Varshothi bandh ordo books and stories free download online pdf in Gujarati

વર્ષોથી બંધ ઓરડો

" સંબંધોની ખેંચ તાણ પણ બહુ ગજબની હોય છે,
લોકો તો જતા રહે છે સાથ છોડી પણ, એમની યાદ
હમેશા પજવતી હોય છે."

અવની એ આજે એ ઓરડો ખોલ્યો હતો. હા..એ ઓરડો, જે પાછલા કેટલાય વર્ષોથી બંધ હતો , એ ઓરડો જેણે બંધ જોઇને એણે પોતાને યુવાનીમાં કઈ કેટલાય પ્રશ્નો થતા હતા અને એ પ્રશ્નોના સાચ્ચા જવાબ એને ક્યારેય મળતા ન હતા. એ બંધ ઓરડાને લગતા દરેક પ્રશ્નનો એને માત્ર એક જ જવાબ મળતો આટલું મોટું ઘર છે , બધાને પોતપોતાના રૂમ છે , આ વધારાનો ઓરડો ખુલ્લો રાખી ને શું કરવું પછી એ ઓરડાને પણ સાફ કરવો પડે ને , એટલે એ રૂમને બંધ જ રાખીએ છીએ.


આમ જોવા જઈએ તો શું હતું એ ઓરડામાં કઈ પણ તો નહિ..એક તરફ એક મોટી પતરાની પેટી હતી અને સામેની બાજુ એ ભીંત પર લટકતા ફોટા હતા, એ ફોટા એ માણસો ના હતા જે પહેલા આ ઘરનો હિસ્સો હતા પણ હવે ..હવે આ દુનિયામાં જ ન હતા.હા.. સામેની દીવાલ પર લાઈનસર મૃત્યુ પામેલા ઘરના સભ્યો ના ફોટા લગાવેલા હતા.

અવનીએ ઓરડામાં પગ મૂક્યો અને એના હાથમાં રહેલી એક ફોટો ફ્રેમ બાજુ માં મૂકી. આજે ઘણા સમય પછી એ ઓરડા માં આવી હતી એટલે એણે પહેલા પેલી પેટી ખોલી. પેટી ખોલતા જ એની નજર એક સ્વેટર પર પડી, અવની વિચારો માં ખોવાઈ ગઈ. દાદીએ બનાવેલું આ સ્વેટર એને કેટલું ગમતું હતું . ઘરમાં બધા એ જ કહીને ચીડવતા કે અવની નો શિયાળો એટલે , આ સ્વેટર પહેરવાનું બહાનું.


સ્વેટર હાથમાંથી મૂક્યું તો અવની ની નજર એક ટ્રોફી પર પડી, જે એણે વકતૃત્વ સ્પર્ધા માં જીતી હતી. એક અઠવડિયા સુધી એણે એ ટ્રોફી આવતા જતા બધાની નજર પડે એ રીતે આગલા ઓરડાના કબાટ માં મૂકી હતી. અવની હજુ પોતાની નાદાની પર જરાક મલકાઈ જ હતી કે તરત એને ફોટો ફ્રેમ જોઈ , આમ તો બધા એક સાથે ઘરે ક્યારેય મળતા નથી પણ તે દિવસે પપ્પા ને પરિવારના બધાનો એક સાથે ફોટો પાડવાની ઈચ્છા હતી એટલે એમણે બધાને જબરદસ્તી ઘરે જ રોકી રાખ્યા હતા.ધુળેટીના દિવસે પડેલો આ ફોટો પહેલો અને છેલ્લો ફેમિલી ફોટો હતો , ફોટો પડાવતા સમયે રોહિણી, ઋતુ અને હું ચહેરા પર રંગ લગાવી ને જ બેઠા હતા જેથી ધુળેટી યાદ રહે, ને પાછળ પપ્પા , કાકા, મમ્મી , કાકી દાદી બધા ઉભા હતા. ફ્રેમ થયેલા ફોટા માત્ર સુખડ ની માળા પહેરી અહી ભીંતે લટકવા જ આવતા હતા મનમાં જ આટલું બોલી અવનીએ સામે ની ભીંત તરફ જોયું .

