The Ooty - 31 books and stories free download online pdf in Gujarati

ધ ઊટી... - 31


31.

(કોર્ટમાં જ્યારે નિત્યાં, નિસર્ગ અને રાઘવ કેશવાણીનો મર્ડરકેસ ચાલી રહ્યો હતો, એવામાં આ કેસનાં એકમાત્ર આઈ વિટનેસ એવાં સલીમભાઈ પાસે કોઈપણ પ્રકારનું પ્રુફ ન હોવાને લીધે.. એક સમયે એવું લાગી રહ્યું હતું, કે જયકાન્ત આ કેસ ચોક્કસથી જીતી જશે..પરંતુ એવામાં એકાએક નિત્યાં કોર્ટમાં હાજર થાય છે, અને તેને જોઈને જયકાન્તને હાર્ટએટેક આવી જાય છે, અને મૃત્યુ પામે છે, આમ નિત્યા, નિસર્ગ અને રાઘવ કેશવાણીનાં મર્ડર કેસની સુનવણી જજ પી.સ્વામીએ નહીં પરંતુ ખુદ કુદરતે કરી...અને ગુનેહગારને તેનાં કરેલાં કર્મોની સજા મળી...ત્યારબાદ નિત્યાં આંખોમાં આનંદના આંસુ સાથે બે હાથ જોડીને હાજર સૌ કોઈનો હૃદયપૂર્વક આભાર માને છે...એને ધુમાડામાં અદ્રશ્ય થઈ જાય છે...જતાં પહેલાં તે અખિલેશને વચન આપે છે કે હવેથી તેને પેલા ડરામણાં સપનાઓ આવવાનું બંધ થઈ જશે...અને અખિલેશને આ દુનિયામાં કોઈક તો એવી યુવતી મળશે કે મળી હશે...કે જે તેને સાચો પ્રેમ કરતી હોય કે હશે...ત્યારબાદ નિત્યાં અખિલેશનાં ઘરે પુત્રીની અવતાર લઈને આવવાનું વચન આપે છે...ત્યારબાદ નિત્યાં અદ્રશ્ય થઈ જાય છે….)


અખિલેશ મુંબઈ પાછો ફર્યાના એક મહિના બાદ...

સમય - સવારનાં 9 કલાક.
સ્થળ - અખિલેશનાં ફ્લેટથી તેની ઓફીસ તરફ જતો રસ્તો.

અખિલેશની લાઈફ હવે પહેલાંની માફક નોર્મલ થઈ ગઈ હતી, અખિલેશને કોઈપણ પ્રકારની મેડીસીનની જરૂર હવે રહી ન હતી, નિત્યાએ ઊટી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અખિલેશને જણાવ્યું તે મુજબ તેને પેલાં ભયંકર અને ડરામણાં સપનાઓ પણ આવતાં હવે બંધ થઈ ગયાં હતાં, એક મોટું વાવાઝોડું કે ચક્રવાત પસાર થઈ જાય, પછી જેવી શાંતિ ફેલાઈ તેવી જ શાંતિ હાલ અખિલેશનાં જીવનમાં ફેલાઈ ગઈ હતી, અખિલેશ જાણે એક અલગ જ દુનિયામાં ફરીને પાછો આવ્યો હોય તેવું તેને લાગી રહ્યું હતું, અખિલેશે સપનામાં પણ નહીં વિચારેલું હશે કે તેને જે ભયંકર અને ડરામણું સપનું આવી રહ્યું હતું, તે આટ- આટલાં રહસ્યો પોતાની સાથે લઈને આવેલ હશે, એક સામાન્ય સપનું તેની આખી લાઈફને ઉથલ - પાથલ કરી નાખશે….પોતે પોતાનાં પુનર્જન્મ વિશે જાણશે...એ કદાચ તેણે સપનામાં પણ વિચાર્યું નહીં હોય….પોતે વાસ્તવમાં અખિલેશ નહીં પરંતુ નિસર્ગનો જ પુનર્જન્મ છે, કે જેને નિત્યાં ખુબજ ચાહતી હતી, જે અખિલેશની લાઈફનું મોટામાં મોટું રહસ્ય હતું, એ નિત્યાએ ઉકેલી દીધેલું હતું.


