Khel - 19 books and stories free download online pdf in Gujarati

ખેલ : પ્રકરણ-19

છેલ્લા અઠવાડિયાની એન્ટ્રી જોતા દસેક જેટલા નામ મળ્યા. સલીમ ખાન, જાવેદ મેમણ, નુસરત, ભાનું પ્રતાપ, બહાદુર ભરવાડ, ટીનું દ્વિવેદી, નતાશા, રામપ્રસાદ અને લલિત પટેલ.

"એમાંથી કોણ હોઈ શકે મનું?" બધા નામ જોઈ લીધા પછી પૃથ્વીએ પૂછ્યું અને ઉભા થઈને પાણીની બોટલ લઈ આવ્યો. બે ગ્લાસ ભર્યા એક મનુને આપ્યો.

"આ બધાને કયા ગુનામાં અહીં લાવ્યા છે?" મનુએ પૃથ્વીને એ જ સવાલ કર્યો કારણ બધાને એરેસ્ટ કરનાર પૃથ્વી હતો.

"સલીમ ખાન, જાવેદ મેમણ, નુસરત અને ભાનું પ્રતાપ દારૂનો વેપાર કરતા હતા." પૃથ્વીએ વિગત આપવાનું શરૂ કર્યું.

"મોટા પાયે?"

"ના મોટા પાયે નહિ પણ મહિને બે એક લાખનું ટર્ન ઓવર ખરું."

"ના એ ન હોઈ શકે." મનુએ તરત જ ક્લીન ચિટ આપી દીધી, "એ લોકો જાણે છે સ્ટેશન ઉપર હુમલો મતલબ આજીવન કેદ. એ લોકોની એટલી પહોંચ ન હોય કે સ્ટેશન ઉપર હુમલો કરીને ભાગી આઉટ ઓફ ઇન્ડિયા જઇ શકે."

"બહાદુર ભરવાડ, ટીનું દ્વિવેદી બંને નાના દુકાનદાર પાસેથી હપ્તા ઉઘરાવતા હતા." પૃથ્વીએ બીજા બેની વિગત આપી.

"એમનો બોસ કોણ?" મનુએ ટેબલ ઉપર હાથ ગોઠવી હથેળીમાં હડપચી મૂકી. વિચારવાની આ તેની સ્ટાઈલ નાનપણથી હતી.

"કોઈ બોસ નહિ બસ બંને પોતાના જોર ઉપર જ હપ્તા વસૂલી કરતા હતા, બાવડાના જોર ઉપર જ, નો પોલિટિકલ સપોર્ટ."

"ઓકે આ બંને પણ નથી, આ નતાશા, રામ પ્રસાદ અને લલિત પટેલ?" મનુએ લીસ્ટમાં આંગળી આગળ સરકાવી એ નામ ઉપર સ્થિર કરીને પૂછ્યું.

"એની કહાની થોડી લાંબી છે." પૃથ્વીએ સિગારેટ કાઢી અને સળગાવી.

"તો મારે ક્યાં કોઈને ડેટ ઉપર લઈ જવાની છે?" મનુએ હસ્યો, “આપણે આજની રાત આ કામ જ કરવાનું છે.”

"નાઇસ જોક. વેલ, આમ પણ ડેટ ઉપર જવાય એમ પણ નથી આજ કાલ. આ નતાશા જેવી મળે તો બદનામ થઈ જવાય." પૃથ્વીની એ વાત ઉપર મનુને કઈ સમજાયું ન હોય એમ ધ્યાનથી સાંભળી રહ્યો.

"નતાશા મોટા બિલ્ડર જોડે સબંધ બાંધતી, પૈસાવાળા મુરઘાને હોટેલમાં લઇ જતી ત્યાં રામપ્રસાદ અને લલિત પટેલ કેમેરા ગોઠવી રાખતા...."

"મતલબ બ્લેક મેઈલ?" મનુએ વચ્ચે જ કહ્યું.

"યસ બ્લેક મેઈલ."

થોડીવાર મનું ચુપ બેસી રહ્યો પછી ફરી એકવાર બધા નામ ઉપર નજર ફેરવી, "આમાંથી કોઈ પણ નથી પૃથ્વી, આ બધામાં કોઈ મોટું માથું હોવું જોઈએ."

"તો પછી કોના માણસો હશે એ?" પૃથ્વી કંટાળીને ઉભો થયો. સ્ટેશન ઉપર આમ હુમલો થયો એ વાતથી જ તેનું મગજ ફાટફાટ થતું હતું.

"એ જ તો કામ છે પોલીસનું." મનુએ ઉભા થઇ પૃથ્વીના ખભે હાથ મૂકયો, "આ દસ નામમાં એક એન્ટ્રી બાકી છે."

