premnad - 4 books and stories free download online pdf in Gujarati

પ્રેમનાદ - ૪







વિદાય લેતા સૂરજ એ ધરતી વિહોણા આકાશ ને રંગીન બનાવી દીધું છે . પક્ષી ઓ માળા તરફ પ્રયાણ કરી રહ્યા છે. દાસ ની સીમ માં ચહલ પહલ વધવા લાગી છે, સૌ કોઈ પોતાના કામ કાજ પતાવી ખેતર થી ઘર તરફ વળી રહ્યા છે. દરેક રાત્રે થનારી બેઠક માટે ખુબજ ઉત્સુક છે . તારકેશ ડોક્ટર પણ આજે મંગળ પૂજારી ના ઘરે જ રોકવાના છે અને રાત્રી નું ટાણુ રેવાકાકા ને ત્યાં લેવાના છે. શ્યામ , મંગળ પૂજારી અને ગામ ના બીજા યુવાનો મહાદેવ ની આરતી ,શિવલિંગ અને મંદિર ને શણગાર કરવા માં વ્યસ્ત છે. અજવાળા ને અંધકાર ધીમે ધીમે ગળી રહ્યો છે. બંને બાજુ ની વાદીઓ માં રહેલ પક્ષી ના કોલાહલ ને બાદ કરતા ખડ ખડ કરતી નર્મદા નો ફેલાયેલ અવાજ કુદરત ની સુંદરતા ને વધારી રહ્યો છે. મંદિર ની આજુબાજુ નાના નાના બાળકો રમી રહ્યા છે. આવી રમણ્યતા વચ્ચે દાસ ની સીમ નું અલગ જ સોંદર્ય ઉભરી આવતું જણાય છે.

બપોરે સ્નાન કર્યા પછી અનેરી એ થોડુક જમવાનું જમી ને સૂઈ જ ગઇ , થાકેલી ચારુ પણ આરામ કરતા સૂઈ ગઇ. સાંજે આરતી માં જવાનો સમય થયો . ચારુ એ અનેરી ને કપડા બદલવા કહ્યું પણ અનેરી પાસે કપડા તો હતા નઈ તેથી ચારુ એ અનેરી ને એના કપડા આપ્યા .ચારુ ના કપડા અનેરી પર આવતા હતા અને ચારુ વેસ્ટર્ન કપડા પેહરે પણ ઘરે નહિ, તેથી તે ઘરે વેસ્ટર્ન કપડા લાવી નોહતી તેથી અનેરી ને ટોપ લેગીસ પેહરવું પડ્યું, પરંતુ ટોપ લેંગીસ માં તેની સુંદરતા પહેલા કરતા પણ વધારે મોહક લાગતી હતી. પહેલા માટી અને લોહી વાળો ચહેરો અને પછી આ ચહેરો તદ્દન જુદા પડતા .શૃંગાર નો એક છાંટો પણ નઈ છતાં પણ આટલી બધી સુંદરતા , ચારુ જોઈ ને હેબકી ગઈ .
"ચાલો હવે જવાનું છે મંદિર એ " કાકી એ બૂમ મારી.
" એ હા મા " ચારુ એ કહ્યું.
બંને નીચે આવે છે.આજે સાંજ પણ કંઇક મીઠી લાગી રહી છે. મસ્ત ધીમો ધીમો પવન, મંદિરે મહાદેવ ની સ્તુતિ વાગી રહી છે જેના પડઘા સંભળાઈ રહ્યા છે, ખડ ખડ કરતી નર્મદા સ્તુતિ ના ગાન ને સંગીત આપી રહેતી હોય તેમ જણાય છે.એટલા માં જ કિશન ની નજર ચારુ અને અનેરી પર પડે છે.એની આંખો તો અનેરી પર જ અટકી ગઈ" શું આ જ અનેરી છે જેને પહેલા જોઈ હતી ?" કિશન મનોમન વાર્તાલાપ કરે છે.
"ઉંચી કાયા,પાતળું શરીર, બદન પર કાળા રંગ નું ટોપ જાણે ચાંદ ઉપર એના ડાઘ માફક લાગી રહ્યું હતું . ધીમા પવન માં એની ઊડતી ઝુલ્ફો અને પછી એને કાન પાછળ નાખી દેવું . અરેય રે રે આઇ હાઈ."કિશન ના મોહ પર એક નાનું સ્મિત ફરકી ગયું.
" કિશન.... કિશન ....અરે.. ભાઈ કિશન... આવવું નથી મંદિરે ? " ચારુ એ બાજુ માં આવતા કહ્યું.
" હા .... હા ... માફ કરજો એતો કામ ના વિચારો માં અટવાઈ ગયો હતો ." કિશન એ વ્યવસ્થિત થતાં કહ્યું.
અનેરી ને ખબર પડી ગઈ હતી કે કિશન કયા વિચાર મા ગરકાવ હતો ,તેથી અનેરી એ કિશન ની બાજુ જોઇને એક નાનું હાસ્ય આપ્યું ,અને બંને મંદિર બાજુ ચાલવા લાગ્યા ,કિશન અનેરી ના એ નાના હાસ્ય મા ઘાયલ થઇ ગયો. હવે ગામ ના દરેક વ્યક્તિ મંદિર મા આરતી માટે ભેગા થઈ રહ્યા છે. શ્યામ અને મંગળ પૂજારી એ મંદિર ને ખુબજ સુંદર રીતે શણગાર્યું હતું.( શ્રાવણ માસ ના છેલ્લા અઠવાડિયા નિમિત્તે મંદિર ને શણગારવા માં આવે છે .) દરેક વ્યક્તિ એકત્રીત થઈ ગયા મોટા ભાગ ના પુરુષો અને સ્ત્રી ઓ ની નજર અનેરી પર હતી. પુરુષો નો તોહ ખ્યાલ છે કે કેમ જુએ પણ આજે સ્ત્રીઓ પણ જોયું કે શૃંગાર વગર ની સુંદરતા કોને કહેવાય.હવે આરતી ચાલુ થઈ ,મંદિર મા ધૂપ ફેલાવા લાગ્યું. વડીલો મંદિર ની બહાર બેઠા હતા . સૌ કોઈ આરતી માં મગ્ન થઈ ગયા હતા.

