Gayatri Mantra books and stories free download online pdf in Gujarati

ગાયત્રીમંત્ર : ‘ॐ’નાં ટ્રાન્સમિશન વડે પરગ્રહવાસી સુધી સંદેશો!

ગાયત્રીમંત્ર : ‘ॐ’નાં ટ્રાન્સમિશન વડે પરગ્રહવાસી સુધી સંદેશો!

માનવામાં આવે છે કે બ્રહ્માએ ચાર વેદોનું સર્જન કરતા પહેલા ગાયત્રીમંત્રનું ઉપાર્જન કર્યુ હતું. જગતજનની માં ગાયત્રીને વેદોએ સર્વ-દુઃખનિવારિણી કહી છે. ગાયત્રીમંત્રમાં રહેલા ૨૪ અક્ષરો ચોવીસ અલગ-અલગ બીજમંત્રો છે જેની શરીરનાં ૨૪ ભાગો પર વિવિધ અસર જોવા મળે છે. ૨૪૦૦૦ શ્લોક ધરાવતાં વાલ્મિકી રામાયણમાં, દર એક હજાર શ્લોક પછી શરૂ થતાં નવા શ્લોકનો પહેલો અક્ષર ગાયત્રી શ્લોકનો બીજમંત્ર છે. જર્મની સ્થિત હેમબર્ગ યુનિવર્સિટીએ ગાયત્રીમંત્રનાં અક્ષરો તેમજ તેનાં ઉચ્ચારણ થકી પેદા થનારા ધ્વનિ-તરંગો પર ઉંડાણપૂર્વકનું સંશોધન આદર્યુ છે. એવું કહેવાય છે કે ચોવીસ અક્ષરો વડે ઉત્પન્ન થનાર આ ધ્વનિ-તરંગો જ્યારે એકીસાથે ક્રમ પ્રમાણે ઉચ્ચારાય છે ત્યારે માનવ-શરીર પર વિશેષ પ્રકારની અસર દેખાડે છે!

અમેરિકન સાયન્ટિસ્ટ ડૉ.હાવર્ડ સ્ટેઇનગેરિલે પોતાની ફિઝિયોલોજી લેબમાં ગાયત્રીમંત્રનાં ધ્વનિ-તરંગ પર વિગતવાર અભ્યાસ કર્યો. પ્રાપ્ત થયેલ ડેટામાં જોવા મળ્યું કે ગાયત્રીમંત્ર પ્રતિ સેકન્ડે ૧,૧૦,૦૦૦ ધ્વનિ-તરંગનું ઉત્સર્જન કરે છે, જે વિશ્વનાં અન્ય કોઈ પણ શ્લોક અથવા મંત્ર કરતાં સૌથી વધુ શક્તિશાળી હોવાની સાબિતી આપે છે. તેમણે નોંધ્યું કે જ્યારે-જ્યારે આ મંત્રોચ્ચાર કરવામાં આવે છે ત્યારે-ત્યારે તેમાંના બીજમંત્રો માનવશરીરની અમુક ગ્રંથિઓ માટે પાસવર્ડનું કામ કરે છે. સુષુપ્ત પડી રહેલી કેટલીક નાડીઓને ગાયત્રીમંત્ર વડે એક્ટિવેટ કરી શકાય તેમ છે!

મંત્રવિદ્યાનાં તજજ્ઞો જાણે છે કે કોઈ પણ મંત્રનાં ઉચ્ચારણ સમયે ગળું, દાંત, હોઠ, જીભ અને મુખના પોલાણનો ઉપયોગ થાય છે. ગાયત્રીમંત્રનાં ચોવીસેય અક્ષરો શરીરની ચોવીસ ગ્રંથિઓ સાથે જોડાયેલા છે, જેને સાધક મંત્રોચ્ચારણ વડે જાગૃત કરી શકે છે. જેમ-જેમ સાધકનો અભ્યાસ વધતો જાય એમ ધ્વનિ-તરંગો અવકાશમાં પ્રક્ષેપિત થઈ ચોક્ક્સ સમયાંતરે પરત ફરીને, પુનઃ શરીરનાં કોઈ ચોક્ક્સ ભાગ પર પોતાની નિર્ધારિત અસર દેખાડે છે. (નાનપણથી આપણે ભણતાં આવ્યા છીએ કે ઉર્જાનો નાશ કે તેનું ઉત્સર્જન શક્ય નથી, તેનું ફક્ત એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ કરી શકાય છે. મોઢામાંથી બોલાયેલા શબ્દો અવકાશમાં ભ્રમણ કર્યા રાખે છે. કારણકે ધ્વનિ-ઉર્જાનો નાશ શક્ય નથી. આ થિયરી પર જ ગાયત્રીમંત્ર કામ કરે છે! ફર્ક એટલો છે કે સુવ્યવસ્થિત ક્રમમાં ગોઠવાયેલા બીજ-મંત્રોને કારણે એક રાગમાં ઉચ્ચારાતાં મંત્રમાંના અક્ષરો અવકાશમાં ભ્રમણ પામ્યા બાદ બમણી ઉર્જા સાથે પુનઃ સાધક પાસે જ પરત ફરે છે.)

