Koobo sneh no - 20 books and stories free download online pdf in Gujarati

કૂબો સ્નેહનો - 20

🌺આરતીસોની🌺
પ્રકરણ : 20

વિરાજના કાર્યથી પ્રભાવિત થઈને એને અમેરિકામાં જૉબની ઑફર કરવામાં આવી હતી. એકબાજુ દિક્ષા મનોમન પોતાના પપ્પાની નારાજગીને કારણે દુઃખી છે અને વિરાજ ગામડે જવાની ઈચ્છા પ્રગટ કરે છે. આગળ સઘડી સંધર્ષની....

❣️કૂબો સ્નેહનો❣️

લગ્નના સમાચારથી નારાજ થયેલા દિક્ષાના પપ્પાએ શરૂમાં ઘણા ધમપછાડા કર્યા હતાં. વડીલોને જણાવ્યા વગર લગ્ન કરવા ક્ષંતવ્ય તો નથી જ, પરંતુ કોઈ બાબતને વળગેલા રહીને જડતા કરવી નરી મૂર્ખામી છે. આંતરિક મનોમંથન કરી પોતાની જાતમાં, સ્વભાવમાં અને પોતાના આત્મા સાથે સ્થિરતા રાખી, નાનામાં નાની અણગમતી બાબતને સ્વિકારીને વર્તમાનમાં સ્થિર થવું પડે!!

દિક્ષાને અમેરિકા જાય એ પહેલાં પોતાના પપ્પાને રાજીખુશીથી મળવું હતું. લગ્નને કારણે થયેલી એમની નારાજગીને યેનકેન પ્રકારે દૂર કરી, એકવાર પ્રેમથી ભેટવા માંગતી હતી.

અગ્નિએ કીધું'તું આજે કાનમાં..
કોઈએ લીધી'તી એને બાનમાં..

કાળજા નો કટકો કસ્તૂરી સમી
ક્યાં હતી એ ખુશ્બુ પણ લોબાનમાં?

હોય છે બીજું કશું એની કને?
સોળ સમણાં છે છુપા સામાનમાં.

કોષ, જાણે માહ્યલો ઉતેડી ને
ભારે હૈયે કટકો દીધો દાનમાં.

ને સમાવી'તી પિતાએ પાંપણે
એ ઉદાસી લીધી કોણે ધ્યાનમાં?

-આરતીસોની©રુહાના!

આમજ થોડાંક સમયમાં દિક્ષાના અમેરિકા જવાના સમાચાર એનાં પપ્પાને મળતાં પોતાની નારાજગી વધારે સમય સુધી ટકાવી શક્યા નહીં અને એમણે દિક્ષા અને વિરાજને માનપાન સાથે વધાવી ઘરે આમંત્રિત કર્યા હતાં. છેવટે તો એ પોતાની દીકરી જ હતી ને!!? એમને પણ સમજાઈ થઈ ગયું હતું દીકરી વગર રહેવું કેટલું અઘરું છે.

પહેલી વખત દીકરી અને જમાઈને આમંત્રિત કર્યા ત્યારે નટખટ અને તોફાની દિક્ષાને, ઠરેલ ને સમજુ થઈ ગયેલી જોઈને એના પપ્પા ભાવવિભોર થઈ ગયાં હતાં. માથે હાથ ફેરવીને એના પપ્પાએ કહ્યું હતું,
"હમણાં સુધી ઘરમાં પા પા પગલી ભરતી'તી એ વ્હાલનો દરિયો લૂંટતી થઈ ગઈ છે. ખો ખો રમતી દિક્ષુ કેટલી સમજદાર થઈ ગઈ છે!!"

"પપ્પા.. આપના આશિષ સાથે જ સાક્ષીભાવ કેળવાઈ ગયો છે. અણ સમજમાં અમે જે ભૂલ કરી છે એ માફ કરવા યોગ્ય તો નથી જ! પણ એ સમયે મારી નાદાન જીદ્ સામે વિરાજને નમતું જોખવું પડ્યું હતું."

આંખોમાંના ઝળઝળીયા છુપાવી વિરાજ તરફ દ્રષ્ટિ કરી બોલ્યાં,
"નાજુક છોડ માફક ઉછરી છે દિક્ષુ.. કુમાર તમે દિક્ષુના પાર્ટનર તરીકે એક બેસ્ટ ફ્રેન્ડ સાથે સાથે બેસ્ટ પતિ પણ સાબિત થશો જ, એ તમને મળ્યાં પછી હું ચોક્કસપણે જાણી ગયો છું. વચન આપો કે જીવનભર તમે બંને એકબીજાને સાથ આપશો!!"

