Prem ke Pratishodh - 43 books and stories free download online pdf in Gujarati

પ્રેમ કે પ્રતિશોધ - 43

પ્રેમ કે પ્રતિશોધ-43

(આગળના ભાગમાં જોયું કે દીનેશ અને સંજયની યુક્તિ ગિરધરનો પર્દાફાશ કરવામાં સફળ રહે છે. તેઓ ગિરધરની આગળ વધારે પૂછ-પરછ કરી રહ્યા હતા.)

હવે આગળ...
“મેં કહ્યું તેમ એક વખત સેન્ડલ બદલ્યા, એક વખત એક ફોન કર્યો તો બસ..."ગિરધરે કરગરીને કહ્યું.
“અને તને આ બધું કરવાનું કોણે કહ્યું હતું?"
“સાહેબ એ હું નથી જાણતો."
“મારા પ્રશ્નનો જવાબ આપ?"
“હું જો નામ આપીશ તો એ મને જીવતો નહીં છોડે....એટલે આપને જે સજા આપવી હોય તે આપો..."
“તું સીધી રીતે નહીં માને, સંજય આને પોલીસ સ્ટેશને લઈ જઈએ. પછી અર્જુન સર જ આની વિધિ કરશે"દીનેશે સંજયને ઉદ્દેશીને કહ્યું.
“લોકઅપમાં સીધો દોર થઈ જશે, અને પોપટની જેમ બધું બોલવા લાગશે...."સંજયે કહ્યું.
દીનેશે ગિરધરનો કોલર પકડી એને બહાર તરફ ધકેલી અને જીપમાં બેસાડ્યો સાથે પોતે પણ બેસી ગયો. સંજયે જીપ સ્ટાર્ટ કરીને અમદાવાદ તરફ પ્રયાણ કર્યું. રસ્તામાં જ દીનેશે અર્જુનને કોલ કરીને બધું વિગતે જણાવી દીધું.
*****
આ બાજુ દીનેશ સાથે વાત કરીને અર્જુન મોબાઈલ ટેબલ પર મુકવા જતો હતો ત્યાં ફરી ઇનકમિંગ કોલની ટ્યુન વાગી.
અર્જુને મોબાઈલની સ્ક્રીન સામે જોયું તો તેના મિત્રનો કોલ આવી રહ્યો હતો જેને તેણે કોલ કરીને અમુક માહિતી મેળવવાનું કહ્યું હતું.
અર્જુને કોલ રિસીવ કરીને કહ્યું,“કઈ જાણવા મળ્યું, તે ચિઠ્ઠીમાંથી?"
“હા, તેં જે પ્રિન્ટેડ ચિઠ્ઠી મોકલી હતી. તેના દ્વારા તે કયા પ્રિન્ટરમાંથી છપાઈ છે. તેમજ તેની પ્રિન્ટિંગ શાહી દ્વારા ક્યારે છપાઈ છે તે જાણવા મળ્યું."
“તો તો કઈ કામનું ન જ મળ્યું કહેવાય ને..."
“અરે દોસ્ત, દરેક પ્રિન્ટર ભલેને એક જ કંપનીના હોય તેની પ્રિન્ટીંગમાં થોડો તો તફાવત હોય જ. હું તને પ્રિન્ટરની ડિટેઇલ મેસેજ કરું છું. તું બસ એ પ્રિન્ટર સુધી પહોંચી જા એટલે કામ થઈ ગયું સમજ..."
“થેન્ક યુ, તે આટલી મદદ કરી એ માટે મારે આ પહેલાં જ વિચારવાની જરૂર હતી કે, પ્રિન્ટેડ પેજના આધારે ઘણી માહિતી મળી શકે છે."
“ખેર, હવે તો માહિતી મળી ગઈ ને...તો રાહ શેની જોવાની"
“બસ બસ હવે, હું તપાસ કરું છું. તે મદદ કરી એ માટે આભાર."
“અરે એમાં આભારવિધિ ન હોય દોસ્ત...થોડો કામમાં છું પછી નિરાંતે વાત કરીએ"
“ઓકે"આટલું કહી અર્જુને કોલ વિચ્છેદ કર્યો.