અખિલેશ પોતાની કારમાં બેસીને ઓફિસે જઈ રહ્યો હતો, આ સમયે અખિલેશ પોતાની લાઈફમાં આવેલ એક ચક્રવાત કે વાવાઝોડું શાંત પડી ગયું હોવાને લીધે..અને તેની લાઈફ સાથે જોડાયેલાં બધાં રહસ્યો ઉકેલાઈ જવાને લીધે હળવાશ અનુભવી રહ્યો હતો, પરંતુ અખિલેશનાં મનનાં કોઈ એક ખૂણામાં એક પ્રશ્ન હજુપણ અખિલેશને સતાવી રહ્યો હતો...એ પ્રશ્ન હતો...નિત્યાએ પોતાને જણાવ્યું હતું કે તારી લાઈફમાં તને જે સાચો પ્રેમ કરનાર યુવતી મળી હતી કે મળશે…...તેને તું સાચો પ્રેમ કરીશ એમાં જ હું હરહંમેશ ખુશ રહીશ…! તો પછી એ યુવતી કોણ હશે…? - આવું અખિલેશ વિચારી રહ્યો હતો.

હજુપણ શું અખિલેશનાં જીવનમાં કોઈ વળાંક આવવાનો બાકી હશે…? ભગવાને પોતાનાં જીવનમાં આગળ શું લખેલ હશે…? આવું વિચારતાં - વિચારતાં અખિલેશ પોતાની કાર ડ્રાઇવ કરી રહ્યો હતો.

અખિલેશની કાર 70 કી.મી પ્રતિ કલાકની ઝડપે જઈ રહી હતી, એવામાં અખિલેશની નજર એક યુવતી પર પડી...જે પોતાનું એક્ટિવા લઈને જઈ રહી હતી, જેને જોઈને અખિલેશ એક્દમથી ડઘાય ગયો, અને એકાએક પોતાની કારમાં બ્રેક મારી અને કાર રસ્તાની એક બાજુ ઉભી રાખી, ઝડપથી કારની બહાર નીકળીને અખિલેશે એકાએક બુમ પાડી….

"નિત્યા…!" - અખિલેશે બુમ પાડી.

કોણ હતી એ યુવતી કે જેને જોઈને અખિલેશે નિત્યા એવી બુમ પાડી….? ખરેખર તે યુવતી નિત્યા જ હતી કે પછી બીજી કોઈ યુવતી ? અખિલેશે નિત્યાને જોઈ તે વાસ્તવિકતા હશે કે પછી અખિલેશનાં મનમાં રહેલ કોઈ ભ્રમ હશે….? નિત્યા મૃત્યુ પામી એનાં તો ઘણાં બધાં વર્ષો થઇ ગયાં તો તે યુવતી નિત્યા કેવી રીતે હોઈ શકે….?"

અખિલેશે પાડેલ બુમના દરેક શબ્દો હવામાં જ રહી ગયાં, અખિલેશે પાડેલ બુમનાં શબ્દો તે યુવતીનાં કાને પડયાં, પરંતુ તે યુવતીને જાણે નિત્યા નામની યુવતી સાથે દૂર - દૂર સુધી કોઈ સંબધ ના હોય, તેમ એકદમ અજાણી વ્યક્તિની માફક હળવે - હળવે રસ્તા પર પોતાની એક્ટિવા આગળ ધપાવવાનું ચાલુ રાખ્યું.

તે યુવતીનાં આવા વર્તનથી અખિલેશને ખ્યાલ આવી ગયો કે પોતે જેને નિત્યા સમજી રહ્યો છે, તે વાસ્તવમાં કોઈ અન્ય યુવતી હોય એવું પણ બની શકે….અખિલેશે તો આ વાતનો સ્વીકાર કરી લીધો પરંતુ અખિલેશનું મન જાણે આ વાત માનવા માટે તૈયાર ના હોય તેમ પોતાની જાત સાથે બળવો કરી રહ્યું હતું….અખિલેશે એ વાત પોતાનાં માતા વર્ષાબેન પાસેથી નાનો હતો ત્યારે સાંભળેલ હતી કે આ દુનિયામાં એકસરખાં દેખાતાં કે એકસમાન ચહેરા ધરાવતી સાત વ્યક્તિઓ હોય છે…...જે ક્યારેય એકબીજાને મળતાં નથી. તો કદાચ એવું પણ બની શકે કે તે યુવતી નિત્યા ના હોય, પરંતુ તેના જેવો જ ચહેરો ધરાવતી કોઈ અન્ય યુવતી હોય. અખિલેશને તેની માતાએ જણાવેલ વાત મગજમાં ઉતરી રહી હતી, પરંતુ એ યુવતી જાણે નિત્યા જેવી જ નહીં પરંતુ ખુદ નિત્યા પોતે જ હોય એવું અખિલેશને લાગી રહ્યું હતું……

