Anbanav - 2 books and stories free download online pdf in Gujarati

અણબનાવ - 2

અણબનાવ-2
અચાનક રાકેશ બધાને છોડીને ચાલ્યો ગયો.એના પરીવારને અને એટલો જ એના મિત્રોને આઘાત આપતો ગયો.હોસ્પીટલમાં રો કકડ ચાલતી હતી ત્યાંરે જ આકાશ આવ્યોં.એના તો હોશ ઉડી ગયા.એ મૌન થઇ ગયો.એને જે કહેવું હતુ એ તો પહેલા જ એ કહી ચુકયો હતો.હવે રાકેશનાં મૃત્યુથી એની પાસે કહેવાનું કંઇ ન બચ્યું.વિમલ અને સમીર તો રાજુને તથા રાકેશનાં પરીવારને આશ્વાસન આપતા રહ્યાં.પોતે હિંમત રાખી બીજા બધાને પણ હિંમત આપતા રહ્યાં.
સ્મશાનમાં લાકડાથી અગ્નિદાહ અપાઇ રહ્યોં હતો.આકાશ એકલો એક તરફ શુન્યમનસ્ક થઇને બેઠો હતો.વિમલ અને સમીર સ્મશાનનાં બાકડા પર આંસુ સારતા બેઠા હતા.રાજુ તો રાકેશનાં પિતા અને ભાઇને ધરપત આપવા એમની સાથે બેઠો હતો.એવામાં વિમલને સમીરે કહ્યું
“આ આકાશ તરફ તો જો! કંઇ બોલતો જ નથી.”

વિમલે આકાશ તરફ જોયું તો સમીરે ફરી કહ્યું
“યાર વિમલ, આ આકાશ જે પેલા બાવાની વાત કરતો હતો એમાં જરા પણ સત્ય નહિ જ હોયને?”

“અરે યાર,આકાશની જેમ તું પણ આવી વાત કેમ કરે છે?”

“નહિ...એવું નથી.પણ જો વિમલ, રાકેશને રીકવરી લગભગ આવી જ ગઇ હતી પછી અચાનક જ એ ચાલ્યોં ગયો.”

સમીરથી એક ડુંસકુ ભરાઇ ગયુ.વિમલ થોડીક્ષણ મૌન રહ્યોં પછી ફરી બોલ્યોં
“જો સમીર, શરીરનાં બીજા પાર્ટની ઇન્જરીમાં રીકવરી આવે પછી એ દર્દી સાજો જ થઇ જાય.પણ મગજની રચના એવી જટીલ છે કે એની ઇન્જરી થયા પછી શું થશે એ નકકી ન હોય.અને બીજી વાત આ એકસીડેન્ટ કરવા કયાં કોઇ બાવો આડો આવ્યોં છે?”

ત્યાં જ વિમલનાં ખભ્ભા પર પાછળથી કોઇ હાથ પડયો.એણે પાછળ જોયું તો એક યુવાન ટુંકી બાયનો સફેદ શર્ટ અને બ્લેક જીન્સમાં ઉભો હતો.લાંબા પણ મજબુત બાંધાના એ યુવાનનો ચહેરો કોઇ વિદેશી જેવો સફેદ અને સોહામણો લાગ્યો.એની જમણી ભુજામાં શર્ટની બાય નીચે એક ટેટુ દોરેલું હતુ.જેમાં ફકત નીચે કોઇ માનવ આકૃતિનાં પગ જ દેખાતા હતા.ટેટુનો ઉપરનો ભાગ શર્ટ નીચે દબાયેલો હતો.વિમલે એની ધારદાર અને તેજ આંખોમાં પોતાની પ્રશ્રનાર્થ આંખો થકી જોયું.તો તરત જ એ યુવાન બોલ્યો
“આઇ થીંક...તમે બંને રાકેશનાં ફ્રેન્ડસ છો...રાઇટ?”

વિમલે ફકત માથુ હકારમાં ધુણાવ્યું એટલે પેલો યુવાન સામે આવીને ઉભો રહ્યોં.

“હું રાકેશનો કઝીન છું.હાલ દુબઇ...આ રાકેશનો મોબાઇલ છે.હું એને ચેક કરતો હતો ત્યાંરે આ એક ફોટો મને ‘ડીસ્ટર્બ’ કરી ગયો.”

