Mahekta Thor - 10 books and stories free download online pdf in Gujarati

મહેકતા થોર.. - ૧૦

ભાગ -૧૦

(આગળના ભાગમાં આપણે જોયું કે પ્રમોદભાઈ વ્યોમ સામે બે વિકલ્પ મૂકે છે, સોનગઢ જવું કે પછી ડૉક્ટરનું સપનું પડતું મૂકવું. હવે આગળ...)

વ્યોમની વ્યગ્રતા જોઈ કુમુદ પણ રડી પડી. એને હવે લાગ્યું કે વ્યોમ માટે સોનગઢ રહેવું શક્ય જ નથી. ફૂલ જેવો છોકરો કેમ સહન કરી શકશે આટલી અગવડતા. કુમુદ પતિ ને પુત્ર વચ્ચે પીસાતી ચાલી. સ્ત્રીઓ માટે બહુ કપરી પરિસ્થિતિ હોય છે આ. એ પતિને સમજાવી શકતી નથી ને સંતાનોને આમ દુઃખી થતા જોઈ નથી શકતી. ને આ તો કુમુદ હતી, ગૃહલક્ષ્મી. કોઈનો પણ વિરોધ કરવો એ શીખી જ ન હતી. એના માટે બધું જ સ્વીકાર્ય. આ પહેલી વખત હતું કે કુમુદ ને પ્રમોદભાઈના મત અલગ અલગ હતા. બાકી બંને હંમેશા એકબીજાથી સહમત જ હોય. કુમુદ પહેલી વખત લાચારી અનુભવી રહી, એ પતિની વિરુદ્ધ જવા માંગતી ન હતી ને પુત્રપ્રેમ એને બળવો કરવા પ્રેરી રહ્યો હતો. પણ કુમુદની પરવરીશ માતૃપ્રેમ સામે જીતી ગઈ. એ પ્રમોદભાઈની સામે ન થઈ શકી. હવે સમજવાનું વ્યોમને જ હતું.

આખી રાત નિસર્ગ ને કુમુદ વ્યોમને એ જ સમજાવતા હતા કે પ્રમોદભાઈની વાત માની લે. એક વખત ત્યાં જઈ તો આવ પછી પરિસ્થિતિ મુજબ કઈક કરી લઈશું. વ્યોમ કોઈ વાતે હા નહતો પાડતો. નિસર્ગને ફરી થયું કે એ પ્રમોદભાઈ પાસે એક છેલ્લો પ્રયાસ કરી લે. હજી રાત વહી રહી હતી. પ્રમોદભાઈના રૂમની લાઈટ ચાલુ હતી. નિસર્ગ હિંમત કરીને ગયો. નિસર્ગ કઈ બોલે એ પહેલાં જ પ્રમોદભાઈ બોલ્યા,

"નિસર્ગ હું માનું છું કે વ્યોમ સિવાયની વાત કરવા તું આવ્યો હશે ?"

નિસર્ગ બોલ્યો, "મોટાભાઈ, એ તો કેમ બને આજે. વ્યોમ સિવાયની કઈ વાત હોય આ ઘરમાં. તમને યાદ છે મોટાભાઈ એક મા વગરના છોકરાને તમે મા બનીને મોટો કર્યો, જીવતો કર્યો હતો. મા ના ગયા પછી મારી હાલત તમને તો ખબર છે ને. ને એ જ મારા મોટાભાઈ આજે એક મા થી એના દીકરાને દૂર કરી રહ્યા છે. આ વાત મારા ગળે કેમ ઉતરે.? "

પ્રમોદભાઈ બોલ્યા,

" નિસર્ગ તને શું લાગે છે, મારા માટે આ બધું કરવું સહેલું છે, આજે આપણે વચ્ચે ન પડ્યા હોત તો દર્દીના સગાઓ વ્યોમ સાથે શું નું શું કરી નાખત. વ્યોમ હજી પણ નથી સમજતો એની જવાબદારી. જેટલી પણ સગવડતા એને મળી છે એ વધુ ને વધુ સ્વચ્છંદી બનતો ગયો છે. ભલે કાગનું બેસવું ને ડાળનું તૂટવાવાળું થયું હોય પણ આજે વ્યોમની બેદરકારીને કારણે જ આ સમસ્યા ઉભી થઇ છે, એને પરિસ્થિતિ સ્વીકારતા શીખવ, મને સમજાવવાની કોશિશ ન કર. વ્યોમને સોનગઢ તો જવું જ પડશે, મેં બધી વાત કરી લીધી છે, ત્યાંના નજીકના શહેરની કોલેજમાં એની ટ્રાન્સફર કરાવી દઈશ, એને એક વર્ષ ઇન્ટરશીપ રૂપે સોનગઢમાં સેવા આપવાની. આગળ બધી વ્યવસ્થા કરી દીધી છે. કોઈ પ્રશ્ન નહિ થાય, હું ધારું તો અહીં ઘરે બેસાડી એની ડીગ્રી લાવી શકું એમ છું, પણ મને એ વાત મંજુર નથી. એ મારું કથીર છે, જેને મારે તપાવીને સોનુ બનાવવું છે, અનુભવ થશે પછી જ એ સુધરશે. "