જય દેવ, જય દેવ, જય હરિહરા
ગંગાધર ગિરિજાવર, ઈશ્વર ૐકારા ...ૐ હર હર હર મહાદેવ

વાઘાંબર પિતાંબર, શિવશ્યામે પહેર્યા
કમળનયન કેશવને, શિવને ત્રિનયન...ૐ હર હર હર મહાદેવ

નંદિવાહન ખગવાહન, શિવ ચક્ર ત્રિશુળધારી
ત્રિપુરારી મુરારી, જય કમળાધારી...ૐ હર હર હર મહાદેવ...............

આરતી ના ગાન માં સૌ કોઈ ધૂત હતા. ગામ નું દરેક વ્યક્તિ ત્યાં ઉપસ્થિત હતું.આજે તો ડોક્ટર પણ કાકા ને ત્યાં રોકાવાના છે. આરતી અને બધી વિધિ સમાપ્ત થાય છે. બધા મંદિર ના ગર્ભગૃહ માં સ્થિત મહાદેવ ની મૂર્તિ ના દર્શન માટે અંદર જાય છે. ચારુ અને અનેરી પણ દર્શન કરવા અંદર જાય છે. બંનેય માથે ઓઢણી ઓઢી લે છે અને દર્શન કરે છે.
"ચારુ બેટા આહિયાં આવ તો સહેજ". કાકા એ ધીમે થી ખોખારો ખાતા કહ્યું.
ચારુ કાકા ની બાજુમાં જાય છે અને કહે છે" હા બાબા બોલો".( ચારુ પપ્પા ને બાબા ના ઉચ્ચારણ થી બોલાવે છે.)
"અનુ એ કઈ કહ્યું? " કાકા એ ધીમે થી ચારુ ના કાન માં પૂછ્યું.
"ના , મે પૂછવાનો પ્રયત્ન કર્યો પણ કઈ કીધું નઈ એમજ કીધું કે રાત્રે કહીશ ".ચારુ એ કહ્યું.
"સારું તો બધા જમી ને આવે ત્યાર બાદ આપડે એને પૂછીશું."કાકા એ ચારુ ને કહ્યું.
"સારું બાબા હાલ હુ અને અનુ ઘરે જઈ એ છે, જમી ને બધા ભેગા થશે ત્યારે આવીશું, અને હા જમવાનું થઈ ગયું છે જલ્દી આવો ઘરે."ચારુ એ ઉતાવળ કરતા કહ્યુ.ચારુ અનેરી ની બાજુ માં જઈ ને કઈક ગુપચુપ વાતો કરીને ઘર તરફ ચાલ્યા જાય છે.
મંદિર ની આરતી બાદ હવે દરેક ઘરે જમવા માટે જાય છે.દરેક વ્યક્તિ ના મન માં એક જ વાત હતી કે "ગત રાત્રી શું બન્યું હતું?" રહસ્ય જાણવાની ઉતાવળ દરેક માં હતી. ગામડા મા નાની વાતો પણ મોટી લાગે,અને દરેક માં આખું ગામ ભાગીદાર હોય કોઈ પણ મુશ્કેલી અથવા તો કોઈ ખુશી નો પ્રસંગ બધા સાથે જ ભાગીદાર હોય તે જ રીતે આ ઘટના માં દરેક ની જાણવાની ઉત્સુક્તા હતી . શીંગ દાણા નો પ્રસાદ હજી પણ વહેંચાઈ રહ્યો છે. થોડીક જ ક્ષણોમાં મંદિર આગળ થી લોકો ની સંખ્યા ઓછી થઈ ગઈ.મંગળ પૂજારી પણ ઘરે જમવા જતા રહે છે , ડોક્ટર પણ કાકા ના ઘરે જમવા જતાં રહે છે.હવે મંદિર આગળ જગમગતા દિવડા સિવાય બીજું કંઈ હતું નહી. નીરવતા ના વાતાવરણ માં લોકો ના ઘરો ની બત્તી ઓ દેખાય છે.લોકો એટલે કે એટલા બધા નહિ પરંતુ ૫૦૦ ની વસ્તી, એક નાનો વિસામો પણ આનંદમય અને સુખી કસબો. જે રીતે વર્તમાન ચાલે છે એનાથી અલગ જ દુનિયા જ્યાં પહેલા ની જેમ ગામડા મા રાત્રે પારિવારિક સમસ્યા ઓ ના ઉકેલ માટે બેઠક બેસતી તેમ આજે દાસ ના ગયા પછી પહેલી વાર આ રીતે બેઠક બેસવાની છે. અનેરી પોતાની સાથે ઘણા બધા વણ ઉકેલ્યા રહસ્યો લઈ ને આવી છે તેના જવાબ ની ઉત્સુક્તા દરેક ના મોહ પર અલગ જ તરી આવે છે.

