Koobo Sneh no - 13 in Gujarati Fiction Stories by Artisoni books and stories PDF | કૂબો સ્નેહનો - 13

કૂબો સ્નેહનો - 13

? આરતીસોની ?
       પ્રકરણ : 13    

મણીકાકાએ મંજરીનો હાથ પોતાના દીકરા ભરત માટે માંગતા એમને જવાબ આપવામાં મુંઝાઈ ગયેલાં અમ્માએ અંતે પ્રિન્સિપાલ સાહેબની મદદ લેવાનો નિર્ણય કરી એમને મળવા આવ્યા.. સઘડી સંધર્ષની.....

            ❣️કૂબો સ્નેહનો❣️

મહેનતના કાવડિયાથી ખરીદેલી અનાજની પોટલીનો ભાર ક્યાં હોય છે !! પણ કોઈના ઉપકાર કે ઉધારનો ભાર અધમણનો લાગતો હોય છે. એવું જ કંઈક અમ્માને અનુભવાઈ રહ્યું હતું.

અમ્મા સ્કૂલ શરૂ થવાના કલાક પહેલાં જ આજે પહોંચી ગયાં હતાં. પ્રિન્સિપાલ સાહેબની ઑફિસની બહાર કાગડોળે રાહ જોઈને બેસી રહ્યાં. સમય પ્રમાણે રાબેતા મુજબ સાહેબ આવ્યા એટલે ઑફિસમાં પરવાનગી લઈને આવ્યા અને એક શબ્દ અટક્યા વગર એકી શ્વાસે બોલવા લાગ્યાં,

"સાહેબ, અમે ત્રણેય અરસપરસ એકબીજાની કાળજી અને હૂંફ આપતા આવ્યા છીએ, પણ જેમ જેમ મંજરી મોટી થતી જાય છે એમ એમ હવે મને એની બહુ ફિકર રહ્યાં કરે છે. અહેસાનના બોજા તળે આવીને ઉભી રહી ગઈ છું, સમજાતું નથી ક્યાં જવું શું કરવું. એમાં આપની એક મદદની જરુર હતી."
અને વિહ્વળ થયેલા અમ્માએ સાહેબને મણીકાકાના ભરત વિશેની તમામ બાબતોની વાતથી વાકેફ કર્યા.

સાહેબ પણ જાણતાં હતાં કે, 'ભરત ભણવામાં નબળો હોવાથી મહા પરાણે આટલે સુધી ધક્કા વાગી વાગીને પહોંચ્યો હતો.'

એ પણ તુરંત બોલી ઉઠ્યાં,
"મંજરી ક્યાં અને ભરત ક્યાં.!! હું આપની વાત સમજી શકું છું, જાણી જોઈને દીકરીને ખાડામાં ન નંખાય. કંચનબેન મારા ઘણાં મિત્રો છે શહેરમાં !! ભણવામાં હોશિયાર હોય અને મંજરીને અનૂકુળ કોઈ છોકરો હશે તો આપને તરત જાણ કરીશ. તમે કહો તો જોઉં !!"

અમ્માએ તરત એમની વાતને વધાવી લીધી અને કહ્યું, "હા.. હા.. જોતાં રહેજો સાહેબ, સંસ્કારી અને હોશિયાર હોય તો બીજું શું જોઈએ સાહેબ. તમે જોઈને વાત આગળ વધારો. પણ હવે મણીકાકાને શું જવાબ.."

સાહેબે એમની વાતને વચ્ચેથી જ અટકાવીને કહ્યું, "કંચનબેન તમે એ ચિંતા ન કરો. મણીકાકાને સમજાવવાનું કામ હું કરી લઈશ."

પ્રિન્સિપાલ સાહેબને સ્કૂલના કામથી અમદાવાદ જવા આવવાનું થતું રહેતું હતું. બે દિવસ પછી અમદાવાદ જવાનું થતાં એમણે અમદાવાદમાં જ રહેતા એમના એક જુના મિત્ર પ્રોફેસર લાલભાઈ શાસ્ત્રીને મંજરી વિશે જણાવતાં કહ્યું કે,

"કોઈ સારો છોકરો તમારા નજરમાં હોય તો ધ્યાન દોરજો. એક છોકરી છે, ખૂબ હોંશિયાર અને સંસ્કારી છે, રૂપાળી અને ઘાટીલી પણ..!!"

“લ્યો કાંખમાં છોકરો ને ગામમાં ઢિંઢોળો.”

“એટલે હું સમજ્યો નહીં?” અસમંજસ દ્રષ્ટિએ સાહેબ, પ્રોફેસર શાસ્ત્રી સામે તાકી રહ્યાં. 

હું પણ શોધી જ રહ્યો છું, મારા પુત્ર દિપક માટે છોકરી!! એ પરણવા લાયક તો થઈ ગયો છે પરંતુ કોઈ છોકરી ધ્યાનમાં બેસતી જ નથી ને!! "

"પરંતુ એ છોકરી બહુ સાધારણ પરિવારમાંથી છે, એટલે તમારા દિપક માટે જરા ખચકાટ થતો હતો."

“જુઓ સાહેબ, તમે ખચકાટ ન રાખશો... આ છોકરી સંસ્કારી હોય તો જોવાનું ગોઠવો. અમારે બીજું કંઈ જોઈતું નથી."

ઘણાં વર્ષોથી શહેરની એક કૉલેજમાં પ્રોફેસર તરીકેની ફરજ નિભાવી રહેલા લાલભાઈ શાસ્ત્રીનો પરિવાર સંસ્કારી અને પૈસે ટકે ગર્ભ શ્રીમંત, એમનો પુત્ર દિપક દેખાવડો અને એમ.બી.એ. નું ભણતો હતો. 

એમના સમાજમાંથી છોકરીઓ ઘણી મળતી હતી, છતાં ગામડાંની સીધી સરળ છોકરી સાથે લગ્ન કરવાથી ઘરનો માહોલ સુવ્યવસ્થિત જળવાઈ રહે છે, એવું પ્રોફેસર શાસ્ત્રીની માન્યતા હતી.

પ્રિન્સિપાલ સાહેબે શહેરમાંથી આવીને દિપક માટે આંગળી ચીંધે અમ્માએ પણ સંમતિ દર્શાવી દીધી હતી. હોળી પછી એક દિવસ સારા મૂહુર્તમાં મંજરી અને દિપકને એકબીજા સાથે મળવાનું ગોઠવવામાં આવ્યું અને અમદાવાદથી લાલભાઈ શાસ્ત્રીની સંમતિ પણ આવી ગઈ.

ક્રમશઃ વધુ આવતા પ્રકરણ 14 માં.. શું મંજરી લાલભાઈ શાસ્ત્રીના દીકરા દિપકની પસંદગી પર ખરી ઉતરશે ? ©

   -આરતીસોની ©

Rate & Review

Ami

Ami 2 years ago

Kinnari

Kinnari 2 years ago

Geerakalpesh Patel
Daksha

Daksha 2 years ago

nikhil

nikhil 3 years ago