Jindagi ek dakhlo sarvada baadbakino - 7 - Last Part books and stories free download online pdf in Gujarati

જિંદગી ...એક દાખલો..સરવાળા-બાદબાકીનો - 7 - છેલ્લો ભાગ

જિંદગી ...એક દાખલો..સરવાળા-બાદબાકીનો

પ્રકરણ - ૭

' આવો ' સૌમ્યાએ સમ્યકને આવકાર્યો હતો.

એ સમ્યક તરફ જોઈ રહી. વર્ષની અંદર સમ્યક તદ્દન નંખાઈ ગયો હતો. વાળમાં પ્રવેશી ગયેલી સફેદી, ઊંડી ઉતરી ગયેલી આંખો અને બેસી ગયેલાં ગાલને લીધે એની ઉંમર જાણે દસકો વધી ગઈ હોય એમ લાગી રહેલું.

સમ્યકની હાલત જોતાં સૌમ્યાને આપોઆપ એનાં માટે સહાનુભતિ થઇ આવી હતી. સાથે- સાથે પોતાની હાલત સાંભરી આવતા આંખોમાં ધસી આવેલાં અશ્રુઓને ગોપવતા એ ઝટપટ કિચનની અંદર ચાલી ગઈ.

એ પાણીનો ગ્લાસ લઈને પાછી ફરી હતી. સમ્યકે પાણી પીધા બાદ સૂર અંગે પૂછ્યું હતું તો, સૌમ્યાએ વિશ્વા-ચિરાયુના ખબર-અંતર પૂછ્યા હતા.

બે -ત્રણ વાક્યની આ પ્રકારની ઔપચારિક વાતચીત બાદ રૂમમાં મૌન પથરાઈ ગયું.

થોડીવારે સમ્યકે પીડાભર્યા સ્વરે પ્રશ્ન કર્યો, ' તું આ પરિસ્થિતિમાં ખુશ છો સૌમ્યા?'

થોડી પળો પહેલાંના ગોપવી દીધેલા અશ્રુઓ તરત સૌમ્યાની આંખોમાંથી સરી પડ્યાં.

'મારો ઈરાદો તને દુઃખી કરવાનો નથી. ' સમ્યકનાં સ્વરમાં અફસોસ ઝળકી રહેલો.

' જાણું છું, તમે બીજાને ક્યારેય દુઃખી ન કરી શકો કે ન જોઈ શકો. ' સૌમ્યાએ સમ્યક પ્રતિ વિશ્વાસ વ્યક્ત કર્યો.

'આભાર સૌમ્યા, દરેક વ્યક્તિ સાથે - ચાહે એ આપણી મા હોય, પત્ની હોય, બાપ હોય કે ભાઈ હોય - ઘરમાં આપણે બધા નાની-મોટી બાબતમાં પરસ્પર સમાધાન કરતાં જતા, પણ ખુશીથી જીવીએ છીએ . તમે પણ સમાધાનભરી જિંદગી જીવો. આવી શરણાગતિવાળી શા માટે જીવી રહ્યા છો ?’

' એટલે ? ' સૌમ્યા સમજી નહીં.

'આ જે ઘરમાં તું રહે છે - એ ઘર તને તારું હોય એવું લાગે છે ? એક આશ્રિતની જેમ જીવવાનું તે સ્વીકારી લીધું છે. હું ઈચ્છું છું કે તારી સામે પડેલી લાંબી જિંદગીનો વિચાર કરીને તું બીજું ઘર વસાવે. તું કહીશ કે એવું હોય તો હું કેમ નથી વિચારતો ?'

સૌમ્યા જોઈ રહી સમ્યક સામે, બરાબર આ જ પ્રશ્ન એનાં હોઠ સુધી આવી જ ગયેલો.

' હું પણ વિચારું જ છું. ભલે, હું કામ્યાને અનહદ ચાહતો હોઉં, પણ એ મારી સાથે આગળનું જીવન ગાળવા તૈયાર નથી- તો હું એકલો જિંદગી કેવી રીતે પસાર કરીશ ? સાંજ પડ્યે હું ઘરે આવું છું તો ખાલી પડેલું ઘર મને ખાવા દોડે છે. કોઈ હવે ઘરે રાહ જોતું નથી હોતું. ક્યારેક ક્યારેક તો ઘરે આવવાની ઈચ્છા પણ નથી થતી. ' આટલું કહેતાં સમ્યકનો કંઠ ભરાઈ આવ્યો. પાણીનો ઘૂંટડો પી એણે ગળે ભરાઈ આવેલો ડૂમો ઉતાર્યો.

