Mahekta Thor - 5 books and stories free download online pdf in Gujarati

મહેકતા થોર.. - ૫

ભાગ-૫

(આગળના ભાગમાં આપણે જોયું કે પ્રમોદભાઈ પોતાના ભૂતકાળમાં સરી પડે છે, એ અહીં સુધી કેમ પહોંચ્યા એ જોઈએ...)

પ્રમોદ બપોર પછી લાકડા વેંચવા સ્મશાનની બહાર બેસે ને એની મા બળતણ વેચવા રસ્તા પર. અંધારું થાય એટલે બંને મા દીકરો ઘરે આવી હિસાબ માંડે. કરેલી મહેનત જેટલું તો વળતર મળે એમ જ નહતું પણ હા, બે ટાઇમનું જમવાનું થઈ જતું. જમવાનું ત્રણ ટાઈમ પણ હોય એ તો મા દીકરો ભૂલી જ ગયા હતા.

રોજ પ્રમોદ સ્મશાન પાસે મૃત્યુનો મલાજો જોતો. એના માટે હવે આ બધું સામાન્ય હતું. સર્વ શોક, દુઃખથી એ પર થઈ ગયો હતો. લોકોના ચહેરા પરના ભાવો એ વાંચી લેતો. કોનું સ્વજન હતું ને કોનું પરજન એ ઓળખી લેતો.

એકવખત કોઈના સ્વજનના અંતિમ સંસ્કાર ચાલી રહ્યા હતા. મુખાગ્નિ વખતે ઘોર ભયંકરતા છવાયેલી હતી. હોય પણ કેમ નહિ અઢી વરસના નિસર્ગને છોડી એની મા સ્વર્ગે સિધાવી ગઈ હતી. નિસર્ગ મા ના મૃતદેહને કાલનો વળગ્યો હતો છોડવાનું નામ જ નહતો લેતો. મા ને અગ્નિદાહ આપ્યો ત્યારે નિસર્ગની કારમી ચીસોએ ઉભેલા ડાઘુઓની આંખો ભીની કરી દીધી હતી. નિસર્ગ એક જ વાત બોલતો,

" મારે મા સાથે જાવું છે. " ને માંડ એને માથી નોખો પાડ્યો હતો. કોઈથી એ ચૂપ રહેતો ન હતો. અગ્નિના ભડભડ પ્રકાશ સાથે એની ચીસો વધતી જતી હતી. પ્રમોદ આ બધું બહારથી જોતો હતો. નિસર્ગના કોઈ સ્વજન એને ચૂપ કરવા મથામણ કરતા હતા પણ બધું વ્યર્થ. પ્રમોદ નિસર્ગ પાસે ગયો. એને તેડવા કોશિશ કરી. પેલા સ્વજન પણ થાકી ગયા હતા હવે, તો એણે અજાણ્યા ને મેલાઘેલા છોકરાના હાથમાં નિસર્ગને આપ્યો કે કદાચ એ ચૂપ રહી જાય તો. ને ખબર નહિ શુ ચમત્કાર થયો પ્રમોદના હાથમાં આવતા જ નિસર્ગ ચૂપ થઈ ગયો. પ્રમોદ એની સાથે ગેલ કરવા લાગ્યો. આ બાજુ બધી વિધિ પુરી થઈ એટલે ડાઘુઓ ઘરે જવા નીકળ્યા. નિસર્ગને લેવા એના પિતા આગળ આવ્યા પણ નિસર્ગ પ્રમોદના ખોળામાં લપાઈ ગયો. જયાં એને પ્રમોદથી છુટ્ટો કર્યો, એ જ કારમી ચીસો ફરી શરૂ થઈ.

બધા પ્રયત્નો ફરી આદરવાના ચાલુ થયા, બધું વ્યર્થ, નિસર્ગને જોઈ બધાને લાગ્યું બાળક રડી રડીને અડધું રહેશે. પ્રમોદે ફરી નિસર્ગને તેડ્યો તો ચૂપ થઈ ગયો. પ્રમોદના પિતા બોલ્યા, " છોકરા અત્યારે એને તેડી અમારી સાથે આવીશ.?"
પ્રમોદ કહે," આવું તો ખરો પણ મારા આ લાકડા વેચવાના બાકી છે."
નિસર્ગના પિતાએ લાકડાની કિંમત ચૂકવી દીધી. પ્રમોદે તો હાલતી પકડી. નિસર્ગને ખભે બેસાડી એ તો બધા સાથે ચાલ્યો.

