Anbanaav - 11 books and stories free download online pdf in Gujarati

અણબનાવ - 11

અણબનાવ-11
ત્રણે મિત્રો અંધારી ગુફામાં મશાલની અગ્નિની સાક્ષીએ એકબીજા પર આરોપ-પ્રત્યારોપ કરતા રહ્યાં.પણ આકાશ અચાનક ગુફામાંથી બહાર ચાલ્યો ગયો હતો.અને એ જયાંરે અંદર આવ્યોં ત્યાંરે એ હાફતો હતો, એનો ચહેરો પરશેવાથી ભીંજાયેલો હતો અને એના હાથમાં એક કુહાડી હતી.વિમલ ગુફામાં વચ્ચે બંધાયેલો હતો અને રાજુ છેલ્લે એટલે વિમલને આકાશનું આ રૂપ વધુ ભયંકર દેખાયું.અને પોતે આકાશથી નજીક હોવાથી જો આકાશ કંઇક અણછાજતું પગલુ ભરે તો સૌથી પહેલા એનો જ વારો આવે એ ડરામણાં વિચારે વિમલથી “ઓ...આકાશ!” એવી ચીસ નીકળી ગઇ.વિમલનાં આ ડરામણાં અવાજથી રાજુ પણ ગભરાયો.એ પણ બોલ્યોં “નહિ...આકાશ.” આકાશ તો એક ડગલુ ભરી ફરી અટકી ગયો.જાણે એ આ બંનેની વાત માની ગયો હોય એમ સ્થિર થઇ ગયો.પછી જયાંરે એનો શ્વાસ નીચે બેઠો અને હૃદયનાં ધબકારા રાબેતા મુજબ થયા ત્યાંરે એના ચહેરે હાસ્ય આવ્યું.એ હાસ્યનાં અનુસંધાને એ બોલ્યોં
“હું તમારા બે માંથી કોઇ એકની સાંકડ તોડી શકીશ.એ પણ પહેલા નકકી કરો કે આ બાવા સાથે કોણ મળેલું છે?”
વિમલ અને રાજુ એકબીજા તરફ જોવા લાગ્યાં.થોડી વાર કોઇ કંઇ બોલ્યું નહિ એટલે આકાશે ફરી કહ્યું
“જે ગુનેગાર છે...જેણે આ મોતનો ખેલ ખેલ્યોં છે એને તો હું નહિ જ છોડાવું.”
આ સાંભળી વિમલે કહ્યું “યાર આકાશ, હું તો એક ડોકટર છું.હું કેટલાય વર્ષો થયે અહિં ગીરનારમાં આવ્યોં પણ નથી.તો હું આવા કોઇ બાવાને ઓળખતો હોય એવું કેમ બને? મને આમાંથી છોડાવ.”
વિમલની આવી છટકબારી જોઇ રાજુ પણ આકાશ તરફ જોઇને બોલ્યોં
“અરે! એટલે શું હું આ બાવાને કહેવા આવ્યોં હતો કે કોઇ તાંત્રિક વિધીથી મારા મિત્રોને મારી નાંખો? વિમલ તો કેવી વાત કરે છે?”
આકાશને આ અસમંજસ પર ગુસ્સો આવ્યોં.એણે કુહાડીનો લોખંડવાળો અણીદાર ભાગ ગુફાની ફરસ પર પછાડયોં.એનો તીણો અવાજ ગુફામાં ગુંજી ગયો.ગીરનારનાં કાળા પથ્થર અને કુહાડીનાં લોખંડ વચ્ચે થયેલા ટકરાવે એક તણખો પણ ક્ષણાર્ધ માટે દેખાયને ગાયબ થયો.પણ વિમલ અને રાજુનાં મનમાં આકાશ વિશેનો ભય વધુ જોર કરવા લાગ્યોં.અને વળી આકાશે કહ્યું
“જુઓ...તમારા બે માંથી એક તો છે જ જે આ બાવા સાથે મળી ગયેલો છે.એટલે જ આવું બંધાઇ જવાનું નાટક કર્યું છે.અને હા મને એ પણ ખ્યાલ છે કે આ બાવો સેવકરામ અને તિલકે જે વાત કરી એ સાચી જ છે.એટલું તો મે પણ સાંભળેલું છે કે કોઇ કારણ વિના આ તાંત્રિકો સામાન્ય સંસારીઓને હેરાન નથી કરતા.હું તો જુનાગઢમાં જન્મથી રહું છું.મે કોઇ દિવસ આવા કિસ્સાઓ સાંભળ્યાં નથી.”
