Khel - 13 books and stories free download online pdf in Gujarati

ખેલ : પ્રકરણ-13

શનિવારનો દિવસ હતો. સૂરજ આકાશમાં ઊંચે ચડી ગયો હતો. કોમળ કિરણો હજુ ઠંડી સામે લડી લેવા સક્ષમ નહોતા. હવામાં હજુ ઠંડી યથાવત હતી. શહેરમાં લોકોની અવર જવર શરૂ થઈ ગઈ હતી પણ શ્રી હજુ જાગી નહોતી. રાત્રે વડોદરા અને અર્જુનના વિચારોમાં મોડે સુધી એની આંખો મળી નહોતી. વડોદરા જ્યાં તે જન્મી હતી. કાકા કાકીના ત્રાસથી વર્ષો પહેલા એ ઘર છોડીને ભાગી ગઈ હતી. કઈક દિવસો સુધી માસીએ તેને ખર્ચ આપ્યો હતો. પણ એ વડોદરા હવે કેટલું બદલાઈ ગયું હશે? તેના માટે હવે એ શહેર સાવ અજાણ્યું જ હશે ને? એવા કેટ કેટલા વિચારોમાં એ જાગી હતી. ફરી એકવાર એલાર્મના સહારે જ એની આંખ ખુલી.

આજે અર્જુનને મળવાનું છે. ઘણા દિવસો પછી એને મળવાનું છે. ચહેરા ઉપર વિખેરાયેલ વાળ સરખા કરતા પહેલો જ વિચાર એ આવ્યો. બેડમાં બેઠા બેઠા જ એક નજર આજુબાજુ કરી. આ ગરીબખાનું તો જો શ્રી....??

પોતે જીવનના ઘણા વર્ષ એવા ગરીબ ખાનામાં જ વિતાવ્યા હતા પણ હવે બેસુમાર દોલત એની રાહ જોઈ રહી હતી એટલે એકાએક એ ઘર ગરીબખાનું લાગવા લાગ્યું. માનવની માનસિકતાને કોઈ સમજી નથી શકતું. માણસને ક્યારે કઈ વસ્તુ ગમવા લાગે અને ક્યારે એ જ વસ્તુ પ્રત્યે અણગમો થાય એ કઈ નક્કી નથી હોતું.

કબાટમાંથી કપડાં નીકાળી એ બાથરૂમ ગઈ. હિન્દી ફિલ્મોના ગીત ગણગણતી નહાઇ લીધા પછી તરત તૈયાર થઈ ગઈ. ખીંટી ઉપર લટકતું જેકેટ પહેરી લીધું. કબાટમાંથી પૈસા ઉઠાવી લીધા. એકાઉન્ટન્ટની અદાથી સો અને પાંચસોની નોટો ગણી, પુરા તેર હજાર રૂપિયા હતા. પૈસાના બે ભાગ કરી એક ભાગ જીન્સના પોકેટમાં અને બીજો ભાગ જેકેટના પોકેટમાં મૂકી દીધો.

ટીપોઈ ઉપર મૂકેલું પર્સ અને મોબાઈલ ઉઠાવી લઈ દરવાજા બહાર નીકળી ગઈ. સ્ટેન્ડ ઉપર નજર કરી અને પછી એક નજર પગ ઉપર કરી સોજો હવે હતો નહિ એટલે સ્ટેન્ડ ઉપરથી સૂઝ ઉઠાવી પહેરી લીધા.

એક નજર ઘર ઉપર કરી યાદો તરીકે સાચવેલું કઈ હતું નહીં. ભૂતકાળમાં દૂર દૂર કોઈની યાદો કે યાદ સ્વરૂપે કોઈ વસ્તુ હતી નહિ. સાવ કોરા કાગળ જેવો ભૂતકાળ હતો. આ ઘરે ફરી ક્યારેય આવવાનું નથી પણ હું બદનસીબ યાદ સ્વરૂપે શુ લઈ જાઉં? એક અર્જુનના ફોટા સિવાય હતું જ શુ? એ ફોટો તો પોતાના પર્સમાં જ રહેતો હતો.

