Mahekta Thor - 8 books and stories free download online pdf in Gujarati

મહેકતા થોર.. - ૮

ભાગ -૮
(આગળના ભાગમાં આપણે જોયું કે વ્યોમ નવું કારસ્તાન કરે છે, પણ હવે એ સુધરી ગયો હોય એવું લાગે છે, હવે આગળ.....)

"આ વ્યોમ તો સાવ બદલાઈ જ ગયો નહિ."
ધૃતી નિશાંતને આમ કહેતી હતી ત્યાં જ વ્યોમ પહોંચી ગયો. તે બોલ્યો..
"ઓય ચશ્મિશ મારી પીઠ પાછળ શું મારી વાત કરે છે."

ધૃતી બોલી, "તને નથી લાગતું તું હવે સુધરી ગયો હોય એમ, છેલ્લા પંદર દિવસમાં તારી એક પણ ફરિયાદ નથી આવી."

વ્યોમ બોલ્યો, "હા, યાર મને પણ એવું જ લાગે છે આ હું છું જ નહીં. પણ શું કરવું મારો બાપ પણ હવે સાથ આપે એમ નથી. એ તો કે બચી ગયો બાકી મારું ભવિષ્ય બગડી ગયું હતું આ રઘલાવાળી મેટરમાં જ. "

છેલ્લા પંદર દિવસથી વ્યોમ ઘરે ખાલી એક ટાઈમ જમવા જતો, હોસ્પિટલ ને કોલેજ વચ્ચે આમ ધક્કા જ ખાતો હતો. ને રોજ એની ડ્યુટી સરસ રીતે નિભાવતો હતો. સિનિયર્સની મદદ પણ કરતો, ને એનું સોંપેલું કામ પણ કરતો, બધા જ વોર્ડમાં એની ડ્યુટી આવતી. આટલા સમયમાં જેટલું નતો શીખ્યો, એટલું વ્યોમ છેલ્લા પંદર દિવસમાં શીખી ગયો.

આજે વ્યોમની ડ્યુટી બર્ન્સ વોર્ડમાં હતી. કોઈ કેસ આવ્યો ન હતો હજી સુધી. વ્યોમ બર્ન્સ વોર્ડની બહાર બેઠો હતો. થોડી વાર થઈ ત્યાં તો દોડધામ મચી ગઈ. એક બહેનને લઈ આવવામાં આવ્યા. સિત્તેર ટકા જેટલું શરીર દાઝી ગયું હતું. એની સાથે આવેલા લોકો ને ડૉકટરો વચ્ચે માથાકૂટ થતી હતી. શુ હતી એ તો વ્યોમને ખબર ન હતી. પણ વ્યોમે એ બેનને કણસતા જોયા એટલે એને સીધો બર્ન્સ યુનિટમાં લઈ આવ્યો ને પોતે જ સારવાર ચાલુ કરી દીધી. રેસિડન્સ ડૉક્ટર, સિનિયર્સ, આર. એમ. ઓ. બધા ના પાડતા હતા. પણ વ્યોમે કોઈનું ન સાંભળ્યું. ને કઈ પણ જોયા જાણ્યા વગર બેનને એડમિટ કરી દીધા. કમકમાટી છૂટી જાય એ હદે એ બેન રાડો નાખતા હતા. વ્યોમે ઉતાવળે પગલું તો ભરી લીધું પણ એની પાસે વધુ અનુભવ હતો નહિ કે આગળ શું કરવું.

નસીબ જ્યારે વાંકુ હોય ને ત્યારે તમારું ડહાપણ પણ ભૂલમાં પરિવર્તિત થઈ જાય છે. વ્યોમ સાથે પણ એવું જ થયું. વ્યોમે ફરી ખોટું પગલું ભરી લીધું હતું. બધાની ના છતાં દર્દીને અંદર લઈ ગયો હતો. ને એણે કોઈનું કશું સાંભળ્યું પણ નહીં. બિનઅનુભવીની આ તકલીફ હોય એ બધું સારું કરવા ધારે પણ બંને પાસા વિચારી ન શકે ને અંતે પોતે પણ ફસાય ને બીજાને પણ હેરાન કરે.

