Incpector Thakorni Dairy - 5 in Gujarati Fiction Stories by Rakesh Thakkar books and stories PDF | ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી - ૫

ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી - ૫

ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી

રાકેશ ઠક્કર

પાનું પાંચમું

એક યુવાનનું વધારે પડતો દારૂ પીવાને કારણે મોત થયું હોવાની ખબર આવી ત્યારે ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર એસ. વી. ઠાકોર બીજા એક કેસમાં વ્યસ્ત હતા. પણ જેવી એમને ખબર પડી કે મરનાર કરોડપતિ યુવાન છે ત્યારે એમણે પહેલાં આ કેસ હાથમાં લેવાનું નક્કી કર્યું. તેમને અકસ્માત મોત જેવો આ કેસ ન જાણે કેમ પહેલાંથી જ હત્યાનો લાગી રહ્યો હતો. તેમણે કેસ હાથમાં લઇ લીધો. વિગતો પર નજર નાખી. હેસાન નામનો યુવાન એક બિઝનેસમેન હતો. તેના લગ્ન મનુજા નામની યુવતી સાથે થયા હતા. મનુજાને બે બહેન અને એક ભાઇ છે. બંને બહેનો તેનાથી મોટી છે. માતા-પિતા ન હોવાથી તેની સાથે જ રહે છે. બંને બહેનો ક્યાંક નોકરી કરે છે. તેમને લાયક કોઇ વર મળ્યો નહીં અને મનુજા પર હેસાનનું દિલ આવી ગયું. તેણે બંને બહેનોને પણ પોતાના બંગલાની પાછળના રેસ્ટ હાઉસમાં જગ્યા આપી છે. ભાઇ નાનો છે. તે નાનો-મોટો ધંધો કરે છે. તેનો કોઇ ચોક્કસ ધંધો નથી. 'સબ બંદર કા વેપારી' જેવું કામ છે. જ્યાં કમિશન મળે ત્યાં ધંધો કરે છે. તેની બનેવી હેસાન સાથે દોસ્તી છે. હેસાનને દારૂ પીવાની પહેલાંથી ટેવ છે. તે કિશોર અવસ્થાથી જ દારૂ પીવાનો શોખ ધરાવતો હતો. થોડા વર્ષોમાં જ પોતાની મહેનત કે કળાથી તેણે ઘણી દોલત બનાવી લીધી. અને એટલે તેનું પીવાનું પણ વધી ગયું હતું. મનુજા એને ક્યારેક વઢતી પણ હેસાનના તેના પરિવાર પર ઘણા અહેસાન હતા. એટલે એ તેને છોડીને જતા રહેવાની કે બીજી કોઇ વાત વિચારી શકતી ન હતી. ઇન્સ્પેક્ટર ઠાકોરે તેના પરિવાર વિશે બાતમી મેળવ્યા પછી તેના ઘરે જઇ આખો કિસ્સો સમજવાનો પ્રયત્ન કર્યો.

એ દિવસે હેસાન સવારથી બિઝનેસના કામે ગયો હતો. મોડી સાંજે તે દરવાજા પર લથડીયા ખાતો આવીને ઊભો. મનુજાએ આવીને તેને સંભાળી લીધો. તે સવારે પોતાની કાર લઇને ગયો હતો. પણ અત્યારે કાર ન હતી. મનુજાએ તેને કેવી રીતે આવ્યો એમ પૂછ્યું તો એણે સરખો જવાબ ના આપ્યો. તે એવો હોશમાં જ ન હતો કે કોઇ જવાબ આપી શકે. તે ઘણી વખત રાત્રે પીને આવતો હતો. પણ આજે તે કંઇક વધારે જ પીને આવ્યો હતો. સવારે વાત કરવાનું વિચારી મનુજાએ હંમેશની જેમ તેને બેડરૂમમાં દોરી જઇને સુવડાવી દીધો. તેના બૂટ-મોજા ઉતાર્યા અને વસ્ત્રો ઢીલા કરી દીધા. દસ જ મિનિટમાં તે ઊંઘી ગયો હોય એમ લાગ્યું. મનુજા થોડા કામ પરવારીને ફરી બેડરૂમમાં આવી તો હેસાન બેડની નીચે પડ્યો હતો. મનુજાને થયું કે નશામાં તે ગબડી પડ્યો હશે. તેને ઊઠાડીને ફરી બેડ પર સુવડાવવા ગઇ તો તેની આંખો ખુલ્લી જ રહી ગયેલી જોઇ. મોંમાથી ભયંકર વાસ સાથે ફીણ નીકળેલું હતું. તે ગભરાઇ ગઇ. તેને ખ્યાલ આવી ગયો કે હેસાનનું મોત થઇ ગયું છે. બાકી આંખો ખુલ્લી ના રહી જાય. છતાં તેણે બૂમો પાડીને બંને બહેનોને બોલાવી. ભાઇને ફોન કરી દીધો. ડોક્ટરને બોલાવી લીધા. પણ ડોક્ટરે આવીને તેનું મોત થયું હોવાનું સ્પષ્ટ જણાવી દીધું. મનુજાના મુખેથી આખી વાત સાંભળ્યા પછી ઇન્સ્પેક્ટર ઠાકોરે આખા બંગલાનું નિરીક્ષણ કર્યું. કેટલાક સવાલ કર્યા. મનુજાની બંને બહેનોને મળી તેમની પાસેથી કેટલીક માહિતી મેળવી. અને પોલીસ સ્ટેશન પાછા આવી પોસ્ટ મોર્ટમ રીપોર્ટ આવે ત્યાં સુધી રાહ જોવાનું નક્કી કર્યું.

