Incpector Thakorni Dairy - 10 books and stories free download online pdf in Gujarati

ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી - ૧૦

ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી

રાકેશ ઠક્કર

પાનું દસમું

ધીરાજીએ આવીને ઇન્સ્પેક્ટર ઠાકોરને સમાચાર આપ્યા કે આપણે એક કેસ ઉકેલવામાં વ્યસ્ત હતા ત્યારે આસપાસના બે પોલીસ મથકોમાં આત્મહત્યાના કેસ નોંધાઇ ગયા છે. ઇન્સ્પેક્ટર ઠાકોર જ્યારે પણ શંકા પડી ત્યારે આત્મહત્યાના કેસને હત્યાનો કેસ સાબિત કરવામાં મોટાભાગે સફળ થયા હતા. તેમના માટે અમસ્તું જ નથી કહેવાતું કે,'નામ છે એનું ઇન્સ્પેક્ટર ઠાકોર, એની નજર છે બહુ ચકોર.' તે હત્યાને આત્મહત્યામાં ખપાવવા માગતા ગુનેગારને કોઇને કોઇ રીતે ઝડપી પાડતા હતા. એમાં એમનું સૂક્ષ્મ અવલોકન કારગર સિધ્ધ થતું હતું. તેમની વિચારવાની ઢબ અલગ જ હતી. સામાન્ય જીવનમાં ભલે એમ કહેવાતું હોય કે હંમેશા હકારાત્મક વિચારો પણ ઇન્સ્પેક્ટર ઠાકોર પહેલા નકારાત્મક વિચાર કરતા હતા. અને તે ગુનેગાર સુધી પહોંચવામાં સફળ થતા હતા.

ઇન્સ્પેક્ટર ઠાકોરે એક પુરુષની હત્યાના કેસ વિશે માહિતી મેળવી. નજીકના સાલપુર ગામમાં રહેતા મુકેશ નામના યુવાને નદીના પુલ પરથી ઝંપલાવીને જીવનનો અંત લાવી દીધો હતો. પોલીસમાં મરનારની માતાએ જણાવ્યું હતું કે સાંજે છ વાગ્યાના અરસામાં મુકેશ મિત્રને મળવા જઉં છું કહીને નીકળ્યો હતો. બે દિવસ સુધી તેનો પત્તો લાગ્યો ન હતો. એટલે પોલીસમાં તેના ગૂમ થવાની જાણ કરી હતી. દરમ્યાનમાં ગામની મોટી નદીના કિનારે એક લાશ તણાઇ આવતાં જઇને જોયું તો એ મુકેશની જ લાશ હતી. છેલ્લા ઘણા મહિનાથી મુકેશ બેકાર હતો. તેને કોઇ કામ મળતું ન હતું. અગાઉ કડિયાકામ કરતો હતો. પણ મંદીને કારણે તેને કામ મળતું ઓછું થયું હતું. તેને કામ શોધવા હું ઘણી વખત કહેતી હતી. પણ કામ ન કરવાને કારણે તે હરામ હાડકાનો થઇ ગયો હતો. ઘરમાં બેઠો બેઠો રોટલા તોડતો હતો. હું તેના લગ્ન કરાવીને પસ્તાઇ હતી. ઘરનો ભાર ઉપાડવાને બદલે તે ઘર પર ભારરૂપ બની ગયો હતો. કામ કરવાને બદલે રખડતો રહેતો હતો અને ક્યારેક દારૂ પીને ગમ ભૂલાવતો હતો. હું તેની સાથે ઝઘડો પણ કરતી હતી. બે દિવસ પહેલાં જ તેને ગુસ્સામાં કહ્યું હતું કે તારાથી કામ થતું ના હોય તો ઘરમાં તારા માટે કોઇ જગ્યા નથી. તેનું લાગી આવ્યું કે શું પણ તે જતો રહ્યો અને તેની લાશ જ મળી.

