Shikar - 15 books and stories free download online pdf in Gujarati

શિકાર : પ્રકરણ 15

ધ સીટી પોઇન્ટ વડોદરાની ફાઈવ સ્ટાર હોટેલોમાંથી એક હતી. ઘણા રહીશો અહીં આવતા. હોટેલમાં ચોથા માળે તો ડાન્સર પણ હતી. ગરમ ગરમ ડાન્સ થતા. ઇલીગલી દારૂની મહેફિલો થતી. અરે! હોટેલ માલિક નાયડુએ એક સિંગર પણ મન બહેલાવવા રાખી હતી.

બિઝનેસની કાંટાળા જનક મિટિંગો પતાવીને શેઠિયાઓ ગીત સાંભળતા અને પેલી ડાન્સર ગણોને અર્ધા વસ્ત્રોમાં જ પણ આખું શરીર દેખાય એવો ડાન્સ કરતી. લચુપચુ થતા શેઠિયાઓ હજારો રૂપિયા નાખી દેતા. બસ આમ જ નાયડુ છ હોટેલનો મલિક બન્યો હતો. આંધળા મૂર્ખ વ્યભિચારી અને દારૂડિયા બિઝનેસમેન પૈસાને પાણીની જેમ ઉડવાવતા.

એ જ ધ સીટી પોઇન્ટ પોલીસથી છાની ન હતી. પણ એ હોટેલમાં આમ જોવા જઈએ તો કઈ ઇલીગલ ન હતું. દારૂ તો બધા સાથે લઈને જ આવતા. અને હોટેલમાં રેડ પાડવાનો કોઈ અર્થ ન હતો. કેમ કે આવનાર મોટા માણસોના બેગ કે ગાડીઓ તપાસ અમે નથી કરતા અમારો બિઝનેસ પ્રાઇવેસી આપે છે એમ કહીને નાયડુ અથવા એનો મેનેજર રામદાસ છટકી જતા. પણ આજે નાયડુનો દિ ફર્યો હતો. ઇન્સ્પેકટર મનુંની પોલીસ જીપ રાત્રે દસ વાગ્યે ધ સીટી પોઇન્ટના ગેટ આગળ ઉભી રહી.

એ વર્દીમાં ન હતો. એના સદાયના ફેવરિટ કાર્ગો મિલિટરી પોકેટેડ ખાખી પેન્ટ અને હાફ સ્લીવ બ્લેક શર્ટ ઉપર એનું લેધર જેકેટ શોભતું હતું. પહેલા કરતા તેનું શરીર વધારે મજબુત લાગતું હતું.

જીપમાંથી ઉતરી મનુએ ગોગલ્સ ઉતાર્યા. મૂછોને વળ દીધો. દાઢી ઉપર હાથ ફેરવ્યો. ગન અને બેલ્ટ જીપના ખાનામાં મૂકીને લોક કર્યા અને તેના વાળમાં આદત મુજબ હાથ ફેરવ્યો.

પૃથ્વી દેસાઈ પણ સિવિલ ડ્રેસમાં જ હતો. એના પાતળા પણ મજબૂત દેહ ઉપર ભરાવદાર વાળ હજુય સફેદ થયા ન હતા. ટીશર્ટ અને જીન્સમાં એ યુવાન જ લાગતો હતો.

"આજે તો પીવું છે દેસાઈ સાહેબ.." મનુએ ચાવી લઈને ખિસ્સામાં નાખી અને હોટેલ તરફ પગ માંડીને પૃથ્વીને કહ્યું.

"મનું તું સુધરવાનો નથી." એની સાથે કદમ મિલાવતા પૃથ્વીએ કહ્યું.

"સાહેબ સુધરી જાઉં તો વડોદરાનું શુ થાય?"

"ઓહ તારા જન્મ પહેલાં પણ ઈમાનદાર માણસો હતા જ ને?"

"હતા પણ આજ કાલ એજન્ટ ક્યાં દેખાય છે જ?"

"એ કઈ આરામ તો નહી જ કરતા હોય મનું."

"પણ અત્યારે આપણે પાર્ટી કરવાની છે."