બીજા દિવસે રીપોર્ટ આવી ગયો. તેમાં વધુ પડતા દારૂને કારણે શરીરના કેટલાક ભાગને નુકસાન થતા મોત થયું હોવાનું જણાવ્યું હતું. ઇન્સ્પેક્ટર ઠાકોર પોસ્ટ મોર્ટમ રીપોર્ટ જોઇ વિચારમાં પડી ગયા અને બોલ્યા:"ધીરાજી, આ તો હેસાનને દારૂ પી ગયો છે એવો રીપોર્ટ છે. એને ખબર નહીં હોય કે દારૂ દારૂડિયાને જ પી જાય છે? આમ તો બધાને જ ખબર હોય છે કે દારૂ કેટલી ખરાબ વસ્તુ છે. પણ એના નશાની પકડમાંથી કોઇ છૂટી શકતું નથી. પણ દારૂ જ્યારે પકડે છે ત્યારે જીવ લઇને જ જાય છે. હેસાન એનું જ વધુ એક ઉદાહરણ છે...."

"તો સાહેબ, આ કેસ અહીં પૂરો થઇ ગયો લાગે છે?" ધીરાજીએ ઇન્સ્પેક્ટર ઠાકોરની વાતનો એક અર્થ કાઢ્યો.

"હં...હું હજુ એક વધારે તપાસ કરીને નિર્ણય લેવા માગું છું. કેમકે હેસાન યુવાન હતો. માત્ર વધુ પડતા દારૂને કારણે તેનું મોત થયું હોય એવું માનવાને મન થતું નથી. અને તે કરોડોની માલ-મિલકત છોડી ગયો છે. એટલે શંકા પણ થઇ રહી છે કે તેની હત્યા થઇ હોય. એટલે ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવો." ઇન્સ્પેક્ટર ઠાકોર પૂરી તપાસ કરાવીને નિર્ણય લેવાના હતા એનો ઇરાદો જાહેર કરી દીધો.

ઇન્સ્પેક્ટર ઠાકોરે ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે કહ્યું ત્યારે એ પોલીસ મથકના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટરે એવી સલાહ આપી કે હવે એટલી બધી પંચાત કરવાની શું જરૂર છે. દેશમાં કેટલાય લોકો દારૂ પીને મરી જાય છે. બધાના મોતની પાછળ આટલી બધી તપાસ કરીશું તો બીજા કામ ક્યારે કરીશું. ત્યારે ઇન્સ્પેક્ટર ઠાકોરે તેને કહ્યું કે મેં તારા વિસ્તારમાં ચાલતા દારૂના અડ્ડા બંધ કરાવવાની વાત કરી નથી. એ સાંભળી ઇન્ચાર્જ ઇંસ્પેક્ટરની બોલતી બંધ થઇ ગઇ. ઇન્સ્પેક્ટર ઠાકોરે તેને એવી ગર્ભિત ધમકી આપી કે દારૂથી થયેલા આ મોતને કારણે શહેરના દારૂના અડ્ડા બંધ કરાવી રહ્યો નથી એનો આભાર માન. ઇન્સ્પેક્ટર ઠાકોરના કાર્યક્ષેત્રમાં એ કામ આવતું ન હતું.