ઇન્સ્પેક્ટર ઠાકોર કેસની વિગતો જાણી મુકેશના ઘરે પહોંચી ગયા. એકદમ સીધો સાદો કેસ હતો. મરનાર ગરીબ હતો અને બેરોજગારીથી કંટાળીને જીવન ટૂંકાવી દીધું હતું. ધીરાજીએ આ વખતે ઇન્સ્પેક્ટર ઠાકોરને કહી દીધું હતું કે આ આત્મહત્યાનો જ કેસ છે. વધારે સમય બગાડવાની જરૂર નથી. પણ ઇન્સ્પેક્ટર ઠાકોર પરિસ્થિતિ પોતાની આંખે જોવા માગતા હતા. તે મુકેશના ઘરે પહોંચ્યા ત્યારે તેની વિધવા મા અને વિધવા પુત્રવધુ શોકમાં ગરકાવ હતા. મા કાશીબેન તેમને ઘરમાં લઇ ગયા. ઝૂંપડા જેવા ઘરમાં ઇન્સ્પેક્ટર ઠાકોરે નજર નાખી તો ગરીબીનો પાર ન હતો. કોઇ વસ્તુ નવી ન હતી. પુત્રવધુ મનીલાએ પાણીનો ગ્લાસ ધર્યો. ઇન્સ્પેક્ટર ઠાકોરે ના પાડી. અને તેના આખા શરીર પર એક નજર નાખી. મનીલાએ સાડી પહેરી હતી. માથે સાડી ઓઢેલી એટલે તેનો અડધો ચહેરો દેખાતો હતો. એની સુંદરતા ચહેરામાં ઝલકતી હતી. રંગે ગોરી અને થોડા ભરાવદાર શરીરવાળી મનીલાની ચાલમાં સ્ફૂર્તિ હતી. જ્યારે ફોટામાં મુકેશ સાવ સુકલકડી અને સામાન્ય રૂપવાળો જણાયો હતો. દેખીતું જ કજોડું જણાતું હતું. તરત જ ઇન્સ્પેક્ટર ઠાકોરનું મગજ વિચારવા લાગ્યું કે બીજાના પ્રેમમાં મનીલાએ ક્યાંક...? ઇન્સ્પેક્ટર ઠાકોરે બંનેના લગ્ન વિશે પૂછીને ફોટા હોય તો બતાવવા કહ્યું. મનીલા લોખંડની પેટીમાંથી એક નાનું આલબમ લઇ આવી. ઇન્સ્પેક્ટર ઠાકોરે તેમાં તારીખ વાંચી તો હજુ એક વરસ પણ તેમના લગ્નને થયું ન હતું. ફોટામાં તો મનીલા ઘણી જાડી લાગતી હતી. ઇન્સ્પેક્ટર ઠાકોરને નવાઇ લાગી. અને અમસ્તું જ પૂછ્યું:"આ તારો જ ફોટો છે ને? થોડી અલગ લાગે છે..."

"હા સાહેબ, લગ્ન પહેલાં હું ખાસ્સી જાડી હતી. એ કારણે મારા લગ્ન થતા ન હતા. મુકેશે મને પસંદ કરી એ મારું ખુશનસીબ હતું. પણ મને ખબર ન હતી કે મારા જીવનમાં ખુશી લખાઇ નથી. મુકેશ કામધંધો કરતા ન હતા એટલે મેં કામ કરવાનું નક્કી કર્યું. શહેરમાં મારી સાથે ભણતી બહેનપણી સુધાને વાત કરી. સુધા એક જીમમાં જતી હતી અને ત્યાં એક જગ્યા ખાલી હતી. જીમમાં કાઉન્ટર પર બધાના કપડાં લેવાની અને આપવાની કામગીરી મળી ગઇ. ત્યાં કામ કરવાનું શરૂ કર્યું પછી લોકોને જીમમાં વજન ઉતારવા આવતાં જોઇ મને પણ થયું કે હું વજન ઉતારું. ત્યાં જીમ ઇંસ્ટ્રક્ટરને વાત કરી અને એણે મને મદદ કરી. જીમમાં કોઇ ના હોય ત્યારે હું વર્ક આઉટ કરવા લાગી. છ મહિનાની મહેનત પછી હું વજન ઉતારવામાં સફળ થઇ ગઇ. એ જોઇ મુકેશ ખુશ થયો હતો. પણ બેકારી અને આળસને કારણે તે નિરાશ રહેતો હતો....." મનીલાએ પોતાની વાત પૂરી કરી ત્યાં કાશીબેન બોલ્યા:"મનીલા તો ઘણી વખત એને સમજાવતી હતી પણ મુકેશ સુધરતો ન હતો. હું એને કહેતી કે તું કેવો દીકરો છે કે મારે વહુને નોકરી કરાવવી પડે છે. તેણે કામ કરવાને બદલે જીવનથી જ મુક્તિ મેળવી લીધી..."

