Koobo sneh no - 18 books and stories free download online pdf in Gujarati

કૂબો સ્નેહનો - 18

🌺આરતીસોની🌺
પ્રકરણ : 18

દિક્ષાના વેવલાવેડાને કારણે વિરાજ રીતસર કંટાળી જતો અને એના વ્યવહારું બુદ્ધિ અને દિલ વચ્ચે ખેંચતાણ ચાલતી હતી. સઘડી સંધર્ષની....

❣️કૂબો સ્નેહનો❣️

દિવસ દરમિયાન વિરાજ કામમાં મચ્યો રહેતો એ પછીનો પૂરો સમય દિક્ષાની હૂંફ, આમ તો વિરાજ માટે એક સલામત તળેટી હતી.

પોતાની વ્યસ્તતામાંથી ને જવાબદારીઓમાંથી પરવારીને વિરાજ અને દિક્ષા એકમેકની સાથે જ રહેવા લાગ્યાં હતાં. બે પ્રેમીઓને એક થવા માટે સંધ્યાથી વધુ ઉત્તમ સમય બીજો કયો હોઈ શકે? સૂર્ય આથમતો આથમતો ક્ષિતિજ સુધી પહોંચી ગયો હોય અને કુદરતની આ આંખ પણ પ્રેમીઓના પ્રણયના આશ્લેષને જોઈને કેવી મલકાઈ રહી હોય છે. આમ મોડી રાત સુધી આકાશમાંના ખરતા તારાઓની લીટી તાગતા રહેતાં અને એકબીજામાં વિંટળાયેલા રહેતાં હતાં.

એક બીજા સાથે પરિચયમાંથી મૈત્રીમાં પરિણમ્યા બાદ એ પડાવ પ્રણયમાં પરિણમે છે. ત્યારબાદ છેલ્લો પડાવ લગ્ન આવતો હોય છે. પ્રણયમાં એક બીજાની સાથે રહેવાની સાથે સાથે જીવવાની પણ મજા હોય છે. સાચા અને પક્વ પ્રેમની પરિભાષા બહુ વિશાળ અને પાવન હોય છે.

"હું ફોન કરું અને તું મારો ફોન ન ઉપાડે તો રાહ જોઉં છું, રાહ જોવી ગમે છે પણ એ ઘટના ચચરે છે, વિરાજ તું એટલું જ સમજ કે અકળામણ થાય છે મને."

"હું સમજી શકું છું તારી અકળામણ!! પણ જો દિક્ષા હું તને પૂછી બેસું કે, હું સ્વપ્નમાં દેખાઉં છું તને તો?"

"બંધ પાંપણ હોય કે ખુલ્લી તું જ દેખાય છે, તને મળવાનું હોય ત્યારે હું સતત ઘડીઓ ગણતી હોઉં છું અને આમ શું જોઈ રહ્યો છે એકીટસે, રોજેરોજ મળીએ છીએ તોયે ધરાતો નથી?"

"તું છે જ એવી બિલકુલ વાદળો પરની પરી જેવી. જાણે સ્વર્ગની અપ્સરા જ જોઈ લ્યો. નિખાલસ તારું સ્મિત મને ઘાયલ કરી દે છે. આ ઢળેલી પાંપણના દ્વારેથી સાલું ડૂબી જવાય છે, એમાંથી શોધી લઈશ તને."

"વિરાજ મ્હારામાં તારું છલોછલ હોવાપણું તડપાવે છે!!"
છાતી પર હળવા મુક્કા મારી દિક્ષા રડી પડતી અને એના ગાલ હળવેથી ખેંચીને પાછી હસી પડતી. વિરાજ એના ભાવપલટાને નિરખી રહેતો અને સ્મિત ભર્યા ચહેરે બંને પ્રેમીઓ એકમેકના આલિંગનમાં વીંટળાઈ વળતાં.

બંનેનાં બૌધ્ધિક સ્તર ઊંચાં હોવાથી માત્ર પ્રેમની જ નહીં, જગતના દરેક વિષય પર પણ બંને વચ્ચે તંદૂરસ્ત ચર્ચા પ્રવર્તતી. આમજ વિરાજ અને દિક્ષા વચ્ચે અલકમલકની વાતો ચાલતી રહેતી હતી.


