Kurusainyne bharkhi janaar - Divyastra - 2 books and stories free download online pdf in Gujarati

કુરૂસૈન્યને ભરખી જનાર ‘દિવ્યાસ્ત્ર’! - 2

દિવ્યાસ્ત્ર : આહ્વાન, શત્રુવિનાશ અને પ્રતિરોધકતા!

(ભાગ-૨)

(ગતાંકથી ચાલુ) મંત્રોચ્ચારની અસરકારકતા વિશે આપણે પહેલાનાં આર્ટિકલ્સમાં વિસ્તૃત સમજ કેળવી. અવાજ, આવૃત્તિ, ધ્વનિ-કંપન જેવા શબ્દો મંત્રજાગૃતિ સાથે સંકળાયેલા છે. બ્રહ્માસ્ત્ર તેમજ યજ્ઞ અંગેની માહિતી આપતાં લેખમાં આપણે જોઇ ગયા કે, યોગ્ય આરોહ-અવરોહ સાથે ઉચ્ચારાયેલો મંત્ર કોઇપણ દિવ્યાસ્ત્રને જાગૃત કરી શકવા સક્ષમ છે. ગયા અંકમાં અલગ-અલગ દિવ્યાસ્ત્રો તેમજ તેની અસરો વિશે જાણકારી મેળવ્યા બાદ હવે થોડા આગળ વધીએ. માની લો કે દિવ્યાસ્ત્રનું આહ્વાન થઈ ગયું અને ત્યારબાદ યોદ્ધાને એની નિરર્થકતાનો અહેસાસ થયો તો શું થઈ શકે? ક્ષત્રિયની તલવાર કદાચ પુનઃ મ્યાનમાં જઈ શકે પરંતુ જાગૃત થઈ ચૂકેલું દિવ્યાસ્ત્ર નહીં! વ્હોટ ઇફ, અ વોરિયર વોન્ટ્સ ટુ સ્ટોપ હિઝ સેલેસ્ટિયલ વેપન?

આ પ્રશ્નનો જવાબ મેળવવા માટે તો સર્વપ્રથમ દિવ્યાસ્ત્રનું આહ્વાન કેવી રીતે થાય છે એ જાણવું જરૂરી છે :

(૧) તીર, ઘાસ, તણખલું સહિત અન્ય કોઇ પણ ભૈતિક ચીજ-વસ્તુ કે પદાર્થનો ઉપયોગ દિવ્યાસ્ત્ર માટે થઈ શકે છે.

(૨) તેનું આહ્વાન કરવા માટે જે-તે અસ્ત્રને યોગ્ય મંત્ર અથવા શબ્દોનું ઉચ્ચારણ કરવાથી તેમાં શક્તિસંચાર થાય છે.

(૩) મંત્રશક્તિનાં આધારે ધરતી અથવા આકાશી સ્થિતિમાં ફેરફાર થવાનું શરૂ થઈ જાય છે.

(૪) વાતાવરણમાં અચાનક ગરમી/ તાપ/ વીજળી/ ધ્વનિતરંગો અથવા કિરણોનું ઉત્સર્જન થઈને રણભૂમિ ઉપરનાં આકાશમાં તેનું મોટું સ્તર નિર્માણ પામે છે.

(૫) દિવ્યાસ્ત્રનાં આહ્વાન વડે નિર્મિત આ સ્તર, ત્યારબાદ દુશ્મન-છાવણી પર કાળો કેર વરસાવવાનું શરૂ કરી દે છે.

કોઇપણ દિવ્યાસ્ત્રનાં પ્રહાર સમયે ઉપરોક્ત પ્રક્રિયા થતી હોવાનું આપણા પુરાણોમાં વર્ણન છે. હવે એ પણ જોઈ લઈએ કે, અગર દિવ્યાસ્ત્રની અસરથી બચવું હોય અથવા તો એનાં વારને નિષ્ફળ બનાવવો હોય તો કઈ પ્રક્રિયાનું અનુસરણ કરવું પડે! રામસેતુ-નિર્માણ અંગેનાં આર્ટિકલમાં આપણે જોઇ ગયા કે ભગવાન રામે જ્યારે લંકાસમુદ્ર સૂકવવા માટે જેવું બ્રહ્માસ્ત્રનું આહ્વાન કર્યુ કે તરત વરૂણદેવ એમની સામે પ્રગટ થયા અને પરિસ્થિતિની ગંભીરતા સમજાવી. પરંતુ મંત્રશક્તિ વડે જાગૃત થઈ ચૂકેલું અસ્ત્ર હવે કંઈ શાંત ન થઈ શકે, જેથી શ્રી રામે એને ધ્રુમાતુલ્ય નામનાં નિર્જન વિસ્તાર પર છોડવું પડ્યું. બીજી એક રીત એ પણ છે કે, દિવ્યાસ્ત્રની સામે અગર બીજા દિવ્યાસ્ત્રનો ટકરાવ કરાવવામાં આવે તો તેને નિષ્ફળ બનાવવું શક્ય છે.

