Jindagi ek dakhlo sarvada baadbakino - 5 books and stories free download online pdf in Gujarati

જિંદગી ...એક દાખલો..સરવાળા-બાદબાકીનો - 5

જિંદગી ...એક દાખલો..સરવાળા-બાદબાકીનો

પ્રકરણ - ૫

'સમ્યક, લગ્નનું સામાજિક - બાહ્ય બંધન મારાં મન-હૃદયને નહીં બાંધી શકે. તું મને રાજીખુશીથી અલગ કર. હું બાકીની જિંદગી કાર્તિક સાથે ગુજારવા ઇચ્છું છું. ' આખરે કામ્યાએ બંડ પોકારીને કહી દીધું.

કામ્યાના એટલું કહેવાની સાથે જ એનાં ગોરા-ગોરા ગાલ પર સહસા સમ્યકની ચારેચાર આંગળીઓની સ્પષ્ટ છાપ ઉઠી આવી. હા, છેવટે સમ્યકે સહનશીલતા ગુમાવી એક જોરદાર થપ્પડ કામ્યાના ગાલ પર રસીદ કરી દીધેલી. બીજી પળે, પોતાની જાતને અપમાનિત થયેલી મહેસૂસ કરતો ગુસ્સામાં ઘરની બહાર નીકળી ગયેલો. કામ્યા ડઘાયેલી હાલતમાં ફસડાઈ પડેલી.

***

'વ્હોટ ? કામ્યા હોસ્પિટલમાં ?' કાર્તિકના હાથમાંથી માંડ માંડ મોબાઈલ છટકતો અટક્યો.

અર્ધી રાત્રે સૌમ્યા અને કાર્તિક તરત હોસ્પિટલે દોડ્યા હતા. બોરીવલીનાં એ મોંઘાદાટ નર્સિંગહોમમાં બેહોશ અવસ્થામાં દાખલ કરાયેલી કામ્યા એકદમ ફિક્કી દેખાઈ રહેલી.

કાર્તિકને સમ્યકે એક પણ શબ્દ ચોર્યા વગર બધી હકીકત જણાવી દીધી હતી. જે રીતે સમ્યક એનાં પર હાથ ઉગામીને ઘર છોડીને ચાલ્યો ગયેલો, કામ્યાને અહેસાસ થયો હતો કે સમ્યક એને કદીયે રાજીખુશીથી અલગ થવાની મંજૂરી નહીં આપે. એને કાર્તિક વગરની જિંદગી અસાર લાગી હતી. એથી જીવનનો અંત આણવાનું - અંતિમ ડગ ઉઠાવેલું.

બાળકો વિશ્વા અને ચિરાયુને સુવડાવી દીધા બાદ, એણે ઘરમાં હાથવગી રહેલ ઊંઘની ગોળીઓનો ઓવરડોઝ લઇ લીધેલો.

ભયંકર માનસિક તાણ અનુભવતો સમ્યક મોડી રાત્રે નશાભરી હાલતમાં ઘેર પહોંચ્યો હતો. કેટલીય બેલ મારવા છતાં દરવાજો ખુલ્યો ન હતો. ડુપ્લીકેટ લેચ -કીથી ફ્લેટ ખોલી એ ઘરમાં પ્રવેશ્યો હતો.

બેડરૂમમાં અંતિમ ક્ષણો સુધી પહોંચી ગયેલી કામ્યાની હાલત જોઈ, એનો બધો નશો ઊતરી ગયેલો. તાત્કાલિક એને હોસ્પિટલમાં દાખલ કરેલી.

સવારે કામ્યા થોડીવાર માટે ભાનમાં આવી. એ થોડુ -થોડુ, કણસી રહેલી ત્યારે સમ્યકને ડૉકટરે કહેલું, ' પેશન્ટ તમને યાદ કરતાં હોય એમ લાગે છે. '

સમ્યક ઉતાવળે કામ્યા પાસે ધસી ગયેલો. પરંતુ, કામ્યાનો હાથ એણે હાથમાં લેતાં - બંધ આંખે પણ કામ્યાએ પોતાનો હાથ સેરવી લીધેલો.

અભાનાવસ્થામાં એનાં અર્ધજાગ્રત મને કદાચ સ્પર્શ ઓળખી લીધેલો. ધીમા -ધીમા અસ્ફુસ્ટ સ્વરે કામ્યાના હોઠ ફફડી રહેલાં, ' કાર્તિક... , ક્યાં છે તું ? મને જીવવું છે, પણ.... . તારી સાથે જીવવું છે. '

અર્ધબેહોશીની હાલતમાં કામ્યાના હોઠેથી સરતાં આ તૂટક - તૂટક શબ્દોએ સમ્યકને સંપૂર્ણ તોડી નાંખ્યો. એ ધ્રુસકે -ધ્રુસકે રડી પડેલો. એ જ ઘડીએ એનાં મને કામ્યાની હઠ સામે શરણાગતિ સ્વીકારી લીધેલી.