માનવશરીરમાં સાત ચક્રો સુષુપ્ત અવસ્થામાં બિરાજમાન હોય છે. કુંડલિની જાગરણ વિધિ વખતે આ તમામ ચક્રોને સાત અલગ-અલગ બીજ-મંત્રો વડે જાગૃત કરવામાં આવે છે.ઉપરાંત, શરીરમાંની ૭૨૦૦૦ નાડીઓનું જોડાણ મુખ સાથે થયેલું છે. જ્યારે પણ આપણે જીભ વડે કશુંક બોલવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે બે નાડી એકબીજા સાથે સંધાન પામે છે. ગાયત્રીમંત્રની ખાસિયત એ છે કે તેનાં ઉચ્ચારણ સમયે ફક્ત બે નાડી નહી, પરંતુ ચોવીસ નાડી જાગૃત અવસ્થામાં આવી જાય છે. આ એ ચોવીસ નાડીઓ છે, જે વ્યક્તિમાં અલગ-અલગ ગુણોનું સિંચન કરે છે. તાપિની, સફલતા, વિશ્વ, તુષ્ટિ, વરદા, રેવતી, સૂક્ષ્મ, જ્ઞાન, ભર્ગ, ગોમતી, દેવિકા, વરાહી, સિંહની, ધ્યાન, મર્યાદા, સ્ફૂટ, મેધા, યોગમાયા, યોગિની, ધારિણી, પ્રભાવ, ઉષ્મા, દ્રશ્ય અને નિરંજન જેવા કુલ ચોવીસ ગુણો ગાયત્રીમંત્ર વડે પ્રાપ્ય છે!

ગાયત્રીમંત્રની શરૂઆત ॐ થી થાય છે. આ કારણોસર તૈતરિય અરણ્યકમાં ‘ઓમ’ને કોઈ પણ મંત્રની શરૂઆત પહેલા અનિવાર્ય ગણાવાયો છે. ગાયત્રીમંત્રમાં ઓમકારનાદ વિશેનો અત્યંત ગહન ઉલ્લેખ છે :

(૧) ॐ भूर्भुवः स्वः

 ભૂર્‍ : પૃથ્વી

 ભૂવઃ : ગ્રહો

 સ્વઃ : આકાશગંગાઓ

આપણે જાણીએ છીએ કે ૯૦૦ આરપીએમ (રોટેશન પર મિનિટ) પર ઘૂમતો ઘરનો સામાન્ય પંખો પણ હવા સાથે ઘર્ષણ પામી ઘોંઘાટ પેદા કરે છે. તો પછી આ થિયરીમાંથી આપણી મિલ્કી-વે (આકાશગંગા) કઈ રીતે બાકાત રહી શકે?! સૂર્ય ૨૨.૫ કરોડ વર્ષોને અંતે આકાશગંગા ફરતે એક ચક્કર પૂરું કરે છે. આપણી પૃથ્વી (તેમજ સૂર્યમંડળ) ૨૦,૦૦૦ માઈલ પ્રતિ સેકન્ડની ગતિએ આકાશગંગા ફરતે ગોળ ચક્કર લગાવી રહી છે! આટલી ભ્રમણગતિને લીધે અવકાશમાં પ્રચંડ ધ્વનિ પેદા થાય છે. જે સૌપ્રથમ ઋષિ વિશ્વામિત્રનાં ધ્યાનમાં આવ્યું. અનંત બ્રહ્માંડમાં સંભળાઈ રહેલા ધ્વનિને તેમણે ‘ઓમ’ નામ આપ્યું. ગાયત્રીમંત્રનો પ્રથમ ભાગ ઉપરોક્ત હકીકત પરથી પડદો હટાવવાનું કામ કરે છે!