(૧) કાઉન્ટર-વેપન (પ્રતિરોધક દિવ્યાસ્ત્ર)નો પ્રહાર કરવા માટે પણ ઘાસ, તણખલું કે તીર જેવા કોઇ ભૌતિક પદાર્થ વડે મંત્રશક્તિનાં ઉપયોગ થકી તેને જાગૃત કરવામાં આવે છે.

(૨) તેમાં મૂળ દિવ્યાસ્ત્રથી તદ્દન વિરૂદ્ધ એવી અસરકારકતા ઉમેરવા માટે ખાસ પ્રકારનાં મંત્રોચ્ચાર થાય છે.

(૩) દિવ્યાસ્ત્ર વડે નિર્મિત આકાશી સ્તર પર, આ નવનિર્મિત અસ્ત્રનો વાર કરવામાં આવે છે.

(૪) દુશ્મન દ્વારા છોડાયેલા દિવ્યાસ્ત્રની વિનાશક અસરો ધરાવતું વાતાવરણનું સ્તર ધરતી સુધી પહોંચીને છાવણીમાં હાહાકાર મચાવે એ પહેલા જ, તેનાં પર છોડવામાં આવેલું પ્રતિરોધક દિવ્યાસ્ત્ર પોતાની અસર દેખાડે છે. બે વિનાશક દિવ્યાસ્ત્રો પરસ્પર ટકરાઈને પ્રચંડ વિસ્ફોટ બાદ એકબીજાને વિફળ બનાવી દે છે.

યુદ્ધભૂમિ પર દિવ્યાસ્ત્રોનાં પ્રહારને કારણે ઘણી મોટી સંખ્યામાં જાનહાનિ થવાની સંભાવના રહે છે. આથી દેવો તેમજ ઋષિમુનિઓ એ વાતનું હંમેશા વિશેષ ધ્યાન રાખે છે કે ક્યાંક દિવ્યાસ્ત્ર કોઇક અયોગ્ય વ્યક્તિનાં હાથમાં ન આવી જાય! કેટલાક દિવ્યાસ્ત્રો મેળવવા માટે અમુક ખાસ પ્રકારની લાયકાત કેળવવી પડે છે, ત્યારબાદ ગુરૂ પોતે પોતાનાં શિષ્યને દિવ્યાસ્ત્રનું આહ્વાન કરવા માટે મૌખિક જ્ઞાન આપે છે. અન્ય કેટલાક દિવ્યાસ્ત્રો મેળવવા માટે ત્રિદેવ (બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ) અથવા સ્વર્ગનાં કોઇ દેવતા (જેમકે ઇન્દ્ર)નું તપ આદરવામાં આવે છે. મહાભારતકાળમાં કૌરવો સામે વિજય પ્રાપ્ત કરવા અર્જુને ભગવાન શિવનું ધ્યાન ધર્યુ હતું. જેનાં પરિણામસ્વરૂપ, મહાદેવની કૃપાથી એમને પાશુપાશાસ્ત્ર મળી શક્યું. બિલ્કુલ આવી જ રીતે, કંઈ-કેટલાય દેવ-દાનવો દ્વારા ત્રિદેવને રીઝવવા માટે તપ કર્યા હોવાની કથાઓ આપણે સાંભળી છે! પ્રત્યેક અસ્ત્રની પોતાની એક ખાસ અસર હોય છે :

(૧) રામાયણમાં રાવણપુત્ર મેઘનાદ દ્વારા અને મહાભારતનાં યુદ્ધમાં કુલ ત્રણ વખત જેનું આહ્વાન થયું એ બ્રહ્માસ્ત્રને પુરાણકાળનું સૌથી વિનાશક દિવ્યાસ્ત્ર માનવામાં આવે છે.

(૨) એવી જ રીતે, બ્રહ્મદંડનો એક પ્રહાર સમગ્ર પૃથ્વી તેમજ તેનાં પર ધબકી રહેલી જીવસૃષ્ટિને ખતમ કરવા પૂરતો છે.