"કોની?" પૃથ્વીએ નવાઈથી પૂછ્યું.

"પેલી પ્રકૃતિ પ્રેમી...." મનુએ એક રહસ્યમય સ્માઈલ આપી શ્રી તરફ જવા લાગ્યો.

"વોટ ડું યુ મીન બાય પ્રકૃતિ પ્રેમી? શ્રીનું એનાથી શુ કનેક્શન?" મનું પાછળ પગલાં ભરતા પૃથ્વીએ ઉતાવળે પૂછ્યું.

"એ તો હવે શ્રી જાણે, અથવા એ ન પણ જાણતી હોય છતાં કઈક બાબત એ છોકરીમાં જ છે પૃથ્વી, લેટ અસ ચેક."

પૃથ્વી કઈ બોલ્યા વિના જ મનું પાછળ જવા લાગ્યો. મનું જઈને શ્રી આગળ ઉભો રહી ગયો. શ્રી હજુ એમ જ દીવાલની નાનકડી બારી સામે જોઈ રહી હતી. કોઈ ફિલ્મી કેરેકટર જેવી એ લાગતી હતી. બહાર શુ થયું એ બધા અવાજ સાંભળી લીધા પછી પણ એ જરાય અસ્વસ્થ થયા વગર જ બેઠી હતી.

મનુએ પૃથ્વીને ઈશારો કરી લોક ખોલ્યું. બંને અંદર દાખલ થયા.

"મિસ. જયશ્રી હું જે વાત કહું એ ધ્યાનથી સાંભળજો અને હું જે પ્રશ્ન પૂછું એનો સીધો અને સાચો જવાબ આપજો." મનુએ ગંભીર થઈને કહ્યું.

"કેમ ઇન્સ્પેકટર સાહેબ? જનાબ બહાર શુ થયું હતું?" શ્રીએ 'જનાબ' ઉપર ભાર આપીને એક રીતે મનુની મજાક ઉડાવી.

"મનું મને નથી લાગતું આ શ્રી કોઈ વાત સમજશે." ગુસ્સામાં પૃથ્વીએ કહ્યું, "દેખ પાગલ છોકરી તને ખબર નથી બહાર સ્ટેશન ઉપર હુમલો થયો હતો, જેમાં કદાચ અમે શહીદ પણ થઈ ગયા હોત."

"તો એમાં હું શું કરી શકું? મેં તો નથી કરાવ્યોને હુમલો? મી. ઇન્સ્પેકટર એટેક કરવા માટે માણસો જોઈએ મારી પાસે તો મારું એવું કોઈ છે જ નહીં જેને ફોન કરીને હું મારા કોઈ આઈ.ડી. મંગાવી શકું." શ્રીએ પણ એવો જ જવાબ આપી દીધો. હવે તેને કોઈ ભય હતો જ નહિ. માણસ પહેલા ગભરાય છે પણ સતત ઓથાર નીચે રહે પછી તે ભય ઉપર કાબુ મેળવી લે છે. શ્રીએ પણ એ કાબુ મેળવી લીધો હતો.

"તું સીધી....."

"એક મિનિટ મી. પૃથ્વી....." ધુવપુવા થઈ શ્રી ઉપર હાથ ઉગામતા પૃથ્વીને મનુએ રોકી લીધો.

"લેટ હિમ ડુ ઇન્સ્પેકટર, મને કોઈ ફરક નથી પડતો." તેણીએ પૃથ્વી તરફ તુચ્છ હાસ્ય ફેંકી મનુને કહ્યું અને જેકેટનું ઓશીકું સરખું કરી દીવાલે ટેકો લીધો.

મનું ઘડીભર ચૂપ ચાપ એને જોઈ રહ્યો. શ્રી જે રીતે વર્તન કરતી હતી એ જોતાં પૃથ્વીને એ ખરાબ છોકરી લાગી પણ મનું એક ઇન્સ્પેક્ટરના કામ કરતા કઈક વધારે જ વિચારી શકતો હતો. એ જાણતો હતો કે આ છોકરીનું વર્તન એની ઈચ્છા નથી. એને પોલીસ પ્રત્યે કોઈ ખોટું અનુમાન લગાવી લીધું છે, જોકે એમાં ખોટું પણ શું છે? પોલીસવાળા બધા ક્યાં સારા હોય છે? મનુને લાગ્યું આ છોકરી કોઈ રીતે ફસાઈ છે એટલે એના દિલો દિમાગમાં નફરત ભરી છે, મારે ઠંડા બની એ બધું જાણવું પડશે.

