Sankhyarekha in Gujarati Philosophy by Kamlesh K Joshi books and stories PDF | અંગત ડાયરી - સંખ્યારેખા

અંગત ડાયરી - સંખ્યારેખા

અંગત ડાયરી
============
શીર્ષક : સંખ્યા રેખા અને લીંબુ ચમચી
લેખક : કમલેશ જોષી
ઓલ ઈઝ વેલ

ગણિતમાં એક સંખ્યારેખા ભણવામાં આવતી. બંને બાજુ તીર વાળી એક લીટી પર વચ્ચે શૂન્ય લખી જમણી તરફ ૧,૨,૩.. અને ડાબી તરફ -૧,-૨,-૩ લખવામાં આવે. અમારા સાહેબે પહેલી વખત આ ઋણ સંખ્યાઓ સમજાવી ત્યારે તો અમારા મગજમાં એ ઉતરી પણ નહોતી. મારા મિત્રના દાદાજીને જયારે અમે કહ્યું કે પાંચમાંથી પચ્ચીસ બાદ કરો તો કેટલા બાકી રહે? તો દાદાજી ગુસ્સે ભરાયા હતા. કદી પાંચમાંથી પચ્ચીસ બાદ થાય ખરા? જીવનમાં કદી કોઈ પાસે એક પૈસો ઉધાર ન લેનાર એ દાદાજી માની જ ના શક્યા કે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ થઇ શકે, ઋણ સંખ્યાનું અસ્તિત્વ છે. સંખ્યારેખા મુજબ તો એવુંયે બને કે ૨૫ કરતા ૧ મોટો હોય, શરત એટલી કે ૨૫ની આગળ માયનસ (-)ની નિશાની હોવી જોઈએ.

કેવડી મોટી ફિલોસોફી? આજે સમાજમાં એવા કેટલાય મોટા માણસો ફરે છે, જે વાસ્તવમાં ખાલીખમ છે. એ લોકો પોતાની પાસેનો મોટો આંકડો જોઇને, મોટું પદ જોઇને, ગાડી અને બંગલા જોઇને પોતાને સફળ, સાચા અને જીવનનો મર્મ જાણી ગયેલા માને છે. સત્ય પર પરદો પાડીને, ભોળા માણસને છેતરીને, કશુંક છુપાવીને, કશુંક ઊંધુંચત્તું કરીને જયારે સફળતાના એક-એક ડગલા ભરવામાં આવે છે, ત્યારે વાસ્તવમાં પેલી ગણિતની સંખ્યારેખાના શૂન્યથી ડાબી તરફ એ આગળ વધતો હોય છે. આંકડા એક પછી એક મોટા જ આવતા હોય છે પણ વાસ્તવમાં એ નાનો થતો જતો હોય છે. -૧ કરતા -૫ વાસ્તવમાં નાની સંખ્યા છે, પણ આગળ લાગેલી ઋણની નિશાની ન સમજી શકનારને એક કરતા પાંચ મોટો જ લાગવાનો. કોઈ સમજુ, સંત એ માઈનસમાં પ્રગતિ કરતા ધનાઢ્ય કે સત્તાધારીને સાચું ગણિત સમજાવવા પ્રયત્ન કરે તો પણ એ ગણિત પેલો સમજતો નથી અથવા સમજવા માંગતો નથી. સાચું સમજાવનારને ‘તમને ન ખબર પડે’ કે ‘તમે સમજતા નથી’ કે ‘તમે પ્રેક્ટીકલ નથી’ કે ‘તમને આ વસ્તુ સમજતા હજુ બસો વરસ લાગશે’ એવા વાક્યો સાંભળવાની તૈયારી રાખવાની રહે છે.

નાનપણમાં અમને સ્કૂલમાં લીંબુ ચમચીની રમત રમાડતા. મોમાં ચમચી રાખી, ચમચી પર લીંબુ રાખી ફિનિશ લાઈન તરફ દોડવાનું. જે પહેલો પહોંચે એ વિનર, પણ હા, દોડતી વખતે લીંબુ રસ્તામાં પડી જવું જોઈએ નહિ. એક સંતે સમજાવેલું. આ લીબું એટલે સત્ય અને ઈમાનદારી. તમે પહોંચો ફિનિશીંગ લાઈન સુધી એ અગત્યનું નથી, ચમચી પહોંચે એ પણ નહિ, તમે, ચમચી અને લીંબુ ત્રણેય સાથે હોવું જોઈએ. સમાજમાં ઘણા લોકો ફિનિશીંગ લાઈન સુધી પહોંચી ગયા છે, પણ એમને વિજેતા ઘોષિત કરાયા નથી. એમના અંતરમાં સંતોષ નથી, બેચેની છે.. કેમ કે દોડતી વખતે વધુ ઝડપ પકડવામાં એમનાથી લીંબુ ક્યારે પડી ગયું એ એમના ધ્યાન બહાર જતું રહ્યું છે.