દિક્ષા વિરાજને લગ્ન કરી લેવા દબાણ કરવા લાગી. પરંતુ એ કહેતો, “માતા-પિતાની મંજૂરી વગર લગ્ન કરવા શક્ય નથી. આપણાં સંસ્કાર વિરુદ્ધ છે એ. જેથી એમની મંજૂરી ન મળે ત્યાં સુધી લગ્ન ન કરવા એવું મારું માનવું છે, જ્યાં સુધી તારા ઘરેથી લગ્ન કરવાની પરમિશન ન આપે ત્યાં સુધી હું લગ્ન નહીં કરું.” એવું વિરાજ સમજાવવા પ્રયત્નો કર્યા કરતો.


વિરાજ અને દિક્ષાનો પ્રેમ એ બાહ્ય કે દૈહીય આકર્ષણ નહીં, પણ મનથી અને સમજદારીથી કરેલો સાચો પ્રેમ હતો. વિરાજ એને સમજાવીને આમ સમય કાઢે રાખતો હતો.


"સંવેદનાને ઉજાગર કરવા માટે સ્વાર્થની સ્વીચ કોઈક વાર ઓન કરવી પડે છે અને હવે આ સંજોગો પાર પાડવા મારે માટે અત્યંત અઘરું કામ થઈ પડ્યું છે અને વિરાજ, સતત મને એક બીક રહ્યા કરે છે કે, ક્યાંક મારા પપ્પા મારું સગપણ બીજા કોઈ છોકરા સાથે નક્કી કરી નાખશે!!"


પરંતુ વિરાજ સ્વાર્થમાં આંધળો થઈ અયોગ્ય પગલું ન ભરવા માટે મક્કમ હતો. તેમ છતાંયે દિક્ષાની રોજેરોજની જીદ સામે વિરાજને એકવાર નમતું જોખવું પડ્યું અને બંને જણે મંદિરમાં ફેરા ફરી કોર્ટ મેરેજ કરી લીધાં હતાં. દિક્ષાએ વિરાજ સાથે લગ્ન કરી લીધાંની જાણ થતાં એની મમ્મીએ હર્ષથી અઢળક ઓવારણાં લઈ વધાવી લીધાં હતાં. પરંતુ દિક્ષાના પપ્પા હઠીલા સ્વભાવી હોવાથી આવાં સમાચારથી ધૂંઆપૂંઆ થઈ ઉઠ્યા હતા.


"નાનામાં નાના ગામડાના માણસોમાં પરિવર્તન આવ્યું છે તો આપણે શહેરમાં રહીને ક્યાં સુધી આમ રુઢિચુસ્ત થઈને જીવવાનું. વિરાજ અને દિક્ષાને અપનાવી જુના રિતરિવાજોમાંથી બહાર નીકળવું જરૂરી છે. સમય હવે બદલાયો છે, સમાજમાંથી બધાં આગળ નીકળી ગયા હશે ત્યારે આપણે પાછળ એકલા ઊભા હોઈશું." દિક્ષાની મમ્મીએ એના જીદ્દી પપ્પાને સમજાવવાના વ્યર્થ પ્રયત્ન કરે રાખ્યાં હતાં, પણ અહીંતો પથ્થર પર પાણી હતું. કઠોર હ્રદયના એના પપ્પામાં થોડી પણ કુમાશ આવે એવી કોઈ શક્યતાઓ દેખાતી નહોતી.


સ્પર્શ અને આલિંગન વિનાના ફીકાફસ પ્રેમની પથારી વચ્ચે હવે બેઉંમાં ઝાઝું અંતર નહોતું રહ્યું. રોમ-રોમ બાગની કયારી બનીને દિક્ષા અને વિરાજ એકબીજામાં ખીલી ઊઠ્યાં હતાં.©

ક્રમશઃ વધુ આગળ પ્રકરણ : 19 માં.. દિક્ષા અને વિરાજનો એકબીજામાં મગન થતો પ્રેમરસ.. અને શું દિક્ષાના પપ્પા વિરાજને અપનાવશે? કે કોઈ નવો વળાંક આવશે.

-આરતીસોની ©