"મિસ. શ્રી કદાચ તમને સમજવામાં ફેર થાય છે બધા પોલીસ અધિકારી એક જેવા છે એવું માની લેવું વ્યાજબી નથી, કદાચ તમને કોઈ ખરાબ અનુભવ થયો હોય તો એ બદલ હું દિલગીર છું પણ જો તમે મૂંગા રહેશો તો કાલે હું કદાચ તમારી મદદ નહિ કરી શકું." મનુએ શાંત સ્વરે કહ્યું અને તેની પાસે બેઠો.

મનુની વાત કરવાની રીત અને સમજશક્તિ જોઇને શ્રીને થયું કદાચ ઇન્સ્પેકટર મનું ભલો માણસ હશે પણ બીજી પળે યાદ આવ્યું અર્જુન પણ આવી જ રીતે મીઠી વાત કરતો હતો ને? પણ શું થયું? કામ પૂરું થતા મને અહીં ફસાવીને એકલો નાસી છૂટ્યો.

"શ્રી મીઠું બોલીને મારે કઈ લેવાનું નથી." શ્રીના ચહેરા પરથી એ શું વિચારતી હશે એનો અંદાજ મેળવી મનુએ કહ્યું, "હું તમારી હેલ્પ કરવા માગું છું, પ્લીઝ સે સમથિંગ."

"મારી મદદ? શુ મદદ?"

"તમારો જીવ બચાવી શકાય એવી કોશિશ કરી શકું છું, ઈનફેક્ટ અત્યારે પણ હું એ જ કરી રહ્યો છું, તમે જેલમાં સેફ નથી."

"ડરાવો છો? તમને શું લાગે છે હું ગભરાઈ જઈશ?" તે હસીને બોલી ખરા પણ અંદરથી તેને થયું હું આ શું બોલું છું? એક ઇન્સ્પેકટર મારી સામે વિનંતી કરે છે અને હું એને આવા જવાબ આપું છું? એ એની ફરજ પુરી કરે છે અને હું.....??

"મનું આને મરવાદે યાર, આવા લોકો ક્યારેય ન બદલે...." કહી પૃથ્વી બહાર જવા લાગ્યો.

"પણ ઇન્સ્પેકટર મારા વિશે જાણીને શુ કરશો?"

શ્રી બોલી પણ આ વખતે તેના અવાજમાં કોઈ કટાક્ષ ન દેખાયો એટલે દરવાજે પહોંચેલો પૃથ્વી ઉભો રહ્યો. શ્રીના અવાજમાં એકાએક નરમાશ આવી હતી એ જોઈ પૃથ્વીને લાગ્યું કદાચ હવે એને અમારા ઉપર ભરોસો આવ્યો હશે.

"અહીં જેલમાં તમે સેફ નથી, બહાર હુમલો થયો હતો હમણાં અને જ્યાં સુધી હું જાણું છું હુમલામાં મરેલા ત્રણ માણસો આ શહેરના નથી અને તમે પણ આ શહેરના નથી તો તમારા અને હુમલાખોર વચ્ચે કોઈ સંબંધ તો છે જ." મનુએ શ્રીનો હાથ પકડી કહ્યું, "યુ કેન ટ્રસ્ટ મી....."

શ્રીને કદાચ એ સહાનુભૂતિ ગમી. ઘણા દિવસ ભટક્યા પછી કોઈ ભલું માણસ મળ્યું હતું છતાં પોતાની જાત ઉપર કાબુ રાખતા શ્રીએ આંસુ રોક્યા પણ એ કઈ બોલી નહિ. તેની ઉદાસ આંખો જોઈ મનુને લાગ્યું કદાચ એને હજુ વધારે ભરોસાની જરૂર છે. હજુ એ મન ખોલી બોલવા માટે તૈયાર નથી, કદાચ એને ઘણા ખરાબ અનુભવો થયા હશે.

મનુંએ ઉભો થયો. થોડીવાર શ્રીના ચહેરા સામે જોઈ રહ્યો.

"સવાર પડે એ પહેલાં શ્રીને અહીંથી બીજી જગ્યાએ લઈ જવી પડશે મી. પૃથ્વી." ગુનેગારો સામે અથવા અધિકારીઓ સામે મનુ પૃથ્વીને માન આપતો.

"જે છોકરી એક શબ્દ બોલવા તૈયાર નથી એના માટે આ બધું...."

"મી. પૃથ્વી યાદ કરો મી. અગ્નિહોત્રી પણ એકેય શબ્દ બોલવા તૈયાર નહોતા, એનો અર્થ એ નથી કે મી. રચિત ગુનેગાર હતા."

અત્યાર સુધી શ્રીથી નારાજ પૃથ્વીને મનુની વાત સમજાઈ ગઈ.

"તો ક્યાં, ક્યારે અને કઈ રીતે?"