એક અઠવાડિયા પછી ઇન્સ્પેક્ટર ઠાકોરના હાથમાં હેસાનના ફોરેન્સિક પોસ્ટ મોર્ટમનો રીપોર્ટ હતો. તેમાં એવો ઘટસ્ફોટ થયો હતો કે હેસાનનું મોત નહીં પણ હત્યા હતી. દારૂમાં ઝેરી રાસાયણિક દ્રવ્ય ભેળવવામાં આવ્યું હતું. મતલબ કે હેસાનને દારૂ પીવડાવી તેમાં રસાયણ ભેળવી કોઇએ મારી નાખ્યો છે. તેના બિઝનેસના કોઇ હરિફનું આ કામ છે કે કોઇ સગાનું એ હવે શોધવું પડશે.

ઇન્સ્પેક્ટર ઠાકોરે હેસાનના બિઝનેસ વિશે માહિતી મેળવી પણ એમાં કશું શંકાસ્પદ ના લાગ્યું. હેસાનના મોતથી તેના બિઝનેસ સાથે સંકળાયેલા કોઇને બહુ મોટો ફાયદો થાય એમ ન હતો. કોઇએ તેને એટલી મોટી રકમ આપવાની ન હતી કે તેના મોતથી તેને ફાયદો થાય. હેસાનનો કોઇ ખોટો ધંધો ન હતો કે કોઇ તેને પતાવી દે. હવે શંકાની સોય તેના પરિવાર તરફ ફરી ગઇ હતી. ઇન્સ્પેક્ટર ઠાકોરે પરિવારના દરેક સભ્ય વિશે માહિતી મેળવી લીધી.

ઇન્સ્પેક્ટર ઠાકોર એક યોજના બનાવીને હેસાનના ઘરે ગયા. તેમની સૂચના મુજબ મનુજા, તેની બંને મોટી બહેનો અને ભાઇ રીપવન હાજર હતા.

ઇન્સ્પેક્ટર ઠાકોરે બધા તરફ એક નજર નાખી મોટું રહસ્ય ખોલતા હોય એમ કહ્યું:"જુઓ, હેસાનના પોસ્ટ મોર્ટમનો મેં ફોરેન્સિક રીપોર્ટ કઢાવ્યો એમાં તેની હત્યા થઇ હોવાનું બહાર આવ્યું છે..."

ઇન્સ્પેક્ટર ઠાકોરની વાત સાંભળી બધા ચોંકી ઊઠ્યા. ઇન્સ્પેક્ટર ઠાકોરે બધા પર નજર નાખી. કોને ખરેખર આંચકો લાગ્યો છે અને કોને આઘાત એ તેમના ચહેરા પર વાંચી રહ્યા.

"ઇન્સ્પેક્ટર સાહેબ, એમની હત્યા કોણ કરી શકે? એમને કોઇ સાથે દુશ્મની ન હતી.." મનુજાને આ વાત સાચી લાગતી ન હોય એમ પોતાનો વિચાર રજૂ કર્યો.

"બેન, દુશ્મન જ જીવ લે એવું થોડું હોય છે. ઘણી વખત દોસ્ત પણ પીઠમાં છરો ભોંકતો હોય છે. હેસાનના મોતથી સૌથી વધારે લાભ જેને થવાનો હોય એના પર પહેલી શંકા ઊભી થાય છે." ઇન્સ્પેક્ટર ઠાકોરે તીર છોડી દીધું. અને એ કોને વાગે છે એ જોવા લાગ્યા.

મનુજા ગુસ્સામાં બોલી:"મતલબ કે તમે અમને હત્યારા માની રહ્યા છો? તેમની મિલકતની વારસ હું છું તો એનો અર્થ એવો થાય કે મેં એમને મારી નાખ્યા?"

"હું તો શંકા વ્યક્ત કરું છું. સત્ય બહાર આવશે ત્યારે ખબર પડશે. પણ પહેલી શંકા તમારા પર જ છે...." ઇન્સ્પેક્ટર ઠાકોરે સીધો જ આરોપ મૂકી દીધો.

બધાની નજર મનુજા પર હતી. તે બોલી:" ઇન્સ્પેક્ટર સાહેબ, મેં પતિ ગુમાવ્યો છે અને તમે મારા પર આરોપ મૂકી રહ્યા છો એ યોગ્ય નથી. તમારી પાસે શું સાબિતી છે?"

ઇન્સ્પેક્ટર ઠાકોર કહે:"અત્યારે તો કોઇ સાબિતી નથી. પણ એવું બની શકે કે આ ષડયંત્રમાં તમારો આખો પરિવાર પણ સામેલ હોય..."