પપ્પાના ફોટા સામે જોઈ અવની મનમાં જ બોલી, શું કામ! પપ્પા શું કામ , તમે ધુળેટીના દિવસે આવેલા પેલા નાજર ને મન ફાવે તેમ , ગમે તે બોલી ગયા હતા. શું કામ ! તમે એ નાજર ને કહ્યું હતું કે એ લોકો બીજાની દયા પર જીવે છે, ભીખ અને માતાજી ના નામે પૈસા પડાવે છે. અવનીની આંખ આંસુઓથી ભરાઈ ગઈ હતી, આંખમાંથી વહી રહેલા આંસુ સાથે હવે એના મનમાં રહેલો ગુસ્સો પણ બહાર આવી રહયો હતો. શું કારણ હતું ? બસ એટલું જ ને કે તમે એ નાજર ને બહેરૂપી અને ઢોંગી માનો છો? તમને એ કોઈ માતાજી નું રૂપ નથી લગતા? આમ પોતાના પપ્પા ઉપર ગુસ્સો ઉતરતા ઉતરતા એ એક ફોટાને , તે દિવસે બનેલી ઘટના સંભળાવી રહી હતી અને જાણે કે પપ્પા કોઈ જવાબ આપવાના હોય એમ એમની ભૂલ ગણાવી રહી હતી.

આજે પણ એ તારીખ યાદ છે ૨૦_૯ જેણે ઘરના બધા જ પુરુષોને એક શ્રાપમાં બાંધી દીધા .તે દિવસે ધુળેટી હતી એટલે નાજર લોકો ગલીમાં કોઈ ઘરે આવ્યા હતા. આમ તો મમ્મી ક્યારેય તમારી સામે એ લોકોને કોઈ વસ્તુ કે પૈસા ન આપતી . મમ્મી હમેશા તમારાથી છુપાઈને જ દાન કરતી પણ, તે દિવસે ધુળેટી હતી અને મમ્મી એ નાજર લોકોને ગલી માથી જતા જોયો તો એ દાન આપવા ગઈ, બસ કદાચ એ શ્રદ્ધા રાખી દાન આપ્યું એ જ મમ્મીની ભૂલ થઈ. તમે મમ્મી ને પૈસા અને જમવાનું આપતા જોઈ અને ત્યાં પેલા નાજર સામે જ મમ્મી પર ગુસ્સે થઈ ગયા . મમ્મી એ તો એ ગુસ્સો સહન કરી લીધો પણ તમારા બોલાયેલા ખરાબ શબ્દોને પેલા નાજરે સહન ન કર્યા અને એ બસ એટલું જ કહી ગયા કે ગમે તેટલું દાન કરી લે પણ આ ઘરના પુરુષોનું જીવન ક્યારેય લાંબુ નહિ જ થાય કેમ કે એ લોકોને માતાજીમાં શ્રદ્ધા જ નથી. એ શબ્દો તમારા મગજ માં તો ન રહ્યા પણ પરિવાર માટે શાપ બની ગયા.

એ ધુળેટી પછી માત્ર બે વર્ષ જ થાય ને તમારો એક્સીડન્ટ થયો, કેટલીય કોશિશો કરવા છતાં પણ તમારો જીવ ન જ બચ્યો. તમારી માન્યતા મુજબ એ કદાચ સંજોગો હશે નહિ? ચલો મની લઉં પપ્પા કે તમારો અકસ્માત સંજોગ હશે પણ જયદીપ નું મોત.. તમારા ગયા પછી ચાર વર્ષમાં એ બે વર્ષના નવા જન્મેલા બાળકનું નોર્મલ તાવથી મોત થયું.શું એને પણ તમે સંજોગ કહેશો? જયદીપ ના મોતનો આઘાત રેવા કાકી સહી ન શક્યા અને બીમારી માં સપડાઈ ગયા એટલે દાદી એ આ શાપના નિવારણ માટે પેલા નાજરની શોધ કરવી ભૂવાઓ, તાંત્રિકો ને બતાવ્યું પણ કોઈ નિવારણ ન જડ્યું.

