KAKA TARI KARAM KAHANI books and stories free download online pdf in Gujarati

કાકા તારી કરમ કહાણી

કાકા તારી કરમ કહાણી..!

આયનામાં ડોકિયું કરવાથી, રૂપ દેખાય પણ આંતરિક સ્વરૂપ નહિ દેખાય. કેટલાં કેરેટના બૂચા છે, એની ખબર બીજાને ખબર પડે, આયનાને નહિ. શેઠની ધાક ઝાંપા સુધી એમ, બહુ બહુ તો ઘર કે ઘરવાળી સુધીના જ શુરા..! ઘરના મામલામાં પ્રકાંડ પંડિત થઇ જવાથી એને કંઈ શૌર્ય ચંદ્રક નહિ અપાય. અમુક તો ઘરના મામલામાં પણ ડીનસ્ટીકશન સાથે નાપાસ થયેલા. કસ્સમથી કહું કે, એની વાઈફ એવુંએકવાર તો એવું બોલી જ હશે કે, પૈણવામાં સાલી ઉતાવળ થઇ ગઈ, બાકી આ પરપોટા કરતાં તો કોઈ ‘ધોધ’ જેવો લેટેસ્ટ પરપોટો મને મળ્યો હોત..! પણ, “હોનીકો કૌન ટાલ શકતા હૈ” એના જેવું છે..! મુદાની વાત તો એ કે, જે ઘરનો કબાલો નહિ સંભાળી શકતો હોય, તે પાદરની પેલેપારનો વહીવટ તો ક્યાંથી પાર પાડવાનો..? પાર પાડવા જાય, તો એ પોતે પણ બાવો બને ને, બીજાને પણ બનાવે. આઈ મીન જાહેર બગાડો જ કરે..! છેલ્લે એ બધાનો સગો હોય, પણ એનું કોઈ સગું કે વ્હાલું ના હોય..! બહારના ઓટલે બેસીને મંજીરા જ ઠોકે..! ને આવતાં-જતાં બાવાઓને ‘સીતારામ’ જ કરતો હોય..!

મામલો સંતનો હોય, સુફીનો હોય, પીરનો હોય કે કોઈપણ સંપ્રદાયનો હોય. આ લોકોની આચાર સંહિતા હોય. સગાવાદથી પર જ રહેવાનું. આ ફેકલ્ટીમાં ગયા પછી, કાકા-મામા-ફોઈ-ફુવાજી-માસા-માસીના સાથેના સંબંધો ક્ષીણ થઇ જાય. એક જ મંત્ર ‘સબ ભૂમિ ગોપાલકી’ ને ‘સૌનું કરો કલ્યાણ..! ’ ઉચ્ચ સ્થાને પહોંચ્યા પછી, એ લોકો સગાવાદ ને ચાખણામાં પણ રાખતા નથી. સગાવાદના ચલણ સંસારના અખાડામાં ચાલે, આધ્યાત્મવાદ માં નહિ. આ મારો ભત્રીજો થાય કે, આ મારો ભાણીયો થાય એમ કહીને, ગાદી કે સિંહાસન ઉપરથી ઉભા થઇને ભેટવા નહિ જાય. ને ભગવાન પણ હોય તો ૫૦૦૦ ની સોનામહોર આપવા અધીરા નહિ થાય..! એમની એક જ લગન, ૩૩ કરોડ દેવતાની સાધનામાં જ મગ્ન રહેવાનું. સગાવાદના શુલ્લક મામલામાં નહિ પડે..? ભગવાને નરસિંહ મહેતાની હુંડી સ્વીકારી, મામેરું કર્યું, મીરાભાઈનું ઝેર પચાવ્યું, પણ સમર્થ ભક્તિના પ્રતાપે. ને આપણા પરપોટાને પરિવાર સાથે જ નહિ ફાવે એને પરમાત્મા ક્યાંથી ભેટે..?

પછી થાય એવું કે, જે ભગવાનને કાકા કે મામા નથી બનાવી શકતા એ ક્યાં તો આપણને કાકા બનાવે, ક્યાં તો મામા બનાવીને જલશા કરે..! જેનાથી પોતાના પરિવારને પોતીકા કરવામાં પોતાં નથી થતાં, તો ભગવાનના પોર્ટફોલિયામાં તો ક્યાંથી આવે..? ખુદની વાઈફ સાથેનો આંકડો ૩૬ ને બદલે ૬૨ નો કરે તો ઘણું..!

