Khel - 26 books and stories free download online pdf in Gujarati

ખેલ : પ્રકરણ-26

ઉંચી બિલ્ડીંગો વચ્ચેથી ટોમની ઈ.ઓ.એન. અર્ધો કલાક સરતી રહી પછી ફેન્ટમ નાઈટ ક્લબ આગળ તેણે બ્રેક કરી. ટોમ કારમાંથી ઉતરીને ખિસ્સામાં બંને હાથ નાખી ફેન્ટમના દરવાજા તરફ ધીમેથી આગળ વધ્યો. દરવાજા પાસે ઉભેલા બુસ્ટર તેને રોકે તે પહેલા જ ત્યાં પાર્ક કરેલ રેડ વોલ્વો જે એક નજરે કોઈ વિદેશી ગાડી લાગતી હતી તેની પાસે ઉભેલ એવા જ વિદેશી દેખાવવાળી બ્લોન્ડ ફેસ અને ક્રીમી હેરવાળી વીસેક વર્ષની છોકરીએ તેને રોકયો.

“મી. નાઈટ ક્લબ રાત્રે નવ પછી જ ચાલુ થાય છે.”

“નો પ્રોબ્લેમ, ટુ ડે આઈ હેવ ઇનફ ટાઈમ ટુ વેઇટ...” અંગ્રેજ જેવી દેખાતી યુવતી આગળ ટોમ પણ અંગ્રેજીમાં બોલ્યો.

“બટ ટ્રીસ હેઝ નો ટાઈમ.” પેલીએ મોહક સ્મિત આપ્યુ.

“પરફેક્ટ કોડ, નાઈસ ટુ મીટ યુ. આઈ એમ ટોમ.” ટોમે પણ પોતાના ભોળા ચહેરા ઉપર સ્મિત લાવી હાથ લંબાવ્યો.

“નો ટાઈમ ફોર શેક હેન્ડ. લેટ્સ ગો ટુ મુંબઈ.” પેલીએ હસીને કહ્યું અને ગાડી તરફ જવા લાગી.

“ઓકે.....” ટોમે હાથ પાછો ખેચી વિચિત્ર બાઈ છે એમ મનમાં બબડી ખભા ઉછાળ્યા અને તેની પાછળ ગાડી પાસે ગયો.

“અને તમારી કારનું શું? એ અહી જ રહેવા દેવી છે?” ટોમે પોતાની કારનો દરવાજો ખોલતા કહ્યું.

“એ મારી કાર નથી મી. ટોમ, મને લાગે ત્યાં સુધી એ કાર નાઈટ કલબના માલીક મી. સહેગલની છે.” ટોમની રાહ જોયા વગર જ એ ડ્રાઈવર સીટની બાજુવાળી સીટ ઉપર ગોઠવાઈ ગઈ.

ટોમ પણ વધુ વાત કરવાને બદલે ડ્રાઈવર સીટ ઉપર ગોઠવાયો અને ઇગ્નીશનમાં કી ભરાવી. એન્જીન સ્ટાર્ટ થતા ક્લચ પરથી પગ ઉઠાવતા પહેલા ટોમે એક નજર એ યુવતી તરફ કરી, તે એકદમ જાણે આભો જ બની ગયો કેમ કે હવે તેની બાજુની સીટ ઉપર તદ્દન ભારતીય છોકરી બેઠી હતી જેના વાળ કાળી રાત કરતા પણ વધુ ઘેરા હતા. આંખો પણ કાળી, ઘઉંવર્ણની તવ્ચા, નાની આંખો અને હસમુખ ચહેરો. શરીરમાં થોડીક જાડી હતી પણ ખોટી ચરબી દેખાતી ન હતી.

“કેમ આજ સુધી છોકરી નથી જોઈ મી. ટોમ?” પેલીએ હસીને આંખો ઉલાળી.

“જોઈ તો છે પણ એક પળમાં રંગ બદલી નાખે એવી નથી જોઈ.” ટોમે પેલીએ વાળની વિગ અને આંખોને ભૂરી બનાવતા કોન્ટેક્ટ લેન્સ ઉતારી નાખી એ વાત પર કટાક્ષ કર્યો. અને ગાડી હંકારી મૂકી. ટ્રીસ ક્યાય સુધી તે વાત પર હસતી રહી... અને ગાડી સરતી રહી....

