Krishna books and stories free download online pdf in Gujarati

કૃષ્ણ

કોણ છે આ કૃષ્ણ? ભગવાન, અંતર્યામી?. ના. મારાં અંતર્મન માં કૃષ્ણની એક અલગ જ છબી છે. મારો કાનો ભગવાનતા ના ભાર નીચે કચડાઈ નથી ગયો. મારી પાસેથી એને પુજ્યભાવ નથી જોઈતો. કૃષ્ણ એટલે સંપૂર્ણ સ્વીકાર. કાનાને તમે જે રૂપમાં જોશો એનો એ સ્વીકાર કરશે. કોઈનો કૃષ્ણ બાળ ગોપાલ તો કોઈનો કૃષ્ણ કંસ નો સંહારક. કોઈનો કૃષ્ણ સખા તો કોઈનો કૃષ્ણ અર્જુન નો વિષાદ દૂર કરનાર યોગી. એ એટલો પૂર્ણ પુરુષ છે કે આ બધી જ ભૂમિકાઓ માં વહેંચાયા પછી પણ દરેક માં તે સંપૂર્ણ છે. કોઈ કૃષ્ણ ને પ્રેમી તરીકે પામે તો બીજાનો સખા કૃષ્ણ એટલા અંશે અપૂર્ણ નથી રહેતો. સંપૂર્ણ શબ્દ પણ એના જેટલો સંપૂર્ણ નથી.

કૃષ્ણ માત્ર એક જ વસ્તુ નથી --'જડ '. કાનાને કોઈ એક ભૂમિકામાં બાંધી શક્યું નથી. બંધાઈ જાય તો કાનો શાનો? કૃષ્ણને ભગવાન બનાવીને, પૂજા કરીને, ઊંચા આસને બેસાડીને એને મેં અળગો નથી કર્યો. કાનાને તો મનમાં વસાવીને મિત્રભાવે તો ક્યારેક અહોભાવથી નિરંતર સ્મર્યો છે. ક્યારેક ઝગડી પણ લીધું છે એની સાથે. પણ તેણે કોઈ સ્વરૂપ નો અસ્વીકાર નથી કર્યો. એને મેં જે રૂપ માં ઢાળ્યો એમાં તે એ જ સંપૂર્ણતા થી ઢાળ્યો છે.
એક સાચા મિત્ર ની જેમ મને તેણે હંમેશા સાચી સલાહ આપી છે. કોઈ નિર્ણય લેવામાં બુદ્ધિ જયારે જવાબ ના આપે ત્યારે આખો પ્રશ્ન કાનાને સોંપી નચિંત થઇ જાઉં છું. ને પછી એવુ બને કે એણે સૂઝાડેલો જવાબ એટલો સચોટ નીકળે કે સૌથી ઠોઠ વિદ્યાર્થી પ્રથમ શ્રેણી માં પાસ થયો હોય એવો આનંદ થાય. મારાં અંતર્મન સામે તેણે મને ક્યારેય હારવા નથી દીધી. એવુ એક પણ કામ નથી કરાવ્યું કે હું મારી જાતને જવાબ ન આપી શકું. ને પાછો જિદ્દી એટલો કે એણે સૂઝાડેલા માર્ગથી ચલિત થઈએ તો તરત જ ઈશારો કરે કે, "
ભાઈ આડા અવળા થવાનું રહેવા દો. એમ આઘું પાછું થવાથી કાંઈ વળવાનું નથી. " ને પાછા આપણે આપણા રસ્તે પડીએ. ચસકવા તો એ દે જ શાનો?
કોઈ પણ વ્યક્તિ કે પરિસ્થિતિ નો સ્વીકાર મન ન કરી શકે તો વળી પાછું કાનનું લોહી પીવાનું ચાલુ. વળી પાછો એ મહેણું મારે કે તું કઈ સંપૂર્ણ છે તોય મેં એક પૂર્ણ પુરુષ થઈને પણ તારો અસ્વીકાર કર્યો નથી. જેમ મેં તને તારી અપૂર્ણતા સાથે સ્વીકારી છે એમ જ તારે પણ સ્વીકાર કરવો જ રહ્યો. અને આપણે પણ ખાસ ભાઈબંધ ની વાત માનીને એ વ્યક્તિ કે પરિસ્થિતિ નો હસતા મોઢે સ્વીકાર કરી લઈએ. પછી એનો મનમાં કોઈ જ ડંખ નહિ. મનમાંથી આ ડંખ કાઢીને પણ કાનો મારું જ હિત સાચવે છે. કેટલો નિસ્વાર્થ પ્રેમ એનો મારાં પર હશે કે હું એની સલાહ માનવાની હિમ્મત કરી શકું છું બાકી ડંખ મારાં મનમાં હોય તો એનાથી મારાં કરતા વધારે તકલીફ કોને પડવાની? બીજા નું એનાથી અહિત થાય એના કરતા વધારે ખરાબ એ મારી આત્મશુદ્ધિ માટે છે. કાનાના માર્ગદર્શન વગર હું એકલે હાથે મારાં આત્મા ના કલ્યાણ માર્ગ ની શરૂઆત પણ ન કરી શકત. ક્યારેક કોઈને માફ કરીને જોજો. એવો અદભુત આનંદ છે એ! અને આ આનંદ ની અનુભૂતિ મને મારાં કાનાએ જ કરાવી.

હજી તો કાંઈ ક રંગ જોવાના બાકી છે એના. જિંદગી પ્રશ્નો પૂછતી રહેશે અને કાનો મારાં કાનમાં જવાબ દઈને 'ચોરીઓ ' કરાવતો રહેશે.
દરેક ને પોતાના ભાગનો કાનો મળે એવી જ કાના પાસે અપેક્ષા.