રોજ રાત્રે બાર વાગ્યે તમે નિંદરમાં હો છો ત્યારે, જેમ મોબાઈલમાં દોઢ જી.બી. ડેટા નવો નક્કોર આપવામાં આવે છે એમ તમને જીવનને નવી દોઢ જી.બી. ચેતના, ઊર્જાનું રિચાર્જ આપવામાં આવે છે. કોઈ કામઢો મોબાઈલ યુઝર દોઢ જીબી ડેટાનો ઉપયોગ ઓફિસના કામોમાં ખર્ચે છે તો કોઈ નવરો બેઠો યુટ્યુબમાં વિડીયો જોયા કરે છે, કોઈ હજુ બાળકની જેમ ટોમ એન્ડ જેરીમાં પડયો છે તો કોઈ સંતો મહંતોના ઉપદેશો સાંભળી રહ્યો છે, કો’ક એવાય છે કે એ કશું કરતા જ નથી, ડેટા અનયુઝડ એક્સ્પાયર થઇ જાય છે. ભીતરી ઊર્જાનું પણ એવું જ છે. કૃષ્ણ કનૈયો દરરોજ નવી ઊર્જાથી આપણને રિચાર્જ કરે છે. શરીરના મોબાઈલમાં અનેક એપ છે – સાત્વિક, રાજસી અને તામસી. કઈ એપ આજે તમે વધુ વખત માણવા ઈચ્છો છો એ તમારા હાથમાં છે. કૈંક એવું કરો કે જીવનની સંખ્યારેખા પર જમણી તરફ, ધન સંખ્યા તરફ આગળ વધાય. એવું કરવા જતા જો તમારો પદ, પ્રતિષ્ઠા કે પૈસાનો આંકડો નાનો થતો દેખાય તો ગભરાતા નહી, યાદ રાખજો -૨૫ કરતા -૨૨ નાનો નથી મોટો છે, અને ઝીરો આ બંનેથી મોટો છે. લીંબુ ચમચીની રેસમાં લીંબુ એટલે કે સમજદારી-જવાબદારી-ઈમાનદારીથી જીવતા તમે કદાચ બીજાઓથી પાછળ રહી ગયા હશો તોયે જો લીંબુ સહિત ફિનિશીંગ લાઈન ક્રોસ કરશો તો વિજેતા તમે જ છો.

શ્રાદ્ધના દિવસોમાં હું સમાજના એ તમામ સ્વર્ગસ્થ જીવાત્માઓને શ્રદ્ધા પૂર્વક નમન કરું છું જેમણે ભાઈઓ-બહેનોની, દીકરા-દીકરીઓની જવાબદારી નિભાવવામાં, સમાજના આદર્શો-મૂલ્યોને જાળવવામાં આખું જીવન ખર્ચી નાખ્યું અને ફિનિશીંગ લાઈન સફળતા પૂર્વક ક્રોસ કરી ગયા.

મિત્રો, અંગત સલાહ એવી છે કે, આપણી આસપાસના લીંબુ સાથે દોડતા સ્પર્ધકને, પછી એ વડીલ હોય, યુવાન હોય કે બાળક હોય, તેને ‘બક અપ’ કરવા કે ‘પ્રોત્સાહિત’ કરવાની ખૂબ જરૂર છે. એનું લીંબુ પડી જાય એ પહેલા આપણે એને મળવા પહોંચી જઈએ તો કેવું? શું આ રીતે પણ શ્રાદ્ધ થઇ શકે ખરું?

ઓલ ધિ બેસ્ટ....
(મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હો...!)

Rate & Review

Kamlesh K Joshi

Kamlesh K Joshi Matrubharti Verified 4 years ago

Chetna Bhatt

Chetna Bhatt 1 year ago

Viral

Viral 2 years ago

Hetal Togadiya

Hetal Togadiya 3 years ago

nita

nita 3 years ago