Dinosaurno Astitvavaad - 2 books and stories free download online pdf in Gujarati

ડાયનોસોરનો અસ્તિત્વવાદ - 2

ડાયનોસોરનો અસ્તિત્વવાદ

(ભાગ-૨)

નામશેષ થઈ ગયેલી ડાયનોસોર પ્રજાતિ!

(ગતાંકથી ચાલુ)

પાછલા અઠવાડિયે આપણે મહાભારત, શ્રીમદ ભાગવતમ, સુશ્રુતસંહિતા જેવાં ગ્રંથોમાં વર્ણવાયેલી કેટલીક ગુઢ પ્રજાતિઓ વિશે વાત કરી, જેનો દેખાવ તેમજ શારીરિક કદ ડાયનોસોર જાતિનાં પ્રાણીઓ સાથે મળતાં આવે છે. આજે એમનાં માનવજાતિ સાથેનાં વસવાટ અને પુરાવાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરીશું.

વૈદિક કાળમાં માણસ પાસે ટેકનોલોજીનું નહીં, પરંતુ અધ્યાત્મનું જ્ઞાન હતું. એ અધ્યાત્મ શક્તિનાં દમ પર તેઓ અસંભવ લાગતી બાબતોને પણ સંભવ બનાવી શકતાં હતાં. દસ મહાવિદ્યા, કુંડલિની જાગરણ વગેરે સિધ્ધિઓ કંઈ સાવ ઉપજાવી કાઢેલ વાતો નથી! તમે એવા કેટલાય કિસ્સાઓ તેમજ કથાઓ સાંભળી હશે જેમાં આપણા દેવી-દેવતાઓને પક્ષી-પ્રાણી-પશુ સાથે વાતો કરતાં દેખાડાયા છે. તો શું એ સંભવ નથી કે મનુષ્યોએ ડાયનોસોરની ભાષા આત્મસાત કરી તેમની સાથે મિત્રતાભર્યો વ્યવહાર દાખવ્યો હોય!? આજે આપણને ઘણાય ઘરોમાં પાળેલા કૂતરા-બિલાડી-પોપટ જોવા મળે છે. તો પહેલાનાં જમાનાનાં એડવાન્સ્ડ સાયન્સ અને સ્પિરિચ્યુલ નોલેજનાં આધાર પર મહાકાય પ્રાણીઓનાં મસ્તિષ્કનો અભ્યાસ પણ શક્ય બન્યો જ હશે ને! આજે આપણે ગાય-ભેંસ-હાથી પાળીએ છીએ તો એ જમાનામાં લોકો ડાયનોસોર પાળતાં હશે!

મધ્ય ભારતમાં (પિસ્દુર ગામ, નાગપુર જિલ્લો) ડાયનોસોરનાં છાણ અને અસ્થિ-ઇંધણનો અભ્યાસ કરી રહેલા અમેરિકન, ચીની અને ભારતીય વિજ્ઞાનીઓ એ તારણ પર પહોંચ્યા છે કે આજથી કરોડો વર્ષ પહેલા અહીંના ડાયનોસોરને વિશેષ પ્રકારનો ભાત ખવડાવવામાં આવતો હતો! આ ઉપરાંત, તેમને ભોજનમાં વૈવિધ્યસભર વાનગીઓ મળી શકે એ માટે પ્રાચીન મધ્ય ભારતમાં ફક્ત એક નહી, પરંતુ અનેક પ્રકારનાં ચોખાની ખેતી થતી! આશરે સાડા છ કરોડ વર્ષ પહેલા આફ્રિકા સુધી ફેલાયેલા ભૂમિ-વિસ્તારમાં ભારતે ડાયનોસોરની ઘણી પેટા પ્રજાતિઓ જોઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