બે મહિના વીતી ગયા , દાદી , મમ્મી અને મે આ ઘર બદલી બીજે જવાનું વિચાર્યું જેથી કદાચ કાકાનો અને કાકીનો જીવ બચાવી શકાય. અમારો પ્રયત્ન સફળ રહ્યો પણ ખરો! કાકીને બચાવવામાં. હા, પપ્પા અમે બીજા શહેરમાં ગયા પછી કાકીની તબિયતમાં સુધારો થયો . આશા તો હતી કે કદાચ શાપથી મુક્તિ મળી ગઈ હશે કારણકે જયદીપના મોત પછી બે ત્રણ વર્ષમાં કોઈ ખરાબ વાત બની ન હતી છતાં બધા ને ડર તો હતો જ કે હજુ કાકા નો જીવ જોખમ માં હતો . પપ્પા જો હું તમને કહું કે કાકા ખરાબ આદતો માં ફસાઈ ગયા તો તમે માનશો? અવની ને જાણે જવાબ મળવાનો હોય એમ ફોટા સામે તાકી રહી. થોડા સમયમાં કાકા દારૂ , જુગાર ની લતે ચડી ગયા અને હા..થોડા મહિના પહેલા જ એ પણ...
પછી અવની જે ફોટો લઈ ને ઓરડામાં આવી હતી એ ફોટાને હાથમાં લીધો, જોવો પપ્પા આ કાકાનો ફોટો પણ આજે તમારી અને જયદીપની સાથે સુખડની માળા પહેરી અહી આ ઓરડામાં બંધ થવા તૈયાર છે. હવે પરિવાર ના નામે બસ દાદી, મમ્મી અને હું જ છીએ ,કાકી પણ હવે કેટલો સમય સાથ આપશે એ કહી શકાય નહિ છતાં અમે એમની કાળજી લઈ જ રહ્યા છીએ કાકા. અવની કાકા ના ફોટા સામે જોઈ ને બોલી.

પછી ફરી એણે પપ્પાના ફોટા સામે જોયું અને મનમાં જ બોલી; વર્ષોથી આ ઓરડાના બંધ રહેવાનું કારણ આજે મને સમજાઈ ગયું. હું નાની હતી અને દાદા જીવતા હતા ત્યારે આ ઓરડો દાદા દાદીનો હતો. દાદાના ગયા પછી તમે દાદીને આ ઓરડામાં એકલા બેસવા ના પાડી દીધી જેથી, દાદીને એકલતા ન લાગે, દાદાની વધુ યાદ ન આવે અને દાદાના મૃત્યુ નો આઘાત ન લાગે.

આજે પણ આ વર્ષોથી બંધ પડેલો ઓરડો કેટલી યાદો સાચવીને બેઠો છે, દાદા _દાદીના સાથની યાદ એમના મૃત્યુ બાદ દાદીને લગતા ખાલીપાની યાદ, આ પેટીના રૂપમાં મારા બાળપણની યાદ અને હા..સૌથી મહત્વની યાદ પેલા "શ્રાપ" ની. જ્યારે કોઈ વાર્તામાં વાંચતી કે ક્યાંક સાંભળતી ને કે માણસ મરી જાય તો બધી વિધિ પતી ગયા પછી બળી ને રાખ થઈ જાય પણ એ જ વ્યક્તિ સાથે જોડાયેલી વસ્તુઓને બાળી નાખવા છતાં વ્યકિતની યાદોને બાળી નથી શકાતી.

વર્ષોથી બંધ આ ઓરડો પણ એવી જ વસ્તુ છે , જ્યારે પણ આના દરવાજા ખુલશે ત્યારે એ વર્ષો પહેલાની ઘટના અને તમારા ચારેયની યાદ દરવાજા ખોલનાર ની આંખ સામે આવી જશે