***

સૌમ્યા રણચંડી બની હતી. આજે કામ્યાને હોસ્પિટલમાંથી રજા આપવાનાં હતા.

કાર્તિકે એને સૂચના આપતાં કહેલું, ' સૌમ્યા, કામ્યાને આજે ડિસ્ચાર્જ આપશે. એ આપણા ફ્લેટ પર થોડા દિવસ માટે આરામ કરવા આવશે. એ પ્રમાણે આપણો બેડરૂમ ગોઠવી દેજે. '

'નહીં, હું હવે કોઈ વેઠ નથી કરવાની. હોસ્પિટલ પૂરતી એને સાચવી લીધી એટલું પૂરતું છે. આપણા એક બેડરૂમના સંકડાશભર્યા ફ્લેટમાં એને આરામ કરવા આવવાની જરૂર જ ક્યાં છે ? એ એનાં લક્ઝુરિયસ ડુપ્લેક્સ ફ્લેટમાં સરસ રીતે આરામ કરી શકે છે. મદદ માટે એની મમ્મી, ભાભી કે બેનને બોલાવી શકે છે. અને કોઈને ત્યાં જવું જ હોય તો અહીં મલાડમાં રહેતા એનાં મમ્મી-પપ્પાને ઘરે જવાનું શા માટે નથી ગોઠવતી ?'

સૌમ્યા જાણે વાતાવરણ સૂંઘી ગઈ હતી. એની સ્ત્રીસહજ છઠ્ઠી ઇન્દ્રિય જાગી ઉઠેલી. એણે પોતાનાં ઘરે કામ્યાના થનારા આગમનને ધરાર નકાર્યું હતું.

કામ્યાનો આપઘાતનો પ્રયાસ, કાર્તિકનો રઘવાટ, ઉપરથી સમ્યકે કાર્તિક અને કામ્યાને એકાંત આપવાની સૂચનાથી એને થોડોઘણો અંદેશો આવી જ ગયેલો કે એનાં રસિક ભ્રમર જેવા પતિ કાર્તિક અને રૂપાળી -નખરાળી કામ્યા વચ્ચે કંઈક રંધાઈ રહ્યું છે. છતાં એ હોસ્પિટલવાળા દિવસો દરમ્યાન શાંત રહેલી. એને સમ્યક પર વિશ્વાસ હતો કે સમ્યક બાજી નહીં બગડવા દે. તે ક્યાં જાણતી હતી કે સમ્યકનાં હાથમાંથી બાજી ક્યારનીય સરી ચૂકેલી.

પત્ની સૌમ્યાના નકારને કાર્તિકે પચાવી જવો પડેલો. પણ એનાં માટે ધર્મસંકટ ઉભું થયું હતું. કામ્યા તો એની સાથે જ, એનાં ઘરે આવવા માંગતી હતી.

'કામ્યા, તું શું એવું ઈચ્છે છે કે હું સૌમ્યાને ઘરબહાર કરી તને મારાં ઘરે લઇ જઉં અથવા સૌમ્યા ઝઘડીને સામેથી ઘર છોડીને જતી રહે ?' કાર્તિકે એની સાથે ઘરે આવવા હઠે ચડેલી કામ્યાને પૂછેલું.

'બિલકુલ નહીં, કાર્તિક. ઘર તો સૌમ્યાનું છે. એ જતી રહે એવું હું નથી ઇચ્છતી. ' કામ્યાના મનમાં સાચે જ સૌમ્યા માટે એવી કોઈ અસૂયા ન હતી.

'બસ, તો મારાં પર વિશ્વાસ અને થોડી ધીરજ રાખ. જેમ સમ્યક માની ગયો છે, એમ હું સૌમ્યાને મનાવી લઈશ. મને થોડો ટાઈમ આપ. ' કાર્તિકે કામ્યાના હાથને પંપાળતા કહેલું.

' ઠીક છે. તો હું મલાડ મારાં પિયર જઈશ. આમ પણ વેકેશન પડી ગયું હોઈ બાળકો ત્યાં જ છે. પણ કાર્તિક તારે મને ત્યાંથી તેડી જવાની રહેશે, જ્યાં સુધી તું લેવા નહીં આવે, હું ત્યાં જ રહીશ. ' કામ્યાનો આ જવાબ સાંભળી કાર્તિક હળવો થઇ ગયો.