*

ટોમના ગયા પછી આદિત્ય અને પૃથ્વી ગાર્ડનમાં બેન્ચ ઉપર ગોઠવાયા.

"ફૂલ નાજુક હોય છે મી. આદિત્ય શુ કહેવું?"

"નાજુક હોય છે એટલે જ ગલતફેમી થાય છે પૃથ્વી. તું જેની વાત કરે છે એ ફુલને કિસ્મતે નથી બચાવ્યું પણ એને નાજુક સમજી લેવાની ભૂલના લીધે એ બચી ગઈ છે."

"એ પણ છે, ખેર ટોમ શુ કરશે ત્યાં જઈને? ઓફિસમાં એટલા માણસો છે બધાની પાછળ કઈ રીતે જશે એકલો? એમાં કેટલા દિવસ નીકળી જશે કોને ખબર? અર્જુન કઈ હાલતમાં હશે? એટલા દિવસ શ્રી હાથ નહિ લાગે તો કદાચ કિડનેપર ડરી જાય અર્જુનને મારીને ક્યાંક દફનાવી નાખે તો?" પૃથ્વીને ટોમ ઉપર હજુ વિશ્વાસ નહોતો. એક નવો શિખાઉ માણસ એટલું કામ પાર પાડી શકે એ બાબત જરા નવાઈ ભરી હતી તેમાં કોઈ બે મત ન હતા.

"પૃથ્વી ટોમનું આ કામ જ છે, ટોમ કોઈ પણ જગ્યાએ નોકરીમાં ફિટ થઈ જાય છે, એની પાસે ડુપ્લીકેટ સર્ટિફિકેટ છે અને એની મદદ માટે ટ્રીસને મેં મોકલી છે, કદાચ એના પિતાનું નામ જાણ્યા પછી તને એ લોકો આ મિશન પાર પાડી શકશે એની ખાતરી થઇ જશે. તે એક્ષ. મેજર અવિનાશ દત્તની પુત્રી છે." અદિત્યએ પૃથ્વીને સાંત્વના આપવા ટ્રીસ વિશે માહિતી આપી.

“અને આ ટોમ?”

“વેલ તે લાંબી કહાની છે. પણ તે અનાથ છે. દેખાવે ગોરો હતો એટલે તેનું નામ અંગ્રેજ પરથી કોઈએ ટોમ રાખ્યું હતું. તને ટ્રીસ નામ વિચિત્ર લાગતું હશે નહિ? પણ તે નામ તેણીએ જાતે જ રાખેલું છે. તેનું સાચું નામ તો તેણીએ કોઈને કહ્યું નથી તેને નથી ગમતું.”

"ઓકે હું સમજી ગયો પણ સર્ટિફિકેટ્સ બતાવવા માટે હોય છે. ઇન્ટરવ્યુનું શુ? ટોમને એકાઉંટિંગના પ્રશ્નો કઈ રીતે આવડે?"

"પૃથ્વી તું તો મને સાવ મૂરખ સમજે છે." આદિત્ય હસયા, "લેબમાં પાંચ માણસો હતા તેમાંથી મેં ટોમને જ એ કામ કેમ સોંપ્યું? એ કોમર્સ સ્ટુડન્ટ છે. અને હા વધારે દિવસ લાગે એટલા માણસોનો પીછો કરીને ખબર કાઢતા પણ જો એ નાનું સીટી હોય તો."

"મતલબ?"

"મતલબ શ્રી મુંબઈની ઓફિસમાં કામ કરતી હતી અને રાજીવ દીક્ષિત એક ફેમસ વકીલ છે તો એની ઓફિસમાં સી.સી.ટીવી. તો હોય જ ને? હવે એ જમાનો નથી રહ્યો કે આપણે ટાંચા સાધનોથી તપાસ કરવી પડે."

"હા પણ સી.સી.ટીવી.થી શુ?" પૃથ્વીને એક પળ કઈ સમજાયું નહી.