આ તો યાદ આવ્યું એટલા કહું. એક ભાઈ એક એપ્રેન્ટીસ સાધુ પાસે જઈને કહે, “ પ્રભુ મારી વાઈફ મને બહુ હેરાન કરે છે. કુતરાને વ્હાલથી બોલાવી ઘી વાળી રોટલી ખવડાવે, પણ મારી તો એટલી પણ કીમત નથી કરતી. કોઈ ઈલાજ બતાવો.’ સાધુએ એમ તો જાણે નહિ કહ્યું કે, ઘરબાર છોડીને અમારી ફેકલ્ટીમાં આવી જા ભાઈ..! અમારી પણ આવી જ દશા હતી એટલે તો સાધુ થયાં..! પણ એમ કહ્યું કે, “ એના ઈલાજ માટે એક જ ઈલાજ છે. ૩૩ કરોડ દેવી દેવતાને તારે મનાવવા પડે. દેવ દીઠ એક રૂપિયાનો ખર્ચ થશે. બોલ ખર્ચ કરવા તૈયાર છે..?“ પેલો એટલું તો સમજે ને કે, એના કરતાં તો વાઈફને મનાવી લેવી સસ્તી પડે. પણ પેલો સવાલી આપણી બાજુનો પાક્કો ગુજરાતી..! એણે કહ્યું,’ મંજુર બાપુ આપણે ૩૩ કરોડનો ધુમાડો કરવા તૈયાર છે. એક કામ કરો, તમે એક-એક દેવી-દેવતાનું નામ બોલતા જાવ, ને હું એક-એક રૂપિયો મુકતો જાઉં..! એના કપાળમાં કાંદા ફોડું, પેલો એપ્રેન્ટીસ સાધુ હજુ ભાનમાં આવ્યો નથી..! કૌન કહેતા હૈ ગુજરાતમેં પાણી નહિ હૈ..! વાતનો સાર એટલો જ કે, કાકાઓને ક્યારેય અન્ડર એસ્ટીમેન્ટ માનવા જ નહિ...!

કોઈને મામા બનાવવા હોય તો મહેનત કરવી પડે, બાકી, કાકા બનાવવા માટે તો લોહીના સંબંધની પણ જરૂર નહિ. થોડાંક વાળ સફેદ થવા જોઈએ. કાકા કહેવા માટે લોકોને જાહેર લાઈસન્સ જ મળી જાય. ભગત તો ચોખાના દાણા જોઇને કહે, કે ફલાણાને કઈ બલા વળગી છે..? ત્યારે આ લોકો સફેદ વાળ જોઇને કહી દે કે, ભાઈ, કુમાર નથી પણ કાકો જ છે. કાઠીયાવાડમાં ગોદડાં જુના થાય એને ગાભો કહેવાય, ને આપણે ત્યાં માણસ જેમ જુનો થાય, એને કાકો કહેવાય..! કોઈ કાકા કહે ત્યારે રીયલમાં કાકા થતાં હોય તો પણ કહેનારનો અવાજ કોયલ જેવો નહિ લાગે, તો સંબંધ વગર કોઈ કાકો કહે ત્યારે તો, કોયલને બદલે કાગડો જ લાગે. કાકો સાંભળવા એના કાન ટેવાયેલા જ ના હોય. અમુકને તો એવી બળતરા થાય કે, કાકો કહીને જાણે પેલાએ મારી જુવાની નીચોવી નાંખે. શરીરમાંથી લોહી ખેંચીને, એમાં એસીડ ભર્યું હોય એવો આઘાત આઘાત એને લાગે..! કાકો કહે, એમાં તો નાગ ફૂંફાડા મારે એમ એનું આખું ડોકું ફૂંફાડા મારતું થઇ જાય..! ને આંખના ડોળા ઊંચા ચઢી જાય તે અલગ..! જો ભાઈ, બોડીનું ગમે એટલું રીનોવેશન કરાવો, પણ કાકા તે કાકા..! સામાવાળાને ખબર પડી જ જાય કે, ગાડી જુના મોડેલની છે..! ઉમર થઇ હોય તો કાકો જ કહેવાય. એવાંને કાકો નહીં તો શું ‘ડાર્લિંગ’ કહેવાનો..? નવી પેઢીના જોડામાં પગ નાંખવો હોય તો, થોડું સહન પણ કરવું પડે મામૂ..! ભલે ને ઢાંઢા થયા ત્યાં સુધી, નામ પાછળ ‘કુમાર’ નું પુંછડું વળગાડો..? ઉમરનું કામ તો ઉમર કરવાની જ. દટ્ટાવાળા કેલેન્ડરના તારીખના બધાં પાનાં ફાટી જાય, પછી પૂઠુંની કીમત કોણ કરે..? પૂંઠામાં ભગવાનનો ફોટો હોય તો ઠીક છે, બહુ બહુ તો ભીંત ઉપર ચોંટાડીને રોજ અગરબત્તી થાય. બાકી કીમત તો રોજે-રોજના તારીખના પાનિયાની હોય. સમય સમયના જ મોલ હોય, બાકી સમય વીત્યા પછી એ માત્ર અવશેષ જ કહેવાય..! કોઈ કાકો કહે, એમાં વીજળીનો જીવતો તાર પકડાય ગયો હોય એમ, ભડકવાનું ના હોય..! છતાં ભડકે તો એવાં જાણે કે, પોતાના માથા ઉપર હથોડો ઝીંકીને પોતાની બોડી બિલ્ડીંગને તોડી પાડવાનું દુસાહસ નહિ થયું હોય..? “અબ તો હમ જવાન હૈ” ના હોર્ડિંગ લઈને જુવાનીમાં ફરાય, આધી ગઈ ને આધી બાકી હોય તો, જુવાનીના પાટિયાં લગાવીને નહિ ફરાય..!

