Angat Diary - Jagran in Gujarati Philosophy by Kamlesh K Joshi books and stories PDF | અંગત ડાયરી - જાગરણ

અંગત ડાયરી - જાગરણ

અંગત ડાયરી
============
શીર્ષક : જાગરણ
લેખક : કમલેશ જોષી
ઓલ ઈઝ વેલ

રોજ સવારે મુંબઈગરા ટ્રેન પકડવા દોડતા હોય છે. ટ્રેનો કે બસો ભરી ભરી ને માણસો એક સ્થળે થી બીજા સ્થળે રોજ જતા હોય છે. મુસાફરી એ ઘણા ની જિંદગીનો એક હિસ્સો બની ગઈ હોય છે.

હું રોજ નું એંસી કિલોમીટર અપ ડાઉન કરું છું. ચાલીસ જવાના, ચાલીસ આવવાના. અપડાઉન ઘણું શીખવી જાય છે. રોજ એકાદ નવો અનુભવ એવો થાય જ, જે જિંદગી ને સમજવામાં મદદરૂપ બને. હમણાં એક કાકા ને કંડકટરે પૂછ્યું ‘કેટલી ટિકિટ આપું?’ કાકાએ કહ્યું ‘એક તો ઘણી થઇ રહેશે, એકલા માણસ ને કેટલી ટિકિટ જોઈએ?’ એ મજાક કરતા હતા. મને વાક્ય બહુ મોટું લાગ્યું. એક પોઝિટીવ થીંકર મિત્ર ને એક વખત સરકારી ભરતી અંગે વાત કરતા મેં કહ્યું ‘આખા ગુજરાત માં ખાલી 512 જ સીટ છે, એમાં ચાન્સ લાગે ખરો?’ એ કહે ‘આપણે તો એક જ જોઈએ છે, બાકી ની 511 ભલે બીજા લઇ જતા.’ હું તો છક જ થઇ ગયો. વાત તો સાચી હતી. આપણ ને તો એક જ સીટની જરૂર છે ને? એ એક મળી જાય એટલે જિંદગીની નિરાંત.

બસમાં બેસો અને લાંબી મુસાફરી હોય એટલે મુસાફરો વિવિધ મુદ્રા માં જોવા મળે. અમુક ઊંઘી ગયા હોય, અમુક શેરબજાર ની વાતે ચઢી જાય, અમુક બારી બહાર ઉગતો સૂર્ય, કેસરીયું આકાશ, દોડી જતાં લીલાંછમ ખેતરો જોવા માં મશગૂલ થઇ જાય, અમુક સંસારિક ખણખોદ શરુ કરી દે, અમુક રાજકારણ અંગે ગંભીર ડિબેટ કરવા માંડે અને અમુક ડ્રાઈવર ની બાજુમાં બેઠા બેઠા રસ્તો જોવામાં મશગૂલ થઇ જાય. સૂતા સૂતા જાઓ કે જાગતા જાગતા, મુસાફરી નો અંત તો આવી જ જાય, આપણે આપણી મંઝિલે પહોંચી જ જઈએ. જીવનની મુસાફરી પણ ઘણાં જાગૃતિપૂર્વક માણતાં હોય છે અને ઘણાં અર્ધજાગૃત કે બેહોશ જિંદગી જીવ્યે જતાં હોય છે.

દોડ્યે જતી બસમાં ઊંઘી જવા ની છૂટ બધાને છે પણ ડ્રાઈવર ને નહિ. જેણે જવાબદારી સ્વીકારી છે એ ઊંઘી શકતા નથી. પરિવારના મોભી, સમાજના સંતો આવા જવાબદારો છે. એમણે ઊંઘવાનું નથી કે એમણે થાકવાનું યે નથી. જો તેઓ ઊંઘી ગયા તો આખી બસ, આખો પરિવાર, આખો સમાજ ઊંડી ખીણમાં ધકેલાઈ જવા ની સંભાવના રહે છે. જેમણે આવી જવાદારી ઉપાડી અને જાગતાં રહ્યાં તેમને આજના દિવસે સો સો સેલ્યુટ..

‘ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી વણથંભ્યા રહો.’ સ્વામી વિવેકાનંદજી ની આ ટેગ લાઈન ૧૨મી જાન્યુઆરી, એટલે કે સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતી, નિમિતે યાદ આવી. કેમ ઉઠવું, જાગવું એનો રસ્તો ચીંધતો કૃષ્ણ કાનુડો શ્રીમદ્ ભગવદ્ ગીતાનો ‘ગુગલ મેપ’ લઇ સમગ્ર માનવ જાત સમક્ષ મીટ માંડી ઊભો છે.

જે દિવસે ધોળા માથા ની બદલે કાળા માથા નો અને છેલ્લા બે દાંત ને બદલે બત્રીસેય ઓરીજનલ દાંત વાળો, ધસમસતો નવયુવાન શ્રીમદ્ ભગવદ્ ગીતાને દિલો-જીગરથી ચાહવાનું શરુ કરશે તે દિવસે આખી ધરતી ગોકુળિયું ગામ બની જશે. ‘કૈસે બતાયે કયું તુમ્હે ચાહે’ ગીતના શબ્દે-શબ્દને જેટલી ઉત્કટતા, ઊંડાણ અને અહેસાસ સાથે ગાઈ રહ્યો છે એટલી જ ત્વરાથી જયારે એ ‘કર્મણ્યેવાધિકારસ્તે’ શ્લોક બોલશે ત્યારે પૃથ્વી ઉપર સાક્ષાત સ્વર્ગ ઉતરી આવશે – લખી રાખજો.

શિકાગો ની ધર્મપરિષદ માં ભારત ના નામ નો ડંકો વગાડનાર સ્વામી વિવેકાનંદજીનું એકાદ પુસ્તક આ અઠવાડિયા દરમિયાન વાંચી એમનું વિચાર અમૃત પી, ભીતરી ‘જાગરણ’નો પ્રયાસ કરીએ તો કેવું?
હેપી સન્ડે, આવજો. (મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હોં...!)

Rate & Review

Hetal Togadiya

Hetal Togadiya 1 year ago

Kamlesh K Joshi

Kamlesh K Joshi Matrubharti Verified 2 years ago

Mayank

Mayank 2 years ago

Aakib

Aakib 2 years ago

Dr. Ranjan Joshi

Dr. Ranjan Joshi Matrubharti Verified 2 years ago