અખિલેશનાં મનમાં હજુપણ ગડમથલ ચાલી રહી હતી, પોતાનું મન હજુપણ એ બાબત પર વિશ્વાસ કરવાં માટે તૈયાર હતું જ નહીં કે પોતે હાલમાં જે યુવતીને જોઈ રહ્યો છે તે નિત્યા નહીં પરંતુ કોઈ અન્ય યુવતી હશે….! અખિલેશ મનમાં વિચારી રહ્યો હતો બે અલગ - અલગ વ્યક્તિઓ વચ્ચે આટલી બધી સમાનતા કે સામ્યતા કેવી રીતે હોઈ શકે….?

બીજી બાજુ અખિલેશ મનમાં વિચારી રહ્યો હતો કે કદાચ પોતે જેને નિત્યા સમજી રહ્યો છે, એ યુવતીનાં કાન સુધી ટ્રાફિક અને વાહનોના ઘોંઘાટને કારણે પોતાનો અવાજ પહોંચ્યો ન હોય તેવું પણ બની શકે…..આવો વિચાર આવતાંની સાથે જ અખિલેશે ફરી એકવાર જોરથી મોટા અવાજે "નિત્યા" એવી બુમ પાડી. અખિલેશની બુમનો અવાજ સાંભળીને પેલી યુવતીએ જાણે કોઈ જાણીતો જ અવાજ સાંભળેલ હોય, એવું લાગી રહ્યું હતું, આથી તે યુવતીએ ખુશી અને આનંદ સાથે એક્ટિવાની બ્રેક લગાવી, અને આતુરતા સાથે એ અવાજની દિશામાં ફાંફાં મારવા લાગી.

આ વખતે જાણે અખિલેશનું તીર નિશાના પર લાગ્યું હોય તેવું લાગી રહ્યું હતું, આ યુવતીને જોઈ અખિલેશનાં આનંદનો કોઈ પાર ના રહ્યો…..અખિલેશને હવે પોણા ભાગનો વિશ્વાસ આવી ગયો હતો કે પોતે સાચો જ છે તેણે હાલમાં જે યુવતીને જોઈ એ ખરેખર નિત્યા જ હશે….

અખિલેશનાં મનમાં એ બાબત તો એકદમ સ્પષ્ટ જ હતી કે ઊટીમાં પોતે જેને પ્રેમ કરી બેસેલ હતો તે શ્રેયા વાસ્તવમાં તો નિત્યા જ હતી, અને નિત્યાંએ અખિલેશને પોતાનું નામ શ્રેયા જણાવેલ હતું...જે તેને સમય જતાં ખ્યાલ આવી ગયો હતો… આમ શ્રેયાં અને નિત્યા બંને એક જ હતાં…..અખિલેશે જ્યારે શ્રેયાને પહેલીવાર ટોય ટ્રેનમાં જોઈ હતી, ત્યારે તેની સુંદરતાથી અખિલેશ પુરેપૂરો અંજાય ગયો હતો, અને તેનાં હૃદયમાંથી પ્રેમ રૂપી ઝરણું ફૂટી નીકળ્યું હતું….એકદમ તેવી જ લાગણી અખિલેશ હાલમાં અનુભવી રહ્યો હતો….તે યુવતીને જોઈને અખિલેશનાં મનમાં એક પ્રકારની ખુશી વ્યાપી ગઈ હતી, એ યુવતીએ પણ અખિલેશને જોઈને જાણે તેણે અખિલેશને વર્ષો બાદ મળી હોય તેવી સ્માઈલ આપી….આથી અખિલેશ દોડીને તે યુવતીની પાસે જઈને ઉભો રહે છે.

