબરજસ્ત રહસ્ય છુપાવેલું છે જે આજે તને કહેવું છે.એટલે જ ખાસ ફોન કર્યોં.”

“તો મે તમને ફોન કર્યોં ત્યાંરે કહેવાનું ભુલી ગયા હતા?”

“ના ભુલ્યો નહોતો.પણ મારી પત્નિ દિશા બાજુમાં હતી.એટલે એકાંત શોધી તને ફરી ફોન કર્યોં.”

સમ્યકની આવી વાત પરથી મોહિનીને લાગ્યું કે આજે સમ્યકનો ‘મુડ’ બદલાયો છે.એના અવાજમાં પણ કંઇક અલગ રણકો સંભળાય છે.અને ફોન કરવાની એની ઉતાવળ પણ મોહિનીને દેખાઇ આવી.એ પોતાના બેડ પરથી ઉભી થઇ ગઇ.અનાયાસે બારી બહાર નજર ગઇ તો દુર આકાશે હવે સુરજનાં આગમનનાં ઇશારાઓ દેખાયા.આછો પ્રકાશ જે હવે પુર્ણ ઉજાસમાં ફેરવાશે એવી એક આશ ઉભી થઇ.

“તો સર, તમારું રહસ્ય જલ્દીથી કહી દો મને.મારો આવનારો દિવસ સુધરી જાય.”

મોહિનીએ ખુશ થઇને સહેજ હસી લીધુ.અને સમ્યકે પહેલા અટ્ટાહાસ્ય વેર્યું પછી કહ્યું

“એમ કંઇ ફોન પર ન કહેવાય.રૂબરૂ મળ્યાની બધી વાતો છે.મળીશું ત્યાંરે કહીશ.”

“ઓહ! એવું છે? તો ચાલો ઓફીસે મળીયે.પણ અત્યાંરે થોડું ‘હિન્ટ’ તો આપો એટલે આ થોડા કલાકો પસાર કરી શકું.”

“નારે...ઓફીસે નહિ.” આટલું બોલી સમ્યક થોડી વાર અટકયોં.ભલે દારૂનો નશો એના પર સવાર હતો.તો પણ એને એક વિચાર તો આવી જ ગયો કે હું મોહિની સાથે શું કરવા જઇ રહ્યોં છું? પણ એણે એક જ ઝાટકે શું સારુ કે શું ખરાબ, બધુ ખંખેરી નાખ્યું.અને ત્યાં તો ઉતાવળી થયેલી મોહિનીએ પુછી લીધું

“તો કયાં મળીશું? તમે જ કહો.”

“મારા ફાર્મહાઉસ પર.”

હવે મોહિનીએ વિચાર કરવામાં બે ક્ષણ વાપરી એટલે સમ્યકે પુછયું
“આવીશ કે?”

“સર, હું વિચારું છું કે ઓફીસનાં કામ પતાવીને આવું.એટલે આજનો પણ બધો રીપોર્ટ તમને આપી શકું.”

આખરે મુલાકાત માટે સાંજે પાંચ વાગ્યાનો સમય નકકી થયો.ફોન મુકીને બંને અલગ અલગ કારણોથી ખુશ હતા.ઘણી વાર પછી પણ મોહિની તો બારીમાંથી આવતા ઉજાસને જોયા કરી.આ તરફ સમ્યકનો નશો ઓછો થયો અને ત્યાંરે જ એના પપ્પા એને સામે દેખાયા.
ક્રમશઃ
--ભરત મારૂ