Maro Shu Vaank - 9 books and stories free download online pdf in Gujarati

મારો શું વાંક ? - 9

મારો શું વાંક ?

પ્રકરણ - 9

જોત-જોતામાં આદમ એક વરસનો થઈ ચૂક્યો હતો અને ચાલતાં પણ શીખી ગયો હતો. હવે બીજીવાર રહેમત ગર્ભવતી થઈ હતી. તેને પાછાં સારા દિવસો જઈ રહ્યા હતા. ઇરફાનનું કોલેજનું છેલ્લું વરસ ચાલી રહ્યું તું અને છેલ્લી વાર્ષિક પરીક્ષાઓ ચાલી રહી હતી.

સમય જાણે પુરપાટ ઝડપે ભાગી રહ્યો હતો. રહેમતને ફરી પ્રસૂતિ પીડા ઉપડી હતી અને તેણે સુંદર બાળકીને જનમ આપ્યો હતો. ઇરફાને પોતાની દીકરીનું નામ અફસાના રાખ્યું હતું. કોલેજ પૂરી થતાં જ ઇરફાનનાં હાથમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી આવી ગઈ હતી. હવે તેણે સરકારી ખાતાઓમાં નોકરી માટે અરજી કરવા માંડી હતી. જેમાં અમદાવાદ શહેરમાં હાઇકોર્ટમાં ક્લાર્કની પોસ્ટ માટે ફાઇનલ લીસ્ટમાં તેનું સિલેકશન થઈ ચૂક્યું હતું. ઇરફાનને સરકારી નોકરી મળી ગઈ હતી.

ઇરફાનને નોકરી માટે અમદાવાદ જઈને રહેવાનુ ફરજિયાત હતું. અફસાના હજી નાની હતી જેથી ઇરફાને રહેમતને કહ્યું કે થોડાં મહિના પછી અફસાના થોડીક મોટી થઈ જાય અને રહેવા માટે ક્વાર્ટર મળી જાય પછી તને પણ અમદાવાદ લઈ જઈશ. એટલું કહીને તે અમદાવાદ જવા માટે રવાના થઈ ગયો. જિન્નતબાનું એ જીવનજરૂરી કેટલોક સામાન તેને બાંધી આપ્યો હતો. આ સમયગાળા દરમિયાન રહેમત અને ઈરફાન ટપાલ દ્વારા એકબીજાનાં સંપર્કમાં રહેતા. અઠવાડિયામાં એક વખત ઇરફાનની ટપાલ આવતી હતી. ઈરફાનની ટપાલ આવતા તરત જ રહેમત એ ટપાલનો જવાબ આપતી. ટપાલમાં ઘરનાં સભ્યો અને બાળકો વિશે વાતો થતી હતી. ઈરફાન રહેમતને તારા માટે શું લાવું? તને જલ્દી અહીં બોલાવી લઇશ, તારી બોવ યાદ આવે છે વગેરે વાતો કરતો.

જાણેકે ઈરફાન અને રહેમત નવાં-નવાં એકબીજાનાં પ્રેમમાં પડ્યા હોય એવું એમની ટપાલની વાતોથી લાગતું હતું. રહેમતને જાણેકે લગન પછી બે બાળકોના જનમ પછી ઈરફાન સાથે ખરો પ્રેમ થયો હોય એવી લાગણી એ અનુભવતી હતી.

ઇરફાનની નોકરીને હવે છ મહિના પૂરાં થઈ ચૂક્યા હતા. અફસાના પણ મોટી થઈ રહી હતી. હવે પહેલાની જેમ ઇરફાનની ટપાલ આવવાની બંધ થઈ ગઈ હતી. બાજુમાં રહેલી કરિયાણાની દુકાને લેંડલાઇનનાં ફોનનાં ડબ્બામાં દર મહિને ઇરફાનનો ફોન આવતો અને તે રહેમત અને બાળકો સાથે ઘણી વાતો કરતો પણ છેલ્લાં એક મહિનાથી તેનો એકપણ ફોન નહોતો આવ્યો.