(૩) અર્જુન દ્વારા કૌરવો વિરૂદ્ધ શંખ ફૂંકીને જાગૃત કરવામાં આવેલું ‘સંમોહન-અસ્ત્ર’ ખાસ પ્રકારનાં ધ્વનિ-તરંગો પેદા કરી શકે છે, જેનાં પ્રભાવ હેઠળ આવીને શત્રુસૈન્ય કલાકો સુધી બેભાન અવસ્થામાં રહે છે.

(૪) વીજળીનાં એક ચમકારામાં જેટલી ઉર્જા સમાયેલી છે, એનાં કરતાં ૧૦૦૦ ગણી વધુ ઉર્જા ધરાવતું ‘વજ્ર’ ઇન્દ્રનું અસ્ત્ર છે. જેનો પ્રહાર દુશ્મનને ક્ષણભરમાં મૌતને ઘાટ ઉતારી શકે એમ છે.

(૫) ‘અગ્નેય-અસ્ત્ર’ને શાસ્ત્રોમાં વધુ વિનાશક માનવા પાછળનું કારણ એ છે કે તેનું કોઇ પ્રતિરોધક દિવ્યાસ્ત્ર અસ્તિત્વ નથી ધરાવતું! અગ્નેયાસ્ત્રનો વાર કર્યા પછી દેવતાઓ પણ એને રોકી શકવા સક્ષમ નથી.

(૬) વૃષણી અને અંધકનાં ત્રણ શહેરોની બરબાદી માટે જવાબદાર એવું ‘અદ્વત્તન’ અસ્ત્ર ધુમાડારહિત, ધ્વનિતરંગ પેદા કરનારી એક મિસાઇલ માનવામાં આવે છે જે એકીસાથે હજારો મહેલોનો ખાત્મો બોલાવી શકે એમ છે!

વેદ-પુરાણ અને રામાયણ, મહાભારતમાં વિવિધ જીવો તથા પ્રજાતિનું વર્ણન છે, જે ધરતી પર વસવાટ નથી કરતી. યક્ષ, કિન્નર, ગાંધર્વ, કિંપુરુષ, સુપર્ણ, વાનર, રાક્ષસ, વિદ્યાધર, વાલ્કિલ્ય, નાગ, પિશાચ, દેવ (એનાં પેટા-પ્રકારોમાં વસુ, આદિત્ય, રૂદ્ર, મરૂત વગેરે તો ખરા જ!) અને અસુર (દાનવ, દૈત્ય, કાલ્કૈય વગેરે) પાસે પોતપોતાની અલૌકિક શક્તિ (સુપર-પાવર) હોવાનાં વર્ણનો મળી આવ્યા છે. દ્રશ્ય-અદ્રશ્ય થઈ શકવું, વાહન સાથે તેમજ એનાં વગર હવામાં ઉડી શકવાની કાબેલિયત, રૂપ તેમજ શરીરનો આકાર બદલી શકવાની ક્ષમતા, માનવમગજ વાંચી શકવું, કુદરતી પરિબળો (તાપ, ટાઢ, વરસાદ વગેરે) પર નિયંત્રણ મેળવી શકવાની કળા, પૃથ્વી સિવાયનાં ગ્રહ પર વસવાટ કરી રહેલા જીવો વિશેની માહિતી એ જીવો પાસે હતી. કેટલાય આધુનિક વિજ્ઞાનીઓ અને પુરાતત્વશાસ્ત્રીઓ મહાભારત-રામાયણને કથા ગણે છે. આજે એમને ફક્ત એટલું જ કહેવું છે કે, ફક્ત ૧૦૦-૨૦૦ વર્ષ જૂની ટેકનોલોજીને લીધે માણસજાતનું જીવન આટલું સમૃદ્ધ અને ભવ્ય થઈ શકતું હોય, તો શું એ શક્ય નથી કે આજથી હજારો વર્ષ જૂની સંસ્કૃતિનાં લોકો પાસે પોતાની એડવાન્સ્ડ ટેક્નોલોજી હોય? તેઓ તો ૪-૫ હજાર વર્ષ સુધી જીવતી પ્રજા હતી. એટલા સમયની અંદર કેટકેટલી શોધખોળ અને સંશોધન થઈ શકે એનો ક્યારેય વિચાર કર્યો છે..!!?

(સમાપ્ત)

bhattparakh@yahoo.com