Inspector thakor ni diary - 1 books and stories free download online pdf in Gujarati

ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી - ૧

ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી

રાકેશ ઠક્કર

પાનું પહેલું

અમદાવાદના એક પોલીસ મથકમાં ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર એસ. વી. ઠાકોરની એક વિશિષ્ટ ઓળખ હતી. જે પોલીસ મથકમાં તે જાય ત્યાં એવા કેસને હાથ પર લે છે જેમાં બનેલા ગુનાની અસલિયત કંઇક અલગ જ રહેતી હતી. ગુનો નોંધાય ત્યારે કોઇ અલગ કારણ હોય અને જ્યારે તેનું સત્ય બહાર આવે ત્યારે એવું કારણ નીકળે કે પહેલાં તો કોઇના માન્યામાં જ ના આવે. ઇન્સ્પેક્ટર ઠાકોરના પરિચયમાં કહેવાય છે કે 'નામ છે એનું ઇન્સ્પેક્ટર ઠાકોર, એની નજર છે બહુ ચકોર'. કોઇને એમ લાગે કે એ કેસ બાબતે 'પાણીમાંથી પોરા કાઢે છે', વધારે પડતી નકારાત્મક સોચ ધરાવે છે. પહેલાં તો તેની વાત, તેનો તર્ક સાંભળીને ઘણાં હસી કાઢે. પણ એ જ્યારે ગુનાને પોતાની નજરે તપાસીને ઉકેલી નાખે ત્યારે લોકો તેના પર ગર્વ કરીને હસે કે બાપુનો જવાબ નથી! ઘાસની ગંજીમાંથી સોય શોધવાની કુશળતા તેની પાસે છે. ઇન્સ્પેક્ટર ઠાકોરે આજ સુધીમાં જેટલા પણ આત્મહત્યાના કેસ હતા એમાં જે ખરેખર હત્યાનો હતો એ અલગ તારવીને સાબિત કરી આપ્યો હતો. કોઇ સંજોગોમાં એ હત્યા ના લાગતો હોય પણ જો ઇન્સ્પેક્ટર ઠાકોરને ખ્યાલ આવે કે આ કેસ આત્મહત્યાનો નથી તો એ તેની જડ સુધી પહોંચીને જ રહે. એક સારી વાત એ હતી કે એ આખા કેસ વિશે તેના એક મિત્રને અથથી ઇતિ સુધી જણાવતો હતો. એ મિત્ર તેના કેસની વિગતો એક ડાયરીમાં વાર્તા સ્વરૂપે લખે છે. ઇન્સ્પેક્ટર ઠાકોર કોઇપણ કેસ પૂરો કરે પછી તેની તપાસની આખી વિગત તે ડાયરીમાં ઉતારી લેતો હતો. કેટલાક અખબારોમાં ઇન્સ્પેક્ટર ઠાકોરના સુલઝાવેલા કેસની વાર્તાઓ પણ નામ અને સ્થળ બદલીને છપાતી રહી છે. ઇન્સ્પેક્ટર ઠાકોરના કેસોની તેના મિત્રએ લખેલી આ ડાયરી વાંચવાનો લાભ આપણે પણ લઇશું. પહેલો જ કેસ આત્મહત્યાનો છે. તે ખરેખર આત્મહત્યાનો હતો કે હત્યા હતી એ જાણવા તેની ડાયરીનું પહેલું પાનું વાંચવાનું શરૂ કરીએ.