પણ..કાકાઓને આઘાત એ વાતે લાગે કે, એક તો જેટલું જીવ્યા એમાં પાશેરનું પણ ઉકાળ્યું ના હોય, ને કોઈ એને ઉમરનો માઈલ સ્ટોન બતાવે એટલે પરસેવો છૂટવા માંડે. ફર્સ્ટ ક્લાસ હેર ડાઈ કરીને બ્રાન્ડેડ કંપનીના શુટેડ બુટેડમાં ઈમ્પોર્ટેડ પરફ્યુમ નાંખીને નીકળ્યા હોય, તેથી કંઈ જુવાની પાછી થોડી આવે..? જો કે, આ વાતે બધા કાકાઓને વાંકુ પડતું નથી. પણ કાકીઓનો ભરોસો નહિ..! એમને માસી કહો, ભાભી કહો, બહેન કહો તો, સોજ્જું-મોજ્જુ લાગે. પણ જો કોઈએ કાકી કહ્યું તો, મગજમાંથી ધુમાડો પણ નીકળે, કહેવાય નહિ..! એમાં કોઈ કુંવારી કન્યાને જો કાકી કહેવાય ગયું તો તો, એના કપાળમાં કાંડા ફોડું મોટી-મોટી મિસાઈલ જ છૂટવા માંડે..! ૫૦૦૦ વોલ્ટનો ઝાટકો તો ત્યારે લાગે કે, કોઈ ગમતી છોકરી, ‘ગુડ મોર્નિંગ કાકા’ કહે, તો તો કલેજું ઉથલીને હથેળીમાં આવી જાય. દાવાનળ ફાટ્યો હોય એમ, અરમાનો સળગી ઉઠે. કાકો ચિત્તભ્રમ થઇ જાય કે, સાલો હું તો ચરણામૃતનો અભિલાષી હતો ને, છોકરીએ તો મને સીધું ગંગાજળ જ પીવડાવી દીધું..! ૨૦-૨૫ પેઢીની કુંડળી તપાસીએ તો, એકેય ખૂણેથી એના ફાધરનો ભાઈ થતો નહિ હોય. છતાં, હૃદયની એકેય નળીમાં બ્લોકેજ નહિ હોવા છતાં, પેલાંને લવેરિયાનો હળવો એટેક આવી જાય..!

ઉમરને થોડોક શું કાટ લાગ્યો રમેશ

ને મને માપવાના અંદાજ બદલાય ગયાં....!

કાયદેસરના કાકા હોવું અલગ વાત છે, ને કારણ વગર કોઈ કાકો કહી જાય એ વાત અલગ છે. કાકો થવું ગમતું નથી એ બ્રહ્મસત્ય છે..! શું કહો છો કાકા..? સોરી..!

=------------------------------------------------------------------------------------------------------------------17 જાન્યુઆરી 2020