Maro Shu Vaank - 1 books and stories free download online pdf in Gujarati

મારો શું વાંક ? - 1

મારો શું વાંક ?

નવલકથા

માતૃભારતી પર આ મારી પહેલી નવલકથા છે. આ પહેલા માતૃભારતી પર ટૂંકી વાર્તાઓ લખી ચૂકી છું. આ નવલકથાનો વિષય સમાજમાં થતાં બાળલગ્નો અને આગળ જઈને એ જ તૂટતાં લગ્નો છે. સમાજમાં પ્રવર્તતા અનેક દૂષણોમાં બાળલગ્નનું દૂષણ આગળ જતાં ખૂબ જ ગંભીર પરિણામ લાવે છે. આજના સમયમાં અમુક કિસ્સાઓને બાદ કરતાં નાનપણમાં થયેલા લગ્ન મોટાભાગે તૂટે છે. વડવાઓએ બનાવેલી પરંપરામાં બે નાના બાળકો જેને લગ્નસંસ્થા શું છે તેની પૂરી સમજણ પણ નથી હોતી તેવા સંબંધમાં તે પીસાઈ મરે છે. ભારત અને ગુજરાતનાં અનેક ગામડાઓ અને અંતરિયાળ વિસ્તારોમાં બાળલગ્ન પર પ્રતિબંધ હોવા છતાં હજી સુધી આ પ્રથા અમલમાં છે. બાળલગ્નના કિસ્સાઓમાં મોટાભાગે છોકરીઓને વધરે સહન કરવાનું આવે છે. બાળલગ્નનાં કિસ્સાઓમાં મોટેભાગે છોકરી લગભગ ઓછું ભણેલી કે અભણ રહી જાય છે જ્યારે છોકરાનું ભણતર લગ્ન પછી પણ ચાલુ રહે છે જેને કારણે બંનેનું અંતર વધી જતું હોય છે. છોકરો ભણીગણીને આગળ વધી જાય છે જ્યારે સામે છોકરી ભોટ રહી જાય છે... જેથી પછી સર્જાય છે લગ્નમાં ભંગાણ. આ નવલકથામાં થયેલાં બાળલગ્ન આગળ જઈને કઈ રીતે તૂટે છે અને સ્ત્રીપાત્રને કેવી આંતરિક અને બાહ્ય મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને તેનું જીવવું કેટલું દુષ્કર થઈ પડે છે અને લગ્ન તૂટ્યા પછી કેવા પ્રકારનો સંઘર્ષ કરવો પડે છે તેનું આલેખન કરવાનો પ્રયાસ કર્યો છે. વાચકોના પ્રતિભાવ મારા માટે ખૂબ જ આવકાર્ય રહેશે અને આગળ વધારે સારું લખવાની પ્રેરણા આપશે.

***

મારો શું વાંક?

પ્રકરણ - 1

ઢળતી સંધ્યાએ સૂરજનાં સોનેરી કિરણો તળાવની વચ્ચોવચ સોનાનાં ચળકાટની ભાત પાડી રહ્યા હતા તો વળી તળાવની પાળની સામોસામ રહેલા નળિયાવાળા આસિફાના ઘરને સૂરજનાં કિરણો જાણેકે સોનેરી રંગોથી નવડાવી રહ્યા હોય તેવો આભાસ થતો હતો. ચારો ચરાવીને પાછા ફરી રહેલા ધણને ગોવાળિયો આસિફાના ઘર આગળથી ડચકારા કરી કરીને આગળ હંકારી રહો તો .... ઢોરાઓનાં ધૂળમાં પડતાં પગલાઓથી ચારેકોર ધૂળની ડમરી ઊડી રહી હતી જે આસિફાના ઘરમાં છેક અંદર સુધી જઈ રહી હતી....