સાંજ ઢળી ગઇ હતી. છેલ્લા એક સપ્તાહથી કોઇ મોટી ઘટના બની ન હતી. ત્યાં એક આત્મહત્યાનો કેસ આવ્યો. ઇન્સ્પેક્ટર ઠાકોર પોતાની જીપમાં સાથી કોન્સ્ટેબલ ધીરાજી અને સ્ટાફને લઇ ઘટના સ્થળે પહોંચ્યો. શહેરના છેવાડે આવેલા વિસ્તારમાં દસ માળનું એક બિલ્ડિંગ હતું. એમાં આઠમા માળે એક ફ્લેટમાં એક માણસે, વધુ સ્પષ્ટ રીતે કહીએ તો એક પતિએ આત્મહત્યા કરી હતી. અને તે અંગેની જાણ તેની પત્નીએ પોલીસ મથકમાં કરી હતી. પોલીસે આ કેસને ઝડપથી હાથ પર લેવો પડે એમ હતો. કેમકે મરનાર માણસ અશોકની પત્ની નતારા નાટકોની એક જાણીતી અભિનેત્રી હતી. તેનો પતિ અશોક પણ આમ તો અભિનેતા હતો. પણ ઘણા વર્ષોથી સંઘર્ષ કરતો હતો. તેને નતારા જેવી સફળતા અને પ્રસિધ્ધિ મળ્યા ન હતા. ઇન્સ્પેક્ટર ઠાકોરે ઘટના સ્થળે પહોંચતા પહેલાં આટલી પ્રાથમિક માહિતી મેળવી લીધી હતી.

ઇન્સ્પેક્ટર ઠાકોર લીફ્ટમાં આઠમા માળે આવેલા અશોકના ફ્લેટ પર પહોંચ્યો ત્યારે આસપાસના કે ઓળખીતા આઠ-દસ સ્ત્રી-પુરુષો શોકમગ્ન ચહેરે ઊભો હતા. તે બેડરૂમમાં પહોંચ્યો ત્યારે અશોકનું શરીર પંખાના હુકમાં લગાવેલા નાયલોનની દોરડીના ફાંસામાં ઝૂલતું હતું. અશોકે બેડરૂમનો દરવાજો ખુલ્લો રાખી ત્યાં દોરડીનો એક છેડો બાંધી પગ નીચે પ્લાસ્ટીકની ખુરશી પર ઊભા રહી તેને ધક્કો મારી લટકી જઇ ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હોવાનું સ્પષ્ટ દેખાતું હતું. ઇન્સ્પેક્ટર ઠાકોરની નજર નતારાને શોધી રહી. એક ખૂણામાં ઝીણું રડતી નતારાને જોઇ એ ત્યાં પહોંચ્યો. ઇન્સ્પેક્ટર ઠાકોરને જોઇ નતારા ઊભી થઇ ગઇ. ઇન્સ્પેક્ટર ઠાકોરે સ્ટાફને લાશ ઉતારી લઇ આગળની કાર્યવાહી કરવા સૂચના આપી અને નતારાને બીજી રૂમમાં આવવા કહ્યું.

નતારાની આંખમાંથી આંસુ વહી રહ્યા હતા. તેની આંખો રડીને લાલચોળ થઇ ગઇ હતી. તેની પાસેનો નાનકડો રૂમાલ ભીનો થઇ ગયો હતો. ઇન્સ્પેક્ટર ઠાકોરે તેને શાંત થવા વિનંતી કરી. અને રૂમમાં નજર નાખી. એક નેપ્કીન નજરે આવ્યો એ લીધો અને નતારાનો ભીનો રૂમાલ લઇ આંસુ લૂછવા એ નેપ્કીન આપ્યો. નતારાનું રડવાનું બંધ ના થયું એટલે ઇન્સ્પેક્ટર ઠાકોરે પૂછપરછ કરવાનું થોડી મિનિટ માટે ટાળ્યું અને બેડરૂમમાં જઇ તપાસ શરૂ કરી. બધી જ જગ્યાએ નજર નાખી લીધી. સ્ટાફના માણસોએ લાશને ઉતારીને ફોટા પાડવા, ફિંગરપ્રિંટ લેવી વગેરે તમામ કામગીરી કરી લીધી હતી. ઇન્સ્પેક્ટર ઠાકોરે રૂમમાં તલાશી શરૂ કરી. ડ્રેસિંગ ટેબલ પર પડેલી એક ચાવી, અશોકનું પાકીટ, કોઇ નાટકની સ્ક્રિપ્ટ, મેકઅપનો સામાન વગેરે વસ્તુઓ એક થેલીમાં ભરી લીધી. અને પાછો નતારા પાસે આવ્યો. તે હવે શાંત થઇ રહી હતી. ઇન્સ્પેક્ટર ઠાકોરે તેને ઘટનાનું વર્ણન કરવા કહ્યું.