ઇન્સ્પેક્ટર ઠાકોરની વાત સાંભળી બંને બહેનો બોલી ઊઠી:"અમે શા માટે અમારી બહેનને વિધવા બનાવવાનું પાપ કરીએ?"

ત્યાં મનુજા બોલી:"અમને માલ-મિલકતની શું જરૂર? તેમનું એ અમારું જ છે ને? તેમણે ક્યારેય કોઇ વસ્તુ માટે ના પાડી નથી. અને મારી બંને બહેનોને તેમણે રહેવાનું જ નહીં નોકરી પણ અપાવી છે. એમનું અહેસાન માનીએ એટલું છે. આવા દેવતા જેવા માણસની હત્યાનો વિચાર પણ કરી ના શકીએ. પોલીસને લાગણી જેવું કશું હોતું નથી એ સાચું જ કહેવાય છે...."

"જુઓ બેન, પોલીસ લાગણીવેડામાં પડે તો ગુના ઉકેલાય નહીં. પોલીસે સંબંધ કે લાગણી જોઇને કામ કરવાનું હોય નહીં. એ બધાથી ઉપર રહીને તેમણે ફરજ બજાવવાની હોય. હવે તમે ગુનો કબૂલી લો તો સારું છે.." ઇન્સ્પેક્ટર ઠાકોરે અવાજને ધારદાર બનાવીને કહ્યું.

ત્યાં રીપવન બોલી ઊઠ્યો:"બહેનો, તમે આ શું કર્યું? બનેવીના રૂપિયા ઓળવી લેવા તેમની હત્યા કરાવી દીધી. અને મનુજા, તું સાયન્સ એટલા માટે ભણી કે પોતાના જ પતિના દારૂમાં રાસાયણિક તત્વ ભેળવી દે. માન્યું કે હેસાનકુમારની દારૂની આદતથી તમે પરેશાન હતા. પણ આ રીતે તમે એનો અંત લાવી દીધો એ યોગ્ય ના કર્યું. તેમના આપણા પર કેટલા અહેસાન હતા...."

રીપવનની વાતથી બહેનો ચોંકી ગઇ:"રીપવન, તું આ શું બોલે છે? સગી બહેનોને હત્યારી સાબિત કરવા માગે છે? તને અમારા પર વિશ્વાસ નથી? ઇન્સ્પેક્ટર સાહેબ, તમને કોઇ ગેરસમજ થઇ લાગે છે. અમારો આવો ઇરાદો હોઇ જ ના શકે..."

"પણ, તમારો ભાઇ પણ તમારા પર શંકા કરે છે. નક્કી તમારી કોઇ યોજના હશે. એ દિવસે મનુજા સિવાય હેસાનની કોઇ સાથે વાત કે મુલાકાત થઇ નથી. એવું બને કે મનુજાએ વધુ દારૂ પીને આવેલા હેસાનને ઝેરી રસાયણયુક્ત દારૂ પીવડાવી દીધો હોય. હું આ શંકાને આધારે જ તમારી અત્યારે ધરપકડ કરું છું..." કહી ઇન્સ્પેક્ટર ઠાકોર ઊભા થઇ ગયા.

ત્રણેય બહેનો કરગરવા લાગી. રીપવન તેમનાથી નારાજ હોય એમ તમાશો જોવા લાગ્યો.

ઇન્સ્પેક્ટર ઠાકોરે ધીરાજીને હુકમ કર્યો:"ધીરાજી, આરોપીને હાથકડી પહેરાવી દો..."

ધીરાજીએ ઇન્સ્પેક્ટર ઠાકોરના હુકમનું પાલન કરવા હાથકડી કાઢી અને રીપવનને પહેરાવવા લાગ્યા. એ જોઇ રીપવન ગભરાઇ ગયો અને મનુજા તેની બહેનો સાથે ચોંકી ગઇ.

"સાહેબ, આ શું? મારો શું વાંક છે? આ લોકોને બદલે મારી કેમ ધરપકડ કરો છો?" રીપવન છટકવાનો પ્રયત્ન કરવા લાગ્યો.

"રીપવન, કાતિલ તું છે. તેં જ તારા બનેવીની હત્યા કરી છે. અમારી પાસે સબૂત છે. હું એ જોવા માગતો હતો કે તું તારી બહેનોને નિર્દોષ સાબિત કરે છે કે નહીં. પણ તારા મનમાં પાપ હતું. બહેન ગુનેગાર સાબિત થઇ ગઇ હોવાથી તું બચી જઇશ એમ માનતો હતો. પણ હું બધી તપાસ અને પુરાવાના આધારે તારી ધરપકડ કરું છું...." ઇન્સ્પેક્ટર ઠાકોરે કહ્યું.

