Ardh Asatya - 12 books and stories free download online pdf in Gujarati

અર્ધ અસત્ય. - 12

અર્ધ અસત્ય.

પ્રકરણ-૧૨

પ્રવિણ પીઠડીયા

અનંતસિંહનો પ્રસ્તાવ અભયે સ્વીકાર્યો હતો અને પૃથ્વીસિંહના ભુતકાળ વિશે જાણવાની ઉત્કંષ્ઠા દર્શાવી હતી.

“આપણે એક કામ કરીએ, મારી હવેલીએ જઈએ અને ત્યાં બેઠક જમાવીએ. અહીં મોટાબાપુ ક્યારે નીચે આવે એ નક્કી નહી. વળી એમને હમણાં આ વાતથી અવગત નથી કરવાં. પહેલા તું તારી રીતે તપાસ આરંભ કર પછી એમને જાણ થાય તો બહેતર રહેશે. તારું શું માનવું છે?”

“એ બરાબર રહેશે. શરૂઆતમાં જેટલા ઓછા લોકોને ખબર પડે એટલું સારું. ભવિષ્યમાં આ મામલામાં જો કોઇ “મીસફાયર” થાય તો કવર કરવામાં આસાની રહે.” અભયને અનંતનો સુઝાવ યોગ્ય લાગ્યો.

“ઓ.કે. ચાલ ત્યારે.” અનંતસિંહે અભયને કહ્યું અને ઉભા થયા. પછી ત્યાં હાજર એક નોકરને સંબોઘતા બોલ્યાં. “મનસુખ, તું બાજુની હવેલીમાં ચા અને નાસ્તાની વ્યવસ્થા કરાવ અને મોટા બાપુ જાગે તો કહેજે કે હું ત્યાં છું.”

“જી માલીક, આપ પહોંચો ત્યાં સુધીમાં વ્યવસ્થા થઇ જશે.”

“ઠીક છે.” અને તેઓ બાજુની હવેલી તરફ રવાના થયાં.

@@@

“મેડમ એક મિનિટ..” બંસરીની પાછળથી અવાજ આવ્યો અને બંસરીની ધડકનો જાણે ત્યાં જ અટકી ગઇ. “ઠાર માર્યા, જરૂર રઘુભાને શક પડયો લાગે છે.” ઘડીકમાં તો તેને કેટલાય અમંગળ વિચારો આવી ગયા. ઉભા રહેવું કે પછી સાદ સાંભળ્યો જ નથી એમ વર્તીને ચાલતાં રહેવું એ નિર્ણય લેવામાં તે અટવાઇ ગઇ. એ દરમ્યાન પાછળથી સાદ દેનારો સુરો ઝડપથી ચાલતો તેની નજીક આવી પહોંચ્યો હતો એટલે ના-છૂટકે બંસરીએ ઉભું રહી જવું પડયું હતું.

“મેડમ, તમારે સત્ય હકીકત જાણવી હોય તો સાંજે સાત વાગ્યે હોટલ “બ્રિજવાસી”માં પહોંચી જજો.” બાજુમાંથી સડસડાટ પસાર થતાં સુરો એકદમ ધીમા અવાજે, માત્ર બંસરીને સંભળાય એમ બોલતો ગયો અને રોડનાં કિનારે પડેલી એક ટ્રકની પાછળ અંતર્ધાન થઇ ગયો.

બંસરીને તો જાણે સાપ સુંઘી ગયો હોય એમ સ્તબ્ધ બની ગઇ હતી. પાછળથી તેના નામનો સાદ સાંભળીને પહેલાં તો તેના જીગરમાં ઘ્રાસ્કો પડયો હતો કે રઘુભા જરૂર તેની અસલીયત જાણી ગયો છે એટલે તેણે પેલા આદમીને તેની પાછળ મોકલ્યો છે, પરંતુ સુરા નામનો એ શખ્સ તો કંઇક અલગ જ મકસદથી આવ્યો હતો અને રહસ્યમય રીતે કંઇક બબડતો તેની નજીકથી પસાર થઇને ચાલ્યો ગયો હતો. શું બોલ્યો હતો એ! બંસરી તેના શબ્દો યાદ કરવામાં પરોવાઇ. યસ્સ, સત્ય હકીકત જાણવી હોય તો “બ્રિજવાસી”માં સાંજે પહોંચી જવું. એ મતલબનું જ કંઇક એ બોલ્યો હતો. પણ, એવું તેણે શું કામ કહ્યું હશે? શું એ મારી મદદ કરવા માંગતો હતો? કે પછી આ કોઇ રઘુભાની ચાલ હશે? ભારે મુંઝવણથી બંસરીનું માથું ભમી ગયું. તેને સમજાતું નહોતું કે આવી પરિસ્થિતિમાં શું નિર્ણય લેવો જોઇએ. ભાઇને વાત કરું? નહીં... તેણે એક વિશ્વાસથી આ કેસ મને સોંપ્યો છે તો શક્ય બને ત્યાં સુધી મારે તેને આમાં સંડોવવો જોઇએ નહી. બંસરીએ એ વિચાર તુરંત મનમાંથી ખંખેરી નાંખ્યો. તો શું કરવું જોઇએ? એક વાત બરાબર તે સમજતી હતી કે સૌથી પહેલા તો આ માહોલમાંથી, આ જગ્યાએથી તેણે દુર ચાલ્યાં જવું જોઇએ. અહીં વધુ સમય રોકાવાથી કોઇનાં પણ મનમાં સંદેહ ઉદભવી શકે. સામે જ તેનું એકટીવા પાર્ક કરેલું દેખાતું હતું. ઝડપથી ચાલતાં તે એકટીવા નજીક પહોંચી અને એટલી જ ઝડપથી તેણે એ જગ્યા છોડી દીધી હતી.