અખિલેશને પોતાની પાસે આવી રીતે ઉભેલો જોઈને પેલી યુવતીના ચહેરા પર પણ એક અલગ પ્રકારની ખુશીઓ તરવરી હતી. જાણે બે પ્રેમી પંખીડાં એકબીજાથી છુટ્ટા પડ્યા હોય અને વર્ષોબાદ બનેવ એકબીજાને મળે ત્યારે તે બનેવ પ્રેમી પંખીડાની જેવી હાલત હોય તેવી જ હાલત હાલમાં તે યુવતી અને અખિલેશની હતી. પેલી યુવતીએ અખિલેશ તરફ એક સ્માઈલ આપી, અને પ્રેમથી તરબોળ થઈને જોયું આથી અખિલેશને હવે પાક્કો વિશ્વાસ આવી ગયો હતો કે તે યુવતી બીજું કોઈ નહીં, પરંતુ નિત્યા (શ્રેયા) જ છે.

બનેવ માંથી એકપણ વ્યક્તિ બોલવાની હિંમત કરી રહયાં ના હતાં, બસ માત્રને માત્ર આંખોમાં આંસુ સાથે એકબીજાને પ્રેમપૂર્વક નિહાળી રહ્યાં હતાં, આ બનેવને જોતાં એવું લાગી રહ્યું હતું કે જાણે એ બંનેનાં મોઢાની જગ્યા આંખોએ લઈ લીધેલ હોય, તેમ એકબીજા સાથે જાણે આંખોમાં આંખ પરોવીને વાતો કરી રહ્યાં હોય તેવું લાગી રહ્યું હતું…

"શ્રેયા (નિત્યાં) ! તું અને અહીં મુંબઈમાં ? અંતે તે મને આપેલ વચન તે પાળ્યું જ એમ ને…?" - અખિલેશ હર્ષ સાથે બોલ્યો.

"શ્રેયા….?" - પેલી યુવતી વિસ્મયતા સાથે બોલી.

"હા ! શ્રેયા….!" - અખિલેશ ઉત્સાહપૂર્વક બોલે છે.

"કોણ….શ્રેયાં….અખિલેશ…?" - પેલી યુવતી જાણે પળવારમાં પોતાની ખુશી નષ્ટ થઈ રહી હોય તેવી રીતે દુઃખ કે આઘાત સાથે બોલી.

"અરે ! યાર...તું શ્રેયા….મારી શ્રેયા કે જેને હું મારી જાત કરતાં પણ વધારે પ્રેમ કરું છું." - અખિલેશ પેલી યુવતીની સામે જોઈને બોલે છે.

"મને કંઈ સમજાયું નહીં…?" - પેલી યુવતી આઘાત સાથે બોલે છે.

"અરે ! શ્રેયા તું ભૂલી ગઈ...કે તે ઊટી ડિસ્ટ્રીકટ કોર્ટમાં બધાની હાજરીમાં મને કહ્યું હતું કે, " તને જે યુવતી પ્રેમ કરતી હતી કે કરશે...એને તું સાચો પ્રેમ કરીશ એમાં હું હરહંમેશ ખુશ રહીશ….અને તે મને એ પણ જણાવ્યું હતું કે તું મારા ઘરે દીકરીનો જન્મ લઈને આવીશ અને નાનપણથી જ મારો પ્રેમ મેળવવાની હકદાર બનીશ….પરંતુ તે એવી પરિસ્થિતિ જ ના આવવાં દીધી...તું આખરે મને શ્રેયાના જ સ્વરૂપે ફરી મળી ગઈ…...જે તું મને કેટલી હદ સુધી પ્રેમ કરે છો, તે દર્શાવે છે…!" - અખિલેશ શ્રેયાને કંઈક યાદ કરાવવા માંગતો હોય તેવી રીતે બોલ્યો.

"પણ….?" - પેલી યુવતી મૂંઝવણ ભરેલાં અવાજે અને આંખોમાં આંસુ સાથે બોલી.

"પણ….પણ….શું ? શ્રેયા..?" - અખિલેશે આતુરતાપૂર્વક પૂછ્યું.