(૨) तत्सवितुर्वरेण्यं

 તત : તે (ભગવાન)

 સવિતુર્‍ : સૂર્ય

 વરેણ્યમ : પ્રણમ્ય છે

મંત્રનો બીજો ભાગ આપણને નિરાકાર બ્રહ્મની અનુભૂતિ કરાવે છે. નિરાકાર-નિર્ગુણ પરમ બ્રહ્મને ઓળખવા માટે સાક્ષીભાવે હાજર રહેલા સૂર્ય-પ્રકાશ તેમજ ‘ઓમ’નાં ધ્વનિનો ઉપયોગ કરી શકાય છે.

(૩) भर्गो देवस्यः धीमहि

 ભર્ગો : પ્રકાશ

 દેવસ્ય : તે દૈવત્વનું

 ધિમહી : આપણે ધ્યાન ધરવું જોઈએ

‘ઓમકાર’નાં જપ થકી હાલ વિશ્વમાં સાક્ષાત હાજરાહજૂર (સૂર્ય-પ્રકાશ) એવા દૈવત્વનું ધ્યાન ધરવાથી ઈશ્વરની સમીપ પહોંચી શકાય છે.

(૪) धियो यो नः प्रचोदयात्

 ધિયો : મેધા

 યો : જે

 નઃ : અમારી

 પ્રચોદયાત : પથપ્રદર્શિત કરો

ગાયત્રીમંત્રનાં ચોથા અને છેલ્લા ભાગનો અર્થ છે : હે ઈશ્વર, અમારી મેધાને યોગ્ય માર્ગ સૂચિત કરો. ચારેય ભાગનું પોતપોતાનું વૈજ્ઞાનિક મહત્વ છે. વૈજ્ઞાનિક પ્રયોગોમાં સિધ્ધ થયું છે કે ગાયત્રીમંત્રનું નિરંતર ધ્યાન, માનવશરીરનાં પુષ્કળ ઉર્જા-કેન્દ્રોને સુષુપ્ત અવસ્થામાંથી જાગૃત અવસ્થામાં લઈ આવવા મદદરૂપ બને છે. બીજ-મંત્રોનાં ઉચ્ચારણ સમયે ધ્વનિ-કંપનને લીધે મગજની ચોફેર ચુંબકીય ક્ષેત્ર ઉત્સર્જિત થાય છે જે મસ્તિષ્કને જુદા-જુદા પ્રકારની શક્તિ અર્પણ કરે છે. (જેને હાલ આપણે ‘ચમત્કાર’ અથવા ‘જાદુ’થી ઓળખીએ છીએ!) અમેરિકન સ્પેસ-કંપની નાસા અત્યારે વિવિધ અવકાશીય પ્રયોગો અંતર્ગત બીજ-મંત્રને પોતાનો હાથો બનાવી રહી છે. મોટા-મોટા ટ્રાન્સમિટર્સ વડે અવકાશમાં ‘ઓમ’ નાદ ટ્રાન્સમિટ કરી પરગ્રહવાસીને પૃથ્વી તરફ આકર્ષવાનાં પ્રયત્નો ચાલુ છે. પ્રયોગ વડે એલિયન્સની હાજરી પકડી શકાશે કે કેમ એ તો ખ્યાલ નથી પરંતુ એક વાત તો જરૂર સાબિત થાય છે કે ખુદ અમેરિકા પણ ભારતીય વેદ-પુરાણોને ફક્ત કપોળ-કલ્પિત શાસ્ત્રો ન ગણતાં તેની સત્યતા સ્વીકારે છે.

bhattparakh@yahoo.com

સબ-લાઈન-૧

“ગાયત્રીમંત્ર અખૂટ ઉર્જાનો સ્ત્રોત છે!” - મહર્ષિ અરવિંદ

સબ-લાઈન-૨

ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यम्

भर्गो देवस्य धीमहि। धियो यो नः प्रचोदयात्॥

***