Aamun : egypshiyan Krushn - 2 books and stories free download online pdf in Gujarati

આમુન : ઇજિપ્શીયન કૃષ્ણ! - 2

ઓપેટ ફેસ્ટિવલ : ઇજિપ્શિયન કૃષ્ણની રથયાત્રા!

(ભાગ-૨)

(ગતાંકથી ચાલુ)

‘બૌલક’ નામે હસ્તલિખિત પ્રતમાં ઇજિપ્તમાં ઉજવાતાં ‘ઓપેટ ફેસ્ટિવલ’નો ઉલ્લેખ છે. જે કર્નાકમાં ઉજવાય છે. આમુન, તેની પત્ની મટ અને પુત્ર ખોંસુને પવિત્ર હોડીમાં બેસાડીને ભક્તો એમની કબર તરફ લઈ જવામાં આવે છે, જે લક્ષોર અને કર્નાકનાં મંદિરોથી લગભગ ૨ માઇલનાં અંતરે આવેલી છે! ભક્તોનું ટોળું લક્ષોર મંદિર પહોંચતાની સાથે જ અમુક ખાસ પ્રકારની વિધિ-વિધાનનું અનુસરણ કરે છે. (લક્ષોર મંદિરની દિવાલો પર આ તહેવારનું બહુ જ સુંદર ચિત્રાત્મક વર્ણન જોવા મળે છે.) આમુન, મટ અને ખોંસુની મૂર્તિઓને સ્થાનિક વિધિ અનુસાર સ્નાનાદિ કરાવી સુંદર વસ્ત્રાભૂષણો પહેરાવીને તૈયાર કરવામાં આવે છે. જેની પૂર્ણાહુતિ પર ત્રણેય ઇજિપ્શિયન મૂર્તિઓને ફરી હોડીમાં મૂકી પૂજારીઓ દ્વારા એમની પૂજા-અર્ચના થાય છે! સંગીતવાદકોનાં વાદ્યોમાંથી સુમધુર સંગીત રેલાવાનું શરૂ થાય છે. તહેવારમાં જોડાયેલા તમામ ભક્તજનો આનંદ-પ્રમોદથી તાળી વગાડી નૃત્ય-ગાયનનો લુફ્ત ઉઠાવે છે.

નોંધવા જેવી બાબત એ છે કે, આમુન-મટ અને ખોંસુને લક્ષોર સુધી લઈ જનારા રથ સાથે ઘોડા જોતરવામાં આવે છે, જેનો શણગાર ખૂબ સુંદર રીતે થયો હોય! શ્રદ્ધાળુઓ પોતાનાં દેવને ભાવતાં ભોજન ધરાવે છે. લક્ષોર મંદિર પહોંચતાની સાથે જ ત્યાંના ફેરોમાં પોતાનાં દેવ આમુનની શક્તિઓ આવે એ માટે વિશેષ પ્રાર્થના થાય છે. ત્યારબાદ આમુન તથા તેનાં પરિવારની મૂર્તિને થોડા સમય માટે ત્યાં મંદિરમાં જ રહેવા દેવાય છે. પછી તેને નાઇલ નદીની પાસે આવેલા કર્નાક મંદિર સુધી પહોંચાડવાની રીતિનો આરંભ થાય છે. સામાન્ય રીતે પહેલાનાં સમયમાં ઓપેટ ફેસ્ટિવલ લગભગ ૧૧ દિવસો સુધી ઉજવાતો હતો, જ્યારે હવે તેની સમયમર્યાદા વધારીને ૨૫ થી ૨૭ દિવસની કરી દેવાઈ છે.

ઇજિપ્તનાં ઓપેટ ફેસ્ટિવલનું વર્ણન તો તમે વાંચ્યુ પરંતુ આપણે ત્યાં પુરી-જગન્નાથમાં દર વર્ષે ઉજવાતી રથ યાત્રા અંગે તમને કેટલીક જાણ છે? ઓરિસ્સાનાં પુરીમાં યોજાતી આ રથ યાત્રામાં ભગવાન કૃષ્ણને (જગન્નાથ) તેમની બહેન સુભદ્રા અને ભાઈ બલરામની સાથે પવિત્ર રથમાં બેસાડીને જગન્નાથ મંદિરથી ગુંડિચા મંદિર સુધીની યાત્રા કરાવવામાં આવે છે. ઓપેટ ફેસ્ટિવલ અને રથ યાત્રા વચ્ચેનો એકમાત્ર ફરક એ છે કે, અહીં ભગવાન જગન્નાથનાં રથને ઘોડા નહીં પરંતુ એમનાં ભક્તો દ્વારા લઈ જવામાં આવે છે. બે મંદિરો વચ્ચેનું અંતર બે કિલોમીટર જેટલું છે. ઓપેટ ફેસ્ટિવલની માફક અહીં પણ ખૂબ ધામધૂમ અને જાહોજલાલી સાથે ભગવાનની રથયાત્રા કાઢવામાં આવે છે. મંત્રોચ્ચાર, સંગીત, નૃત્ય અને પ્રાર્થનાનાં પવિત્ર માહોલમાં ભક્તો પોતાનાં પ્રભુની આરાધના કરે છે.