ત્યાં તો રમેશે કેબીન અંદર પ્રવેશવાની પરવાનગી માંગી..એટલે અર્જુને કહ્યું,“ તારી જ રાહ જોતો હતો, કામ થઈ ગયું?"
“હા સર, પણ તમને લાગે છે કે આપણે સાચી દિશામાં આગળ વધી રહ્યા છીએ?"રમેશે અંદર પ્રવેશતાંની સાથે જ પોતાની શંકા વ્યક્ત કરી.
“તારી વાત બરાબર છે. પણ ક્યારેક ક્યારેક આપણે જોઈએ તેવું હોતું નથી અને હોય તેવું દેખાતું નથી.. અને હા હજી એક કામ કરવાનું છે તારે, આ મેસેજમાં જે પ્રિન્ટરની ડિટેઈલ છે. તે પ્રિન્ટર કયાનું છે? કોનું છે? કોણે ખરીદ્યું? એ બધી માહિતી એકઠી કરવી પડશે"
“કેમ વળી આ પ્રિન્ટરમાં એવું શું છે?"
“આ એજ પ્રિન્ટર છે જેમાંથી આપણને મળેલી ચિઠ્ઠીઓ પ્રિન્ટ કરવામાં આવી હતી..."
રમેશે આશ્ચર્યથી અર્જુન સામે જોતાં કહ્યું,“સર તમને એ કેવી રીતે ખબર પડી કે આ એજ પ્રિન્ટર છે?"
જવાબમાં અર્જુને તેના કમ્પ્યૂટર એક્સપર્ટ મિત્ર જોડે થયેલ વાત વર્ણવી. અને એ પણ જણાવ્યું કે દીનેશ અને સંજય ગિરધરને પકડીને લઈ આવે છે.
“તો તો હવે આપણને ખૂની સુધી પહોંચવામાં વધારે સમય નહીં લાગે..."રમેશે ઉત્સુકતાથી કહ્યું.
“હા, બસ વિનય સહિ-સલામત હોય તો સારું."અર્જુને કહ્યું.
“પણ સર રાજેસભાઈની જ પૂછપરછ કરી હોય તો, હવે તો ગિરધર પણ પકડાય ગયો છે..."
“રમેશ, રાજેશભાઈ સામે આપણી પાસે કોઈ એવો પુરાવો નથી કે આપણે સીધા એની પૂછપરછ કરીએ, અને હા જો આપણે પૂછપરછ કરીએ તો એ વધારે સતર્ક બની જાય અને ખાલી ગિરધર કબૂલ કરી લે એટલી જ વાર રાહ જોવાની છે."
“એ પણ બરાબર છે. પણ જો એને ખબર પડશે કે આપણે ગિરધરને ગિરફ્તાર કર્યો છે. તો એ બચવા માટે કંઈક તો કરશે જ. મતલબ કે વિનયને નુકસાન પણ કરી શકે છે....જો આ બધા પાછળ એનો જ હાથ હોય તો.."
“એ તો હવે સંજય અને દીનેશ અહીં આવે પછી... ત્યારસુધી તું આ પ્રિન્ટરની તપાસ કર.."
“ઓકે સર."
*****

આ બાજુ રાજેશભાઈને પણ ગિરધર પકડાય ગયો છે. એના સમાચાર મળી ગયા હતા. અત્યારે તેઓ પોતાના રૂમમાં બેઠા બેઠા સિગારેટના કસ ખેંચી રહ્યા હતા. હાથમાં મોબાઈલ લઈને વિચારી રહ્યા હતા કે કોલ કરવો કે નહીં, કારણ કે તેઓ જાણતાં હતા કે એક કોલ કરશે એટલે અર્જુનને જાણ થઈ જ જશે.. અત્યારે તેમને એકબાજું કૂવો અને બીજીબાજુ ખાઈ દેખાઈ રહી હતી. શુ કરવું અને શું ન કરવું એ વિચારમાં એમનું મગજ કામ કરતું બંધ થઈ ગયું હતું....

અંતે ગહન મનોમંથન કરી એમણે ફટાફટ પાર્કિંગમાંથી કાર સ્ટાર્ટ કરીને અમદાવાદ તરફના રસ્તે દોડાવી......


(ક્રમશઃ)