આકાશનાં હાથમાં હથીયાર જોઇને વિમલ અને રાજુ એના પર તો આરોપ લગાવી શકે એમ ન હતા.કદાચ બંનેનાં મનમાં સરખો જ, એવો વિચાર આવી ગયો હશે કે જો આકાશ અહિં નિર્દોષ સાબીત થવાની આ વાતોમાં કદાચ પોતાની હોશીયારી પણ છુપાવી રહ્યોં હોય.રાત પણ હવે ઘણી વીતી ગઇ હતી.બહાર જંગલની ઠંડક અને ગુફામાં મશાલની હળવી હુંફ એકબીજામાં ઓતપ્રોત થતી હતી.આ બીજી મશાલ પણ એની છેલ્લી ભભક પર તેજ દેખાતી હતી.મશાલથી સૌથી વધુ દુર બેસેલા રાજુનું ધ્યાન આ મશાલની જવાળાઓ પર ગયું.એટલે એ તરત જ બોલ્યોં
“આકાશ, જો એ મશાલ પણ હવે પુરી થઇ જશે.પછી આ અંધારામાં તું અમને કેવી રીતે ખોલી શકીશ? જે કરવું હોય તે આ પ્રકાશમાં કરી લે.” આ સાંભળીને વિમલે પણ મશાલ તરફ ઝીણી નજરે જોયું.પણ આકાશે જાણે આ કોઇ વાત પર ધ્યાન ન આપ્યું હોય એમ એ બોલ્યોં
“મને અંધારાનો કોઇ વાંધો નથી.પણ એના લીધે હું ખોટી ઉતાવળ નહિ કરું.”
રાજુએ થોડીવાર વિચાર કરીને કહ્યું
“અરે યાર...આપણે બધા ખાસ મિત્રો છીએ.અને આ કેવી વિચીત્રતામાં ફસાઇ ગયા છીએ.કયાંક એવું તો નથીને કે આપણને આવું જણાવી કોઇ ચાલમાં ફસાવ્યાં હોય? મને તો તમે કોઇ મિત્ર આવા ગુનાહિત મગજવાળા હોય એ વાત જ મગજમાં નથી ઉતરતી.”
આકાશ પણ રાજુની આ વાતથી વિચારતો થયો.એણે કુહાડી નીચે મુકી.પણ વિમલને આ બધુ મગજમાં ન ઉતર્યું હોય એમ એ બોલ્યોં
“આકાશ, હું બહું ઉંડો વિચાર કરું તો મને ખ્યાલ આવે છે કે આ રાજુ જ આપણી વચ્ચે એવો છે જે એકદમ ઠંડા મગજનો માણસ છે.તને યાદ છે? સ્કુલમાં એનો કોઇ સાથે કયાંરેય ઝગડો નથી થયો.....” વિમલે પોતાની વાત અધુરી મુકી દીધી.એટલે રાજુએ તરત જ પુછયું
“હા તો? તું કહેવા શું માંગે છે?” રાજુનાં અવાજમાં હવે ઠંડક નહોતી રહી.એણે થોડા ઉંચા અવાજે આ પુછયું હતુ.અને જયાંરે અવાજમાં ગરમી હોય છે ત્યાંરે સામે એનો પ્રત્યુતર જરૂર મળે છે.
“એટલે એ જ કે ઠંડા કલેજાવાળા માણસોનો શું ભરોસો? આપણને બધાને ખબર છે કે સમીરનું વ્યક્તિત્વ ગુસ્સાવાળું છે, તો સમીર શું કરી શકે એ આપણે ધારણા બાંધી શકીએ પણ ઠંડા મગજનાં માણસો શું કરી શકે એની કોઇને કંઇ ખબર પડતી નથી.” વિમલે હવે સીધુ જ કહી દીધુ.
“હા વિમલ.તારી વાતમાં દમ તો છે જ.અને તું તો એક ડોકટર છે.તારી પાસે આવા તાંત્રિકનો સંપર્ક કરવાનો સમય પણ ન હોય.ખરેખર આમાં આપણે ન ધારેલો માણસ જ વિલનનાં રોલમાં હશે.” આકાશે આટલું કહી કુહાડી ફરી પોતાના હાથમાં લીધી.એ ઉભો થયો.બરાબર મશાલની સામેની દિવાલે એનો કુહાડી સાથેનો પડછાયો નાચતો દેખાતો હતો.મશાલમાં અગ્નિની વધઘટ આકાશનાં પડછાયાને પણ કયાંરેક મોટો તો કયાંરેક નાનો બનાવતી હતી.રાજુએ આ ભયંકર પડછાયો પણ દુરથી જોયો.એટલે એણે બુમ પાડીને કહ્યું
“અરે કેવી વાત કરો છો તમે? મારે કોઇ સાથે કંઇ તકલીફ નથી.હું ઠંડો છું પણ લુચ્ચો નથી....આકાશ તું વિમલની વાતોમાં નહિ આવી જા.” ક્ષણવાર અટકી જઇ એ ફરી બોલ્યોં
“અને વિમલ તું જ તો કહેતો હતો કે આ આકાશ કેમ ખુલ્લો ફરે છે.એને આ તાંત્રિકોએ કેમ બાંધ્યો નહિ? એનો જવાબ છે કોઇ પાસે? આ આકાશ જ આવા બધા નાટક કરતો હશે...કદાચ.”
