Angarpath - 38 books and stories free download online pdf in Gujarati

અંગારપથ - ૩૮

અંગારપથ.

પ્રકરણ-૩૮.

પ્રવીણ પીઠડીયા.

“સર...” લોબોનો આસિસ્ટન્ટ થોડી જ વારમાં ફરીથી લોબો પાસે આવ્યો હતો પરંતુ તેના ચહેરા ઉપર કંઇક ખચકાટનાં ભાવો છવાયેલા હતા. તે આવીને એમ જ ઉભો રહ્યો. લોબોએ તેની સામે નજર કરી.

“શું છે, કંઇક બોલીશ કે પછી આમ જ મૂંડી ઢાળીને ઉભો રહિશ.” એક તો ઓલરેડી મોડું થઇ રહ્યું હતું એટલે તેનો પિત્તો સાતમા આસમાને હતો, તેમાં ઉપરથી આજે તેના માણસો પણ કોણ જાણે કેમ પણ સાવ વિચિત્ર રીતે જ વર્તી રહ્યાં હતા. લોબોને પોતાની ટીમ ઉપર ગર્વ હતો. તેમણે ઘણા ઓપરેશનો સાથે મળીને પાર પાડયા હતા પરંતુ આજે બધું અટવાતું હોય એવો માહોલ સર્જાયો હતો.

“સર, કોસ્ટગાર્ડ પાસે બોટ નથી.” તે બોલ્યો. લોબોનાં કપાળે સળ પડયાં.

“બોટ નથી મતલબ?” લોબોનાં અવાજમાં ભયંકર આઘાત હતો.

“તેમની પાસે એકસ્ટ્રા બોટો નથી. મેં ફોન કર્યો હતો. તેમનું કહેવું છે કે બધી જ બોટો રાઉન્ડ ઉપર છે.”

“અરે તો એ બોટોને પાછી બોલાવી લો. ઈમરજન્સી જેવી પણ કોઇ ચીજ હોય કે નહી!” લોબોનો અવાજ એકાએક જ ઉંચો થયો હતો અને તેમાં ભયંકર ક્રોધ ભળ્યો હતો. તેનું દિમાગ ફાટ-ફાટ થવા લાગ્યું. આ જબરી વિડંબના હતી. દેશની રક્ષાની જિમ્મેદારી જેટલી નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટની હતી એટલી જ કોસ્ટગાર્ડની પણ હતી. પરંતુ બન્ને ડિપાર્ટમેન્ટમાં એવા ઘણાં અફસરો હતા જેમને એકબીજા સાથે ક્યારેય ફાવતું નહી. સરકારી ડિપાર્ટમેન્ટોમાં આપસનો આવો ગજગ્રાહ કાયમી ઘર કરી ગયો હતો. સરકારી બાબુઓ માટે તેમનો અહંકાર મહત્વનો હતો એટલે ઘણી વખત આપસમાં ટકરાવ થતો જેના કારણે ક્યારેક ગંભીર પરિસ્થિતિ સર્જાતી.

“અત્યારે ડ્યૂટી પર કોણ છે? ફોન લગાવ તેને.”

“રાજીવ વર્મા છે. એક મિનિ,ટ હું ફોન લગાવું છું. તમે વાત કરી લો.” આસિસ્ટન્ટનાં જીવને નિરાંત થઇ. તેણે તાબડતોબ રાજીવ વર્માનો નંબર ડાયલ કર્યો અને ફોન સાહેબનાં હાથમાં પકડાવી દીધો. લોબો વર્માને સારી રીતે જાણતો હતો. વર્મા પચાસની ઉંમરે પહોંચવા આવેલો એક સાલસ અફસર હતો. તેમણે ઘણી વખત સાથે કામ કર્યું હતું. તે જાણતો હતો કે વર્મા બીજા અફસરો જેવો ખડ્ડૂસ નથી. તે હંમેશા સપોર્ટિવ રહેતો. વર્માનું નામ સાંભળીને તે થોડોક શાંત તો પડયો જ હતો. તેને આશા બંધાઈ કે જો વર્મા હશે તો તેનું કામ આસાન થઇ જશે. એ દરમ્યાન સામેથી ફોન ઉઠાવાયો હતો.

