Angat Diary - Varsaad in Gujarati Philosophy by Kamlesh K Joshi books and stories PDF | અંગત ડાયરી - વરસાદ

અંગત ડાયરી - વરસાદ

અંગત ડાયરી
-------------------
શીર્ષક:- વરસાદ
લેખક:- કમલેશ જોષી
ઓલ ઈઝ વેલ


એક ચોમાસુ જ એવી મોસમ છે જેમાં પ્રકૃતિ લાઈવ હોય છે. ઉનાળામાં ગરમી વધે એ તમે અનુભવી શકો, જોઈ ન શકો. શિયાળામાં ઠંડી પડે એ પણ અનુભવી શકો, જોઈ ન શકો જ્યારે ચોમાસામાં વરસતો વરસાદ જોઈ પણ શકાય છે.

વરસાદ અને આપણી વચ્ચે હવે બહુ છેટું નથી. અત્યારે તો એવી ઈચ્છા થાય છે કે જો સરખો વરસાદ આવે તો મન ભરીને ભીંજાવું છે, ધરાઈને નહાવું છે જેમ ....

જેમ બાળપણમાં ખુલ્લા પગે ફળિયામાં, શેરીમાં "આવ રે વરસાદ... ઢેબરીયો પ્રસાદ... ઊની ઊની રોટલી ને કારેલાનું શાક...." ગાતાં ખાબોચિયામાં ધૂબાકા મારતા. સામેના ઘરની અગાસીના પાઈપમાંથી શેરીમાં પડતા દંદૂડા નીચે ઊભા રહી ફૂવારા જેવી મોજ માણતા અને વરસાદ જરા પોરો ખાય ત્યારે ઘર પાસેના ખાબોચિયાના મહાસાગરમાં બે-ચાર ટેણિયાંઓ ભેગા મળીને કાગળની હોડીઓ તરતી મૂકતા. ખાબોચિયા પાસેના ગારાના ચોસલાને મચકોડીને નાના નાના રમકડાં, ગાડું ને બળદો ને માટલી ને ઢાંકણું ને.. ને.. એવું કંઈ કેટલુંય... ઘડી કાઢતા. અને ફરી પાછા વરસતા વરસાદમાં હાથ એકનો લોખંડી અણીદાર ખીલો લઈ ખીલા ખૂચામણીના ખેલ રમતા. અમેય ન થાકતા અને વરસાદેય ન થાકતો. પણ ઘરના થાકી જતા. માનો સાદ પડતો અને અમે ના.. ના.. કરતા એકાદ ધોલ-ધપાટ પડતા ઘરે પરત ફરતા.

મા બિચારી અમને રોકી શકતી, વરસાદને નહીં. એ તો રુમની જૂનવાણી છતમાંથી બેરોકટોક ટપકતો. એના ટીપાની આખા ઘરમાં રેલમછેલ થતી અટકાવવા મા તપેલા-તપેલીઓની ટીમની ફિલ્ડિંગ ગોઠવી દેતી અને આખા ઘરમાં ટપક-ટપકનું કુદરતી મ્યુઝિક વાગ્યા કરતું. વરસાદમાં પલળીને અમે આવ્યા હોવા છતાં મા અમને ફરી બાથરૂમમાં નહાવા શા માટે મોકલતી એ અમને સમજાતું નહીં. નાહીને કોરા કપડાં પહેરીને અમે મા પાસે આવતા એ પહેલાં જ ગરમાગરમ ભજીયાની સુગંધ અમારા નાક વાટે આખેઆખા શરીરમાં, રોમેરોમમાં વ્યાપી જતી.