એટલું બોલી એણે ખીસ્સામાંથી મોબાઇલ બહાર કાઢી વિમલને ફોટો બતાવ્યોં.વિમલની આંખો પહોળી થઇ એટલે સમીરે પણ મોબાઇલમાં ડોકીયુ કર્યું.એ ફોટો તો આકાશે વર્ણન કરેલું એ પેલા બાવાનો જ હતો.બંનેનાં ચહેરે તાણ દેખાયું.આકાશ પાસે આ બાવાની ઓળખ કરાવવી જરૂરી લાગી એટલે બંને ઉભા થઇ,રાકેશનો મોબાઇલ લઇ આકાશ જયાં બેઠો હતો એ બાકડા પર ગયા.આકાશને બધી વાત કરી એ ફોટો બતાવ્યોં.અત્યાંર સુધી સુન્ન રહેલા આકાશને વાચા આવી અને એણે મોટા અવાજે કહ્યું
“હા...આ જ બાવો હતો તે દિવસે.ફોટો પણ એ રાત્રીનો જ છે.જો એજ ટેબલ અને એજ ચાની પ્યાલીઓ....પણ”

આકાશ કંઇક વિચારવા માટે અટકયોં.આ ‘પણ’ પછી શું હશે એ જાણવા સમીર અને વિમલ હવે ઉતાવળા થયા.કારણ કે એક તો રાકેશનું મૃત્યુ અને ઉપરથી આ બાવાનો ભયંકર દેખાવ, આ બધી વાતમાં કયાંક જોડાણ કે તથ્ય તો નથીને? એનો ફોડ પાડવો જરૂરી હતો.

“પણ શું? જલ્દી બોલ?” સમીરે ઉતાવળ કરી.

“પણ...રાકેશ તો એ બાવાનો ફોટો પાડી શકયો નથી. એણે પ્રયત્ન કર્યો ફકત.જેવો એણે ખીસ્સામાંથી મોબાઇલ કાઢયોં કે એ બાવો ગુસ્સામાં ગાળ બોલ્યોં અને રાકેશે ફોટો પાડવાનું પડતું મુકી એને ધકકો માર્યોં.તો આ મોબાઇલમાં એનો ફોટો કયાંથી આવી ગયો?”

આકાશે જે સવાલ ઉભો કર્યોં એનો જવાબ લેવા સમીરે પેલા યુવાન તરફ જોયું.પણ એ તો કયાંક ચાલ્યો ગયો.વિમલે પણ પોતાની નજર આમતેમ કરી એને શોધવાનો પ્રયત્ન કર્યોં.સમીર ઉતાવળે પગલે આજુબાજુ બધે ફરી વળ્યોં પણ રાકેશનો એ કઝીન કયાંય ન મળ્યો.સમીરને હવે આ રહસ્યમય ઘટના અને આકાશની વાત ઉપર થોડો થોડો ભરોસો આવવા લાગ્યો.એટલે ફરી વિમલ અને આકાશ પાસે આવીને હાંફતો હાંફતો બોલ્યોં

“આ રાકેશનો કઝીન આટલીવારમાં કયાં ચાલ્યો ગયો?”

પણ એનો જવાબ આકાશ કે વિમલ તો કેમ આપી શકે? વિમલે હોશીયારી વાપરી આ રાકેશનાં કઝીન વિશે રાજુને પુછયું.રાજુએ પોતાની આંખો સાફ કરી આજુબાજુ જોયું અને કહ્યું
“હા, એનો એક કઝીન દુબઇમાં છે.એ પણ અહિં આવેલો જ હતો.પણ કદાચ નીકળી ગયો લાગે છે.”

વિમલ ફરી જયાં આકાશ અને સમીર બેઠા હતા ત્યાં આવીને બોલ્યોં

“તમે ખોટા વિચાર ન કરો.એ રાકેશનો કઝીન જ હતો અને રાજુએ કહ્યું છે કે એ બહાર ગયો હશે.”