“હલ્લો વર્મા, લોબો હિયર. હું આ શું સાંભળું છું, કે ગોવાનાં કોસ્ટગાર્ડ પાસે બોટ્સની તંગી સર્જાઇ છે.” ન ચાહવા છતાં લોબો હળવા મૂડમાં આવી ગયો હતો.

“સોરી ડેરેન બચ્ચા. તારાં આસિસ્ટન્ટનો હમણાં જ ફોન આવ્યો હતો. બોટ્સ તો ઘણી છે પરંતુ આજે અચાનક એક મોક ડ્રિલનો પ્લાન ફાઈનલ થયો છે. હવે તું તો જાણે જ છે કે ઉપરી સાહેબો ક્યારે શું ઓર્ડર ’પાસ’ કરે એ કહેવાય નહી. બધી જ બોટ્સ અત્યારે તેમાં રોકાયેલી છે એટલે હાલ પૂરતાં તો તું કોઈ બીજી વ્યવસ્થા કરી લે એ જ બહેતર રહેશે. અમારા ભરોસે રહીશ તો નાહકનું તારું કામ અટવાશે.” વર્માએ ગજબનાક રીતે ઠંડકભર્યા અવાજે એક પ્રેકટીકલ ઉપાય સૂઝાવ્યો.

“ડેમ ઈટ.” લોબોએ વધું કંઇપણ સાંભળ્યા વગર ફોન કટ કરી નાંખ્યો. વર્મા કહેતો હોય ત્યારે વધું દલિલો કરવાનો અવકાશ બચતો નહી. તે ક્યારેય કોઇને અટવાડતો નહી એની લોબોને ખાતરી હતી. તે વિચારમાં પડયો. ’રેડ’ જમીન ઉપર પાડવાની હતી પરંતુ જો માલ લઇને આવનારાં માણસો સતર્ક થઇને સમુદ્રનાં રસ્તે ભાગવાની કોશિશ કરે તો તેમને રોકવા માટે બોટ્સ હોવી જરૂરી હતી જે તેમનો પીછો કરીને પકડી શકે. કમસેકમ એક બોટ મળી જાય તો પણ ઘણું હતું પરંતુ હવે એ શક્ય લાગતું નહોતું. કોઇ પ્રાઇવેટ બોટની વ્યવસ્થા કરવી પડે એમ હતી. વર્મા પણ એવું જ સજેશન આપતો હતો.

અને… એ કામ બહું આસાનીથી પત્યું હતું. તેના એક અંગત મિત્રની પ્રાઇવેટ બોટ મળી ગઇ. તેનો મિત્ર એ બોટને ચાર્ટર યાટ તરીકે ભાડે ફેરવતો હતો. આજે એ ડેરેન લોબોને કામ આવવાની હતી.

@@@

ત્રણ ખતરનાક ઘટનાઓ અલગ અલગ ત્રણ સ્થળોએ એકસાથે ઘટી રહી હતી. એ ત્રણેયનો આપસમાં કોઇ દેખીતો સંબંધ નહોતો છતાં એ ઘટનાઓનો ઓછાયો એકબીજા ઉપર પડયા વગર રહેવાનો નહોતો. એ બાબતની અત્યારે કોઇને ખબર નહોતી. એક તરફ ચારું અને પેટ્રીક રંગા ભાઉને મળીને બહાર નીકળ્યાં હતા તો બીજી તરફ અભિમન્યું ચોરલા ઘાટ વાળા રિસોર્ટે પહોંચ્યો હતો અને તેની પાછળ આમંડા પણ આવી હતી, તો ત્રીજી તરફ ડેરેન લોબો એક ’ટિપ’નાં આધારે ડ્રગ્સ માફિયાઓ ઉપર ત્રાટકવા તૈયાર થયો હતો. પરિસ્થિતિ ભયંકર રીતે નાટકિય વળાંક ધારણ કરી ચૂકી હતી. ગમે તે પળે ગમે તે થઇ શકે તેમ હતું. આ ઘટનાઓનો આખરી અંજામ શું આવશે એ આ ક્ષણે કોઇ કહી શકે તેમ નહોતું અને આ ઘટનાઓ સાથે સંકળાયેલા તમામ લોકો પોતે જ સર્જેલા ભયાનક ’અંગારપથ’ ઉપર ચાલી રહ્યાં હતા.