થોડા વર્ષો પહેલા ગુજરાતની જમીનમાંથી ડાયનોસોરનાં અમુક મોટા મોટા લંબગોળ ઈંડા મળી આવેલા, જેને સ્થાનિક ગામવાસીઓએ સ્વયંભુ શિવલિંગ સમજીને પૂજવાનું શરૂ કરી દીધેલ! બાદમાં ભૂસ્તરશાસ્ત્રીની આખી ટીમ દ્વારા તેનો અભ્યાસ કરતાં માલૂમ પડ્યું કે તે ખરેખર છ કરોડ વર્ષ જૂનાં ડાયનોસોરનાં ઇંડા છે! જીઓલોજી (ભૂસ્તરશાસ્ત્ર) વિષયમાં ગોલ્ડ મેડાલિસ્ટ પ્રિથિરાજ ચુંગખમે પોતાનાં રિસર્ચ પેપરમાં ડાયનોસોરનાં ઉદભવકાળથી માંડીને વિનાશ સુધીની યાત્રા આલેખી હતી. તેમના મત મુજબ, આદિકાળથી ડાયનોસોરનો સંબંધ ભારત સાથે બહુ ઉંડો રહ્યો છે. પરંતુ વિજ્ઞાનીઓ આ વાતને બહાર નથી પાડતાં કારણકે તેમને ઇસુનાં અનુયાયીઓનો ડર છે! ખ્રિસ્તી ધર્મમાં પૃથ્વીનું આયુષ્ય ફક્ત ૬૦૦૦ વર્ષ જૂનું માનવામાં આવ્યું છે, આથી વૈજ્ઞાનિકો અગર ડાયનોસોરનાં ભારત સાથેનાં જોડાણની વિગતો જાહેર કરે છે તો તેમને પશ્ચિમી દેશોનાં ગુસ્સાનો ભોગ બનવું પડે એવી હાલત છે! હાલ પરિસ્થિતિ એવી છે કે ડાર્વિનનાં ઉત્ક્રાંતિવાદ સામે પણ આંગળી ચીંધાઈ રહી છે. દેશ-વિદેશનાં તમામ વિજ્ઞાનીઓ ભારતીય સંસ્કૃતિથી અભિભૂત થઈ ગયા છે પરંતુ એકપણ વ્યક્તિ આ વાત જાહેરમાં કદીય નહી સ્વીકારે! ગુપ્ત રીતે આપણા વેદ-પુરાણોનો અભ્યાસ કરવાનું શરૂ કરી દેવાયું છે, કારણકે હવે તો તેમને પણ આપણા ધાર્મિક ગ્રંથો પર ભરોસો બેસી ગયો છે!

અનેક પુરાવાઓ મળી ચૂક્યા હોવા છતાં ડાયનોસોરનાં નામોનિશાન મટી જવા પાછળનું રહસ્ય હજુ ખાસ્સું ગૂંચવાયેલું છે! ભગવદપુરાણ અનુસાર યુગોનાં સંયોજન બાદ બદલતાં દરેક મનવંતરમાં અમુક ખાસ પ્રજાતિનાં જીવો અસ્તિત્વમાં આવે છે. એવી જ રીતે કેટલાકનો અંત પણ આવી જાય છે. જેમ મનવંતર બદલાતાં જાય એમ એમાંના પ્રાણીઓ લુપ્ત થતાં જાય અને મનવંતરોનું આખું ચક્ર પૂરું થઈ નવેસરથી સર્જનની ક્રિયા શરૂ થાય ત્યારે લુપ્ત થઈ ગયેલા જીવો ફરી પાછા પૃથ્વી પર ધબકવા માંડે! આ દરમિયાન તેમનો આત્મા એક દેહમાંથી બીજા દેહમાં સ્થળાંતર પામે છે. જેને અંગ્રેજીમાં ‘ટ્રાન્સમાઇગ્રેશન ઓફ સોલ’ કહે છે. (આપણું આધુનિક વિજ્ઞાન દરરોજ નવી-નવી પ્રજાતિઓની શોધ કરી રહ્યું છે. આશ્ચર્યની વાત તો એ છે કે માણસ-પ્રજાતિનાં પણ ઘણા પેટા-પ્રકારો છે, જેને હજુ શોધી નથી શકાયા!)