નતારાએ જણાવ્યું કે તે પોતાના એક નાટકના રીહર્સલ પરથી સાંજે પાછી ફરી ત્યારે દરવાજો ખોલવા બેલ માર્યો. ઘણીવાર પછી પણ અશોકે ખોલ્યો નહીં એટલે પોતાની પાસેની બીજી ચાવીથી દરવાજો ખોલી અંદર ગઇ અને અશોકના નામની બૂમ પાડતી હતી ત્યાં બેડરૂમના ખુલ્લા દરવાજા પર નાયલોનનું દોરડું બાંધેલું જોયું. એક આશંકા સાથે તે દોડીને ત્યાં પહોંચી ત્યારે અશોકને ગળેફાંસો ખાધેલી હાલતમાં જોયા પછી તે શોકમાં પડી ગઇ. આસપાસના લોકોને જાણ કરી અને પોલીસમાં ફોન કર્યો. ઇન્સ્પેક્ટર ઠાકોરે પેન પેપર લઇ તેની કેટલીક માહિતી નોંધી લીધી. અને કાર્યવાહી પૂરી કરી સ્ટાફ સાથે પોલીસ મથકમાં આવી ગયો.

ધીરાજીએ પૂછ્યું:"સર, કેસ કેવો નોંધવાનો છે?"

ધીરાજીને ખબર હતી કે ઇન્સ્પેક્ટર ઠાકોર નક્કી કરવાના હતા કે આત્મહત્યા જ છે કે પછી હત્યા?

"ધીરાજી, કાલે એફએસએલના રીપોર્ટ અને ફોટા આવી જાય પછી નક્કી કરીએ." કહીને આગળ બોલ્યા:"નતારાએ તો આત્મહત્યા હોવાનું કહ્યું છે. તેની વાતો અને સ્થળસ્થિતિ પરથી તો આ આત્મહત્યાનો જ કેસ લાગે છે. છેલ્લા ઘણા મહિનાથી નાટકોમાં કામ મળતું ન હોવાને કારણે ડિપ્રેસન અનુભવતો હતો. ડોકટરને બતાવ્યું હતું અને ડિપ્રેસન ઘટાડવાની ગોળી ખાતો હતો. કોઇ ગંભીર બીમારી ન હતી. પણ પોતાને કામ મળતું ન હતું અને પત્નીની લોકપ્રિયતાને કારણે વધારે હતાશ થયો હોય એમ બની શકે."

"હા સર, મેં પડોશીઓને પૂછ્યું ત્યારે એવો જ જવાબ મળ્યો કે નતારા નાટકોમાં વ્યસ્ત રહે છે પણ અશોકને ખાસ બહાર જતા જોતાં ન હતા. અને... બાઇને કોઇ સાથે લફરું હોવાની પણ શંકા નથી. સીસીટીવી ક્યાંય નથી. અને વોચમેન દસ માળની ચાર બિલ્ડિંગોમાં આવતા જતાં દરેકનું ધ્યાન રાખી શકે એમ ન હતો. એટલે બીજા કોઇ પુરાવા નથી...." ધીરાજીએ પણ ઘટના આત્મહત્યા હોવાનો જ અભિપ્રાય આપ્યો.