ઘર છોડવું વર્ષોથી જ્યાં રહી તે શહેર છોડવું જરાક કઠયું પણ છૂટકો નહોતો. મન મનાવી એ સડસડાટ રોડ ઉપર પહોંચી અને ટેક્સી રોકી સ્ટેશન તરફ રવાના થઈ ગઈ.

*

વડોદરામાં બ્રાહ્મણવાસના (પરશુરામ નગરના) કોમન પ્લોટ નંબર 2’માં મોટો ટેન્ટ બાંધેલો હતો. નાનુંભાઈ શાહના બેસણામાં ખાસ્સી પબ્લિક આવી હતી. સફેદ વસ્ત્રોમાં બધા બેઠા હતા. ખુરશીમાં નાનુંભાઈના ફોટા આગળ ઘીનો દીવો વાયરામાં ફફડતો હતો. સુખડ અને ફૂલોનો હાર પવનમાં હાલતો હતો.

“આ બધું કઈ રીતે થયું પ્રદીપ ભાઈ?” મુબઈના એક સગાએ પ્રદીપને પૂછ્યું.

“કાઈ બીમારી ન’તી શાંતિ કાકા.” ખોળામાં સુતેલી ચકુના માથે હાથ ફેરવતા પ્રદીપે કહ્યું, “બે ત્રણ વર્ષથી શરીર થાક્યું હતું. પણ ભગવાનની મહેરબાનીથી જરાય પીડા વગર જીવ નીકળી ગયો.”

“હરિની ઈચ્છાને કોણ ટાળી શકે....” શાંતિલાલે કહ્યું અને નાનુંભાઈના ફોટા સામે હાથ જોડ્યા.

પ્રદીપે ઉંઘેલી ચકુને તેડી અને ઘર તરફ ગયો. ત્યાં ઘરમાં સ્ત્રીઓ વચ્ચે આલિયા બેઠી હતી.

“આ પ્રિયાને અંદર સુવાડી દે હું બહાર મહેમાનો સાથે....” પ્રિયાને લાડમાં ચકુ કહેતા.

આલીયાએ માથે ઓઢવાનું સરખું કરીને પ્રિયાને લીધી. પ્રદીપ બહાર નીકળ્યો એ જ સમયે પોલીસ જીપ આવીને ટેન્ટ પાસે ઉભી રહી. પ્રદીપ એ તરફ ગયો. સફેદ કપડામાં ઇન્સ્પેકટર મનુ અને પૃથ્વી દેસાઈ ઉતર્યા.

મનુ અને પૃથ્વીને હાથ પાણી આપી એટલે એ બંને ટેન્ટમાં ફોટા પાસે ગયા. મનુની આંખમાં થોડી ભીનાશ આવી. નાનુંભાઈ સાથે તે રહ્યો હતો. નાનુંભાઈ ખુબ માયાળુ હતા.

પૃથ્વી અને મનુ હાથ જોડીને દુર બેઠા આર્યન અને લેખક રચિત અગ્નિહોત્રી પાસે જઈને બેઠા. આર્યન અને રચીતે બંનેએ તેમને જોઇને આંખના ઈશારે સ્વાગત કર્યું. પ્રદીપ પૃથ્વી પાસે બેઠો.

“અમે બહાર હતા પ્રદીપ આજે સવારે જ ખબર પડી એટલે આવ્યા.” પૃથ્વીએ કહ્યું.

“રુદ્રસિહ આવીને ગયા, એ ખડે પગે રહ્યા હતા.” પ્રદીપે કહ્યું. મનુએ અગ્નિહોત્રી સામે જોયું તેઓ હવે ખુબ ઘરડા થઇ ગયા હતા. માથાના દાઢીના મૂછોના બધા વાળ તદ્દન સફેદ થઇ ગયા હતા. ચહેરા ઉપર કરચલીઓ પડી ગઈ હતી.