વાતો ચાલતી હતી એટલામાં બંને હોટેલમાં પ્રવેશ્યા. મનુએ નજર દોડાવી. હળવું સંગીત વાગતું હતું. છોકરીના અવજામાં સુર રેલાતો હતો. મનુએ નાનકડા સ્ટેજ પાસે ગીત ગાતી છોકરીના નજીકના ટેબલ પાસે જવા ઈશારો કર્યો.

બંને જઈને ટેબલ પર ગોઠવાયા. પૃથ્વીએ પ્લાસ્ટિક બેગમાંથી બે બિયર કાઢ્યા. અને મનુએ ત્રાડ પાડી.

"અરે બોય ક્યાં છે? નાસ્તો લાવ જલ્દી."

દોડતો છોકરો આવ્યો અને ઓર્ડર લઈને ધ્રુજતા પગે પાછો ફર્યો. ત્યાં સુધીમાં કોઈએ નાયડુને મનુના આગમન વિશે જાણ કરી હશે એટલે નાયડુ લિફ્ટ છોડીને સીડીઓ ઉતરતો લગભગ દોડતો જ આવ્યો.

"ક્યાં બાત હે ભગવાન હમારે દર પે! કહ્યું હોત તો તમારા માટે રૂમ ગોઠવોત." ખુલ્લે આમ આ ઇન્સ્પેક્ટરને સિવિલ ડ્રેસમાં બિયર પીતો જોઈને નાયડુની આંખો ફાટી ગઈ પણ એ ગજબનો હરામી હતો. પરિસ્થિતિ મુજબ જીવતા એને આવડતું હતું. એણે સ્વસ્થતા ધારણ કરીને પરિસ્થિતિનો અંદાજ લગાવી લીધો. જેના આખા શહેરમાં વખાણ થાય છે એ ઇન્સ્પેકટર મનું છેવટે સાલો દારૂડિયો છે એમને.

"અરે મી. નાયડુ બેસો ને." પહેલી જ વાર મનુએ બિયર પીધું હતું પણ એના ડમ્બલ્સ અને બારબેલ્સ મારી મારીને, ચોર ગુંડાઓને પીટી પીટીને મજબૂત થયેલા શરીર તેમજ ગુનાઓ પકડવા માટે વિચારી વિચારીને કસાયેલા મગજ ઉપર બિયરની કોઈ અસર થઇ નહિ.

નાયડુ બેઠો એટલે તરત મનુએ અસલ દારૂડિયા જેમ "સાલો ડી માલ છે...... કઈ નશો જ નથી......" કહીને ખાલી કરેલું બિયરનું ટીન છુટ્ટો ઘા કરીને કાઉન્ટર તરફ માર્યું. ખટ... ખટ... અવાજ સાથે ચગદાઈ ગયેલું ટીન કાઉન્ટર પાસે પડ્યું રહ્યું. નાયડુ આ જોઈને છળી ગયો પણ એણે સ્વસ્થતા જાળવી રાખી. હોટેલમાં બેઠા લોકો આ જોઇને ધ્રુજવા લાગ્યા.

"અરે સાહેબ માટે અસલી વહીસ્કીની બોટલ લાવો." નાયડુએ તાળી પાડીને એક સ્ટાફ મેમ્બરને મોટેથી ઓડર કર્યો.

મનું ચૂપ રહ્યો. અને ગાતી સિંગરને જોઈ રહ્યો. થોડીવારે ઓર્ડર મુજબ પુલાવ આવ્યા. પૃથ્વી અને મનું ખાવા લાગ્યા. પણ એની નજર તો ઉદાસ સિંગર છોકરી ઉપર ચોંટી હતી અને એ નાયડુની ચાલાક નજરથી છાનું ન રહ્યું. એટલે જ એને દહેશત થવા લાગી.

એક વહીસ્કીની બોટલ આવી પણ મનુએ પછાડીને ફોડી નાખી. "હું કઈ દારૂડિયો છું?"

"નહિ સાહેબ એ તો ભૂલમાં પેલો બિયરને બદલે વહીસ્કી લઈ આવ્યો." નાયડુ ગમે તેમ કરીને આ માથા ફરેલા ઇન્સ્પેક્ટરને વિદાય આપવા માંગતો હતો.