બીજા દિવસે બધા રીપોર્ટ અને ફોટા પરથી સાબિત થઇ ગયું કે અશોકે આત્મહત્યા જ કરી હતી. દરેક વસ્તુ પર અશોકના જ હાથના નિશાન હતા. કોઇએ જબરદસ્તી તેને ગળે ફાંસો આપ્યો હોય એવા કોઇ નિશાન કે પુરાવા ન હતા. એટલું જ નહીં તપાસમાં આત્મહત્યા માટેની દોરડી તે જાતે જ નજીકની દુકાનમાંથી લાવ્યો હોવાનું બહાર આવ્યું હતું. ઇન્સ્પેક્ટર ઠાકોર માટે આ કોઇ નવી વાત ન હતી. આ કેસ આત્મહત્યાનો હોવાનું ન માનવાનું કોઇ કારણ ન હતું. છતાં તેણે વધારે ખાતરી કરવા એક સપ્તાહનો સમય લેવાનું નક્કી કર્યું. તેણે નતારાનો ફોન ટ્રેક કરાવ્યો. પણ તે શોકની સ્થિતિમાં બધા સાથે કામ પૂરતી જ વાત કરતી હોવાનું જણાયું. ઇન્સ્પેક્ટર ઠાકોરે નતારાએ કયા કયા નાટકોમાં કામ કર્યું હતું અને હવે કયા માટે રીહર્સલ કરી રહી હતી તેની માહિતી મેળવી. એમાં પણ ખાસ કંઇ શંકાસ્પદ ના લાગ્યું. હજુ તે કેટલાક તર્ક કરીને વધુ તપાસ કરી રહ્યો હતો એટલે ધીરાજીને નવાઇ લાગી. ઇન્સ્પેક્ટર ઠાકોરે તેને ધીરજ રાખવા કહ્યું.

.....અને બીજા જ દિવસે તેણે ધીરાજીને બોલાવીને કહ્યું કે અશોકની હત્યા જ થઇ છે. આત્મહત્યા થઇ હોવાનું જે દેખાયું એ એક નાટક હતું!

ધીરાજીને ઇન્સ્પેક્ટર ઠાકોરની વાતથી આશ્ચર્ય જરૂર થયું પણ આંચકો લાગ્યો નહીં. આ રીતે ઘણા કેસમાં તેણે હત્યાની શંકા વ્યક્ત કર્યા પછી એ કેસ હત્યાનો જ નીકળ્યો હતો. એટલે ધીરાજીને કોઇ શંકા ન હતી.

ઇન્સ્પેક્ટર ઠાકોર ધીરાજી સાથે નતારાના ફ્લેટ પર પહોંચી ગયો.

ઇન્સ્પેક્ટર ઠાકોરે નતારાને જ્યારે કહ્યું કે તમે હત્યા કરી હોવાનું સ્વીકારી લો છો કે મારે પુરાવા રજૂ કરવા પડશે ત્યારે નતારા ચોંકી ગઇ. તેણે આત્મહત્યા હોવાનું બયાન પકડી રાખ્યું. બધા જ પુરાવા આત્મહત્યા હોવાનું જણાવે છે. અને પોલીસ રેકર્ડ પરની નોંધ પણ તેનું સમર્થન આપતી હોવાનું ગાણું ગાયું. પણ જ્યારે ઇન્સ્પેક્ટર ઠાકોરે કરડાકીથી વાત કરી અને પોતાની પાસે જડબેસલાક પુરાવા હોવાનું કહ્યું ત્યારે નતારાની બોલતી બંધ થઇ ગઇ.

"મેડમ, તમારું નાટક થિયેટરમાં ચાલી જાય છે, મારી સામે ચાલશે નહીં. તમારા ખેલ પરથી પડદો ઊંચકાઇ ગયો છે. ખેલ ખેલમાં તમે પતિદેવ અશોકને ભગવાન પાસે પહોંચાડી દીધા. પણ તમારો ખેલ હવે પૂરો થઇ ગયો છે..." ઇન્સ્પેક્ટર ઠાકોરના સખત અવાજથી નતારા ડરી ગઇ.

"પણ..પણ... હું શા માટે મારા પતિને મારી નાખું? એ ડિપ્રેસનથી પીડાતા હતા. ડોકટરનું સર્ટીફિકેટ છે. બધા પુરાવા કહે છે કે તેમણે જ ગલે ફાંસો ખાધો છે. તમે આમ ખોટી રીતે મને દોષિત ના બનાવી શકો...." નતારાએ હિંમત કરીને પોતાનો હાથ ઊંચો રાખવા કહ્યું.