કાશીબેન રડવા લાગ્યા. ઇન્સ્પેક્ટર ઠાકોરે તેમને શાંત રહેવાનું કહ્યું અને નીકળી ગયા. રસ્તામાં ધીરાજી કહે:"સાહેબ, શું લાગે છે? આત્મહત્યાનો જ કેસ છે ને?"

"લાગે તો આત્મહત્યા જ છે. પણ મનીલાની સુંદરતા મને કંઇક બીજો જ ઇશારો કરી રહી છે. ચાલોને આપણે જીમની મુલાકાત લઇએ. કદાચ ત્યાંથી કોઇ કડી મળી જાય...." કહી ઇન્સ્પેક્ટર ઠાકોરે જીપને મનીલા નોકરી કરે છે એ જીમ તરફ લેવડાવી.

જીમ પર પહોંચીને જોયું તો બંધ હતું. બહાર બેઠેલા સીકયુરીટી ગાર્ડને પૂછ્યું તો તેણે કહ્યું કે કોઇ મરી ગયું છે એટલે બંધ રાખ્યું છે. ઇન્સ્પેક્ટર ઠાકોરને નવાઇ લાગી. એક સામાન્ય કર્મચારીના પતિના મોતના શોકમાં એક અઠવાડિયા સુધી જીમ બંધ કોણ રાખે?

ઇન્સ્પેક્ટર ઠાકોરે તેને પૂછ્યું:"ભાઇ, જીમના કર્મચારીના પતિના મોતનો શોક તમારા શેઠ કેટલા દિવસ સુધી પાળશે?"

"સાહેબ, આજના દિવસ માટે જ બંધ છે. ગઇકાલે જીમના સરના પત્ની ગુજરી ગયા એના શોકમાં આજે એક દિવસ માટે બંધ રાખ્યું છે..." સીકયુરીટી ગાર્ડ પોતાને ખબર હતું એટલું બોલ્યો.

ઇન્સ્પેક્ટર ઠાકોરે ધીરાજી તરફ પ્રશ્નાર્થ નજરે જોયું. ધીરાજીએ ધીમા અવાજે કહ્યું:"સાહેબ, બીજો એક મહિલાના આત્મહત્યાનો કેસ હતો એ આ તો નહીં હોય ને?"

ઇન્સ્પેક્ટર ઠાકોર જીપમાં જઇને બેઠા અને ફોન કરી વિગતો મેળવી. હર્ષદાન નામના એક જીમ ઇન્સ્ટ્રકટરની પત્નીએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી હોવાની વિગતો મળી. ઇન્સ્પેક્ટર ઠાકોરે મોડું કર્યા વગર હર્ષદાનના ઘર તરફ જીપ લઇ જવા કહ્યું.

નજીકના સામવાડ ગામમાં આવેલા હર્ષદાનના ઘરે પહોંચી જોયું તો શોકનો માહોલ હતો. ઇન્સ્પેક્ટર ઠાકોરને જોઇ હર્ષદાને નમસ્કાર કર્યા. તેણે એમ પણ કહ્યું કે ગઇકાલે જ પોલીસ બધી માહિતી લઇને ગઇ છે. ઇન્સ્પેક્ટર ઠાકોરને તેની આ વાત ગમી નહીં. તેમણે પોતાની રીતે પૂછપરછ કરી અને આસપાસના ઘરમાં રહેતા લોકોને મળીને પણ જાણકારી મેળવી.