@@@

અને તેણે એક ભૂલ કરી નાંખી. સીસીટીવીમાં દેખાતાં રૂઆબદાર વ્યક્તિત્વનાં માલિક અભિમન્યુને જોઇને તેના મનમાં સહેજે શંકા ઉદભવી નહોતી કે આ માણસ તેના બોસનો દુશ્મન હોઇ શકે છે. જે લહેકામાં ફોન ઉપર અભિમન્યુ બોલ્યો હતો એ તેની લાઈનની ભાષા હતી એટલે તે ગફલત ખાઇ ગયો હતો. તેણે ટેબલ ઉપર પડેલું વોકીટોકી ઉઠાવ્યું અને રિસોર્ટની પાછળ આવેલા બીજા છેડે નંબર ઘૂમાવ્યો. બીજા છેડે પેલો જ વ્યક્તિ હતો જે હમણાં જ કાંબલેને જંગલમાં નાંખીને આવ્યો હતો. તેની પાવડાની ફણાં જેવી પહોળી હથેળીમાં વોકીટોકીનું ડબલું કોઇ નાનકડા રમકડા જેવું ભાસતું હતું.

“કોઈ અભિમન્યુ આવ્યો છે. કહે છે કે બોસને મળવું છે.”

“થોડીવાર ઉભો રાખ તેને.” કહીને તેણે ફોન કાપી નાંખ્યો. આ સંદેશો બોસને આપવાનો હતો. તેણે સ્વિમિંગ પૂલની ધારે મુકાયેલી આરામ ખુરશીમાં લાંબા થઇને સૂતેલાં બોસ તરફ નજર કરી. હમણાં જ એક વ્યક્તિને મારી નાંખ્યો હતો છતાં બોસનાં ચહેરા ઉપર કોઇ જ ફરક દેખાતો નહોતો. તે આરામથી આંખો બંધ કરીને સૂતો હતો. આ સમાચાર તેને દેવા કે નહી એ દુવિધામાં તે પડયો કારણ કે અત્યારે બોસને છંછેડવાનો મતલબ સામે ચાલીને મોતને ચેલેન્જ આપવા જેવું હતું. તેણે વોકીટોકી બંધ કર્યું અને ફરીથી સ્થિર બનીને ઉભો રહી ગયો.

આ તરફ પેલો માણસ યોગ્ય જવાબ ન મળવાથી દુવિધામાં મુકાયો. તેણે વોકીટોકી ટેબલ ઉપર મુકયું અને ફોનનું રિસિવર હાથમાં લીધું.

“તમે થોડીવાર ઉભા રહો. બોસ હમણાં તમને બોલાવશે.” તેને જે કહેવાયું હતું એ જ શબ્દો તેણે ફોન ઉપર અભિમન્યુને કહ્યાં અને ફોન મૂકયો. અભિમન્યુએ સાંભળ્યું અને હૈરતથી ફોનનાં રિસિવરને તાકી રહ્યો. તેની પાસે સમય નહોતો કે કોઇની રાહ જોઇ શકે. આજે તે એક ફૈસલો કરવા નિકળ્યો હતો. આર યા પારની લડાઇમાં એક એક સેકન્ડ મહત્વની હોય છે. તેણે લાઉન્જમાં નજર ઘૂમાવી. રિસેપ્શન ડેસ્ક ઉપર બેસેલાં યુવક સીવાય બીજું કોઇ અત્યારે દેખાતું નહોતું. તે આગળ વધ્યો અને લાઉન્જમાંથી કાચનો દરવાજો ધકેલીને અંદર રિસોર્ટમાં પ્રવેશ્યો. સામે જ સ્વિમિંગ પૂલ હતો.

વિશાળ સ્વિમિંગ પૂલમાં છલકાતાં બ્લ્યૂઈશ પાણી ઉપરથી સૂર્યનાં કિરણો પરાવર્તિત થઇને આંખોને આંજી દેતાં હતા. ત્યાં નંખાયેલી આરામ ખુરશીઓની છત્રી નીચે બે-ત્રણ અર્ધ નગ્ન લોકો આરામ ફરમાવતાં હતા. અભિમન્યુએ એક નજર એ તરફ નાંખી અને જે તરફ રૂમો હતી એ તરફ આગળ વધી ગયો.