"અખિલેશ...પરંતુ હું શ્રેયા નથી, હું બીજી જ કોઈ યુવતી છું, અને શ્રેયા નામની કોઈ વ્યક્તિને હું ઓળખતી જ નથી…!" - પેલી યુવતીએ સ્પષ્ટતા કરતાં અખિલેશને જણાવ્યું.

આ સાંભળી અખિલેશ એકદમ હતાશા અનુભવવા લાગ્યો, જાણે ભગવાન કે કુદરત પોતાની સાથે કોઈ રમત રમી રહ્યાં હોય તેવું અખિલેશને લાગી રહ્યું હતું….પેલી યુવતી દ્વારા બોલાયેલાં દરેક શબ્દો અખિલેશનાં હૃદયમાંથી વેદનાં સાથે પસાર થઈ રહ્યાં હતાં. અખિલેશને અંતે ખ્યાલ આવી ગયો કે પોતે જેને શ્રેયા સમજી બેઠો છે તે હકીકતમાં શ્રેયા નહીં પરંતુ બીજુ જ કોઈ હતું, આથી અખિલેશનું મન વિચારોનાં વંટોળે ચડે છે...આ યુવતી જો શ્રેયા નથી...તો કોણ હશે…? શાં માટે આ યુવતી એકદમ શ્રેયા જેવી જ દેખાય રહી હતી….? શાં માટે મારો અવાજ સાંભળીને તે યુવતીની આંખોમાં ચમક આવી ગઈ હતી….? શાં માટે તે યુવતીને જોયા પછી આપણાં જ કોઈ અંગત વ્યક્તિને મળ્યાં હોય તેવું મને લાગી રહ્યું હતું…? આમ અખિલેશનાં મનમાં ઘણાબધાં પ્રશ્નો ઉદ્દભવેલા હતાં, જેનાં જવાબ માત્ર એક જ વ્યક્તિ આપી શકે તેમ હતી...એ વ્યક્તિ હતી અખિલેશની સામે ઉભેલી પેલી યુવતી….એવામાં અખિલેશને એકાએક કંઈક ચમકારો થયો હોય તેવી રીતે પેલી યુવતીની સામે જોઇને બોલ્યો.

"એક...મિનિટ ! ચાલ હું માની લવ કે તું શ્રેયા નહીં પરંતુ બિલકુલ શ્રેયા જેવો જ આબેહૂબ ચહેરો ધરાવતી અન્ય કોઈ જ યુવતી હોઇશ….પણ તને એ કેવી રીતે ખ્યાલ આવ્યો કે મારું નામ "અખિલેશ" છે…?" - અખિલેશ પોતાનાં મનમાં રહેલ મૂંઝવણનાં નિરાકરણ માટે પેલી યુવતીને પૂછ્યું.

"હા ! અખિલેશ ! તારું નામ અખિલેશ છે એતો મને ઘણાં સમયથી ખબર છે, અને હું તને અને તારા વિશે પણ બધું જ જાણું છું…!" - પેલી યુવતી અખિલેશની આંખોમાં આંખ પોરવીને બોલી.

"એ કેવી રીતે શક્ય બને….હમણાં જ તે મને જણાવ્યું કે તું શ્રેયા નથી….જો કદાચ તું શ્રેયા હોત અને મારું નામ જાણતી હોત તો મને એમાં કોઈ નવાઈ લાગી ન હોત, પરંતુ તે મને હમણાં જણાવ્યું કે તું શ્રેયા વિશે તો કંઈજ જણાતી જ નથી…!" - અખિલેશે વધુ મૂંઝવણ અનુભવતા પેલી યુવતીને પૂછ્યું.

"હા ! અખિલેશ ! હું શ્રેયાને કે શ્રેયા વિશે બિલકુલ કંઈ જ જાણતી જ નથી...બની શકે કે શ્રેયાં તારો વર્તમાન હોય, પરંતુ જેવી રીતે દરેક વ્યક્તિનો કોઈને કોઈ ભૂતકાળ હોય તેવી જ રીતે હું તારો ભૂતકાળ જ છું….!" - પેલી યુવતી જાણે એકદમ મેચ્યોર હોય તેવી રીતે બોલી.

"મારો ! ભૂતકાળ….???" - અખિલેશે એકાએક પૂછ્યું.