પોલીસ મથકમાં આવ્યા પછી ઇન્સ્પેક્ટર ઠાકોર બોલ્યા:ધીરાજી, એક જ જગ્યાએ એકના પતિએ અને બીજાની પત્નીએ આત્મહત્યા કરી એમાં મને શંકા ઊભી થઇ રહી છે. અને હેન્ડસમ હર્ષદાનને જોઇ એ શંકા પાકી બની રહી છે. હર્ષદાનના લગ્ન પાંચ વર્ષ પહેલાં થયા હતા. તેની પત્નીનો દેખાવ સામાન્ય હતો. અને કોઇ અગમ્ય કારણસર ઝેરી દવા પીને આત્મહત્યા કરી હોવાનું કેસમાં નોંધાવ્યું છે. આપણે પુરાવા શોધવા થોડા દિવસ રાહ જોવી પડશે..."

એક મહિના પછી ધીરાજી કહે:"સાહેબ, પેલી મનીલાએ તો ત્યાંથી નોકરી છોડી દીધી છે. જો હર્ષદાન સાથે તેને કોઇ સંબંધ હોત તો આમ કર્યું ન હોત. હવે તો બંનેને આઝાદી મળી ગઇ છે. કોઇની ચિંતા નથી."

ઇન્સ્પેક્ટર ઠાકોરને પણ નવાઇ લાગી:"ધીરાજી, એમ પણ બને કે બંને જાણી જોઇને આ નાટક કરતા હોય. હજુ થોડો સમય રાહ જોઇએ..."

ઇન્સ્પેક્ટર ઠાકોર બીજા કેસ સુલઝાવવા સાથે આ કેસ ઉપર પણ નજર રાખતા રહ્યા. ત્રણ મહિના પછી પણ બંને એકબીજાને મળતા હોય એવી માહિતી ના મળી.

ઇન્સ્પેક્ટર ઠાકોર એક દિવસ મનીલાના ઘરે ગયા. તેનું ઘર પહેલાથી વધારે વ્યવસ્થિત હતું. મનીલા નોકરી કરતી ન હોવા છતાં ઘર સારી રીતે ચાલતું હતું.

ઇન્સ્પેક્ટર ઠાકોરે કાશીબેનને કહ્યું:"બેન, તમારી જેમ મનીલાને પણ સરકારની વિધવા સહાય માટે ફોર્મ ભરવા લાવ્યો છું. તમારે ઘર ચલાવવું મુશ્કેલ બની ગયું હશે..."

"ના ના સાહેબ, મને વિધવા સહાય મળે જ છે. બે જણની જરૂરિયાત કેટલી? અને મનીલાને મારે ફરી પરણાવવી છે. એની જિંદગી બરબાદ કરવાનો મને કોઇ હક્ક નથી. સારો છોકરો જોઇને એને પરણાવી દઇશું..." કાશીબેન બોલ્યા.

ઇન્સ્પેક્ટર ઠાકોરે તક ઝડપી લીધી:"બેન, મારી નજરમાં એક છોકરો છે...."

"અચ્છા, ક્યાંનો છે?" કાશીબેનને રસ પડ્યો.

"નજીકના ગામનો જ છે. જીમમાં સારી નોકરી છે. મનીલા તો એને ઓળખતી જ હશે. એની સાથે કામ કર્યું છે એટલે. હર્ષદાન એનું નામ છે...." ઇન્સ્પેક્ટર ઠાકોર ખુશ થઇને બોલ્યા.

મનીલાને શું જવાબ આપવો એ સમજાયું નહીં.

ઇન્સ્પેક્ટર ઠાકોર કહે:"મનીલા, તને પતિ તરીકે એ પસંદ છે ને?"

"મા નિર્ણય લેશે..." કહી મનીલાએ જવાબ આપવાનું ટાળ્યું.

"મા ના શું કામ પાડે? એ તો તારું ઘર પાછું વસાવવા તૈયાર છે." ઇન્સ્પેક્ટર ઠાકોર બોલ્યા.

કાશીબેન કહે:"મનીલાને પસંદ હોય તો મને વાંધો નથી..."