"ક્યારેય કાચો નહીં પડું! હ્રદયની વચ્ચોવચ રાખીને એને સાચવીશ, મારો શ્વાસ હશે ત્યાં સુધી એને મારો સથવારો સાંપડશે એટલી ખાતરી આપું છું. અમુક સંબંધોને વેઢે ગણી નથી શકાતા કે એને બંધનમાં બાંધવા નથી પડતાં!! દિક્ષુ તો મારું સુખનું સરનામું છે."

અને ચારેયની ભાવનાના કણેકણની ઢગલી વેરાતી રહી. માતા-પિતા જમાઈથી ખુશ તો હતાં, પણ છુટ્ટા પડવાનો રંજ હતો. સાથે સાથે એમની વધતી પ્રગતિ જોઈને તેઓ ખુશ પણ હતાં.

"અને જીવનને એવાં સ્તરે લઈ જવા ઈચ્છું છું કે જ્યાંથી મારું કાર્ય સહુને ઉપયોગી સાબિત થાય. બસ આપના આશીર્વાદ અમને આપતાં રહેજો." વિરાજે નીકળતા ફરી પગે લાગીને બોલ્યો હતો.

એની મમ્મી તરત જ વચ્ચે બોલી ઉઠી,
"અમારા આશીર્વાદ તમારા બેઉંની સાથે જ છે. સદાયે ઊંચાઈના શિખરો સર કરતા રહો."

અને એ દિવસે, સાસુ, સસરા અને દીકરી, જમાઈ વચ્ચે આવી અલકમલકની ઘણી વાતો ચાલી હતી.

આઈ.ટી. કંપનીએ વિરાજની ઉચ્ચ લાયકાત અને કામમાં બુદ્ધિગમ્યતાથી પ્રભાવિત થઈને અમેરિકન કંપનીએ આપેલી જૉબ ઑફરથી ખરેખર જિંદગીના હવે પછીના દિવસો એમના માટે અત્યંત સુખદ હતાં અને ભવિષ્યમાં આગળ વધવાની સુંદર તક પણ હતી.

અમેરિકા જવા માટેના જોઈતા પેપર્સ સાથે સઘળી તૈયારીઓને આખરી ઓપ અપાઈ ગયો હતો. જતાં પહેલાં એકવાર અમ્મા અને મંજીને ગામડે મળવા જવાની વિરાજની અત્યંત ઈચ્છા હતી. એને બે-બે ખુશીઓ અમ્મા સાથે વહેંચવાની હતી. એક તો લગ્નની ખુશી અને બીજી અમેરિકા જવાની ખુશી. અને એ જાણતો હતો ચોક્કસ, અમ્મા ખુશીથી ગાંડી ઘેલી થઈ જશે.

પણ દિક્ષાને ગામડાંના નામથી ચિડ ચડી જતી હતી. એને ગામડે જવાની કોઈ ઈચ્છા નહોતી, કેમકે શહેરમાં ભણી ગણી મોટી થયેલી દિક્ષા ગામડાંના નામથી ગુંગળામણ અનુભવતી હતી, 'કેવું હશે વિરાજનું ગામડાંનું ઘર? હું કેવી રીતે રહી શકીશ?' એનું મન માનતું નહોતું, પણ છેવટે દિક્ષાને ગામડે જવા માટે વિરાજે સમજાવીને મનાવી લીધી હતી.

આજે મંજરી આવવાની હોવાથી અમ્મા એની આગતા સ્વાગતાની તૈયારીઓમાં સવારથી દોડધામ કરી રહ્યાં હતાં. અચાનક દરવાજે વિરાજ અને દિક્ષાને જોઈ સ્તબ્ધ થઈ ગયાં. “વિરુ... અચાનક અત્યારે અહીં ક્યાંથી?”©

ક્રમશઃ વધુ પ્રકરણ : 21 માં દિક્ષા ગામડે પોતાને કમ્ફર્ટેબલ મહેસૂસ કરશે? અને મંજરી કેમ આવવાની છે !!?

-આરતીસોની ©