તરત સ્વસ્થ થતાં એ આગળ બોલ્યો, ' તેં કે મેં, કાર્તિક અને કામ્યા જેને પ્રેમ કહે છે - એ આજ સુધી નથી કર્યો કે નથી કરી શકવાના. હું જેને પ્રેમ સમજતો હતો, કરતો હતો - એ તો એને પ્રેમ માનવા તૈયાર નહોતી અને મને છોડી ગઈ. હવે સુખ-દુઃખની લાગણી વહેંચવા માટે મને સાથીની જરૂર છે. એની ખોટ તો તું પણ મહેસૂસ કરતી હોઈશ, સૌમ્યા ! ખરું ને ? આ સંજોગોમાં આપણે એકબીજાને સ્વીકારી લઇ સમાધાન ન કરી શકીએ ?'

સૌમ્યા સમ્યકનો પ્રસ્તાવ સાંભળી અવાક બની ગઈ. પ્રથમ તો એનાં હૈયાએ નકાર કર્યો. હોઠે નકાર આવી પણ ગયો. પરંતુ એ જ ક્ષણે એને કાર્તિકની એનાં તરફની ઉપેક્ષા અને બાકીની જિંદગી પણ છતે પતિએ ત્યક્તા જેવી ગાળવાનો વિચાર એને નખશિખ કંપાવી ગયો. એ 'હા' કે'ના' કોઈ જવાબ સમ્યકને ન આપી શકી.

' ઉતાવળ નથી સૌમ્યા, શાંતિથી વિચારીને જવાબ આપજે. '

સૌમ્યાને વિચલિત અને વિચારમાં પડેલી જોઈ સમ્યક સભ્યતા દર્શાવતા બહાર નીકળી ગયો.

***

સમ્યક અને સૌમ્યાનો એક થવાનો નિર્ણય સાંભળી, પ્રથમ કાર્તિક અને કામ્યાને આશ્ચ્રર્યનો ઝાટકો જ લાગેલો. પછી તરત એમણે આ નિર્ણય વધાવી લીધેલો. કેમ કે એમના ઐક્ય પાછળ સમ્યક અને સૌમ્યા નાહકનાં દંડાઈ ગયા છે, એ અપરાધભાવનાનો બોજ હલકો થઇ રહ્યો હતો.

પરંપરામાં માનનારી સૌમ્યા લગ્ન કરીને કાયદેસર સમ્યક સાથે રહેવા ઇચ્છતી હતી. એથી કાર્તિકે છૂટાછેડા આપવા પડેલા. કાર્તિક એક ક્ષણ માટે જરૂર વિચલિત થયો હતો. કેમ કે, આખરે એની પત્ની બીજા સાથે સંસાર માંડવા જઈ રહી હતી. પણ અંતે એક સવારે સમ્યક અને સૌમ્યાનો અલગ સંસાર શરૂ થઇ ગયેલો.

સમ્યક અને સૌમ્યાના લગ્નના થોડા દિવસ બાદ , એક રાત્રે કાર્તિક એની બાહોમાં કામ્યાને ભીસતાં પૂછી રહેલો, ' આપણે પણ હવે લગ્ન કરી લઈશું ? '

' ના ' કાર્તિકનાં નાક સાથે પોતાનું નાક રગડતાં કામ્યાએ જવાબ આપ્યો.

'કેમ ?' કંઈક આશ્ચ્રર્યથી કાર્તિક એને જોઈ રહ્યો.

જવાબમાં કાર્તિકની વિશાળ છાતી પર પોતાનું મસ્તક ઢાળી દેતાં કામ્યા બોલી હતી, ' કાર્તિક, પ્રેમની કોઈ મંજિલ નથી હોતી. બધા કહે છે કે પ્રેમની અંતિમ મંજિલ લગ્ન છે, પણ હું એ કેવી રીતે માનું ? એમ હોત તો હું તને પ્રેમ કરી શકી હોત ? સમાજ પરિણીતાના પ્રેમને ધિક્કારે છે. કેમ કે સમાજ માને છે કે પ્રેમની અંતિમ મંજિલ લગ્ન છે. '

'હા, કામ્યા એ શું સાચું નથી ?' કાર્તિક ખરેખર વિચારમાં પડી ગયેલો.

' કાર્તિક, હું પરિણીત હતી. મને એ પણ ખબર હતી કે તું પરણેલો છે. મને પત્ની નથી બનાવી શકવાનો. છતાં મને તારી સાથે પ્રેમ થઇ ગયો. આવા પ્રેમને સમજવાની સમાજ દરકાર નથી કરતો. એટલું જ નહીં, બધાની નજરમાંથી પણ ઉતરી જવાય છે. એ બધું હું જાણતી હોવા છતાં, કોઈ જ અપેક્ષા રાખ્યા વગર બધું છોડી તારી પાસે આવી ગઈ.... '

'હમ્મ... સાચી વાત, પણ હવે તો આપણે લગ્ન કરવા માટે સ્વતંત્ર છીએ ' કાર્તિકે કહ્યું.