"અરે નાયડુ....." ફરી પુલાવના બે ત્રણ કોળિયા ચમચીને બદલે હાથથી જ ખાઈને મનું અસલ શરાબી જેમ બોલ્યો, "આ છોકરી કોણ છે?"

અને નાયડુની આંખો ફાટી. એને ધ્રાસકો પડ્યો. એ બુઢ્ઢાને એટલો આબાદ રીતે ડફોળ બનાવ્યો હતો તોય પોલીસ પાસે ગયો હશે?

"એ તો સિંગર છે આપણી હોટેલની."

"અચ્છા.... કેટલા વર્ષથી છે?"

"છ વર્ષથી છે."

"પણ તારી આ હોટેલ તો ત્રણ વર્ષ પહેલાં જ બની છે ને."

આટલા નશામાં જેને ખાવાનું ભાન નથી તોય એનું પોલીસ મગજ કેમ ચાલતું હશે? એ વિચારે નાયડુ ઘડીભર હેબતાઈ ગયો.

"એટલે પહેલા મુંબઈની અમારી હોટેલમાં હતી પછી અહીં ટ્રાન્સફર કરી.”

“મુંબઈમાં કોણ તારો બાપ ગુજરાતી ગીત સાંભળે *** ?" પૃથ્વીએ સીધી જ ગાળ દીધી.

"દેખો મી. તમે નાયડુ સાથે બદતમીજી કરો છો એ યાદ રાખજો." નાયડુ કડક થઈને બોલ્યો. તેને તેના પૈસા અને લગનો ખુબ ઘમંડ હતો. તે કોઈ નાના પોલીસ અફસર કે કસ્ટમ અધિકારીને ગાંઠતો નહોતો. પણ રુદ્રસિહથી તે હોલાની જેમ ફફડતો.

"ઓકે સોરી સોરી મી. નાયડુ." પૃથ્વીને આંખથી ઈશારો કરી મનુએ જ કહ્યું, "પણ હું આ છોકરીને લઈ જાઉં છું." કહીને પ્લેટમાં જ હાથ ધોઈને પાણી પી લઈ મનું ઉભો થયો અને પેલી સિંગર જોડે જઈને ઉભો રહ્યો.

આ બધી વાતો સાંભળીને એણીએ તો ક્યારનુંય ગાવાનું બંધ કરી લીધું હતું. અને હેબતાઈને ઉભી હતી. એની આંખોમાં પાણી તરી આવ્યા.

મનુએ એનો હાથ પકડીને કહ્યું, "મીની, ચાલ મારી સાથે તારે અહીં રહેવાની જરૂર નથી હવે. તને કોઈ કઈજ કહેવાનું નથી."

મનું મીનીનું નામ પણ જાણે છે એ સાંભળીને નાયડુને ખાતરી થઈ ગઈ કે હવે બધું હાથ બહારનું છે. પણ લોકો દેખતા હતા એટલે પોતે ચૂપચાપ ઉભો રહે તો કાલે માર્કેટમાં પોતાનાથી કોઈ ડરે નહિ એટલે બુસ્ટરોને ઈશારો કર્યો.

મનું સ્ટેજ ઉતરીને મીનીને પૃથ્વી પાસે લઈ આવ્યો. પર્સમાંથી પુલાવના પૈસા કાઢી નાયડુના મોઢા ઉપર માર્યા અને ચાલવા લાગ્યો. પણ દરવાજે બે આખલા જેવા બુસ્ટરો દરવાજો રોકીને ઉભા રહ્યા.

મનુએ બંને તરફ ધારદાર નજર કરી. પેલા બંને એ પણ છાતીમાં શ્વાસ ભર્યો અને બાવડા ઉપર હાથ ફેરવીને યુદ્ધનો ઈશારો કર્યો.

મનુએ માથું હલાવ્યું. જેકેટ ઉતાર્યું અને પૃથ્વીને આપ્યું. બે હાથ ઊંચા કરીને જોરથી જમીન તરફ જાટક્યા અને એ સાથે જ ડંબલ્સ ઉઠાવી ઉઠાવીને બનાવેલા અઢાર ઇંચના બાયસેપમાં જંગલી પાડાના ખૂંધ જેવી ચરબીના થડ હિલોળાયા.