ભજીયાની સુગંધ કરતા પણ વધુ ગમે એવી પહેલા વરસાદમાં ભીની થતી ધરતીની સોડમ અમે થોડા મોટા થયા પછી સમજ્યા. સ્કૂલમાં અમને સપ્તરંગી મેઘધનુષ રચાવાનું, વાદળ ગરજવાનું અને વિજળી ચમકવાનું વૈજ્ઞાનિક કારણ સમજાવવામાં આવ્યું. ત્યારથી વરસાદ તરફ જોવા-વિચારવાની અમારી દ્રષ્ટિમાં પરિવર્તન આવ્યું. એમાંય અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિની ઘાતક અસરો સમજ્યા પછી તો વરસાદ અમને ક્યારેક બિહામણો પણ લાગતો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી આખા ઘરમાં ભરાઈ જાય અને લોકોએ છેક અગાસી પર ચઢી જવું પડે એવાં સમાચારો જોયા પછી બાળસખા એવા વરસાદ પર અમને ખીજ ચઢવાની શરૂ થઈ. રમકડાં બનાવવા માટેના કાચા માલ જેવો ગારો હવે ગંદકી કે કચકાણ લાગવા માંડ્યો. છાતીમાં વ્હાલનો દરિયો ભરીને સાતમા આસમાનેથી દોડતું આવતું પાણીનું ટીપું અમને સ્પર્શી પણ ન શકે એ માટે અમે રંગબેરંગી છત્રી કે રેઈનકોટનો પોલાદી કિલ્લો રચી દીધો. બિચારું કમજોર ટીપું એની સાથે માથા પછાડી વેરવિખેર થઈ જતું અને અમે સંપૂર્ણ સલામતી સાથે ક્લાસરૂમમાં કે ઓફિસની ચાર દિવાલ વચ્ચે ભરાઈ જતાં અને પછી હળવેકથી બારી ખોલી અમને મળવાની, પલાળવાની નાકામ કોશિશ કરતા એ વરસાદના ટીપાની છમાછમ જોયા કરતા. આ ટીપા અને આંખના આંસુ કેમ સાવ સરખા લાગતા હશે?

છેલ્લા એક દશકામાં હું વરસાદમાં પલળવા નીકળ્યો હોઉં એવું યાદ નથી આવતું. વરસાદે ચાલાકી કરીને અચાનક ઝાપટાં સ્વરૂપે આવી અનેક વખત મને પલાળી નાખ્યો છે.

અચાનક એક વિચાર આવ્યો.
ગુજરાત રાજ્યમાં, આપણા જામનગરમાં દર વર્ષે થતાં વરસાદના પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે. પંથકના ખેડૂતો આકાશ તરફ મીટ માંડીને જોઈ રહ્યા છે. કોઈ અંગત સ્નેહી કે મિત્રને ઘરે વારંવાર ઉમળકાથી તમે મળવા જતા હો અને એના તરફથી તમને સતત જાકારો મળ્યા કરે તો તમે ક્યાં સુધી એને ત્યાં ધક્કા ખાઓ? ધીમે ધીમે ઓછું કરતા કરતા એક સમયે તમે એને ત્યાં જવાનું સાવ બંધ જ કરી દો ને! ક્યાંક વરસાદ પણ આવું જ કરશે તો? જો વરસાદ ન આવે તો? આવો પ્રશ્ન મને નખશિખ ધ્રુજાવી ગયો...

અને ઠંડા પવનની એક લહેરખી બારીમાંથી દોડી આવી. મારો એ બાળમિત્ર મને પલાળવા, મારી સાથે રમવા આવી રહ્યો હોવાનો એ સંકેત હતો. આ વખતે એ દોસ્તનું ભવ્ય સ્વાગત કરવાનું, એની સાથે મન ભરીને રમવાનું અને એની એવી જોરદાર મહેમાનગતિ કરવાનું મેં નક્કી કર્યું છે કે એ વર્ષો સુધી યાદ રાખે.

બસ મન ભરીને પલળવાનું, નાચવાનું અને ગાવાનું..
હજું આટલું વિચાર્યું ત્યાં બહાર ઝરમર વરસાદ શરૂ થયો છે...
હું તો બહાર નીકળું છું અને તમે...?

Rate & Review

Kamlesh K Joshi

Kamlesh K Joshi Matrubharti Verified 2 years ago

Gomsi Bhanushali

Gomsi Bhanushali 2 years ago

Vishal Muliya

Vishal Muliya 2 years ago

કમલેશભાઈ તમારી રચના વાંચી ને એવું લાગ્યું કે મોબાઈલ એક વાદળું થઈ વરસે છે અને અમે તેના તરબતર થઈ જઈ છીએ.

Dr. Ranjan Joshi

Dr. Ranjan Joshi Matrubharti Verified 2 years ago