'કાર્તિક, સાચું કહું તો તારી સાથે લગ્ન કરીને તારા પર મારો કોઈ અધિકાર થોપવાનો મને કોઈ મોહ નથી. લગ્નનો શું અર્થ છે ? સોગન્દ લઇ ફેરા ફર્યા બાદ આપણાં છૂટાછેડા થયા તો લગ્ન ફોક જ ગણાયાં ને ? હું એવી છૂટાછેડાની સગવડવાળી લગ્નસંસ્થા પર કઈ રીતે ભરોસો રાખી શકું કે માત્ર લગ્ન કરવાથી જ તું આજીવન મારી સાથે બંધાઈને રહેશે. હા, હું એ સંજોગોમાં લગ્ન ચોક્કસ કરત જો આપણને બાળકો જોઈતા હોત તો ! જેથી બાળકને પિતાનું નામ મળે. માતા -પિતાનો સરખો પ્રેમ મળે અને બાળકનો સમતોલ વિકાસ થાય એ માટે હું લગ્નને જરૂરી માનું છું. '

'અચ્છા તો.., આ પેલું નવું ચાલ્યું છે એ 'લિવ ઈન રિલેશનશિપ' જેવું ! ' કાર્તિક બોલ્યો.

કામ્યા ખડ-ખડ હસી પડી, ' શા માટે કાર્તિક તું આપણાં સંબંધને કોઈને કોઈ નામ આપવા મથી રહ્યો છે ? 'લિવ ઈન રિલેશનશિપ' એ કંઇ પ્રેમ નથી. જવાબદારીથી મુક્ત રહી 'ટ્રાયલ એન્ડ એરર'ની એક રમત છે. જો એકમેક સાથે ફાવે તો આગળ જતા લગ્ન કરવા. ફરી એક વાર, વાત તો બાંધવાની જ આવી ને ! પ્રેમ હોય તો 'ટ્રાયલ એન્ડ એરર' ની જરૂર શી છે ? એકમેકનાં પ્રેમ પર પૂરો વિશ્વાસ ન હોય ત્યારે જ યુગલ 'લિવ ઈન રિલેશનશિપ ' નો વિક્લ્પ પસંદ કરે છે. '

'કામ્યા તું મારો રોમૅન્ટિક સ્વભાવ જાણે છે. કદાચ અમુક વર્ષો બાદ મારા બીજી સ્ત્રી મારા જીવનમાં પ્રેવેશે તો ?' કાર્તિક કામ્યાને ચકાસી રહ્યો.

' એ બાબતે હું કોઈ પ્રકારની અસલામતીની ભાવના નથી અનુભવતી. જો તું મારો રહેવા માટે સર્જાયો હોઈશ તો તું મારી પાસે જ રહીશ. ક્યાંય જઈશ તો પણ પાછો આવીશ. જો તું નહીં આવે તો સમજીશ કે તું મારો ક્યારેય હતો જ નહીં ! તો પછી તારા જવાનો અફસોસ શો ? અલબત્ત, મારો પ્રેમ શરતી નથી. તું કરે ન કરે, હું તો તને પ્રેમ કરતી જ રહીશ. એટલો બધો કે દુનિયાના ગમે તે ખૂણે તું જાય પણ મને ન ભૂલી શકે. ત્યાં તું ખાધા-પીધા વગર ટકી જાય, પણ મારા વગર નહીં. ' કામ્યાના પ્રત્યેક શબ્દે પ્રેમ ટપકી રહેલો.

'કામ્યા... ' આવેશમાં આવી કાર્તિકે એને આખીને આખી ઉંચકી લીધી.

***

ખરેખર વગર લગ્ને કાર્તિક અને કામ્યાના સહજીવનને ચોવીશ વર્ષ ક્યા પૂરા થઇ ગયા એ ખબર નહોતી પડી. હમણાં છેલ્લા વરસથી કાર્તિક બિમાર રહેતો હતો. જો કે એનો રમતિયાળ સ્વભાવ બિલકુલ નહોતો બદલાયો. કામ્યા પાછળ આજે પણ એ એટલો જ દીવાનો હતો. તો કામ્યા પણ એને એટલું જ ચાહતી.

'... કામ્યા... '

'બોલ'

'આપણાં બેમાંથી કોણ ઉપર પહેલાં જશે ? અને જે અહીં રહી જશે એ શું કરશે ? ' બિમાર પડેલો કાર્તિક વિચિત્ર સવાલ કરતો.

'હું તને અહીં મૂકીને જઈ શકું એમ નથી. ઊંઘની ગોળીઓ ગળીને પણ તારે લીધે મરી ન શકેલી. એથી હું પહેલી મરવાની નથી. ' કામ્યા હસતી.

'એ બરાબર. પણ જો તારા પહેલાં હું મરી ગયો તો હું તારા વગર નહીં રહી શકું. તને ત્યાં બોલાવી લઈશ. ' કાર્તિક પણ હસતો.