છતાય બુસ્ટરોને પોતાના માર ફાડમાં ટેવાઈ ગયેલા હાથ છુટ્ટા કરવાની ચટપટી જાગી હોય એમ બેમાંથી એક બુસ્ટર આગળ ધસ્યો. અને મનુના નજીક લગભગ 6 ઇંચ જેટલો નજીક આવીને કોલર પકડ્યો.

"ચલ બે........"

પણ પાછળના શબ્દોને બદલે એના મોઢામાંથી ચીસ જ બહાર આવી.

ગરદનની ડાબી બાજુ બંને હાથ ભીંડાવીને એ માન્ડ ઉભો રહ્યો. એના ડોળા અઘ્ધર ચડી ગયા. અને ફેફસામાં શ્વાસ અટકી ગયો હોય એમ મનુના એક જ મૂકકાથી એ ફસડાઈ પડ્યો.

આવા દ્રશ્યો માત્ર ફિલ્મોમાં જ જોવા ટેવાયેલા લોકોના મો તો એ જોઈને ખુલ્લા જ રહી ગયા.

બીજો બુસ્ટર હિંમત કરીને આગળ તો વધ્યો પણ જમણા હાથની મુઠ્ઠી બંધ કરીને હાથની ફાટફાટ થતી નશો બતાવતો મનું હવે એને કોઈ દારૂડિયો નહિ પણ યમરાજ જેવો લાગવા માંડ્યો અને હાથમાં લીધેલી સ્ટીલ સ્ટીક ત્યાં જ મૂકીને એ દરવાજા બહાર દોડી ગયો.

મનુ દરવાજા તરફ ગયો. પૃથ્વી અને મીની એની પાછળ ગયા. ત્યારે પોતાની આબરૂના ભુક્કા કાઢીને ચાલ્યા જતાં મનુને નાયડુએ ત્રાડ પાડી સંભળાવી દિધુ.

"તને જોઈ લઈશ ઇન્સ્પેક્ટર... નાયડુ સામે તે હાથ ઉગામયો છે."

"હું એક આખું ફોટો આલબમ્બ તારા ઘરે મોકલાવી દઈશ આરામથી જોઈ લેજે......! ટેક યોર ઓન ટાઈમ ડીયર." ઘા ઉપર મીઠું ભભરાવીને મનું બહાર નીકળી ગયો. પણ ત્યાં ઉભેલા ઘણા બધા મનુના એ વાક્ય પર હસ્યા અને નાયડુ ઓર ધુવપુવા થઈને પગ પછાડતો ઉપરના માળે ચાલ્યો ગયો.

*

પોલિસ જીપમાં મીનીને પણ થોડીક ધમકાવવાનું મનુએ ચાલુ કર્યું.

"તારે અહીં આવવાની શી જરૂર હતી? દોઢ વર્ષથી તને તારા બાપુ શોધે છે. અને તું અહીં આ કામ કરે છે?"

મીની બાપુ શબ્દ સાંભળીને રડવા લાગી. પછી સ્વસ્થ થઈને ચોખવટ કરી, " હું લાચાર હતી."

"એ મને ખબર છે." મનુએ એને રોકી, "તું મુંબઈ ઓડિશન આપવા ગઈ. મોટી ટીવી ચેનલોમાં બધા ગરીબોના બાળકો ડાન્સ અને સિંગના ઓડિશન આપવા જાય એમનું સિલેક્શન થઈ જાય એ વાત સાચી માનીને તું મુંબઈ ગઈ. ત્યાં જેને તું મહાન માનતી અને દેશમાં જેના ઘણા ફેન છે એવા ગાયક ગાયિકાઓના અસલી ચહેરા તને દેખવા મળ્યા. પૈસાના જોર ઉપર ત્યાં સિલેક્શન થાય છે અને ગામાં પા સા કે નાચ ઇન્ડિયા નાચ જેવા નામથી એ લોકો ટીવી પર પ્રોગ્રામ બતાવીને હજારો બાળકોના ભવિષ્ય બગાડે છે. એ બધી જ વાત મને તારા બાપુએ કરી. પણ મને એ નથી સમજાતું કે જે વાત તારા ગામડામાં રહેતા પીતા જાણે છે એ તમને ભણેલા લોકોને કેમ નથી સમજાતું? કનું કક્કડ અને સ્નેહા મલિક જેવા ગાયકો દેશની સેવા કરવા નહિ કમાવા માટે પ્રોગ્રામમાં ભાગ લે છે એ તમને કેમ નથી સમજાતું?" મનું આવેશમાં બોલી ગયો પછી અટક્યો.