“પ્રદીપ કોઈ કામ હોય તો કહેજે. અત્યારે કોર્ટમાં તારીખ છે એટલે જવું પડશે.”

“શાની તારીખ?”

“ગીરધરના એન્કાઉનટરમાં લોચો ન થયો? તેની રામાયણ ચાલે છે.” મનુએ જવાબ આપ્યો પછી બંને ઉભા થયા. ફરી બધાને હાથ જોડી એ ટેન્ટ બહાર નીકળ્યા. જીપમાં ગોઠવાયા. પૃથ્વીએ જીપ ઉપાડી.

“મી. આદિત્ય નહી આવે?”

“ના પૃથ્વી અહી રુદ્રસિહ હોય બીજા પણ ઓળખી શકે એટલે એ નહિ આવે.”

“પણ એજન્ટ હવે રુદ્રસિહને હકીકત શું કામ નથી કહી દેતા મને એ જ નથી સમજાતું.”

“એ તો મને પણ નથી ખબર! હું પણ રુદ્રસિહને જોઉં છું અને મારુંય દિલ દુભાય છે પણ વચન આપ્યું એટલે હકીકત કહી નથી શકતો.”

રુદ્રસીહનું ઘર આવી ગયું એટલે પૃથ્વીએ બ્રેક કરી.

“તું કપડા બદલીને તૈયાર રહેજે હું અર્ધા કલાકમાં તૈયાર થઈને આવું છું.”

“પણ જલ્દી આવજે...” મનુ ઉતર્યો, “પેલો જજ અક્કલ વગરનો આવ્યો છે, સહેજ લેટ પડ્યા તો પથારી ફેરવશે...”

“ઓકે બાબા ઓકે...” પૃથ્વીએ ગાડી હંકારી. મનુ ઘરમાં ગયો.

“આંટી મને ફટાફટ ચા બનાવી આપોને મારે તરત જવાનું છે...” અંદર જતા જ તેણે લક્ષ્મીબાને કહ્યું લક્ષ્મીબા તેને દીકરા જેમ જ રાખતી.

“સૂરજ ક્યાં ગયો?”

“સૂરજસિહ ક્યાં જાય? આ રહ્યો ભાઈ...” અંદરથી બહાર આવતા સુરજે હસીને કહ્યું, “ચા મારે પણ મુકજો...” તે મનુની બાજુમાં ગોઠવાયો, “પપ્પા ગાડી લઈને ક્યાંક ગયા છે ને બુલેટ તું સ્ટેશને રાખે છે, સૂરજસિહ તો સલવાઈ ગયો છે મનુ..”

“આવતા મહીને ગાડી લઇ લેવાની છે મારે ચાચું જોડે વાત થઇ ગઈ છે.”

“સાચે કે પછી બનાવે છે?”

“તારી કસમ ગાંડા...” કહી મનુ બાથરૂમ તરફ ગયો.

*

સ્ટેશન જઈને બહાર લાગેલી ટેક્સી ઉપર નજર કરી. ત્યાં મેક્સિ પરમીટના બોર્ડવાળી ઘણી ટેક્સીની લાઇન લાગેલી હતી. દરેક ટેક્સી જોડે એનો ડ્રાઇવર આતુરતાથી કોઈ ગ્રાહક મળે એની રાહ જોતો ઉભો હતો. શ્રીએ દરેક ઉપર નજર કરી, ત્યાં એક આધેડ કાકા ટેક્સીનો ફ્રન્ટ ગ્લાસ સાફ કરતા નજરે ચડ્યા.

એ જ બરાબર છે. આટલા દૂર સુધી જવામાં આ કાકા જ બરાબર રહેશે. ટેક્સી ભલે થોડી ધીમી હંકારશે પણ બીજો કોઈ વાંધો નહિ આવે. તરત એ કાકા પાસે શ્રી પહોંચી ગઈ. યુવાન છોકરી સજી ધજીને આવેલી જોઈ કાકાને મનમાં થયું આજે દિવસ સુધરી જશે. સારું એવું ભાડું મળી જશે.