ડમરીનાં કારણે ઉધરસ ખાતી ખાતી અને માથા પર રહેલા પચરંગી ઓઢણાને સરખો કરતી આસિફા બોલી કે .. ”એય સાંભળો છો.... નવમો મહિનો પૂરો થવા આવ્યો છે. હવે આજકાલમાં આપણું છોકરું પધારે એવા એંધાણ લાગી રહ્યા છે. ”તો જવાબમાં આસિફાનો પતિ રાશીદ ઉત્સાહભેર બોલ્યો કે... મારી વ્હાલુડી ! આ ઘડીની તો હું વરસોથી રાહ જોઈ રહ્યો છુ. ત્યાંજ વચ્ચે રાશીદનાં અમ્મા હુસેનાબાનું બોલ્યા કે ... ભઇલા ! આ ઘડીની તો હું કે’દાડાની રાહ જોવું છુ નહિતર તો ક્યારનીય અલ્લાહનાં દરબારમાં પોગી ગઈ હોત. થોડાક છણકા સાથે આસિફા બોલી કે... અમ્મા ! આ શું બોલો છો? તમારા વગર તમારા પોતરાંને મોટો કોણ કરશે?આવું નાં બોલો મને આ બધુ નથી ગમતું. મમતાના રણકાર સાથે હુસેનાબાનું બોલ્યા કે સારું આસિફા હવે નહી બોલું, અલ્લાહ તને ખુશ રાખે અને જલ્દી સારા ખબર આપે. ત્યાંજ વચ્ચે ટપકો પૂરતા રાશીદ બોલ્યો કે.... જરૂરી થોડી છે છોકરો જ થાય? છોકરીનાં અવતારમાં માં અલ્લાહની રહેમત પણ આવી શકે.

આસિફા બોલી... એય સાંભળો! એ બધુંય તો સાચું પણ છોકરી થાશે તો હમણાં થી જ એનું સગપણ તમારી બેનના છોકરાં હારે થઈ જાશે. મારી નણંદબા એ કીધું છે કે છોકરી થાશે તો હું એને વહુ બનાવીને લઈ જઈશ અને તમેય તો હામી ભરી દીધી છે... અને આટલા વરસો પછી આટલી મોટી ઉંમરે આપણે માં-બાપ બનવાના છીએ તો આ છોકરું આવી જાય પછી બીજું છોકરું આવી શકે એવા અભરખા રાખવાનું ભૂલી જવાનું... અને પાછું આ ઉંમરે વારેઘડીએ આવું શોભા ના દેય, હું તો અત્યારેય લાજથી મરી રહી છું.

આગળ વાત વધારતા આસિફા બોલી.. એય સાંભળો ! છોકરી થાહે તો ઘરડા ઘડપણમાં આપણું ધ્યાન કોણ રાખશે? બાકી તો છોકરી તો મનેય ગમે, અલ્લાહની રહેમત કોને ના ગમે? અને આખરે હું ય તો એક સ્ત્રીનો અવતાર જ છું ને !! એટલું કહેતા આસિફાની મમતા છલકાઈ ગઈ અને એના પેટમાં રહેલું બાળક બેય હાથથી એને વીંટળાઇ ગયું હોય એવી લાગણી એને થઈ આવી અને આસિફએ પણ પોતાના બેય હાથથી પોતાનાં પેટને કસીને પકડી લીધું જાણેકે પોતાનાં બાળકને હદયસરસું ચાંપી લીધુ હોય.

આસિફા મનોમન વિચારવા લાગી કે શું થયું તું છોકરી હોય કે છોકરો ?તું તો મારા કાળજાનો કટકો છે.. કહેતા તે હસી પડી ત્યાં સામે છેડે પેટમાં રહેલું બાળક પણ પોતાની માતાને હસવામાં સાથ આપતું હોય તેમ આસિફાને પેટમાં રહેલા બાળકે જોરથી લાત મારી અને આસિફાથી જોરથી બોલાઈ ગયું... ઓય રે માડી ! એય... જોવો તો ખરા તમારી આ છોકરીને બાર આવવાની કેટલી જલ્દી લાગી છે. ત્યાંજ રાશિદે ટહૂકો પુર્યો કે ઉતાવળ તો હોય જ ને મારી દીકરીને એના બાપને મળવાની... એય સાંભળ આસિફા ! મેં તો મારી દીકરીનું નામ પણ વિચારી લીધું છે. આસિફા ઉત્સાહ સાથે બોલી એય મનેય નામ કોને? તો રાશીદ ખુમારી સાથે બોલ્યો... ’રહેમત રાશીદ ખાન’....

રાશીદ બોલ્યો... આસિફા ! કેવું લાગ્યું આપણી દીકરીનું નામ? આસિફા આંખોમાં ચમક સાથે બોલી... વાહ રહેમત.. અલ્લાહની રહેમત... ખૂબ સરસ નામ છે અને બંને જણાં પોતાનાં આવનારા સમયને જાણેકે સામે જોઈ રહ્યા હતા અને એકબીજા સામે જોઈને હર્ષભેર હસી પડ્યા. આ બધું બાજુનાં ઓરડામાંથી સાંભળી રહેલા હુસેનાબાનું પણ મનોમન હરખાઈ રહ્યા હતા.

***