@@@

“મારા દાદા પૃથ્વીસિંહનો જન્મ ૧૯૪૦માં થયો હતો. એમનાં પિતાજી, એટલે કે ઠાકોર વિક્રમસિંહના તેઓ એકનાંએક વારસ હતાં. પૃથ્વીસિંહના જન્મ બાદ તેમને બીજું કોઇ સંતાન થયું નહોતું. અમારા ઠાકોર ખાનદાનમાં પેઢી દર પેઢીથી મોટેભાગે આવું જ ચાલતું આવ્યું છે એવું મેં સાંભળ્યું છે. એક રાજાને સંતાનમાં એક જ વારસદાર હોય એવું ભાગ્યે જ બને, પરંતુ ઠાકોર ખાનદાનમાં તો આ સામાન્ય હતું અને અમારા વડવાઓએ એ સ્વીકારી પણ લીધું હતું.” અનંતસિંહે પોતાની વાત કહેવી શરૂ કરી હતી. તે અને અભય થોડીવાર પહેલા જ વિષ્ણુસિંહજીની હવેલીએથી નીકળીને તેમની હવેલીએ આવ્યાં હતા. બહાર વરસાદનું જોર ઘટવાનાં બદલે સતત વધતું જતું હતું. એવું જણાતું હતું કે સમગ્ર સિઝનનો વરસાદ જાણે આજે જ ખાબકી જશે. વિજળીના કડાકા-ભડાકા અને ધોધમાર વરસતા પાણીનો અહર્નિશ આવતો અવાજ અહીંની ઠંડકભરી શાંતીમાં ભળીને ગજબનાક માહોલ રચતા હતા. એવા સમયે અનંતસિંહે પોતાના ઠાકોર ખાનદાનની કહાની કહેવી શરૂ કરી હતી. સાથોસાથ ચા-નાસ્તાને પણ ન્યાય અપાઇ રહ્યો હતો. અભય એકધ્યાન બનીને અનંતની વાત સાંભળતો હતો. તેને આ વાત થોડી વિચિત્ર જરૂર લાગી છતા અનંતની લીંક ન તૂટે એટલા માટે તે ખામોશ રહ્યો. જોકે મનોમન આ બાબતની નોંધ તેણે લીધી હતી.

“એ શિરસ્તો કે એ પેટર્ન મારા દાદા પૃથ્વીસિંહના લગ્ન પછી તૂટી હતી. પૃથ્વીસિંહના લગ્ન ઓગણીસ વર્ષની ઉંમરે થઇ ગયા હતા અને ત્રેવીસ વર્ષમાં તો તેઓ પાંચ-પાંચ બાળકોના પિતા બની ગયા હતા.” આટલું બોલીને અનંતસિંહ અટકયા અને તેમણે અભય સામું એવી રીતે જોયું જાણે પુંછવા માંગતા હોય કે આ વાત સાંભળીને તને આશ્વર્ય ન ઉદભવ્યુ? અને... અભયને ખરેખર તાજ્જૂબી ઉદભવી પણ હતી. લગ્ન પછીના ચાર વર્ષમાં પાંચ બાળકો કેવી રીતે અવતરી શકે! વિચિત્રતાઓથી ભરેલા આ સંસારમાં કશું જ અશક્ય નથી એ અભય સારી રીતે સમજતો હતો છતાં આ વાત ઝટ તેના ગળા નીચે ઉતરી નહી.