"ત્યાંથી તો મને પણ એ અનુભવ થઈ ગયો. હું પાછી ફરી હતી પણ પછી ગામમાં બધા અમારી મજાક મશ્કરી કરવા લાગ્યા. એટલે મેં નક્કી કર્યું કે હું ગુજરાતમાં જ કોઈ મોટા શહેરમાં જઈને સિંગર બની જઉં. નિધિ રાવળ જેવું મારુ નામ પણ બની જશે."

"નિધિ રાવળ?" મનુએ નામ રિપીટ કર્યું.

"હા એ ગુજરાતમાં ખાસ્સી ફેમસ છે."

"ઓહ મને એ બધી ખબર નથી."

"પણ અહીં આવી એટલે બે મહિના સુધી ક્યાંય કંઈજ મેળ ન પડ્યો. આખરે હોટેલમાં ગાવાનું નક્કી કરીને નાયડુ જોડે રહી ગઈ."

"પણ તારે એની જોડે રહેવાની શી જરૂર હતી?"

"ગામમાં બધા..... અને બાપુ પણ જુની વિચારસરણીવાળા છે. ગાવા નાચવા જતી છોકરીને ઘરમાં નહિ આવવા દે એટલે મારે અહીં જ રહેવું પડયું." ફરી એ રડી પડી.

સ્ટેશન પહોંચતા જ મીનીના બાપુ એ બે હાથ જોડીને મનુનો આભાર માન્યો. મનુએ મીનીને સમજાવી. અને પછી એમને રવાના કર્યા.

*

"શુ થશે આ દેશનું?" પૃથ્વીએ ખુરશીમાં બેસતા જ કહ્યું.

"દેશનું તો ખબર નથી પણ મારા હાથમાં જેટલા ગુનેગાર આવશે એ બધાને હું સીધા કરી દેવાનો છું."

"ક્યાં સુધી કરીશ? એજન્ટ એ પણ એ જ કરતા હતા. પણ એથી શુ ફરક પડ્યો? એક સાંધો ત્યાં તેર તૂટે છે. ક્યાંક આત્મહત્યા ક્યાંક લૂંટ ક્યાંક ચોરી ક્યાંક મર્ડર ક્યાંક ઠગાઇ ક્યાંક દાદાગીરી....! તું દસ કે વીસ વર્ષ આમ સફાઈ કરતો રહીશ પછી?"

પૃથ્વીની વાત વ્યાજબી હતી. એક હાથે એક માણસ દેશને ક્યારેય બદલી નથી શકતો. પુસ્તકો અને ફિલ્મો જેવું આ જીવન આ દુનિયા નથી. પણ મનું એમ હાર માની લે એ મતનો ન હતો.

બંને ઘડીભર ખામોશ બેઠા રહ્યા ત્યાં ટેબલ ઉપર ફોનની ઘંટડી રણકી.

"ઇન્સ્પેકટર મનું સ્પીકિંગ."

"સર હું ભોંસલેના સ્ટેશનથી નદીમ બોલું છું. ભોંસલે સાહેબ કેસ લેતા નથી અને લે છે એ કેસની તપાસ કરતા નથી એવી ફરિયાદો સાચી છે."

"આગળ બોલ...." આ બધું મનું જાણતો જ હતો.

"આજે પણ એવો જ એક કેસ આવ્યો હતો. કોઈ છોકરીએ કેસ નોંધાવ્યો છે કે એનો પીછો થાય છે. એના ઘરે અજાણ્યા નામે ગિફ્ટ આવે છે."

"હશે કોઈ આશિક એ કોઈ મહત્વનો કેસ કહેવાય?" મનુએ એવા ઘણા કેસ જોયા હતા જેમાં કોઈ પ્રેમી છોકરીને કહેતા ડરતો હોય એટલે અજાણ્યા નામે ગિફ્ટ મોકલે. અને એની પાછળ પણ ફરતો રહે.