"અરે, મેં કંઇ કર્યું જ નથી...." રીપવન કરગરવા લાગ્યો.

"તેં શું અને કેમ કર્યું એ ના ખબર હોય તો જાણી લે" કહી ઇન્સ્પેક્ટર ઠાકોર આખી વાત વિસ્તારથી કહેવા પાછા સોફાની ખુરસી પર બેઠા:"રીપોર્ટમાં દારૂમાં રસાયણ ભેળવવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યા પછી મેં હેસાન ક્યાં દારૂ પીવા જતો હતો એ જગ્યા શોધવાનો પ્રયત્ન કર્યો. આ શહેરમાં દસ જેટલા દારૂના અડ્ડા છે. મોટાભાગના અડ્ડાવાળાએ હેસાનના ફોટાને જોઇ તે આવતો હોવાની ચોક્કસ માહિતી ન હોવાનું જણાવ્યું. તેમને ત્યાં ઘણા લોકો આવતા હોય એટલે ખબર ના પણ હોય. એટલે મેં દરેક દારૂના અડ્ડાના પીરસણીયા છોકરાઓનો સંપર્ક કર્યો. ત્યારે એક અડ્ડા પરથી જાણવા મળ્યું કે હેસાન એ દિવસે છેલ્લી વખત કોઇ સાથે આવ્યો હતો. હવે તેની સાથે કોણ આવ્યું હશે એ શોધવું મુશ્કેલ હતું. મને તારા પર શંકા હતી. તારી તપાસમાં એવું જાણવા મળ્યું હતું કે તું જાતજાતના ધંધા કરે છે. ક્યારેક એ ધંધામાં ખોટ પણ જાય છે. અને તું ધંધો બદલી નાખે છે. તારા આ વર્ષના બેંક ખાતાની તપાસ કરી ત્યારે કોઇ શંકાસ્પદ વ્યવહાર નોંધાયેલો ના લાગ્યો. પણ જ્યારે દારૂના અડ્ડા પર તારો ફોટો બતાવ્યો ત્યારે પેલા છોકરાએ મને તું સાથે હોવાની એંશી ટકા શક્યતા વ્યક્ત કરી. એટલે મેં તારા ખાતાના ગયા નાણાકિય વર્ષની વિગતો કઢાવી. એમાં તેં હેસાન પાસેથી પચીસ લાખ રૂપિયા લીધા હોવાનું ધ્યાન પર આવ્યું. અને એ પૈસાની હેસાને માગણી કરી હશે ત્યારે તેં એને પતાવી દીધો...."

"બહેન, મને માફ કરી દે. મેં પૈસા માટે મારા બનેવીને પતાવી દીધો છે..." કહી રીપવન મનુજાના પગમાં પડી ગયો.

"દૂર હટ, તું ભાઇ નહીં કસાઇ છે...." મનુજાએ તેની છાતી પર લાત મારી.

"મેં પાછા આપવાની શરતે ધંધા માટે રૂપિયાની જરૂર હોવાનું કહી એક વર્ષ પહેલાં પચીસ લાખ જેટલી મોટી રકમ એશથી જીવન જીવવા હેસાન પાસેથી લીધી હતી. તેને હમણાં ધંધામાં જરૂર હોવાથી માંગ-માંગ કરતો હતો. મેં બધા જ રોપિયા એશ આરામમાં ઉડાવી દીધા હોવાથી તેની બોલતી બંધ કરવાનું નક્કી કર્યું. એ દિવસે તેને ઓફિસથી મારી જ કારમાં દારૂના અડ્ડા પર લઇ ગયો. અને ચાલાકીથી તેના દારૂમાં ઝેરી રસાયણ ભેળવી દીધું. અને હું જ તેને ઘર નજીક છોડીને ભાગી ગયો હતો...." રીપવને પોતાનો ગુનો કબૂલી લીધો.

ઇન્સ્પેક્ટર ઠાકોરે રીપવન પર હત્યાનો ગુનો દાખલ કરાવી તેને જેલમાં પુરી દીધો.