'બોલાવવાની જરૂર નહીં પડે. હું જ જાતે આવી જઈશ. ' કામ્યા એને એમ કહેતાં ચૂમી લેતી.

***

' મેડમ, ચિરાયુબાબાના લગ્નમાં નથી જવાનું ? 'આંખો બંધ કરી આરામખુરશીમાં બેઠેલી કામ્યાને ભૂતકાળમાંથી વર્તમાનમાં આણતો કામવાળીનો સ્વર કર્ણપટ પર અફળાયો.

કામ્યાએ ઓરેન્જ કલરની સાડી પરિધાન કરી હતી . પૂર્ણ શણગાર કર્યો. શણગાર કરતી વખતે એને સતત એવી અનુભૂતિ થતી રહી કે કાર્તિક હમેંશની જેમ એની આસપાસ ભ્રમરની જેમ મંડરાઈ રહ્યો છે.

'કાર્તિક.. કાર્તિક.. ' એનું હૈયું બાપોકાર કરી ઉઠ્યું.

સમ્યકની નજર વારંવાર મેરેજહૉલના દરવાજા તરફ જતી હતી. એને કામ્યાનો ઇન્તજાર હતો. કામ્યાએ કહ્યું હતું કે એ ચોક્કસ ચિરાયુના લગ્નમાં આવશે. કામ્યા જે કહેતી, એ જરૂર કરતી - એ વાત સમ્યકથી વધારે કોણ સારી રીતે જાણતું હતું ? એ ધીરજથી એની રાહ જોઈ રહેલો.

***

સળગતી ચિતાના અંગારા પણ ઠરી ગયેલાં, પણ સમ્યક હજી ત્યાં અન્યમનસ્કપણે ઊભો હતો. કાર્તિકની વિદાયને મહિનો પણ પૂરો નહોતો થયો અને કામ્યાની રૂપાળી કાયા એની સામે જ રાખનો ઢગલો થઈને પડી હતી.

ચિરાયુના લગ્નમાં આવવા માટે ઘરેથી કામ્યા સમ્યકે મોકલેલી કારમાં નીકળી હતી. પણ લગ્નસ્થળે એનો નિર્જીવ દેહ પહોંચ્યો હતો. રસ્તામાં બંધ એ. સી. કારમાં એનો આત્મા ક્યા અને કયારે ગતિ કરી ગયો એની સહેજ પણ ખબર નહોતી પડી.

આમેય કામ્યા તો સમ્યક માટે જિંદગીભર અકળ રહેલી. એનું મૃત્યુ પણ અકળ રહ્યું. રિપોર્ટમાં પણ એનું કોઈ કારણ ન મળેલું.

સમ્યક વિચારી રહેલો કે કામ્યાને ન તો ક્યારેય એ ભૂલી શકેલો કે ન માફ કરી શકેલો. લાંબા અરસા સુધી એ કોસતો રહેલો કે કામ્યાએ એનાં પ્રેમનો યોગ્ય પડઘો ન પાડતાં છેહ દીધો હતો. પણ, કદાચ આજે સમ્યક સમજ્યો હતો - કામ્યાના શબ્દકોશ પ્રમાણે પ્રેમ નો અર્થ !

વર્ષો પહેલાં એ સમ્યકને છોડી કાર્તિકની સાથે જેટલી સહજતાથી રહેવા ચાલી ગઈ હતી, એટલી જ સહજતાથી એણે કાર્તિકની પાછળ- પાછળ દુનિયા છોડી દીધી હતી.

***

કામ્યાનું ગણિત કાચું-પાકું નહીં, અલગ જ હતું. એની જિંદગીના સરવાળા - બાદબાકી એણે અલગ રીતે ગણેલાં. દુનિયાની દ્દ્ષ્ટિએ તો સમ્યક જેવો આર્થિક રીતે સધ્ધર પતિ, બે રૂપાળા બાળકો અને પત્ની તરીકેનો સામાજિક મોભો - ગૌરવ બધું જ કાર્તિક પ્રત્યેના પ્રેમ માટે હોડમાં મૂકી એક નુક્સાનીભર્યો જુગાર જ ખેલ્યો હતો. જાણે સુખોનો ભાગાકાર કરી બાદબાકી ગણી હતી.

પણ કામ્યાની દ્રષ્ટિએ તો એ કાર્તિકનાં પ્રેમનો સતત ગુણાકાર મેળવતી રહી, સુખ-સંતોષભરી જિંદગીને પૂરેપૂરી માણીને ભાગ્યે જ કોઈ સ્ત્રીને મળે એવી તૃપ્તિ મેળવી જિંદગીને ખુદની ઈચ્છાથી અલવિદા કરી ગઈ હતી.

[સંપૂર્ણ ]