કોઇ કોઇની વાત માનવા તૈયાર જ ન હતુ.પણ રાજુની વાત પર આકાશને ગુસ્સો આવ્યોં.એ વિમલની નજીક ગયો.વિમલનાં તો ફકત હાથ જ બાંધેલા હતા.આકાશ,પાછળ પથ્થરમાં ખોસેલા ખીલ્લા જેવા હુકને કુહાડી વડે તોડવાનો પ્રયત્ન કરવા લાગ્યોં.વિમલને તકલીફ પડતી હતી.એને હાથમાં કુહાડીનો ઘા લાગી જવાનો ડર તો હતો જ.પણ પોતે હવે છુટી જશે એ વાતની ખુશીએ એનો એ ડર દબાવી દીધો.આ કુહાડીનાં અવાજોમાં રાજુ કંઇક બોલી રહ્યોં હતો એનો અવાજ દબાઇ ગયો.કદાચ રાજુનાં હાથ અને પગ બંને બાંધેલા હતા એટલે આકાશને એના પર વધુ શંકા ગઇ.આકાશ તો જમ્યો પણ હતો.એટલે એનામાં આ કુહાડી ચલાવવાની થોડી તાકાત પણ હતી.આખરે છેલ્લા એક ઘા થી વિમલની સાંકળ તુટી ગઇ.એ બંધનમાંથી મુકત થયો.પણ આ શું? એણે આકાશનો આભાર માનવાને બદલે આકાશને એક જોરથી ધકકો માર્યોં.વિમલનું શરીર આકાશ કરતા વધુ ભારે હતુ.એટલે આકાશ કુહાડી સહિત નીચે ફેંકાયો.એ ફરી ઉભો થઇ શકે એ પહેલા તો વિમલ ત્યાંથી ભાગ્યો.ગુફાની બહાર નીકળી ગયો અને અંધારામાં દેખાતો બંધ થયો.પણ જેવો એ બહાર ગયો કે તરત જ પેલા બહાર ચોકી-પહેરો કરી રહેલા સિંહોની એક ત્રાડ સંભળાઇ.વિમલની એક ચીસ પણ અંદર સુધી સંભળાઇ.પછી શું થયું એ ખબર ન પડી.આકાશ હવે ઉભો થયો.કુહાડી હાથમાં હોવા છતા બહાર જવાની એની હિંમત ન ચાલી.રાજુએ તરત જ એને પુછયું
“તું કેમ અહિં ઉભો છે? બહાર જા અને વિમલનો પીછો કર.”
“ના, કદાચ વિમલ પેલા સિંહનો કોળીયો બની ગયો લાગે છે.મારે મરવા માટે બહાર નથી જવું.” આકાશે ગુફામાં વધુ અંદર રાજુ તરફ જતા કહ્યું.રાજુ થોડો ગભરાયો અને એ બોલ્યો
“હવે ખબર પડી? આ વિમલ જ વિલન હતો.એટલે જ તે છોડાવ્યોં કે તરત જ સાંકળ સાથે ભાગી ગયો.તારી સાથે પણ દગો કર્યોં.હવે મહેરબાની કરીને મને પણ છોડાવ.”
હવે આકાશ ખરેખરો મુંઝાયો.શું કરવું એજ ખબર પડતી ન હતી.રાજુ પણ હવે આકાશની વિરુદ્ધ બોલી શકે એમ ન હતો.એના ખુલ્લા હાથમાં રહેલી કુહાડી રાજુને વિમલની વિરુદ્ધ બોલવાની જ પરવાનગી આપતી હોય એમ એ ફરી બોલ્યોં
“જો આકાશ.વિમલનાં મનમાં પાપ હતુ એટલે જ એ ભાગી ગયો.હવે આપણે બે જ અહિં ફસાયા છીએ.મને તારા પર બીલકુલ શંકા નથી.પણ વિમલ આપણો પાકકો યાર થઇને આવું કરે? એ માનવાની હવે આપણી લાચારી છે.હવે મને એકલો મુકીને તું પણ ભાગી જઇશ તો મારું મોત નિશ્ચિત છે.એક મિત્રને મારવો કે જીવાડવો એ હવે તારા હાથની વાત છે.”
બહારથી ફરી એક વાર સિંહની હળવી એવી ઘુરરાટી સંભળાઇ.એટલે આકાશને અચાનક કંઇક યાદ આવ્યું હોય એમ એ ચમકીને બોલ્યોં
“ઓહ! આપણી માન્યતા ખોટી છે.બહાર બે સિંહો પહેરો દેવા બેઠા છે.કદાચ વિમલને એણે ફાડી ખાધો હશે.આ ગુફાની બહાર એક અદ્રશ્ય સીમારેખા છે.એની બહાર નીકળીએ તો સિંહ આપણને જીવતા ન રહેવા દે એ પાકકુ છે.”
આકાશ બહાર જઇને કુહાડી લઇ આ બંનેને છોડાવવા આવ્યોં.વિમલ ભાગી ગયો એની પાછળ એનો ડર હતો કે ચાલાકી? અને રાજુ પોતાના હાથ-પગ બંને બંધાયેલા હોવા છતા થોડો શાંત હતો.મશાલનો પ્રકાશ હવે ઝાંખો થતો ગયો.આકાશ અને રાજુ જે ગુફામાં બંધ હતા એ હવે અંધારી થઇ જવાની હતી.
--ક્રમશઃ
--ભરત મારૂ