"ઇલીગલ.... મી. પૃથ્વી. અત્યારે, મારા ઘરે, કોઈને પણ જાણ કર્યા વગર જ." મનુએ હળવેથી કહ્યું.

"રુદ્રસિંહ?"

"ચાચુંને હું સંભાળી લઈશ." મનુએ શ્રીનો હાથ પકડી એને બહાર આવવા કહ્યું.

"બહાર બધા કોન્સ્ટેબલ છે એનું શું?"

"એક કોન્સ્ટેબલ બીજા કોન્સ્ટેબલ ઉપર ધ્યાન નહિ આપે મી. પૃથ્વી."

"ઓહ! તો હવે મારે લેડીઝ કોન્સ્ટેબલના કપડાં શોધવા પડશે એમ ને?"

"શોધવાની ક્યાં જરૂર છે મિસ જાડેજાના કપડાં તિજોરીમાં છે જ એ કપડાં શ્રીને થઈ જશે."

લેડીઝ કોન્સ્ટેબલના કપડાં પહેરી બહાર નીકળવાની વાત સાંભળી શ્રીને લાગ્યું કઈક અજુગતું થાય છે પણ એ ચૂપ રહી કેમ કે એને મનું ઉપર હવે ભરોસો હતો.
મનુ શ્રીને લઈને બહાર આવ્યો. તેને એક ખુરશીમાં બેસાડી અને કઈક વિચારવા લાગ્યો. થોડી જ વારમાં પૃથ્વી તિજોરીમાંથી જાડેજાના કપડાં લઈ આવ્યો.

"શ્રી તમારે આ કપડાં બદલી લેવા પડશે, બહાર પોલીસ છે અને એમાંથી કોણ વાત ક્યાં સુધી લઈ જાય એ અમે નથી જાણતા."

"પણ ચહેરો?"

"ચહેરાની ચિંતા નથી એ બધા કોન્સ્ટેબલ બીજા સ્ટેશનના છે આ સ્ટેશનના દરેક કોન્સ્ટેબલને એ લોકો ફેસથી ઓળખતા ન હોય."

મનુએ શ્રીને કપડાં આપ્યા, શ્રી એક રૂમમાં જઇ કપડાં બદલી આવી.

"મી. પૃથ્વી ઘર સુધી આને પહોંચાડી દેવાની જવાબદારી તમારી છે, કદાચ સ્ટેશનથી બહાર નીકળતી જીપ ઉપર કોઈની નજર પણ હોઈ શકે."

"પીછો અને પૃથ્વી દેસાઈનો? ઇમ્પોસીબલ...." ખિસ્સામાંથી જીપની ચાવી નીકાળી પૃથ્વી અભિમાનથી બોલ્યો. પૃથ્વી દેસાઈ દિવસની ભીડમાં પણ ગાડી સરળતાથી નીકાળી દેતો. વડોદરાની એક એક ગળી એને ઓળખતી હતી, તથા આવા પીછો કરનારને પૃથ્વી એક મિનિટમાં પકડી લેતો.

"બેસ્ટ ઓફ લક..... તમારી ગન ચેક કરી લેજો." મનુએ છેલ્લું વાક્ય પૂરું કર્યું ત્યાં સુધી પૃથ્વીએ શ્રીને કેપ પહેરાવી લીધી.

"મારી ગન હમેશા ઓકે જ હોય મનું." હસીને પૃથ્વીએ કહ્યું અને શ્રીને પોતાની પાછળ આવવા ઈશારો કર્યો.

બંને બહાર નીકળ્યા અને જીપમાં ગોઠવાયા, એન્જીન ચાલુ થયું પણ કોઈ કોન્સ્ટેબલે એ બન્ને તરફ ધ્યાન આપ્યું નહિ, કદાચ આપ્યું હશે તો પણ શ્રીને પોલીસ ડ્રેસમાં જોઈ કોઈને શક થયો નહિ.

જોત જોતામાં પૃથ્વીએ ગાડી ગેટ બહાર લીધી અને રુદ્રસિંહના ઘર તરફ રવાના થઈ ગયો.

મનુએ એક કાગળ અને પેન લીધા મીનીટો સુધી પેન હોઠ ઉપર મૂકી એ વિચારતો રહ્યો. એકાએક એના ચહેરા ઉપર સ્મિત ફરક્યું એણે એક આબાદ પ્લાન ઘડી લીધો. પછી ઝડપથી સવારે મીડિયામાં આપવામાં માટે અહી શું ઘટનાઓ થઇ એ લખી લીધી. જેમાં ઘણા ફેરફાર તેણે કર્યા હતા.

***

ક્રમશ:

લેખકને અહી ફોલો કરો

ફેસબુક : Vicky Trivedi

ઇન્સ્ટાગ્રામ : author_vicky