"નહિ સર વાત એમ નથી. પણ એ છોકરીના ઘરે રાત્રે કોઈએ આવીને ગાડીના કાચ ફોડી નાખ્યા છે. ફુલના કુંડા તોડી નાખ્યા છે. અને છોકરીનું કહેવું છે કે કોઈ એને ડરાવવા પીછો કરે છે. કોઈ ગુંડા જેવો પાંત્રીસ ચાલીસ વર્ષનો માણસ."

"વોટ? પાંત્રીસ ચાલીસનો? અને તું છોકરી કહે છે મતલબ એ વીસ પચ્ચીસની હશે ને?"

"હા સર."

"કેસ ક્યારે નોંધાયો?"

"સાંજે ચાર વાગ્યે પણ સાહેબે કોઈ તપાસ કરી નથી. હમણાં સાહેબ ઘરે ગયા એટલે મેં તમને રિપોર્ટ આપ્યો."

"એ છોકરીનું નામ?"

"નિધિ રાવળ કોઈ સિંગર છે."

"નિધિ રાવળ? સિંગર?" મનું ખુરશીમાં ટટ્ટાર થઈ ગયો. હમણાં જ મીનીએ આ નામ કહ્યું હતું. જો એ ફેમસ સિંગર હોય તો એના ઘરમાં જઈને ગાડી ડેમેજ કોણ કરે? મનુને કેસ કંઈક વિચિત્ર અને ગંભીર લાગ્યો.

"તું એક કામ કર. છોકરીનું નામ, સરનામું, મોબાઈલ નંબર, ઓફીસ એડ્રેસ બધું જ મને વિગતવાર મેસેજ કર."

"ઓકે સર." કહીને નદીમે ફોન મુક્યો.

"હું જાઉં છું યાર ઘરે." મનુએ રીસીવર મુક્યું એ સાથે જ પૃથ્વી બગાસાં ખાતો ઉભો થયો.

"ગુડ નાઈટ." મનુએ કહ્યું અને પૃથ્વી ગયો.

મનું થોડીવાર નિધિ રાવળ વિશે વિચારતો રહ્યો. એક મિનિટ એ ફેમસ હોય તો ગૂગલમાં એનો ફોટો જરૂર હશે. મનુએ તરત જ ગૂગલ કરીને નિધિ રાવળના ફોટા જોયા. વિકિપીડિયામાં એની ડેટા વાંચી ફોટા જોયા અને ચહેરો બરાબર યાદ કરી લીધો.

તે ઘણીવાર સ્ટેશનમાં જ સુઈ રહેતો. અથવા એના મકાને જતો. પહેલા તો એ રુદ્રસિંહ સાથે જ રહેતો પણ રુદ્રસિંહના ઘરે વહુ આવ્યા પછી ઘરે અવનવા માણસો આવે જાય એ સારું નહિ એટલે તેણે મકાન અલગ રાખ્યું હતું. જોકે બદલી થાય એટલે એણે પોતાનું મકાન લીધું ન હતું. ફરી ફરીને વડોદરામાં ટ્રાન્સફર કરાવીને મનુ અહી જ રહેતો.

મનું પણ થોડીવાર પછી ઘરે નીકળ્યો પણ એના મગજમાં આ નવો કેસ કઈક અજુગતો છે એવા અણસાર આવતા રહ્યા.

*

કોલેજની અઠવાડિયાની રજાઓ પુરી થઈ ગઈ એટલે સોમવારે વહેલી સવારે અનુપ તૈયાર થઈને કોલેજ જવા નીકળ્યો.

કોલેજમાં જઈને પહેલા જ લેક્ચરમાં એણે નોંધ કરી સોનિયા કોલેજ આવી ન હતી. સમીર આવ્યો હતો પણ હવે એ એકલો હતો.

બે લેક્ચર પછીના બ્રેકમાં સમીર બેગ લઈને નીકળી ગયો એટલે અનુપે પણ એમ જ કર્યું. એને હવે આ કોલેજમાં આવવાની જરૂર રહી ન હતી. કદાચ આજ પછી આવવું નહિ પડે એવી ગણતરી કરીને જ એ આવ્યો હતો.