કેમ કે, આ નાજુક સમયનાં તબક્કે સૌમ્યા સાથે વધુ ખટરાગ થાય અને વાત ચોળાય કે લંબાય, તો ફરી કોઈ નવી મુશ્કેલી ઉભી થાય એમ હતું. જેનાં માટે એ અત્યારે બિલકુલ તૈયાર ન હતો.

***

સમય કોઇનીય પરવા કર્યા વગર હંમેશની જેમ સરસરાટ સરી રહેલો. ઉઘડતા વેકેશને સમ્યક, વિશ્વા અને ચિરાયુને આબુની હોસ્ટેલમાં દાખલ કરી આવ્યો હતો.

કામ્યાના પરિવારે, એ નાની હતી ત્યારે એને મુંબઈના પ્રદુષણમુક્ત વાતાવરણથી દૂર સારા અભ્યાસ અને તંદુરસ્ત હવા -પાણી મળે એટલે આબુમાં ભણાવેલી. કામ્યાએ કરેલી પોતાની હોસ્ટેલ લાઈફની વાતોને લીધે, તેનાં બંનેય બાળકોએ સરળતાથી હોસ્ટેલ અને હોસ્ટેલનાં જીવનને આત્મસાત કરી લીધું હતું.

આજે સૌમ્યા આનંદમાં હતી. એની ભાભીના સીમંત પ્રસંગે એ અમદાવાદ જઈ રહી હતી.

જો કે આમ તો સૌમ્યા છેલ્લા ત્રણ મહિનાથી ફફડતા હૈયે જીવી રહેલી. મલાડ ખાતેના પિયર ગયેલી કામ્યા પાછું આવવાનું નામ જ નહોતી લેતી. એ મનોમન વિચારતી, ' ગજબની બાઈ છે આ તો ! ધણી -છોકરાં પણ યાદ નહીં આવતા હોય એને ? શું વાંધો પડ્યો હશે બેય માણસને ? રૂપાળી બૈરીનું આ જ દુ:ખ ! વાંધો પડતા વાર જ ન લાગે. ' એ જાણતી ન હતી કે વિશ્વા અને ચિરાયુ આબુમાં ભણવા માટે દાખલ થઇ ગયાં છે. દરમ્યાન, કામ્યાનો હોસ્પિટલેથી ડિસ્ચાર્જ થયા બાદ એક પણ વાર મેળાપ ન થયેલો, એટલે એ નિશ્ચિંન્ત બની ગયેલી.

જિંદગી કઈ રીતે કરવટ લેતી બદલાઈ રહી છે, એનાથી અજાણ સૌમ્યા એનાં પિયર જતા પહેલાં જવાબદાર ગૃહિણીની માફક કેટલીય ભલામણ કરી રહેલી કાર્તિકને, ' આમ તો મારો વિચાર, ભાભીનું સીમન્ત પતે કે પછી તરત આવી જવાનો હતો. પણ રિવાજ પ્રમાણે સીમંત પછી ભાભીને એમનાં પિયર જવાનું છે. એટલે મારી નરમ તબિયતવાળી મમ્મીથી કામ નહીં થાય . મારે લગભગ, અઢી-ત્રણ મહિના રોકાવું પડશે. અહીં તારું સાંજનું ટિફિન બધાંવી દીધું છે. બપોરે કેન્ટીનમાં જમી લેજે. મારાં વગર જે કોઈ તકલીફ પડે એ ચલાવી લેજે. આવીને પછી તને એવો ખુશ-ખુશ કરી દઈશ કે બધી પડેલી તકલીફો ભૂલી જઈશ.... ' કહેતાં એ લજાઇને લાલઘૂમ થઇ ગયેલી.

અત્યારે લજાઇને લાલઘૂમ થઇને જઈ રહેલી સૌમ્યા જાણતી ન હતી કે આવશે ત્યારે પણ એ લાલઘૂમ તો થશે જ, પણ લજ્જાથી નહીં ગુસ્સાથી !

ક્રમશ :

સૌમ્યાના ગયા બાદ કાર્તિક અને કામ્યા શું કરશે ? સૌમ્યા માટે કેવો નિર્ણય લેશે ? સમ્યક એમાં કયો અને કેવો ભાગ ભજવશે , એ જાણવા માટે પ્રકરણ -૬ ની રાહ જોવા વિનંતી છે.