"ટોમ ઓફિસમાં નોકરીએ જશે ત્યાં ખાલી એને એક જ કામ કરવાનું છે સી.સી.ટીવી. જોવાનું અને ઓફિસમાં શ્રી અને અર્જુનના ગાયબ થયા પછી બધાના રિએક્શન કેવા હતા. કોઈ પણ માણસના રિએક્શન જોઈને એક અંદાજ લગાવી જ શકાય છે. શ્રી પાસે રાજીવ દિક્ષિતના ચેમ્બરની એક ચાવી હતી તે બહુ કામ લાગશે. ટોમને ડુપ્લીકેટ કી બનાવવા માટે સમય નહિ વેડફવો પડે."

"યસ ધેટ્સ ગ્રેટ. ચલો જોઈએ શુ થાય છે નહિતર પ્લાન બી તો છે જ ને."

"હા પ્લાન બી છે. જો ઓફિસમાં કોઈ અતો પતો ન મળે કોઈ અંદાજ ન મળે તો પછી શ્રીને ચારો બનાવી છોડીશું, બલભદ્ર શ્રીને ઉઠાવશે અને આપણે બલભદ્રને, જ્યારે માઈન્ડ પાવર કામ ન આવે ત્યારે ગન પાવર તો કામ આવે જ."

પૃથ્વીએ આદિત્ય તરફ જોયું, "હજુ શોખ ગયો નથી ખૂન કરવાનો તમારો..."

આદિત્ય ફરી ખડખડાટ હસી પડ્યા, "મને રુદ્ર જોડે વાતો કરવા દઈશ હવે? વર્ષો પછી મળ્યો છે મને." કહી તે બિલ્ડિંગ તરફ જવા લાગ્યા.

*

અર્ધેથી ડ્રાઈવિંગ ટ્રીસને સોપી ટોમે એક ઊંઘ લીધી હતીં. ટોમની ઈ.ઓ.એન. લગભગ રાતના દસેક વાગ્યે મુબઈમાં દાખલ થઇ. અંધારું ઘેરાઈ ગયું હતું. લાઈટોથી ઝળાહળા થતું મુંબઈ શહેર રાત્રે ઓર ખુબસુરત લાગે પણ એ ખુબસુરતી પાછળ કેટલા ભયાનક કામો થાય છે તે ત્યાં ફરવા આવતા લોકોને ખબર ન હોય. જોકે ટોમ અને ટ્રીસ માટે એ બધું અજાણ્યું ન હતું. અલબત્ત તેની પાસે જાતભાતના આઈડી હતા એટલે પોલીસની પણ એને કોઈ ફિકર ન હતી.

“ટોમ....” ટ્રીસે તેને બાવડેથી પકડીને હલાવ્યો.

“બોલ...” આંખો ચોળી એ થોડો ટટ્ટાર થયો. વિન્ડસ્ક્રીનમાંથી મુંબઈની ઝગારા મારતી સડકો દેખાઈ એટલે એ ઊંઘમાં જ બબડ્યો હોય તેમ બોલ્યો.

“હવે કોઈ સારી હોટેલ પણ શોધવી પડશેને?”

“કેમ? આપણા મેરેજ પર પપ્પાએ જે ફ્લેટ ગીફ્ટ કર્યો હતો એમાં રોકાવું તમને નહિ ગમે?”

“વોટ? મેરેજ? આપણા મેરેજ?”

“હા ટોમ. તમને શું લાગ્યું હું મુબઈ સુધી કંપની આપવા માટે આવી છું? આપણે અહી માર ફલેટમાં પતિ પત્ની તરીકે રહેવાનું છે.”

“ઓહ! આજ કાલ ફેમીલીવાળા માણસને નોકરી જલ્દી મળે છે....” ટોમે હસીને કહ્યું.

