Angat Diary - Vanchan Vaibhav in Gujarati Philosophy by Kamlesh K Joshi books and stories PDF | અંગત ડાયરી - વાંચન વૈભવ

અંગત ડાયરી - વાંચન વૈભવ

અંગત ડાયરી
============
શીર્ષક : વાંચન વૈભવ
લેખક : કમલેશ જોષી
ઓલ ઈઝ વેલ
વાંચન એ કળા અને વિજ્ઞાન બંને છે. જેના માં વાર્તાના પાત્રોની મન:સ્થિતિ (સ્ટેટ ઓફ માઈન્ડ) સાથે તાદાત્મ્યતા સાધવા ની કળા હોય એ જ વાંચન નો સાચો રસાસ્વાદ માણી શકે. વળી, ઘટના વાંચતી વખતે એ જે સમય ની કે સ્થળ ની છે એમાં જવાનું વિજ્ઞાન જો સમજાય તો જ વર્ણન નો સાચો અર્થ સમજી શકાય. ઘણાં એ પ્લસ પ્લસ ગ્રેડ ના વાચકો હોય છે, જે આ કળા અને વિજ્ઞાન થી છલોછલ ભરેલા હોય છે. (ભણેલાં જે) વાંચતા નથી અને વાંચી શકતાં નથી (એ અભણ) બંને સરખા છે.
બાળપણ માં મારી મોજમાં ખુબ વધારો કરવા સસલાઓ, હાથીઓ અને ચીકુમીકું જેવા કાચબા દેડકાઓ ને લઈ ‘ચંપક’, ‘ફૂલવાડી’ અને ‘ચક્રમ-ચંદન’ ના લેખકો દર રવિવારે આવી જતા. એ પછી આદરણીય ‘નગેન્દ્ર વિજય’ ના ‘સફારી’ મેગેઝીન ની આંગળી પકડી મેં જ્ઞાન વિજ્ઞાન ની સફર શરુ કરી. ‘યુદ્ધ ૭૧’, ‘ઇઝરાયેલ ની જાસુસી સંસ્થા મોસાદ ના કમાન્ડો મિશન્સ’, ‘જિંદગી જિંદગી’ થી શરુ કરી છેક પ્રાણી માનસ ને હસતાં રમતાં સમજાવતું ‘શેરખાન’ એકી બેઠકે વાંચવા પડે એવી લેખન સામગ્રી છે. આગળ ઉપર મારી વાંચન યાત્રા માં ચિત્રલેખા નો ઉમેરો થયો. વજુ કોટક ના ‘પ્રભાતના પુષ્પો’, ‘તારક મહેતા કા ઉલટા ચશ્માં’ થી શરુ કરી ‘એલચી’ સુધી ની વાનગીઓ ખુબ જ શુદ્ધ અને સ્વાદિષ્ટ લાગી. અભિયાન માં ભૂપત વડોદરિયાનું ‘પંચામૃત’ ખુબ ગમતું. ‘હોટ લાઈન’ માં વિક્રમ વકીલ, કિન્નર આચાર્ય અને સૌરભ શાહ ના વિચારો ‘ખુલ્લા પત્રો’, લેખો અને ‘સુરતી જોક’ થોડા ક્રાંતિકારી અને તીખા તમતમતા સાહિત્ય ની ઓળખ કરાવી ગયા.

પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજી ના વિચારો સ્વરૂપે ‘શ્રાદ્ધ’, ‘વાલ્મીકી રામાયણ’, ‘અધ: પતન ની બૌધિક મીમાંસા’ અને ‘ઉત્સવ દર્શન’ વાંચ્યા ત્યારે શાસ્ત્રો માં રહેલી વૈજ્ઞાનિકતા અને કૃતિશીલતા ની એક સાત્વિક દ્રષ્ટિ ખુલી. કાજલ ઓઝા વૈદ્ય નું ‘કૃષ્ણાયન’ એક બેઠકે જ વાંચવું પડ્યું એવું રસપ્રદ લાગ્યું. ઓશો રજનીશજી ના ‘મૈ મૃત્યુ સીખાતા હૂ’, ‘શિક્ષા મેં ક્રાંતિ’ અને ‘ગીતાજી પર ના પ્રવચનો’ ભીતર થી ઢંઢોળી ગયા. અશ્વિનીભટ્ટ ના ‘કમઠાણ’ , ‘કટિબંધ’, ‘આશકા માંડલ’, ‘લજ્જા સન્યાલ’ માં ઝીણવટભર્યા આબેહુબ વર્ણનો કરવા ની એમની આલેખન શૈલી ની મજા તો જે વાંચે, એ જ માણી શકે. દિવ્ય ભાસ્કર ની રસરંગ પૂર્તિમાં ગુણવંત શાહ ને વાંચવાનું વ્યસન થઇ ગયું હતું. ડો. શરદ ઠાકર દ્વારા થતું પ્રેમ નું વર્ણન યુવાની માં અજબ રોમાંચ અને રહસ્ય જન્માવતું. હરકિસન મહેતા ની ‘વંશ વારસ’, ‘લય પ્રલય’, ‘અંત આરંભ’, ‘પીળા રૂમાલ ની ગાંઠ’, ‘ચંબલ તારો અજંપો’, ‘જગ્ગા ડાકુ ના વેર ના વળામણા’ નવેય રસ નો અદ્ભુત અને અસામાન્ય અનુભવ કરાવી ગઈ. ઝવેરચંદ મેઘાણી નું લોક સાહિત્ય એટલે લોકગીતો અને લોકવાર્તાઓ નો ખજાનો. સૌરાષ્ટ્રની રસધાર ના એકેય ભાગ ની એકેય વાર્તા ભૂલાય તેમ નથી. તો કનૈયાલાલ માણેકલાલ મુનશી નું નામ તો ગુજરાતી સાહિત્ય માં આગવી રીતે લેવાય છે. દાયકાઓ સુધી ન ભૂલાતા પન્નાલાલ પટેલ ની માનવીની ભવાઇ અને મળેલા જીવ એક આગવી ઓળખ ઊભી કરી જાય છે.
મિત્રો, કેટકેટલાં લોકો ના આપણા પર ઉપકાર છે. કેટકેટલાં ના ખભ્ભે ચઢી ને આપણે જિંદગી ના અવનવા,રંગબેરંગી, જાજરમાન દ્રશ્યો માણીએ છીએ. આવડી વિરાટ ફૌજ નો વિચાર કરતા ભીતરે ‘વામન’ હોવા નો અહેસાસ થયો. ખેર, આજ ની કોમેન્ટ માં આપે વાંચેલી અને સૌએ વાંચવા જેવી કોઈ કૃતિ નું નામ સજેસ્ટ કરશો તો ગમશે.
હેપી સન્ડે, આવજો. (મિત્રો, આપની કમેન્ટ નો અમે આતુરતા થી ઈન્તેજાર કરીએ છીએ હોં...!)