નિસર્ગ પાસે હવે દલીલ કરવા કોઈ શબ્દો ન હતા. એ કઈ પણ બોલ્યા વગર વ્યોમ ને કુમુદ બેઠા હતા ત્યાં ગયો ને બોલ્યો,

"કુમુદભાભી આ હિટલર તો માને એવું લાગતું નથી. "

ગંભીર વાતાવરણમાં પણ વ્યોમ હસી પડ્યો. ને બોલ્યો,

" સાવ સાચું કહ્યું નિસર્ગ અંકલ તમે, એ હિટલર જ છે. હવે મારે એની પાસે કરગરવા ને ભાષણ સાંભળવા જવું નથી. હવે હું સોનગઢ જઈને લડી લઈશ. કઈક જુગાડ કરવો જ પડશે. ત્યાં જઉં પછી કઈક વિચારીશ. ફિલહાલ તો હું હિટલરની વાત માની લઉં છું. જોઈએ એણે શુ નક્કી કરી રાખ્યું છે."

આ બધી મસલતોમાં સવાર ક્યારે પડી ગઈ કોઈનેય ખબર ન પડી. વ્યોમ પ્રમોદભાઈ પાસે ગયો ને બોલ્યો,

" પપ્પા, હું તમારા નિર્ણય સાથે સહમત છું, હું સોનગઢ જવા તૈયાર છું. એક વર્ષ હું ત્યાં રહીશ પણ મારે કરવાનું શું ત્યાં જઈને એ તો કહો. મારી સ્ટડીનું શું થશે. હજી મારે એક વર્ષ બાકી છે ને હું આમ ગામડામાં પ્રેક્ટિસ માટે જઉં તો બીજી કોઈ બબાલ તો નહીં થાય ને. હું ડૉક્ટર તો બનીશ જ ને ! ક્યાંક હાથમાં આવેલો કોળિયો છીનવાઈ તો નહીં જાય ને. "

પ્રમોદભાઈ બોલ્યા,
" બિલકુલ યોગ્ય નિર્ણય લીધો છે તે, એ બધું હું જોઈ લઈશ તારે ફક્ત પરીક્ષા આપવા સોનગઢની બાજુના શહેરમાં જવું પડશે, ને આ એક વર્ષ તારી ઇન્ટરનશીપમાં ગણાય જશે. તું ડૉક્ટર પણ બની જઈશ. તારું સ્વપ્ન પણ સાકાર થશે."
અને મારું પણ...... આ છેલ્લું વાક્ય પ્રમોદભાઈ સ્વગત જ બોલ્યા.

નવો દિવસ, નવો રસ્તો, નવી દિશા, વ્યોમની રાહ જોઈ બેઠા હતા. પોલીસ સ્ટેશન ને પછી કોલેજની કાર્યવાહી પૂર્ણ કરી વ્યોમ ઘરે આવ્યો. કોલેજમાં ઘણા ને હાશ થઈ પણ ધૃતી ને નિશાંત બહુ દુઃખી થયા. વ્યોમના જીગરજાન મિત્રો. એના દુઃખે દુઃખી થયા. વ્યોમ હવે એટલો દુઃખી ન હતો, એને વિશ્વાસ હતો કે પોતે કઈક ને કઈક તો મેળ કરી જ લેશે. મિત્રોને મળી વ્યોમ ઘરે આવ્યો. પોતાનો સામાન પેક કર્યો.

પ્રમોદભાઈએ કહ્યું તારો રસ્તો તારે જ ગોતવાનો છે, ગાડી કે ડ્રાઇવર કોઈ તારી સાથે નહિ આવે. તારે એકલાએ જ જવું પડશે.

મનમાં ગુસ્સો ભરી વ્યોમ એક નવી સફર તરફ એકલો નીકળી ગયો...

(આ નવી સફર વ્યોમના જીવનમાં શું બદલાવ લાવે છે, વધુ વાત આવતા ભાગમાં...)

© હિના દાસા