“ઓફકોર્સ, કારણકે ફેમીલીવાળો માણસ વચ્ચેથી નોકરી છોડીને જતો પણ નથી અને તેના ઉપર વિશ્વાસ પણ મૂકી શકાય છે કેમ કે તે શ્રી કે અર્જુનની જેમ એકલો નથી હોતો કે ગમે ત્યારે પૈસા લઈને નાશી જાય... આજ કાલ રાજીવ દિક્ષિત જેવા માણસો કોઈ વ્યક્તિને તેના બાયોડેટામાં સિંગલ શબ્દ વાંચ્યા બાદ નોકરી આપવા તૈયાર નથી થતા કેમ કે કદાચ એ વ્યક્તિ સિંગલ ન હોય તો તેને પકડવા તેની પત્નીને પકડી શકાય છે બાકી ગર્લફ્રેન્ડને પકડવી કેટલી મુશ્કેલ હોય છે એનો અંદાજ તો હવે એમને આવી જ ગયો હશે બલભદ્ર અને શ્રીનો કિસ્સો જોઇને.”

“પણ મારે બાયોડેટા બદલવો પડશે તેનું શું?”

“ઓહ, મને નથી લાગતું કે કોઈ મિશન દરમિયાન પચાસ કેલીબરની બુલેટથી શહીદ થતા પહેલા માત્ર બાયોડેટા બદલવો વ્યાજબી નથી.” પેલીએ ફરી એકવાર મજાક કરી.

ટોમના મનમાં થયું કે છોકરી સુંદર પણ છે અને ઇન્ટરેસટીંગ પણ છે. જો સરના મિશન ઉપર ન હોત તો હું એને જરૂર પટાવી લેત. પણ બીજી જ પળે એને એ વિચાર મૂર્ખાઈ ભર્યો લાગ્યો કારણ કે મિશન ઉપર ન હોત તો એ છોકરી એની સાથે જ ન હોત.

“વેલ ટ્રીસ આપણે બોરીવલી પહોંચી ગયા?”

“તો આ શું ન્યુયોર્ક છે?” કહીને ટ્રીસે બ્રેક કરી અને ગાડી પાર્ક કરી.

“તું સીધા જવાબ નથી આપતી કે પછી ખાનદાની પ્રોબ્લેમ છે?” દરવાજો ખોલી બહાર નીકળતા ટોમ કઈક ચિડાઈને બોલ્યો.

“તે કદાચ અવિનાશ દત્ત વિશે નહિ સાંભળ્યું હોય. નહિતર આવા સવાલ ન કરોત.” ટ્રીસ હવે માન આપતી નથી એ વાત ટોમે ધ્યાનમાં લીધી.

“ઓહ! ડીયર મને એવા કેટલાય દત્ત ફત્ત ઓળખે છે પણ હું કોઈને નથી ઓળખતો.”

“મી. ટોમ એ હવે નથી રહ્યા.” એકાએક મશ્કરી કરતી ટ્રીસ ગંભીર થઈને બોલી.

અવાજના રણકા પરથી ટોમને એ ખ્યાલ આવ્યો અને શબ્દો પણ સાંભળ્યા. તેણે ટ્રીસના ચહેરા તરફ જોયું, રમતિયાળ ચહેરા ઉપર ઉદાસી દેખાઈ.

“આઈ એમ સોરી ડીયર, મને એ ખબર ન હતી.”

“ઇટ્સ ઓકે.” એ બોલી અને સામે દેખાતી બહુમાળી ઈમારત તરફ ઈશારો કરી ઉમેર્યું, “આ બિલ્ડીંગ છે આપણો ઉતારો.”

“લીફ્ટ તો હશે ને?” ટોમે પૂછ્યુ.

“આ મુબઈ છે ઇડીયટ...” ટોમે મજાક કરી હતી તે જાણતી હોવા છતાં તેણીએ તેને ધબ્બો મારીને કહ્યું અને હસી. ટોમે એને હસાવવા જ એ કહ્યું હતું નહિતર લીફ્ટ તો એણે ગાડીમાંથી ઉતરતા જ જોઈ લીધી હતી. કદાચ તે પ્રેમમાં પડ્યો હતો.!

***

ક્રમશ:

લેખકને અહી ફોલો કરો

ફેસબુક : Vicky Trivedi

ઇન્સ્ટાગ્રામ : author_vicky