પાર્કિંગ લોટમાંથી ગાડી લઈને એ નીકળ્યો ત્યારે ફોન આવ્યો. લંકેશનો નંબર જોઈ તેણે ગાડી ઉભી રાખી અને ફોન લીધો.

"બોલ લંકેશ."

"અનુપ એને ડરાવવાના બધા ખેલ ખેલાઈ રહ્યા છે સી ઈઝ ઇન મેન્ટલ ડીપ્રેશન નાઉ."

"પણ તને ખાતરી છે ને કે એ આ બધાથી કંટાળીને આત્મહત્યા કરી લેશે? એ નબળી છે એ ચકાસયું?"

"હા અનુપ, પહેલા જ દિવસે લાલા તિવારીએ એનો પીછો કર્યો એ જ દિવસે એ ડરી ગઈ હતી."

"તને શું ખાતરી?" છતાય અનુપને ખાતરી ન થઇ એટલે વધુ ડીટેઈલ્સ માંગવા લાગ્યો.

"કેમ કે પછી મેં જ્યારે એને ફૂલ મોકલાવ્યા ત્યારે કુરિયર બોયની બેલથી પણ એ છળી ગઈ હતી."

"અરે લંકેશ તું ત્યાં એને જોવા ગયો હતો?" લંકેશનો આ ઓવરકોન્ફિડન્સ જોઈને અનુપને ગુસ્સો આવવા લાગ્યો. ક્યાંક ચૂક થઈ જાય તો એમાં ફાંસીનો ફંદો તૈયાર હતો!

"હું ત્યાં ન હતો પણ કુરિયર બોય હતો ને. એ બિચારી ધોળા દિવસે દરવાજો ખોલતા ડરતી હતી. કુરિયર બોય આપણો રઘુ હતો. કોઈ સાચુકલો કુરિયર બોય નહોતો."

"ઓહ ગુડ લંકેશ. આ વખતે તે કામ બરાબર કર્યું છે. પણ હા હજુ કાળજીથી અને સાવ ધીમે ધીમે કામ લેવાનું છે."

"એને સાલીને કોઈ બોયફ્રેન્ડ હોત તો તો આપણે આપણી સ્ટાઇલ બદલોત જ નહીં. એ જ થિયરી અપનાવત પણ આને તો ભવિષ્યમાં પણ કોઈ આશિક હોય એવું લાગતું નથી. એટલે આના સિવાય કોઈ રસ્તો નથી."

"હા પણ જોખમ લાગે તો બધું એમ જ છોડીને આવતો રહેજે. શિકાર તો મળી રહેશે બીજા પણ."

"પણ આવો તગડો શિકાર નહિ મળે ને યાર. ખેર એવું કશું થવાનું નથી." કહીને બીજું શું શું કર્યું એની ડિટેઇલ્સ અનુપને આપી.

"એ પોલીસ પાસે તો નથી ગઇને?"

"ગઈ હતી પણ પોલીસ શુ તપાસ કરે? અને આમ પણ ઇન્ડિયામાં પોલીસ વિશે તું ક્યાં નથી જાણતો...." કહીને ખડખડાટ હસીને લંકેશે ફોન મૂકી દીધો.

પણ એ એની મોટી ભૂલ હતી. ભયાનક ભૂલ.... એને જે પોલીસવાળા સાથે પનારો પડ્યો હતો એવો જ ઇન્સ્પેકટર ભોંસલે પણ હતો.... હરામી અને આળસુ.... બેપરવાહ.... પણ કેસ પરોક્ષ રીતે એની પાસેથી ઇન્સ્પેકટર મનું પાસે પહોંચી ગયો હતો. અને તેની એ લોકોને જાણ ન હતી. ન તો એ લોકો ઇન્સ્પેકટર મનુને ઓળખતા હતા.. ધૂની અને ફરેલા માથાનો માનવી.

***

ક્રમશ:

લેખકની વાર્તાઓ અને લેખ વાંચવા અહી ફોલો કરો :

ફેસબુક : Vicky Trivedi

Instagram : author_vicky