હવે અંધકાર એ ઘેરો નાખી દીધો હતો, રાત્રી નું ટાણુ પતાવી સૌ કોઈ પાદરે એકત્રીત થવા લાગ્યા છે. ટૂંક જ સમય માં બધા ભેગા થઈ ગયા. મંગળ પૂજારી, રેવાકાકા અને ડોક્ટર ઓટલા પર બેસે છે અને એક બાજુ મહિલા વર્ગ અને બીજી બાજુ પુરુષ વર્ગ. હજુ અનેરી અને ચારુ આવ્યા નથી. દરેક અંદરો અંદર ઘુસપુસ કરી રહ્યા હતા, કાકા અને ડોક્ટર પણ કંઇક વિશેષ વાત કરી રહ્યા હતા તેમ લાગે છે. એટલા માં અનેરી અને ચારુ આવે છે.કિશન ની આંખો હજી પણ અનેરી ઉપર કેન્દ્રિત હતી, એટલામાં અનેરી ની આંખો પણ કિશન ને મળે છે , બંને ની આંખો નો તફાવત થઇ ને આંખો ભ્રમિત થઇ જાય છે અને આજુ બાજુ જોવા માંડે છે. ચારુ અને અનેરી આગળ કાકી જોડે જઈ ને બેસે છે.(જમીન ની નીચે ટાટીયું પાથરેલ હોય છે.જેથી કપડાં ખરાબ ના થાય )
"તમે જોણો સ કે કાલ રોત્રે જે અવાજ આવતો તો એ અનુ નો હતો ,હવે કાલ રાત મો શું થયું અને પેલો દાઢી વારો કિયો હતો? તું ઓળખે શે? તારું ગોમ કિયું? અને અહીયો શું કરે શે? બેટા જનાવ તોહ અમને. આ બધો બી ગયો તોહ રાતે ." કાકા એ પોતાનો ડાબો હાથ ડાબી સાથડે થપથપાવતા કહ્યું.
",અને કઈ કેવાય એવું ના હોય તો મને કહી દો દીદી" ચારુ એ અનેરી સામે જોતા કહ્યું.
થોડીક વાર સુધી ત્યાં મૌન એ ઉપસ્થિતિ લીધી.ચારુ એ આજુ બાજુ જોયું ,ધીમો ધીમો પવન નર્મદા ના પાણી ના અવાજ સાથે આગળ વધી રહ્યો છે,એવી નીરવતા વચ્ચે અનેરી એ ધીમે શ્વાસ લીધો અને પછી કહ્યું કે...........................................


(અનેરી કોણ છે ? એ ક્યાં થી આવી? અહીંયા શા કારણ થી આવી? પેલો ખોફનાક પુરુષ કોણ હતો? સુ એને જ અનેરી પર ઘા કર્યા હસે? એને અને અનેરી ને કઈ સંબંધ હશે? આવા ઘણાંય પ્રશ્નો ની ચાદર ગામ વાસીઓ ના મન પર થી હટવાની છે, તો આવનાર ભાગ ૫ જે રહસ્યો ઉપર થી પડદો હટાવશે તેને અચૂક વચવાનું ભૂલશો નહિ. )

આગળ ના ભાગ એ અનેરી ના શબ્દો માં ........

_ જય ભોઈ ( આરઝૂ )