ઘરે પહોંચી આગળની વિધિઓ પતાવવામાં આવી. નિસર્ગની જવાબદારી પ્રમોદ પર હતી. એને પ્રેમથી ગેલ કરતો કરતો પ્રમોદ જમાડી રહ્યો, આખા દિવસના કલ્પાંતને અંતે નિસર્ગ પ્રમોદના ખોળામાં જ સુઈ ગયો. નિસર્ગના પિતા તેડવા ગયા તો નિસર્ગનું આખું શરીર ભઠ્ઠીની જેમ ગરમ. તાબડતોબ શહેરમાંથી ડૉક્ટર બોલાવવામાં આવ્યા. ડૉકટરે કહ્યું, જો વધુ રડશે તો એના માટે ઘાતક સાબિત થશે.

નિસર્ગના પિતાએ પ્રમોદને કહ્યું, જ્યા સુધી અમે અહીં છીએ તું નિસર્ગની સાથે રહેજે. અમે શહેર માટે નીકળી જઈએ પછી તું છુટ્ટો. પ્રમોદને મા સિવાય તો કોઈ હતું નહીં. એ કહે,
"મારી મા ઘરે મારી રાહ જોતી હશે, હું એને જાણ કરી આવું. ને આ પૈસા એને આપવાના છે, ઘરમાં દાણો નથી તો એ શું ખાશે."

નિસર્ગના પિતાએ ખિસ્સામા હાથ નાખી વધુ રૂપિયા આપ્યા ને કહે," જા તું તારી મા ને પણ અહીં લઈ આવ. અમે છીએ ત્યાં સુધી એ પણ ભલે અહીં જ રહે."

પ્રમોદ દોડતો દોડતો મા પાસે ગયો. બધી વાત કરી. જ્યાં રોટલાના સાંસા હોય ત્યાં એ મળતો હોય તો પછી બીજો કોઈ વિચાર ન આવે. મા પણ રાજી થઈ કે થોડા દિવસ તો સવારે ઉઠી શુ ખાવું તેની ચિંતા નથી. ને આ મહેરબાની તો ન હતી. પ્રમોદની એ બાળકની દરકારનું વળતર હતું તો સ્વમાન પણ ગુમાવવાનું હતું નહીં.

મા દીકરો બંને પહોંચી ગયા. નાનકડા નિસર્ગની હાલત જોઈ માનું હૃદય પણ દ્રવી ઉઠ્યું. કુદરત પણ ક્યારેક ખૂબ કઠોર થઈ જાય છે. પોતાનું દુઃખ આ બંને મા દીકરાને નહિવત લાગ્યું. સાતમું કરી નિસર્ગના પિતાજી વિનોદભાઈ શહેર જવા નિકળા. આટલા દિવસોમાં પ્રમોદ ને એની માની દિલની અમીરી એમને સ્પર્શી ગઈ. સંપત્તિમાં અકિંચન હતા પણ ખાનદાની તો એમની પોતાની હતી. નિસર્ગને તો ભુલાઈ જ ગયું હતું કે એણે એની મા ગુમાવી છે. યાદ આવે ને એ રડે એટલે પ્રમોદ ચૂપ કરાવી દે. હવે વિનોદભાઈએ શહેરની વાટ પકડી એટલે નિસર્ગે ફરી રોકકળ ચાલુ કરી. એ હવે પ્રમોદથી અલગ થવા ન હતો માંગતો. બધાને થયું આ તે કેવી મમતા બંધાઈ ગઈ બંને છોકરા વચ્ચે કે નિસર્ગ છોડવા તૈયાર નથી થતો.

