Maro Shu Vaank - 4 books and stories free download online pdf in Gujarati

મારો શું વાંક ? - 4

મારો શું વાંક ?

પ્રકરણ - 4

એ જ રાતે રાશિદે ઓરડામાં આસિફાને હળવેકથી પૂછ્યું કે આપણી ઢીંગલી નિકાહ વિશે શું કહી રહી તી? તરત જ તાડૂકીને આસિફા બોલી કે વેવલી થઈ ગઈ છે તમારી ઢીંગલી... કે છે કે નિકાહ તો થોડા વરસો પછીય થઈ શકે, મારે તો હેતલડીની જેમ આગળ ભણવું છે. વચ્ચે આસિફાને અટકાવતાં રાશીદ બોલ્યો કે ક્યાંક આપણે આપની ઢીંગલીની સાથે ખોટું તો નથી કરી રહ્યા ને? નિકાહની આટલી ઉતાવળ શું છે?

ફરી પાછી તાડૂકીને આસિફા બોલી કે.. બેય બાપ-દીકરી વેવલા થઈ ગયા છો. આપણો જમાઈ ઇરફાન બોવ સારો છોકરો છે. તે આપની રહેમતને ખૂબ ખુશ રાખશે... અને ક્યાં કોઈ પારકા ઘરે જાવાની છે. તમારી સગી બેનનાં ઘરે આપણી રહેમત જાવાની છે... અને નણંદબાને આપેલું વચન ભૂલી ગયા કે શું? હું તમારા એકેયની વાત માનવાની નથી અને હા નણંદબાએ નિકાહની તારીખ મંગાવી છે. કાલે જ કોઈક સારો ચાંદ નક્કી કરીને નિકાહનું કહેણ નણંદબાને મોકલી દો અને વહેલી તકે ઇરફાન અને રહેમતનાં નિકાહ પઢાવી દો.

રાશીદના ગામ નંદુરબારથી તેની બેન જિન્નતનું સમસ્તિપુર ગામ લગભગ પચીસેક કિલોમીટર દૂર હતું. બે ખેતર અને ચાર ઓરડા, ઓસરી અને ફળિયાવાળું મકાન.. જિન્નતનો પરિવાર ખાતે-પીતે સુખી સંપન્ન પરિવાર હતો. તેનો પતિ પોતાના બે ખેતરો સંભાળતો હતો અને મોટો પુત્ર જાવેદ પણ ખેતીકામમાં તેના પિતાની મદદ કરતો.

મોટો દીકરો જાવેદેય બે દીકરા અને એક દીકરીનો બાપ બની ચૂક્યો હતો. જિન્નત ફળિયામાં બેઠી-બેઠી છોકરાઓને વાર્તા સંભળાવતી હતી અને જાવેદની પત્ની ઘરનું કામ કરી રહી તી. ત્યાં અચાનક ડેલી ખખડાવવાનો અવાજ આવ્યો... જિન્નતે દરવાજો ખોલ્યો તો ટપાલી ટપાલ લઈને ઊભો હતો. ટપાલીએ ટપાલ આપતા કહ્યું... લ્યો બેન! તમારી ટપાલ આવી છે. આવોને ભાઈ અંદર પાણી-બાણી પીવું છે? જિન્નતે ટપાલીને પૂછ્યું. ના બેન... આજે તો બોવ જગ્યાએ ટપાલ દેવા જાવાનું છે કહી ટપાલી ટપાલ આપીને નીકળી ગયો.

એલા જાવલા! આ જો તો કોની ટપાલ છે? આહીં તો કાળા અક્ષર ભેંસ બરાબર છે. વહુ! જાવેદને બોલાવ તો... જિન્નતે પોતાની વહુ શબાનાને કહ્યું. શબાનાએ જવાબ આપતા કહ્યું... હા અમ્મા! બોલાવું છું. એય મોહસીનના અબ્બા! સાંભળો છો કે... અમ્મા તમને બોલાવે છે.. આ એક ટપાલ આવી છે. જરાક વાંચીને અમ્માને સંભળાવો.

હા શબાના! આયવો... ઓરડામાંથી બહાર નીકળીને જાવેદ ફળિયામાં આયવો અને બોલ્યો... લાવો અમ્મા! જોવું તો કોની ટપાલ છે? જાવેદ ટપાલ લઈને વાંચવા માંડ્યો અને ટપાલ પૂરી વાંચી લીધા પછી અમ્માને કહ્યું કે આ તો રાશીદ મામાની ટપાલ છે. તમે ઇરફાન અને રહેમતના નિકાહનું કહેણ મોકલાવ્યુંતુ ઈનો જવાબ છે.

એમ... જલ્દી બોલ્ય જાવલા! કયો ચાંદ અને તારીખ નક્કી કરી છે? જાવેદ બોલ્યો.. અમ્મા! રજ્જ્બ મહિનાનો પચીસમો ચાંદ અને અંગ્રેજી પંદર તારીખ ને રવિવારનું કહેણ મોકયલું છે. જિન્નત બોલી... એમ તારે ચાંદ વાર તો બોવ સારો છે. વહુ જરાક તારા અબ્બાને બોલાવ તો એમનેય આ વાતની જાણ થાય... અને હા વહુ... બોવ જલ્દી તારી દેરાણી લેવા જાવાની છે તો તું તૈયારી રાખ... રાજી થઈને શબાના બોલી... હા અમ્મા! હમણાં જ અબ્બાને બોલાવું છે.

અબ્બા! ઓ અબ્બા! આહી ફળિયામાં આવોને... રાશીદ મામાની ટપાલ આવી છે. આપણાં ઇરફાન ભાઈ અને રહેમતનાં નિકાહનો ચાંદ વાર મોકલાયવો છે.

એ હા... વહુ બેટા! આ આયવો... ઓરડામાંથી સફેદ કલરનાં જબ્બાં-લેંઘામાં, લાંબી સફેદ દાઢી, હાથમાં તસ્બીહ સાથે જિન્નતનો પતિ શકુરમિયાં ફળિયામાં આવ્યો અને બોલ્યા... બોલ જાવેદ! કઈ તારીખ મોકલી છે? આપણે તો જે તારીખ મોકલી હોય તે તારીખે નિકાહ પઢાવવા તૈયાર છીએ.

જાવેદ બોલ્યો... અબ્બા! રજજબનો પચીસમો ચાંદ અને પંદરમી તારીખ... હા બરાબર છે... શકુરમિયાંએ નિકાહ માટે હામી ભરી દીધી. ત્યાંતો જિન્નત બોલી... મારો ઇરફાનયો ક્યાં છે?શબાના બોલી... અમ્મા! ઈરફાન ભાઈ એમના દોસ્તારો હારે તળાવની પાળે ઊભા હશે, પરીક્ષા આવે છે ને.. તે એમના દોસ્તારની ચોપડી લેવા ગયા છે.

જિન્નતે પોતાની સાત વરસની પોતરીને ટહૂકો કરતાં કહ્યું.... એલી મરિયમ! મારા પેટ! જા તો તળાવની પાળેથી તારા કાકાને બોલાવી આવ તો... જલ્દી જા બેટા! આપણે તારી કાકીને લેવા જાવાની છે.

મરિયમ પોતાની બેનપણી કંચન સાથે થપ્પોદાવ રમતાં-રમતાં બોલી... એ હા અમ્મા! હમણાં જ કાકાને બોલાવી આવું છું. બેય બેનપણીઓ હાથ પકડીને પૂરપાટ ઝડપે દોડતી તળાવની પાળે પહોંચી ગઈ.

***