વ્યોમે સારવાર ચાલુ કરી દીધી. પણ દર્દીને બચાવી શક્યો નહિ. હવે ખરો ખેલ શરૂ થયો. આક્ષેપ પ્રતિ આક્ષેપ ચાલુ થયા. જે બેન મૃત્યુ પામ્યા હતા એના પિયરવાળાએ ફરિયાદ કરી કે દહેજ માટે એમની છોકરીને સળગાવી નાખવામાં આવી હતી, ને ડૉકટરની બેદરકારીને કારણે બેન કઈ બોલે એ પહેલાં જ મૃત્યુ પામ્યા. હવે વ્યોમ ખરો ફસાયો. આખો સ્ટાફ ના પાડતો હતો કે પહેલા પોલીસને બોલાવીએ પછી સારવાર ચાલુ કરીએ, વ્યોમને થયું ત્યાં સુધીમાં દર્દીનો જીવ જતો રહેશે તો એણે ઉતાવળો નિર્ણય લઈ લીધો. એની નાદાની હવે ભારે પડી ગઈ.

હોસ્પિટલમાં ઉહાપોહ ઉપડી ગયો ને સાથે રોકકળ ચાલુ થઈ. વ્યોમ તો ઉગ્ર થઈ સામે બોલવા લાગ્યો, ને સામે પક્ષે ગાલીગલોચ ચાલુ થયું. પોલીસ આવી ત્યારે મામલો થાળે પડ્યો. ફરી વ્યોમ જ ફસાયો, દર્દીના સગાઓએ કહ્યું કે બિનઅનુભવી ડોકટર આમ સારવાર કઈ રીતે કરી શકે, ને સ્ટાફનું કહેવું હતું કે વ્યોમે કોઈનું ન માન્યું ને ઉતાવળે સારવાર ચાલુ કરી દીધી.

હવે છેક વ્યોમને સમજાયું કે એને ઉતાવળ કરી હતી, એણે દિમાગથી વિચારવાની જરૂર હતી. ડૉક્ટર થઈ ગયા એટલે કઈ ભગવાન ન થઈ જવાય, આગળ પાછળનો વિચાર કરી સારવાર આપવાની હોય, પણ હવે તો શું થાય તીર કમાનમાંથી છૂટી ગયું હતું. વ્યોમ પર એક કલંક લાગી ગયું હતું કે એની બેદરકારીને કારણે એક દર્દીએ જીવ ગુમાવ્યો. સુવાસ ફેલાતા સમય લાગે પણ આવી વાત તો વાયુવેગે પ્રસરી જાય. પ્રમોદભાઈના વિરોધીઓ મેદાને પડ્યા, ધંધામાં એમને નહિ પહોંચનાર આ રીતે એમની હિંમત તોડવાના પ્રયત્નો કરવા લાગ્યા. વ્યોમે આખી કુહાડી પર પગ મારી દીધો હતો.

વિઘ્નસંતોષીઓ આગળ આવ્યા. વ્યોમને પોલીસના હાથે સોંપી દેવા જેટલે સુધી વાત આવી ગઈ. જો એમ થાય તો એની બધે નામોશી થાય, હોસ્પિટલનું નામ બદનામ થાય, ને વ્યોમને સસ્પેન્ડ કરવો પડે. એ હવે ભવિષ્યમાં ડોકટર ન બની શકે. પ્રમોદભાઈના હાથમાંથી વાત નીકળી ગઈ હતી. ને આમ પણ હવે એમનો ગુસ્સો હદ પાર કરી ગયો હતો. એને પણ લાગ્યું કે દર્દીનો જીવ વ્યોમને લીધે જ ગયો. ને એકવાર એમણે ચેતવણી આપી હતી કે કોઈનો જીવ લઈ લેવા જેટલી બેદરકારી નહિ કરતો, પણ અહીં તો જીવ ગયો હતો.

દર્દીના સગાંવહાલાં હવે લડી લેવાના મૂડમા હતા. મૂળ એમને મૃત બહેનના સાસરા પાસેથી વળતર લેવું હતું, પણ બહેન કઈ બોલે એ પહેલાં મૃત્યુ પામ્યા તો વળતરનો હવે કોઈ સવાલ ન હતો, તો હવે હોસ્પિટલ કે વ્યોમ પાસેથી વળતર મળશે એમ ધાર્યું, પણ વાત પ્રસરી ગઈ તો હવે પોલીસ કેસ ને બધું થયું તો સમાધાન શક્ય ન હતું. ને છેલ્લે આ બધાનો ભોગ વ્યોમ બન્યો. એનું ભવિષ્ય હવે બગડવાની અણી પર આવી ગયું હતું.

(હવે વ્યોમ સાથે શું થશે આગળ, વધુ વાત આવતા ભાગમાં...)

© હિના દાસા