ઇન્સ્પેક્ટર ઠાકોર કહે:"એને તો પહેલાંથી જ પસંદ છે. જો એવું ના હોત તો મુકેશને રસ્તામાંથી હટાવ્યો જ ના હોત ને..."

ઇન્સ્પેક્ટર ઠાકોરની વાત સાંભળી મનીલા અને કાશીબેન ચોંકી ગયા.

"જુઓ, બંનેએ ભોળા બનવાની જરૂર નથી. તમારી પોલ પકડાઇ ગઇ છે. એ દિવસે મુકેશ મિત્રને ત્યાં જવાનું કહીને નહીં પણ કાશીબેન, તમે જ એને ગામની નદીમાં પૂજાપાનો સામાન પધરાવવા મોકલ્યો હતો. એ નદી પાસે પહોંચ્યો ત્યારે મનીલા નોકરી પરથી હર્ષદાન સાથે બાઇક પર આવી હતી. અંધારામાં મનીલા અને હર્ષદાન છુપાયેલા હતા. મનીલા મુકેશને મળી અને તેને નદીના પુલ પર પૂજાપો પધરાવવા લઇ ગઇ. ત્યારે પાછળથી આવી હર્ષદાને તેને ઊંચકીને નદીમાં નાખી દીધો. મુકેશને તરતાં આવડતું ન હતું એટલે તે ડૂબી ગયો અને તેની લાશ મળ્યા પછી બેકારીના નામ પર તેની આત્મહત્યા ગણાવી. કાશીબેન, અસલમાં મનીલા અને હર્ષદાન સાથે તમારું આ કાવતરું હતું. પુત્રથી ત્રાસીને તમે સંમતિ આપી હતી. બીજી બાજુ હર્ષદાને બે દિવસ પછી ના ગમતી પત્નીને ઝેર આપીને મોતને ઘાટ ઉતારી દીધી. આ બંને ઘટનાઓ નજીકના દિવસોમાં બની હતી એટલે મને શંકા પડી હતી. જીમમાં આવતા લોકોનો સંપર્ક કરી મેં માહિતી મેળવી ત્યારે ખબર પડી કે મનીલા અને હર્ષદાન એકબીજાના પ્રેમમાં જણાયા હતા. મનીલાએ જીમમાં પોતાનું વજન ઉતાર્યા પછી હર્ષદાન તેની પાછળ પાગલ થયો હતો. મનીલા પણ મજબૂરીમાં મુકેશને પરણી હોવાથી હર્ષદાનના શારીરિક સૌષ્ઠવથી આકર્ષાઇ હતી. જીમમાં કસરત કરાવતી વખતે બંને છૂટછાટ લેતા હતા. એ પ્રેમ એટલો ગાઢ બન્યો કે બંનેએ એક થવા પોતાના જીવનસાથીને મોતને ઘાટ ઉતારવાની યોજના બનાવી કાઢી. કાશીબેન, તમે પણ સંસારિક સુખ ભોગવવા માગતા હોવાથી હર્ષદાનના વિધુર પિતા સાથે બાકીની જિંદગી વિતાવવા તૈયાર થયા હતા. આ બધું જ હર્ષદાને કબૂલી લીધું છે. પત્નીને હર્ષદાને ઝેર આપ્યું હતું એ વાત સાબિત કરવામાં અમને ઘણો સમય લાગી ગયો. મનીલા અને તમે ચાલાકી કરીને મહિનાઓથી શાંત બેસી રહ્યા હતા. પણ આખરે તમારો ગુનો સાબિત થઇ ગયો છે...." ઇન્સ્પેક્ટર ઠાકોરે આખી વાત કહ્યા પછી બંનેની ધરપકડ કરી લીધી.

મનીલા અને કાશીબેન પસ્તાયાઅ. બંનેના લગ્નજીવનના સપનાં નંદવાઇ ગયા હતા.

પોલીસ મથકમાં બેઠા પછી ઇન્સ્પેક્ટર ઠાકોર કહે:"ધીરાજી, કેવા લોકો હોય છે. ભવિષ્યના સુખ માટે ગુનો કરે છે ત્યારે વિચારતા નથી કે પોતાનું ભવિષ્ય કેટલું દુ:ખદાયક બનાવી રહ્યા છે."