"કહા જાના હે બેટા?" કાકાએ સામેથી જ પૂછ્યું.

"જી અંકલ જી ગુજરાત....."

છેક ગુજરાત સુધીની સવારી મળી એ વિચારે જ કાકા ખુશ થઈ ગયા. મનોમન ઈશ્વરનો અભાર માનવા લાગ્યા હોય તેવું શ્રીને લાગ્યું.

"ગુજરાતમે કહા?" કાકાએ ભાડાનો અંદાજ લગાવવા વધુ ડિટેઇલ પૂછી.

"વડોદરા.” તે હસીને બોલી.

"બરોડા?" કાકાએ થોડુંક યાદ કરીને કહ્યું.

"હાજી અંકલ વહી વહી......" શ્રી એ કહ્યું.

"ચલો ફિર આજ ગુજરાતકી સેર કરતે હે..." કહી કાકાએ દરવાજો ખોલ્યો. શ્રી પાછળની સીટમાં ગોઠવાઈ.

ટેક્સી ઉપડી એટલે શ્રી એ પૂછી લીધું, "અંકલ જી કિરાયા બતાયા નહિ?"

"કિરાયા તો મુજે ભી પતા નહિ બિટીયા, વહા જાકે મીટર દેખ લેંગે....." કાકાએ ઉપરના ગ્લાસમાં નજર કરી કહ્યું. ટેક્સીવાળાની આદત હોય છે વાત કરતી વખતે મુસાફરનો ચહેરો ગ્લાસમાં જોઈને જ બોલે.

"વો તો ઠીક હે લેકિન......"

"લેકિન ક્યાં? મુજે પતા હે જો ભી કિરાયા બનેગા વો તુમ દેને વાલી હો. સકલ સે હી અચ્છે ઘરકી દિખતી હો." મોડર્ન દેખાતી શ્રીને અંદરથી ઓળખી લેતા અનુભવી કાકાને વધુ સમય ન લાગ્યો.

શ્રીને પણ કાકા ગમ્યા. તેને થયું થોડી વધારે વાતો કરી લઉં તો સમય પણ વીતી જશે અને પરિચય પણ થઈ જશે.

"અંકલજી આપકા નામ ક્યાં હે?"

"વિરુ..... સોલે વાલા નહીં..." કાકાએ હસીને કહ્યું, "લેકિન હું ખુદદાર....."

ટેક્સી હજુ મુંબઈના રસ્તા ઉપર જ હતી. ઊંચી બિલ્ડીંગો વચ્ચે સડસડાટ ટેક્સી જતી હતી. છેલ્લીવાર એ જોઈ લેવા શ્રીએ નજર કરી. કેટ કેટલા વર્ષ અહીં વિતાવી નાખ્યા? નક્કર ગરીબી અને શોષણ..!

"તુમ્હારા નામ ક્યાં હે?" કાકાએ બીજી વાર પ્રશ્ન કર્યો તયારે શ્રી વિચારમાંથી બહાર આવી.

"જયશ્રી..... વેશે સબ શ્રી હી કહેતે હે."

"અચ્છા નામ હે, છોટા કા છોટા ઓર અચ્છા ભી." કાકાએ કહ્યું અને પછી જાણે શ્રી કઈક વિચારમાં હોય તો એને દખલ નથી કરવી એવો અણસાર આવતા કાકાએ ધ્યાન રસ્તા ઉપર આપ્યું.

ટેક્સી હવે મુંબઈ બહાર નીકળી ગઈ હતી. હાઇવે ઉપર સ્પીડ થોડી વધારે થઇ, શ્રીએ પાછળ નજર કરી તો અડીખમ મુંબઈ પાછળ જતું હતું. બારીમાંથી ઠંડો પવન તેના ચહેરા પર વાળને ઉડાવવા લાગ્યો તે અર્જુનની યાદોમાં સરી ગઈ.

***

ક્રમશ:

લેખકને અહી ફોલો કરો

ફેસબુક : Vicky Trivedi

ઇન્સ્ટાગ્રામ : author_vicky