વિમલ ભલે આકાશ અને સમીરનો ખાસ મિત્ર પણ એ એક ડોકટર હતો.એટલે આવા વહેમોથી ગભરાય નહિ.પણ એનું યોગ્ય સંશોધન કરે.અને એનાથી ઘણી અફવાઓ અને માન્યતાઓ ઉડી જાય.સમીર હવે માનવું અને ન માનવું વચ્ચે ઝોલા ખાવા લાગ્યો.રાજુ તો ભયંકર આઘાતમાં કશું વિચારવા સક્ષમ જ નહોતો.અને આકાશ પોતાની દ્રઢતા પર કાયમ હતો.એની એક જ વાત
“મે તો એ બાવાને રૂબરૂ જોયો છે.એની ભયંકર આંખોનાં અંગારા જોયા છે.એમાં મોત નાચે છે.મે એક મિત્ર ગુમાવ્યોં છે હવે તમને કશું થવા નથી દેવું.જયાં સુધી આ વાતનો કંઇ હલ ન મળે ત્યાં સુધી હું તમને ત્રણેયને જુનાગઢની બહાર નહિ જવા દઉં.” હવે સમીર વિચારોમાં હોવાથી મૌન જ હતો.પણ વિમલ દ્રઢ હતો.એણે તો આકાશને ચોખ્ખુ કહી દિધું
“જો આકાશ, ડરીને અહિં રોકાઇ જવું એ તો કેમ પરવડે? હું એક ડોકટર છું, મારી પાછળ કેટલાય માણસો હેરાન થઇ જાય.તમે લોકો અહિં રોકાવ, હું તો સવારે ચાલ્યો અમદાવાદ.”

વિમલની વાતથી આકાશ અને સમીર બંનેને ધ્રાસકો પડયો.રાકેશનું શરીર સંપુર્ણ રાખ થયું ત્યાંરે સ્મશાનમાં હાથ-મોઢું ધોતી વખતે સમીરે રાજુને કહ્યું
“યાર, આ વિમલ તો આવતીકાલે અમદાવાદ જવા નીકળે છે.”

“હા તો ભલેને...આમ પણ રાકેશનું બેસણું પરમદિવસે રાખેલું છે.” રાજુએ કહ્યું.

પછી તો આકાશે ઘણી દલીલો કરી.સમીરે પણ વચ્ચે કયાંક કયાંક એને સાથ પુરાવ્યોં.પણ વિમલ કંઇ માનવા તૈયાર ન થયો.બીજા દિવસે એ તો પોતાની કાર લઇને અમદાવાદ રવાના થયો.સમીરે એક દિવસ વધુ રોકાઇ જવાનું નકકી કર્યું.વિમલનાં જવાથી આકાશ ખુબ ટેન્શનમાં હતો.પણ સાથે સાથે સમીરનાં નિર્ણયથી એ ખુશ પણ થયો.વિમલ લગભગ બપોરે 1.30 વાગ્યે જુનાગઢથી નીકળ્યો.એક કલાક પછી દર અડધી કલાકે સમીર અને આકાશ એને ફોન કરી ખબર અંતર પુછી લેતા.વિમલ આ વાતથી કંટાળ્યો એટલે છેલ્લે એણે ફોન જ રીસીવ કરવાનું બંધ કર્યું.આખરે સાંજે 7.30 વાગે સમીરનાં ફોનમાં વિમલનો ફોન આવ્યોં
“તો...સમીર.હું આરામથી ‘વનપીસ’ માં ઘરે પહોંચી ગયો છું.તું પણ આકાશની ખોટી વાતોમાં ન આવતો.રાજકોટ કંઇ કામ હોય તો પતાવી આવ.પરમ દિવસે ફરી મળીશું.રાકેશનાં બેસણામાં તું આવજે.”