"અચ્છા, તો તારે ડાયરેકટર અતુલ કરમાકર સાથે લગ્ન નથી કરવા? ચાલાકી તો તેં બહુ કરી. પણ ગુનેગાર કોઇને કોઇ પુરાવા છોડી જ જાય છે. એ પુરાવાને ઓળખવાની નજર મારી પાસે છે...." ઇન્સ્પેક્ટર ઠાકોર રહસ્ય ખોલવા લાગ્યા:"એક વખત તો મારું દિલ પણ કહેવા લાગ્યું હતું કે તું નિર્દોષ છે. પણ મેં પ્રયત્ન કરી જોયો કે ક્યાંક મરનારને અન્યાય ના થાય. પછી ખબર પડી કે તું રડતી હતી એ આંસુ સાચા ન હતા. ગ્લીસરીનના હતા. મને પહેલી મુલાકાતમાં જ શંકા પડી હતી કે તારી આંખમાં દુ:ખના આંસુ વધારે છે પણ અવાજમાં દુ:ખના દર્દની અસર વર્તાતી નથી. માણસ સાચું અને દિલથી રડે ત્યારે એનો અવાજ અલગ હોય છે. એટલે મેં તારો આંસુવાળો રૂમાલ સિફતથી મેળવી લીધો હતો. અને એને લેબોરેટરીમાં ચકાસવા આપ્યો હતો. એમાં જાણવા મળ્યું કે રૂમાલમાં ગ્લીસરીનના અંશ હતા. એ પછી મને થયું કે દાળમાં નક્કી કંઇક કાળું છે. અને મેં તારા વિશે બધી માહિતી મેળવવાની શરૂઆત કરી. જોકે, શરૂઆતમાં તો કોઇ કડી મળી નહીં. એટલે તારા બેડરૂમમાંથી મેળવેલી વસ્તુઓની ચકાસણી કરી. તેં અશોકની હત્યા પહેલાં કે પછી જે ગ્લીસરીન વાપરેલું તેની બોટલ ડ્રોઅરમાંથી મળી હતી. અને ટેબલ પર જે નાટકની સ્ક્રીપ્ટ હતી એણે આખું ચિત્ર સ્પષ્ટ કરી આપ્યું. સો જેટલા પાનાનાં એ 'અલવિદા' નાટકની સ્ક્રીપ્ટ વાંચવાનો મને કંટાળો આવતો હતો. પણ છૂટકો ન હતો. અડધી વાર્તા પૂરી થઇ અને આત્મહત્યાનો પ્રસંગ આવ્યો ત્યારે મારા મનમાં અશોકની લટકતી લાશનું આખું ચિત્ર સજીવ થઇ ગયું. હવે તારે એટલું જ સમજાવવાનું છે કે તેં બધું કેવી રીતે પાર પાડ્યું?" ઇન્સ્પેક્ટર ઠાકોર પોતાનો નિર્ણય જાહેર કરતા બોલ્યા.

નતારાના ચહેરા પરનું તેજ ઊડી ગયું હતું. તે ઠૂઠવો મૂકીને રડી પડી. ઇન્સ્પેક્ટર ઠાકોરની કરડી નજરમાં દેખાયું કે આ આંસુ સાચા છે. દુ:ખના અને ભયના છે. હા, પસ્તાવાના છે કે નહીં એ તો આ નાટકવાળી બાઇ જ જાણે!

નતારા રડતાં રડતાં બોલવા લાગી:"મને માફ કરી દો. મેં બીજાના પ્રેમમાં પાગલ થઇ પતિને મારી નાખ્યો છે. અતુલ સાથે મેં અનેક નાટક કર્યા પછી હું તેને બહુ ચાહવા લાગી હતી. મને અશોક તરફથી કોઇ સુખ કે સંતોષ ન હતો. મને એ મારા માર્ગનો કાંટો લાગતો હતો. મેં એક લેખક પાસે એવી સ્ક્રીપ્ટ લખાવી જેમાં એક પુરુષ ડિપ્રેસનમાં ઘરમાં જ આત્મહત્યા કરે છે. અને એ પહેલાં તેનો લાંબો મોનોલોગ આવે છે. બીજા કેટલાક પ્રસંગોની જેમ મેં અશોકને આત્મહત્યાનું દ્રશ્ય ભજવવા ઉત્સાહિત કર્યો. તેને પહેલી વખત કોઇ નાટકમાં મુખ્ય પાત્ર ભજવવાની તક મળવાની હતી એટલે એ ગમે તે કરવા તૈયાર હતો. તે એવું માનતો હતો કે નાટકનું રીહર્સલ જ કરવાનો હતો. મેં બધી સામગ્રી તેની પાસે જ ખરીદાવી હતી. ફક્ત એ જ્યારે ખુરશી પર ઉભો રહીને ગળામાં ફાંસો લગાવતો હતો ત્યારે હાથ અડકાવવાને બદલે મોબાઇલથી હળવેથી ખુરશીને ધક્કો લગાવ્યો હતો.... અને એ લટકી ગયો હતો. મેં તરત જ ગ્લીસરીન લગાવી બૂમાબૂમ કરી મૂકી હતી...."