પણ… તેની આ તમામ હરકતો સીસીટીવી કેમેરામાં કેદ થતી હતી. મોનિટર રૂમમાં બેસેલા પેલા બન્ને સિક્યુરિટિ ગાર્ડો એકાએક જ સતર્ક બન્યા હતા. બોસે આ વ્યક્તિને બહાર લાઉન્જમાં જ બેસવાનું કહ્યું હતું છતાં તે કોઈ ઘૂસપેઠિયાની જેમ અંદર દાખલ થયો હતો એનાથી મોનિટર રૂમમાં ઉત્તેજના ફેલાઇ ગઇ હતી. તે બન્ને એકાએક જ હરકતમાં આવ્યાં હતા.

“તું અહી જ રહેજે. હું તેને ચેક કરું છું.” પેલો ગઠ્ઠાદાર પહેલવાન જેવો વ્યક્તિ બોલ્યો અને હાથમાં વજનદાર લોખંડની રોડ લઇને બહાર સરક્યો.

@@@

બરાબર એ ક્ષણે જ આમંડાએ રિસેપ્શન લાઉંજમાં પગ મૂકયો હતો. જો માત્ર થોડી સેકન્ડો પહેલાં તે અંદર પ્રવેશી હોત તો જરૂર તેનો સામનો અભિમન્યુ સાથે થયો હોત. અને તો એક ભયંકર સંઘર્ષ સર્જાયો હોત. એ જબરી કટોકટીભરી ક્ષણ હતી પરંતુ એ ક્ષણ હાલ પૂરતી તો ટળી ગઇ હતી. અભિમન્યુ સ્વિમિંગ પુલથી જમણી બાજુ આવેલી રૂમો તરફ વળ્યો હતો એટલે તે લાઉન્જનાં કાચનાં દરવાજામાંથી દેખાતો બંધ થયો હતો અને આમંડા સીધી જ રિસેપ્શન કાઉન્ટરે પહોંચી હતી. કાઉન્ટર બોય પોતાની તરફ આવતી ખુબસૂરતીને આભો બનીને જોઇ રહ્યો. તે આમંડાને પણ ઓળખતો નહોતો. જોકે એમાં તેનો વાંક નહોતો. આમંડાને ભાગ્યે જ ક્યારેક રિસોર્ટમાં આવવાની જરૂર પડતી. મોટેભાગે તે ગોવામાં જ રહેતી. આજે ન ચાહવા છતાં તે અહી આવી હતી અને એ પણ ગભરાયેલી હતી. તેને ડગ્લાસની બીક હતી. જો ડગ્લાસ મુસીબતમાં ન હોત તો ક્યારેય અહી આવવાનું તેણે વિચાર્યું ન હોત. તેને તેની કિસ્મત અહી ખેંચી લાવી હતી.

આવનારાં સમયમાં શું થશે એ ક્યારેય કોઇ જાણી શકયું નથી. જો એ કોઇ જાણતું હોય તો એ ભગવાન તરીકે પૂજાતું હોત.

(ક્રમશઃ)

આપને આ કહાની કેવી લાગે છે? પ્લિઝ કોમેન્ટ જરૂર કરજો.

તમે મને પર્સનલમાં વોટ્સએપ પણ કરી શકો છો- ૯૦૯૯૨૭૮૨૭૮ પર.

શું તમે….

નો રીટર્ન.. નો રીટર્ન-૨.. નસીબ.. અંજામ.. નગર.. આંધી. આ નવલકથાઓ વાંચી છે? નહીં, તો રાહ કોની જૂઓ છો? આ તમામ જબરજસ્ત સસ્પેન્સ થ્રિલર નવલકથાઓ તમને કોઇ અલગ જ દુનિયામાં લઇ જશે.

તો જલ્દી ડાઉનલોડ કરો અને રહસ્યનાં મહાસાગરમાં ડૂબી જાઓ.

અને હાં, આ તમામ નવલકથાઓ પુસ્તક તરીકે પણ ઉપલબ્ધ છે. જો આપ મારી નવલકથાઓને આપની પર્સનલ લાઇબ્રેરીમાં વસાવવા માંગતાં હોવ તો મારા વોટ્સએપ નંબર પર કોન્ટેક કરવા વિનંતી. ધન્યવાદ.