વિમલનાં ફોનથી સમીરને ખુશી થઇ કે એ સહીસલામત ઘરે પહોચી ગયો.અને દુઃખ એ વાતનું થયું કે પોતે પણ આકાશની જેમ ખોટી માન્યતામાં અટવાઇ ગયો હતો.એણે રાત્રે આકાશને મળવા બોલાવ્યોં.વિમલની વાત કરી ત્યાંરે આકાશે કહ્યું “મને હજુ મનમાં ઉંડે ઉંડે બહું જ ડર લાગે છે.વિમલ ન આવે ત્યાં સુધી તું રાજકોટ ન જઇશ, પ્લીઝ.”
સમીર તો પાછો પહેલા જેવો જ થઇ ગયેલો.એનો બધો ડર વિમલનાં અમદાવાદ પહોચવા સાથે નીકળી ગયો.ભય અથવા તો પ્રેમ જ માણસનો સ્વભાવ બદલી શકે.એ બંને એના જીવનમાંથી નીકળી જાય એટલે માણસ પોતાના મુળ સ્વભાવમાં આવી જ જાય.સમીરને હવે ફરી આકાશની વાતથી ગુસ્સો આવવા લાગ્યોં.એને થયું ‘આ નાહકની વાતમાં કંઇ દમ નથી.રાકેશની તો જીંદગી જ આટલી હશે એટલે એણે આ દુનિયા છોડી દીધી.બાકી આ આકાશનો ડર માત્ર એક ભ્રામક માન્યતા જ છે.માત્ર એક નાની વાતમાં કોઇ બાવાની બદદુવા ન લાગી જાય.’ ફરી સમીરનાં વિચારોમાં દ્રઢતા આવી જે એણે આકાશ સમક્ષ રજુ કરી.પણ આકાશ તો ગીરનારનાં પહાડની જેમ અડગ હતો.અને એ પણ એક જ વાતે.એણે તો સમીરને રોકવા માટેનાં બધા પ્રયત્નો કરી જોયા.પણ સમીર હવે ઘરે જવા માંગતો હતો.આખરે વાત ઉગ્ર બની.બંને એક ચાની લારી પર એકઠા થયા હતા.એની આજુબાજુ ચા પીનારા પણ આ બંને તરફ જોવા લાગ્યા.સમીરે આકાશને ઘણું સંભળાવ્યું જેથી એ આ જીદ છોડી દે.ઉપરા ઉપરી ઘણી સીગારેટ ફુંકયા પછી આ છેલ્લી સીગારેટ સમીરે અધુરી જ ફેકી દીધી અને એ પોતાની કાર તરફ ઉતાવળે પગલે ચાલ્યોં.છેવટે આકાશે સમીરનો હાથ પકડી લીધો.આકાશનું શરીર પ્રમાણમાં મધ્યમ કદકાઢીનું છે, સાડા પાંચ ફુટની લંબાઇ અને વજન પણ પ્રમાણમાં ઓછું સામે પક્ષે સમીરની છ ફુટની લંબાઇ અને મજબુત શરીરનો બાંધો...આકાશનાં દોઢ હાથની જાડાઇ સમીરનાં એક હાથ બરાબર છે.એટલે સમીરે આકાશને ધકકો મારી એક જ ઝાટકે પોતાનો હાથ છોડાવ્યોં.એમાં આકાશ બાજુમાં નાના ટેબલ પર પડેલા પાણીનાં જગ સાથે અથડાયો.એ ટેબલ,પાણીનો જગ અને આકાશ ત્રણેય જમીનદોસ્ત થયા.આકાશ ઉભો થયો ત્યાં સુધીમાં તો સમીરે કાર ઉપાડી મુકી.
હવે જુનાગઢમાં માત્ર રાજુ અને આકાશ બે જ મિત્રો રહ્યાં.રાત્રે જમ્યાં પછી આકાશ રાજુ પાસે પહોચ્યોં.આકાશે રાજુને બધી વાત કરી.સમીરનાં ગુસ્સાની પણ વાત કરી.
“જો આકાશ, તું ખોટી ચિંતા છોડી દે.વિમલ અમદાવાદ પહોચી ગયો.સમીર પણ હવે રાજકોટ પહોચવા આવ્યોં હશે.કોઇને કશું નહિ થાય.આ ફકત ને ફકત તારો કાલ્પનિક ભય છે.ચાલ હું સમીરને ફોન કરીને પુછી લઉં.” એમ બોલીને રાજુએ પોતાના મોબાઇલથી સમીરને ફોન કર્યોં.એક પછી એક એમ ત્રણ વખત પ્રયત્ન કરવા છતા સમીરે ફોન રીસીવ ન કર્યોં.આકાશનાં ચહેરે તાણ જોઇને રાજુએ કહ્યું
“કંઇક કામમાં હશે.જો કાંઇ અજુગતુ હોય તો આપણને ખબર તો પડી જ જાયને? તું ઘરે જા...શાંતિથી ઉંઘી જા.”

રાજુ તો રાકેશનાં મામાની ઘરે રોકાયો હતો.ભાગીદાર હોવાના નાતે એને રાકેશનાં બધા સગાઓ સાથે ઘર જેવા જ સબંધ હતા.આકાશ તો ઘરે ગયો.એનાં બે બેડરૂમનાં ફલેટમાં એ આખી રાત લીવીંગરૂમમાં બેસી ટીવી જ જોયા કર્યોં.વચ્ચે કયાંરેક ઉંઘી જતો.સવારે 7.00 વાગ્યે વિમલનો ફોન આવ્યોં ત્યાંરે હજુ માંડ એને સરખી ઉંઘ આવી હતી.અને ઉપરથી વિમલે કહ્યું
“તું તાત્કાલીક રાજુનાં મામાની ઘરે આવ.આપણે વાત કરવી છે.”