"સાચી વાત છે સાહેબ, પણ આ લોકોને સમજાવે કોણ?" ધીરાજીના પ્રશ્નાર્થનો ઇન્સ્પેક્ટર ઠાકોર પાસે અત્યારે કોઇ જવાબ ન હતો.

*

વાચકમિત્રો, આપને કારણે જ મને તા.૨૬/૧/૨૦૨૦ ના રોજ અમદાવાદ ખાતે માતૃભારતી તરફથી વર્ષ ૨૦૧૯ નો "રીડર્સ ચોઇસ એવોર્ડ" એનાયત થયો હતો. ૨૦૧૯ માં મારી બુક્સ સૌથી વધુ ડાઉનલોડ થઇ એ માટે આ એવોર્ડ મળ્યો છે. મારી તમામ બુક્સના ૩ લાખથી વધુ ડાઉનલોડ થઇ ગયા એ બદલ આપનો આભાર!

માતૃભારતી પર મારી સૌથી વધુ વંચાયેલી પહેલી નવલકથા "રેડલાઇટ બંગલો" ના ફેબ્રુઆરી-૨૦૨૦ માં ડાઉનલોડ ૨ લાખ ઉપર પહોંચી ગયા એ બદલ આપનો આભાર! શું તમે "રેડલાઇટ બંગલો" હજુ સુધી નથી વાંચી? તો આજે જ વાંચો. એક અતિ સ્વરૂપવાન અને માદકતાથી છલકાતી કોલેજગર્લ અર્પિતા કેવી રીતે કોલેજના એક ટ્રસ્ટી રાજીબહેનની જાળમાં ફસાઇને વેશ્યા બને છે, અને અર્પિતા તેની જાળમાં ફસાઇને તરફડવાને બદલે કેવી રીતે તેમની સામે અદ્રશ્ય જાળ બિછાવી એક પછી એક, ચાલ પર ચાલ રમી બદલો લે છે તેની રહસ્ય, રોમાંચ, ઉત્તેજના સાથેની વાર્તા છે. દરેક પ્રકરણે દિલચશ્પ વળાંકો લેતી અને રોમાંચક પ્રસંગોથી ભરપૂર આ નવલકથા તમારું ભરપૂર મનોરંજન કરશે. અને તેનું અંતિમ પ્રકરણ તો સૌથી વધુ પસંદ કરવામાં આવ્યું છે. તેમાં જે નવતર વિચાર છે એને વાચકોએ વધાવી લીધો છે.

આ ઉપરાંત માતૃભારતી પર મારી લઘુનવલ "આંધળો પ્રેમ", નવલિકાઓ, બાળવાર્તાઓ, બાળગીતો તથા અમૂલ્ય સુવિચારોની શ્રેણી 'વિચારમાળાના મોતી' અને પ્રેરણાત્મક વાર્તાનો ખજાનો ધરાવતી 'જીવન ખજાનો' શ્રેણી પણ આપને જરૂર વાંચવી ગમશે.

***

મિત્રો, માતૃભારતી પર રજૂ થયેલી મારી બીજી નવલકથા 'લાઇમ લાઇટ' પણ પસંદ કરવામાં આવી છે. ફેબ્રુઆરી-૨૦૨૦ માં ૭૪૦૦૦ ડાઉનલોડ છે. એક રૂપાળી યુવતી રસીલીના હીરોઇન બનવાના સંઘર્ષ સાથે ફિલ્મી દુનિયાના અંધારાં-અજવાળાંની રહસ્યમય વાતો કરતી અને આ ક્ષેત્રના કાવા-દાવા, હવસ, પ્રેમ અને ઝગમગાટને આવરી લેતી આ નવલકથા સંપૂર્ણ કાલ્પનિક છે. અને કોઇ રોમાંચક, દિલધડક, રહસ્યમય ફિલ્મની જેમ તમને ૪૮ પ્રકરણ સુધી જકડી રાખશે એવી મને ખાતરી છે.

***