ઉર્જાનું સર્જન કે વિનાશ શક્ય નથી એવું નાનપણમાં આપણે ભણી ગયા. આત્મા પણ એક પ્રકારની ઉર્જા-શક્તિ જ છે! શરીર નાશ પામીને પંચમહાભૂતમાં એકાકાર થઈ શકે પરંતુ આત્મા નહીં. શ્રીકૃષ્ણે ભગવદગીતામાં કહ્યા અનુસાર, આત્મા ફક્ત દેહ બદલે છે. જ્યાં સુધી આત્માને મોક્ષ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તેની ભવોભવની યાત્રા અવિરતપણે ચાલુ રહે છે. પછી એ ચાહે માણસ તરીકે જન્મે કે પ્રાણી-પશુ-વનસ્પતિ અથવા જીવજંતુ તરીકે! આત્મા અજર-અમર છે. સ્વાનુભૂતિ વગર જન્મ-મરણનાં ફેરામાંથી બહાર નીકળી શકવું અસંભવ છે. આ પ્રકારે સમગ્ર ડાયનોસોર પ્રજાતિ પણ મનવંતરનાં ચક્રોમાં ફસાઈને લુપ્ત થઈ ગઈ જોઈએ.

વૈદિક સિધ્ધાંત મુજબ, માછલી અથવા અન્ય કોઈ જળચર જીવ પૃથ્વી પર અવતરતાંની સાથે જ આવતાં જન્મમાં ઉભયજીવી બનવાની ઇચ્છા સેવે છે. એવી રીતે ઉભયજીવી પ્રાણી પોતાનાં પછીનાં અવતારમાં વધુ ભયાનક જીવ તરીકે જન્મ લેવાનાં સપના જુએ છે. આવી આત્માઓને ત્યારબાદ ગરોળી કે સાપનો દેહ પ્રાપ્ત થાય છે. આ સમયે તેઓ ભાગતાં-દોડતાં ખૂંખાર જીવો (જેમકે ડાયનોસોર કે સિંહ-વાઘ) નો દેહ ધારણ કરવાની ખેવના ધરાવે છે. અંતે તમામ ઇચ્છાઓની પૂર્તિ થયા બાદ તેઓ પૃથ્વી પરથી લુપ્ત થઈ જાય છે. સમયનું ચક્ર ફરી પાછું પુનરાવર્તન પામે ત્યારે દરેક આત્મા ઉપરોક્ત પ્રક્રિયામાંથી વારંવાર પસાર થયા રાખે છે. જીવજંતુઓની પ્રજાતિ પણ કાળક્રમે વધુ ને વધુ નાની થતી જાય છે, જેનાં લીધે આજે મહાકાય મનુષ્યો કે પ્રાણીઓ પૃથ્વી પર જન્મ નથી લેતાં!

આધુનિક વિજ્ઞાન ભલે ગમે એટલી શેખી મારી રહ્યું હોય, પરંતુ સમય આવ્યે તો કળિયુગનો અંત પણ થવાનો જ છે! એ સમયે ફક્ત માણસજાત જ નહી, પૃથ્વીનો વિનાશ પણ નિશ્ચિત છે. મંગળ પર કોલોની બનાવીએ કે પછી ચંદ્ર પર; મનવંતરનું ચક્ર પૂર્ણતાનાં આરે પહોંચતાંની સાથે જ પોતાની અસરો બતાવવાનું શરૂ કરી દેશે! ફરી એક નવો યુગ આરંભાશે, ફરી એક નવી સવાર ઉગશે, ફરી નવી આશાઓ જન્માવશે અને ફરી એક નવી પૃથ્વી પર જીવન ધબકવા માંડશે..!!

(સમાપ્ત)

bhattparakh@yahoo.com