વિનોદભાઈએ ઘડીનો પણ વિલંબ કર્યા વગર પ્રમોદની માને બોલાવી ને કહ્યું બહેન જો તમને વાંધો ન હોય તો તમે અમારી સાથે શહેર આવશો આ નિસર્ગને સાચવવાની જવાબદારી તમારી. હું તમને રહેવા, જમવાની બધી વ્યવસ્થા કરી દઈશ. મા વિનાનો મારો દીકરો પ્રમોદ સાથે રહેશે તો હસતા શીખસે.

સમયની કમાન ક્યાંથી ઉપાડી ક્યાં પહોંચાડી દે કોઈને ખબર નથી હોતી. લાકડા વેંચતા આ બંને મા દીકરાને નિયતીએ કયાના ક્યાં પહોંચાડી દીધા. એમણે તો કદી કલ્પના પણ નહતી કરી કે આટલા મોટા શહેરની સફર પણ કરશે. ગુમાવવાનું તો કઈ હતું નહીં. જે કઈ મળે એ નફામાં જ હતું.

આલીશાન મકાનના પાર્કિંગમાં મોટર દાખલ થઈ. પ્રમોદે તો કલ્પનામાં પણ આવા મકાન વિશે વિચારણા નહિ કરી હોય. એને લાગ્યું કે ચમત્કાર હોતો હશે તો આવો જ હશે. વિનોદભાઈને ત્યાં નોકરોની કમી ન હતી. બધા હાજર થયા. શેઠાણી વિનાનું ઘર બધાને ખાવા દોડતું હતું. હવે આ ઘરનું ચેતન એકમાત્ર નિસર્ગ હતો જેને સાચવવા પ્રમોદ ને એની મા ને લવાયા હતા. બંનેને ઘરમાં ખૂબ આદર મળ્યું. ને એ બંનેએ પણ આદરનું માન જાળવી રાખ્યું, જરાય પણ છલકાઈ ન ગયા.

સમય વીતતો ચાલ્યો, પ્રમોદ પોતાની સૂઝબૂઝથી વિનોદભાઈને ધંધામાં મદદ કરવા લાગ્યો, નિસર્ગને પણ એણે સુંદર રીતે કેળવ્યો. હવે તો આ શહેર ભૂલી પણ ગયું હતું કે પ્રમોદ શું હતો એ, કારણ કે એનું વર્તમાન હવે સમૃદ્ધિથી છલકતું હતું. કુમુદગૌરી સાથે લગ્ન કરી પ્રમોદે નવું ઘર વસાવ્યું. મા નો સ્વર્ગવાસ થયો. નિસર્ગને એના ધંધાની કમાન સોંપી પોતે નવો ચીલો ચીતરવા નીકળી પડ્યો, આટલા વર્ષોનો અનુભવ કામ લાગ્યો ને એક પછી એક સફળતાનાં શિખરો સર થતા ગયા.

ગઈ કાલનો પરમોદ પ્રમોદભાઈ થઈ ગયા હતા. ને આજે કેટલી સંપત્તિના જાગીરદાર બની ગયા હતા.

પોતાનો ભૂતકાળ પ્રમોદભાઈની નજર સામે જાણે ભજવાઈ રહ્યો. કુમુદ આવી ત્યારે છેક એમની તંદ્રા તૂટી.

કુમુદ બોલી, "શું વિચારો છો?"
પ્રમોદભાઈ બોલ્યા, " કઈ નહિ મને થાય છે આ વ્યોમને કઈ વધુ જ છૂટછાટ આપી છે મેં. એ વધુ પડતો ઉદ્ધત થઈ ગયો હોય એવું લાગે છે."

કુમુદને પણ લાગ્યું કે પ્રમોદભાઈ સામે અત્યારે દલીલ કરવી નકામી છે. એ પણ આડીઅવળી વાત કરી નિંદ્રાધીન થઈ ગઈ.

આ બાજુ વ્યોમ હોસ્પિટલે પહોંચ્યો. શું કરવું એ તો ખબર હતી નહિ તો આર. એમ. ઓ. પાસે જ પહોંચી ગયો.....

(વ્યોમ સાથે શું થાય છે એ આગળના ભાગમાં જોઈશું...)

© હિના દાસા