રહેમત હવે અકળાઈ ઉઠી હતી અને ફરી એક ટપાલ તેણે ઇરફાનને લખીને કહ્યું કે... તમને માં-બાપ, બાયળી-છોકરાવ અને પરિવારની યાદ આવે છે કે નહીં? અમને બધાંને ભૂલી ગયા છો કે શું? ટપાલનો જવાબ કેમ નથી આપતા? જલ્દી મને આ ટપાલનો જવાબ જોઈએ એવા છણકા અને પત્નીનાં અધિકાર સાથે ટપાલ લખી હતી છતાં ઇરફાને તેનો કોઈ જવાબ ના આપ્યો.

એક દિવસ ઇરફાનનો ભાઈબંધ અમિતકુમાર કે જે અમદાવાદ રહીને નોકરી કરે છે તે જિન્નતબાનુનાં ઘરે આવ્યો. અમિતકુમારને જોઈ રહેમત દોડતી ઓસરીમાં આવી અને કહેવા લાગી.... હેં અમિતભાઈ! તમારાં ભાઈને અમારા કોઇની યાદ નથી આવતી કે શું? ટપાલનો જવાબેય નથી દેતા. એમની તબીયત તો સારી છે ને?

ભાભી! જરાક શ્વાસ તો લો.... બધુય કહુ છું.... જિન્નતબા, કાકા અને જાવેદભાઈને બોલાવો એક વાત કરવી છે ઇરફાનની... અમ્મા.... અબ્બા... ભાઈ..... આપા...... બધાય બારે આવો અમિતભાઈ આયવા છે તમારા દીકરાના સમાચાર લઈને.... રહેમત એક શ્વાસે બધુ બોલી ગઈ.

આવ દીકરા અમિત! શકુરમિયાંએ આવકાર આપ્યો. હુસેનાબાનું બોલ્યા કે શું થયું છે ઇરફાનયાને? વહુ કે છે કે ટપાલનો જવાબ નથી દેતો. ને એક મહિનાથી ફોનેય નથી આયવો.

હા બા ! કહુ છું.. બેસો તમે..... બા સાચું કહું તો આપણો ઇરફાનયો અમદાવાદ જઈને બગડી ગયો છે. ॥ એને એનાં સ્ટાફમાં કામ કરતી એક બાઈ હારે પ્રેમ થઈ ગયો છે. મેં એ બેય જણાંને બધી જગ્યાએ હારો-હાર ફરતા જોયા છે. મેં એને પૂછ્યું તો એણે મને કીધું કે... તે એ છોકરીને પ્રેમ કરે છે અને એની હારે લગન કરવા માંગે છે.

મારાથી આ બધું નો જોવાણું એટલે હું તમને કહેવા અંહી હાયલો આયવો. જાવેદભાઈ... આપણાં ઇરફાનયાને આ રસ્તેથી પાછાં વાળો અને એનાં માટે એને મારવો પડે તો ધોબીપછાડ માર મારો પણ પાછો લાવો. એટલું કહીને અમિતકુમાર ફટાફટ હાથ જોડીને નીકળી ગયો.

રહેમત તો આ વાત સાંભળીને બૂત બનીને ઊભી રહી ગઈ. કાપો તોય લોહી ના નીકળે એવી સ્થિતિ તેની થઈ ગઈ હતી. શકુરમિયાંનો પારો સાતમા આસમાને પહોંચી ગયો અને બોલી ઉઠ્યા... સાલો નાલાયક! મારું નાક કપાવશે શું? અલ્યા જાવેદ! જલ્દી બહાર દુકાને જઈને એ નાલાયકને ફોન લગાડ અને હાં રહેમતને વાત કરવા હારે લઈ જાજે.

***