“આટલી નાની ઉંમરમાં પાંચ-પાંચ બાળકો! અને એ પણ ચાર વર્ષનાં ટૂંકા સમયગાળામાં! સ્ટ્રેન્જ. ઓગણીશમાં વર્ષે લગ્ન અને ચોવીસમાં વર્ષે પાંચ બાળકોના પિતા, હાઉ ઇસ પોસીબલ? ખોટુ ન લગાડતો પણ મારી જીજ્ઞાસાવૃત્તિ મને આ પૂછવાં મજબુર કરી રહી છે.” અભય બોલ્યો. આ પ્રશ્નની જ જાણે આતૂરતાથી રાહ જોતા હોય એમ અનંતસિંહના ચહેરા ઉપર હળવી મુસ્કુરાહટ પ્રસરી.

“પૃથ્વીસિંહના લગ્ન થયા તેના એક વર્ષ પછી ઠાકોર વિષ્ણુસિંહનો, એટલે કે મારા મોટા બાપુનો જન્મ થયો. એ સાલ હતી ૧૯૬૦. ત્યારબાદ ૧૯૬૨માં બીજા બે મોટા બાપુ, એટલે કે મયુરસિંહ અને દિલિપસિંહનો જન્મ થયો હતો. તેઓ જોડિયા બાળક તરીકે જનમ્યાં હતા. અને એ પછી ૧૯૬૪માં મારા પિતા ભૈરવસિંહ અને ફોઇ વૈદૈહીસિંહનો જન્મ થયો હતો. તને વિશ્વાસ નહિં આવે પરંતુ એ બન્ને પણ જોડિયા હતા.” જાણે કોઇ ગહેરી રહસ્યમય ઘટનાનો ખુલાસો કરતા હોય એવા હાવભાવ અનંતસિંહના ચહેરા ઉપર હતા. આ વાત તેઓ સામાન્ય લહેજામાં પણ વર્ણવી શકયા હોત, પરંતુ તો અભયના ચહેરા ઉપર જે આઘાત, જે વિસ્મય ઉમડયું હતું એ જોવા ન મળત. અને અનંતસિંહ ઇચ્છતા હતા કે અભયને દરેક વાતમાં વિસ્મય ઉપજે. દાદાના જીવનમાં ઘટેલી એક-એક ઘટના વિશે તે વિચારતો થાય, તો જ તે વધું શિદ્દતથી દાદાના કેસનું ઈન્વેસ્ટિગેશન કરશે. જ્યાં પ્રશ્ન ન હોય, જ્યાં પડકાર ન હોય, ત્યાં માનવી વધું મહેનત કરવા પ્રેરાતો નથી એવો અનંતસિંહનો મત હતો એટલે બને તેટલી સરપ્રદ રીતે તે ઘટનાઓને વર્ણવી રહ્યો હતો.

સામા પક્ષે અભયને ખરેખર અપાર આશ્વર્ય થયું હતું. જે કુટુંબમાં પેઢીઓથી એક જ વારસદાર જન્મતો હોય ત્યાં આવું બનવું સાહજીક તો નહોતું જ.

“પછી?” પોતાની જીજ્ઞાસાને મહા-મહેનતે વશમાં રાખતા અભયે પૂછયું. સમગ્ર હકીકત જાણ્યાં વગર તે અનંતસિંહને ટોકવા માંગતો નહોતો.

“પછીની કહાનીમાં ઘણી સરળતા છે. કોઇ જ ટ્વીસ્ટ એન્ડ ટર્ન નથી. વિષ્ણુસિંહજી બાપુ મોટા થયા એટલે તેમનાં લગ્ન લેવાયા. ત્યારબાદ મયુરસિંહજી અને દિલિપસિંહજી બાપુના લગ્ન થયા. તેના બે વર્ષ બાદ મારા પિતાજીના લગ્ન થયા જ્યારે કોઇક કારણોસર મારી ફોઇ વૈદેહીસિંહે લગ્ન જ ન કર્યા. હાં, એ બાબતનું આશ્વર્ય જરૂર છે પરંતુ એ તેમનો અંગત નિર્ણય હતો કે તેમણે લગ્ન નથી જ કરવા. જોકે ક્યારેય કોઇએ તેમના પર લગ્ન બાબતે દબાણ કર્યું નહોતું અને તેમણે આજીવન કુંવારા રહેવાનું સ્વીકાર્યુ હતું. તેઓ આજે પણ અહીં જ, પાંચમી હવેલી છે તેમાં રહે છે. તને તો એ ખ્યાલ જ હશે.”

“હું ઓળખું છું એમને. આપણે સાથે ભણતા હતા ત્યારે ઘણીવખત અહીં આવ્યો છું. એ સમયે જોયા હતા.” અભયે પાછલો સમયગાળો વાગોળતા કહ્યું. “અચ્છા અનંત, તારા મોટા બાપુજીઓને કેટલા સંતાનો છે?”

“એકપણ નહીં.”અનંતસિંહ બોલ્યા.

સ્તબ્ધ બની ગયો અભય. તેને આ જવાબની અપેક્ષા ન હતી.

(ક્રમશઃ)