"હા ! અખિલેશ હું તારો જ ભૂતકાળ છું, અને તું મારો પહેલો પ્રેમ કે જેની મેં આ આખી દુનિયામાંથી પહેલી પસંદગી કરી હતી, હાલમાં પણ મારા હૃદયમાં તારા પ્રત્યે એટલો જ પ્રેમ છે, જેટલો આજથી વર્ષો પહેલા હતો, હું તારો કદાચ આપણો એ જ અધુરો પ્રેમ છું, કે જે પ્રેમ અધુરો રહી ગયો હતો…!" - પેલી યુવતી કોયડાઓ જણાવી રહી હોય તેમ બોલી.

આ સાંભળીને અખિલેશે થોડીજ મિનિટોમાં પોતાનાં ભૂતકાળમાં એક લટાર મારી, અને બધું યાદ કરવાં લાગ્યો, પરંતુ તેને કંઈ ખાસ યાદ આવ્યું નહીં.

"મને કંઈ યાદ નથી આવી રહ્યું…!" - અખિલેશ પોતાનો ભૂતકાળ ફંગોળીને બોલ્યો.

"હશે...અખિલેશ ! હવે મારું સ્થાન તારી યાદોમાં પણ ના રહ્યું હોય એવું પણ બની શકે….કદાચ એ સ્વાભાવિક પણ હશે..પરંતુ હું હજુસુધી તારી યાદોનાં જ સહારે દિવસો, અઠવાડિયા, મહિના અને વર્ષો વિતાવી રહી છું, અને એમાં પણ કોલેજના વેલકમ અને ફેરવેલ પાર્ટીના સેલિબ્રેશન બાદ તારી સાથે કરેલ એ થ્રિલ ભરેલ લોન્ગ ડ્રાઈવ….!" - પેલી યુવતી બોલી.

"એક...મિનિટ..! ઓહ માય ગોડ...તું કયાંક વિશ્વા તો નથી ને…!" - અખિલેશનાં મગજમાં એકાએક ચમકારો થયો હોય, તેમ પેલી યુવતીને અધવચ્ચે જ અટકાવતાં પૂછ્યું.

"હાશ….! અખિલેશ એટલીસ્ટ તને મારું નામ તો યાદ છે…!" - આંખોમાં ખુશીનાં આંસુ સાથે વિશ્વા બોલી.

આટલું બોલતાની સાથે જ જાણે બે યુવા હૈયાઓ પ્રેમ રૂપી સાગરમાં ભળવા માટેની વર્ષોથી રાહ જોઈ રહ્યાં હોય, તેવી રીતે અખિલેશ અને વિશ્વા આંખોમાં આંસુ સાથે એકબીજાને વળગી ગયાં. જાણે બંને આ દુનિયાથી વિમુક્ત થઈ ગયા હોય તેમ કોઈપણ પ્રકારની રોકટોક કે વિચાર કર્યા વગર જ ઘણી મિનિટો સુધી રોડની કિનારીએ જ ઉભા રહીને એકબીજાને ઘણો સમય વળગી રહ્યાં.


શું તે યુવતી ખરેખર વિશ્વા જ હશે…? જો તે યુવતી વિશ્વા જ હોય તો પછી તેનો ચહેરો શાં માટે બદલી ગયો…? એવું તો વિશ્વા સાથે શું ઘટયું હશે કે જેથી તેનો ચહેરો શ્રેયા કે નિત્યાં જેવો બની ગયો….? વિશ્વાનાં આ બદલાયેલા ચહેરા પાછળ શું કહાની કે રહસ્ય જોડાયેલ હશે…? - આવા વગેરે પ્રશ્નોનો અખિલેશને હજુ સામનો કરવાનો હતો.



ક્રમશ :

મિત્રો, જો તમે આ નવલકથાનો આગળનો ભાગ વાંચવા માંગતા હોવ, તો નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો…..જેથી કરીને મને આ નવલકથાનો આગળનો ભાગ અપલોડ કરવા માટે પ્રોત્સાહન મળી રહે…..અને આ નવલકથા માટેના રીવ્યુ પણ તમે જણાવી શકો છો.

મકવાણા રાહુલ.એચ
મોબાઈલ નં - 9727868303
મેઈલ આઈડી - rahulmakwana29790@gmail.com