“તું કયાંરે આવ્યોં? કેમ અચાનક આવી ગયો? વાત શું છે?”

આકાશે સફાળા થઇ સવાલો કર્યાં.પણ ત્યાં સુધીમાં તો વિમલે ફોન કાપી નાંખ્યો.વિમલનાં અચાનક આગમનથી આખી રાત કંઇક અજુગતુ બનવાની ચિંતા કરી રહેલા આકાશે તૈયાર થવામાં ઉતાવળ રાખી.સીધો જ પહોચ્યોં રાજુનાં મામાની ઘરે, ત્યાં વિમલની કાર પાસે જ વિમલ અને રાજુ ઉભા હતા.વિમલને સહીસલામત જોઇ થયેલો આનંદ આકાશ માટે ક્ષણિક જ રહેવાનો હતો.આકાશે પોતાની બાઇક ત્યાં જ ઉભી રાખી.વિમલે તરત જ કહ્યું “યાર આકાશ, સોરી.તારી વાતમાં કંઇક તો તથ્ય છે જ.” પછી વિમલની આંખમાં ભીનાશ જોઇ એટલે આકાશે પુછયું
“શું થયું?...સમીરને..?”

“હા.....સમીર.” વિમલથી આગળ ન બોલાયું.એટલે રાજુએ વાત પુરી કરતા કહ્યું “આકાશ આપણી સાથે આ શું થઇ રહ્યું છે? રાકેશ અચાનક ચાલ્યોં ગયો અને હવે સમીરને હાર્ટ એટેક આવ્યોં.વિમલ ત્યાં થઇને જ આવ્યોં છે.” રાજુ પણ આનાથી વધારે કંઇ બોલી ન શકયો.

“વિમલ, અત્યાંરે સમીરની હાલત કેવી છે?” આકાશે આવી પડેલા એક અજાણ્યાં ભયને ધ્યાનમાં રાખીને સીધો જ સવાલ કર્યોં.વિમલ થોડા અંશે સ્વસ્થ થયો એટલે વાત આગળ વધારી “સમીર અહિંથી નીકળી પહેલા સીધો જ એની ફેકટરી પર ગયો.ત્યાં જ છાતીમાં દુખાવો થયો.એના મેનેજરે તાત્કાલીક 108 બોલાવી.હોસ્પીટલ લઇ જતી વખતે એનું હૃદય લગભગ દસ સેકન્ડ સુધી બંધ થઇ ગયુ.પણ એમ્બ્યુલન્સનાં ડોકટરે એને ફરી ચાલુ કર્યું.પણ આ દસ સેકન્ડ મગજમાં લોહી ન મળ્યું એટલે એ અત્યાંરે બેભાન છે.મને એના ભાઇનો ફોન આવેલો રાત્રે અગીયાર વાગ્યે.હું અમદાવાદથી તરત જ ભાગ્યો.અને અત્યાંરે એની ટ્રીટમેન્ટ ચાલુ કરાવી સીધો જ જુનાગઢ આવી ગયો.” એકીશ્વાસે બોલેલા વિમલે વચ્ચે આરામ લીધો.એક ઉંડો શ્વાસ પણ લીધો.આકાશે ગુસ્સામાં પોતાનો એક હાથ વિમલની કારનાં બોનેટ પર પછાડયો અને બોલ્યોં “મે એને ના પાડી હતી.એને પકડી રાખ્યોં હતો પણ એ ઉતાવળો મને ધકકો મારીને ભાગી ગયો.”

“મને લાગે છે કે સમીર સીગારેટ ખુબ પીતો હતો એનું આ પરીણામ હોઇ શકે.” રાજુએ વાતને બીજા પાટે લઇ જવા માટે કહ્યું.
“ટુંકમાં સમીર ઘરે તો નથી જ પહોચી શકયો ને?” આકાશે વિમલ તરફ જોઇ પુછયું.

“ના આકાશ....પણ હવે આપણે શું કરીશું?” વિમલે પ્રતિપ્રશ્ન કર્યોં.
ક્રમશઃ
--ભરત મારૂ.