ઇન્સ્પેક્ટર ઠાકોરે નતારાની ધરપકડ કરી લીધી. ત્યારે નતારાને થયું કે તેના અભિનય પર થિયેટરમાં લોકો વાહવાહ પોકારતા હશે પણ અભિનયને પરખવાની સમજ તેના ડાયરેક્ટર કરતાં ઇન્સ્પેક્ટર ઠાકોરમાં વધારે લાગે છે. કલ્પના ન હતી કે અભિનય અને અસલિયતનો ભેદ કરવાની નજર તેની પાસે છે.

*

મિત્રો, માતૃભારતી પર મારી સૌથી વધુ વંચાયેલી પહેલી નવલકથા "રેડલાઇટ બંગલો" તમે હજુ સુધી નથી વાંચી? તો આજે જ વાંચો. એક અતિ સ્વરૂપવાન અને માદકતાથી છલકાતી કોલેજગર્લ અર્પિતા કેવી રીતે કોલેજના એક ટ્રસ્ટી રાજીબહેનની જાળમાં ફસાઇને વેશ્યા બને છે, અને અર્પિતા તેની જાળમાં ફસાઇને તરફડવાને બદલે કેવી રીતે તેમની સામે અદ્રશ્ય જાળ બિછાવી એક પછી એક, ચાલ પર ચાલ રમી બદલો લે છે તેની રહસ્ય, રોમાંચ, ઉત્તેજના સાથેની વાર્તા છે. દરેક પ્રકરણે દિલચશ્પ વળાંકો લેતી અને રોમાંચક પ્રસંગોથી ભરપૂર આ નવલકથા તમારું ભરપૂર મનોરંજન કરશે. અને તેનું અંતિમ પ્રકરણ તો સૌથી વધુ પસંદ કરવામાં આવ્યું છે. તેમાં જે નવતર વિચાર છે એને વાચકોએ વધાવી લીધો છે.

આ ઉપરાંત માતૃભારતી પર મારી લઘુનવલ "આંધળો પ્રેમ", નવલિકાઓ, બાળવાર્તાઓ, બાળગીતો તથા અમૂલ્ય સુવિચારોની શ્રેણી 'વિચારમાળાના મોતી' અને પ્રેરણાત્મક વાર્તાનો ખજાનો ધરાવતી 'જીવન ખજાનો' શ્રેણી પણ આપને જરૂર વાંચવી ગમશે.

***

મિત્રો, માતૃભારતી પર રજૂ થયેલી મારી બીજી નવલકથા 'લાઇમ લાઇટ' ના ૬૪૦૦૦ ડાઉનલોડ તેની લોકપ્રિયતા કહી આપે છે. એક રૂપાળી યુવતી રસીલીના હીરોઇન બનવાના સંઘર્ષ સાથે ફિલ્મી દુનિયાના અંધારાં-અજવાળાંની રહસ્યમય વાતો કરતી અને આ ક્ષેત્રના કાવા-દાવા, હવસ, પ્રેમ અને ઝગમગાટને આવરી લેતી આ નવલકથા સંપૂર્ણ કાલ્પનિક છે. અને કોઇ રોમાંચક, દિલધડક, રહસ્યમય ફિલ્મની જેમ તમને ૪૮ પ્રકરણ સુધી જકડી રાખશે એવી મને ખાતરી છે.