ઇન્ચાર્જ ઇંસ્પેક્ટરને કેસ સોંપી ઇન્સ્પેક્ટર ઠાકોર બોલ્યા:"આ કિસ્સો કાલના દરેક અખબારમાં આવવો જોઇએ. દારૂની આડમાં આવી હત્યા પણ થઇ શકે છે એની લોકોને ખબર પડે એવું કરજો. તો જાગૃતિ આવે. માત્ર દારૂ જ માણસનો જીવ લેતો નથી. ઝેરી ગણાતા દારૂમાં ઝેર નાખીને કોઇ જીવ લઇ શકે છે. દારૂની બીજી પણ ઘણી આડ અસર છે એનો પણ લોકોને ખ્યાલ આવે. દારૂ પીને વાહન ચલાવતા લોકો મરી શકે છે અને તેના કારણે બીજા પણ અકસ્માતનો ભોગ બની શકે છે. આ બધું તમે જાણો જ છો. એટલે દારૂના અડ્ડા વહેલી તકે બંધ થાય એવું કરજો. ત્યાંથી તમને ભાગ તો જરૂર મળશે પણ એ દારૂથી કોઇને નુકસાન થશે ત્યારે તેના ભાગીદાર પણ ગણાશો એ ભૂલશો નહીં."

ઇન્સ્પેક્ટર ઠાકોર આટલું બોલ્યા પછી ઇન્ચાર્જ ઇંસ્પેક્ટરના હાવભાવ જોયા વગર ત્યાંથી તરત નીકળી ગયા.

*

મિત્રો, મારી બુક્સના ૩ લાખથી વધુ ડાઉનલોડ થઇ ગયા એ બદલ આપનો આભાર!

માતૃભારતી પર મારી સૌથી વધુ વંચાયેલી પહેલી નવલકથા "રેડલાઇટ બંગલો" તમે હજુ સુધી નથી વાંચી? તો આજે જ વાંચો. એક અતિ સ્વરૂપવાન અને માદકતાથી છલકાતી કોલેજગર્લ અર્પિતા કેવી રીતે કોલેજના એક ટ્રસ્ટી રાજીબહેનની જાળમાં ફસાઇને વેશ્યા બને છે, અને અર્પિતા તેની જાળમાં ફસાઇને તરફડવાને બદલે કેવી રીતે તેમની સામે અદ્રશ્ય જાળ બિછાવી એક પછી એક, ચાલ પર ચાલ રમી બદલો લે છે તેની રહસ્ય, રોમાંચ, ઉત્તેજના સાથેની વાર્તા છે. દરેક પ્રકરણે દિલચશ્પ વળાંકો લેતી અને રોમાંચક પ્રસંગોથી ભરપૂર આ નવલકથા તમારું ભરપૂર મનોરંજન કરશે. અને તેનું અંતિમ પ્રકરણ તો સૌથી વધુ પસંદ કરવામાં આવ્યું છે. તેમાં જે નવતર વિચાર છે એને વાચકોએ વધાવી લીધો છે.

આ ઉપરાંત માતૃભારતી પર મારી લઘુનવલ "આંધળો પ્રેમ", નવલિકાઓ, બાળવાર્તાઓ, બાળગીતો તથા અમૂલ્ય સુવિચારોની શ્રેણી 'વિચારમાળાના મોતી' અને પ્રેરણાત્મક વાર્તાનો ખજાનો ધરાવતી 'જીવન ખજાનો' શ્રેણી પણ આપને જરૂર વાંચવી ગમશે.

***

મિત્રો, માતૃભારતી પર રજૂ થયેલી મારી બીજી નવલકથા 'લાઇમ લાઇટ' પણ પસંદ કરવામાં આવી છે. એક રૂપાળી યુવતી રસીલીના હીરોઇન બનવાના સંઘર્ષ સાથે ફિલ્મી દુનિયાના અંધારાં-અજવાળાંની રહસ્યમય વાતો કરતી અને આ ક્ષેત્રના કાવા-દાવા, હવસ, પ્રેમ અને ઝગમગાટને આવરી લેતી આ નવલકથા સંપૂર્ણ કાલ્પનિક છે. અને કોઇ રોમાંચક, દિલધડક, રહસ્યમય ફિલ્મની જેમ તમને ૪૮ પ્રકરણ સુધી જકડી રાખશે એવી મને ખાતરી છે.

***

Rate & Review

Hims

Hims 5 days ago

Jinu Kapuriya

Jinu Kapuriya 1 year ago

Krishna Makwana

Krishna Makwana 2 years ago

Patel H. K

Patel H. K 2 years ago

Bharti S Trivedi

Bharti S Trivedi 2 years ago