પૌરાણિક માન્યતાનુસાર, ભગવાન જગન્નાથનાં રથને ખેંચીને લઈ જનાર ભક્તનાં સઘળા પાપનો નાશ થાય છે. ગુંડિચા મંદિર પહોંચ્યા બાદ ભગવાન અને તેમનો પરિવાર સાત દિવસ સુધી ત્યા જ રહે છે. ત્યારબાદ એમને ફરી જગન્નાથ મંદિર ભણી લઈ જવાની યાત્રા શરૂ થાય છે. સમગ્ર ઉત્સવનો સમયગાળો લગભગ ૨૫-૨૬ દિવસનો રહે છે (બિલ્કુલ ઓપેટ ફેસ્ટિવલની માફક)!

ધર્મનાં અભ્યાસુ વ્યક્તિને ખ્યાલ હશે કે શ્રીકૃષ્ણનાં ભાઈ બલરામને અનંત શેષનાગનો અવતાર માનવામાં આવે છે. ક્ષીરસાગરમાં નિદ્રાધિન થયેલા ભગવાન વિષ્ણુનાં છત્ર એવા ભગવાન શેષનાગ પ્રભુનાં કૃષ્ણાવતારમાં સતત એમની સાથે રહ્યા! બીજી બાજુ, કર્નાકનાં મંદિરમાં પણ આમુનનાં દીકરા ખોંસુને સર્પ (ધ ગ્રેટ સ્નેક : વિશ્વનાં નિર્માણ દરમિયાન ઉપયોગમાં લેવાનાર કોસ્મિક ઇંડાને સેવનાર) તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે. આમુનની પત્ની મટને જગતમાતા તરીકે સ્વીકારાઈ છે. આપણે ત્યાં હિંદુ વેદ-પુરાણોમાં સુભદ્રાને જગતમાતા દુર્ગાનું જ સ્વરૂપ માનવામાં આવે છે.

વેદનાં અભ્યાસુઓનાં મતાનુસાર, ઇજિપ્તનાં ઓપેટ ફેસ્ટિવલની સરખામણીમાં આપણે ત્યાં ઉજવાતી રથ યાત્રાનો ઇતિહાસ કેટલીય સદીઓ જૂનો છે! બારમી સદી (ઇ.સ. ૧૨૦૦)નાં સમયનાં જગન્નાથ મંદિરમાં નિર્માણ પહેલા પણ રથયાત્રા ઉજવાતી હોવાની માન્યતા છે. એવું કહેવામાં આવે છે કે નવા જગન્નાથ મંદિર બન્યા પહેલા ત્યાં ભગવાન વિષ્ણુનું એક નાનકડું મંદિર હતું, જ્યાંથી રથયાત્રાનો આરંભ થતો હોવાનું વર્ણન છે. ભગવાન જગન્નાથની તમામ મૂર્તિઓને લીમડાનાં વૃક્ષનાં લાકડામાંથી બનાવવામાં આવે છે. જેમની ઉંચાઈ અઢીથી ત્રણ મીટર જેટલી રાખવામાં આવે છે. સુંદર વસ્ત્રાભૂષણોથી સુસજ્જ ત્રણેય મૂર્તિઓ (ભગવાન જગન્નાથ, સુભદ્રા અને બલરામ)ને ભક્તો અત્યંત આદરભાવપૂર્વક નમન કરે છે. કેટલાક જૂના સંસ્કૃત સાહિત્યોમાંથી એવી વાત મળી છે કે, ભગવાન વિષ્ણુને છત્ર પ્રદાન કરનાર શેષનાગને માતા લક્ષ્મી પુત્ર તરીકેનો પ્રેમ આપે છે. (ઇજિપ્શિયન સંસ્કૃતિમાં પણ ખોંસુને મટનો પુત્ર જ માનવામાં આવે છે ને!) અગર બલરામને આપણે શેષનાગ તથા સુભદ્રાને લક્ષ્મીનું સ્વરૂપ માનતાં હોઇએ તો અહીં પણ મટ-ખોંસુની માફક માતા-પુત્રનો સંબંધ હોવાનું પ્રસ્થાપિત થાય છે.

સ્કંદ પુરાણ અનુસાર, સર્વપ્રથમ જગન્નાથ મંદિર ૧૦,૯૦૦ ઇસુ પૂર્વેમાં નિર્માણ પામ્યું હતું. પાંડવોએ પણ ચાર ધામોમાંના એક એવા આ પુરીમાં વસવાટ કર્યો હોવાની કથા છે! કેટલાક ઇતિહાસવિદ્દોએ લક્ષોર અને કર્નાકનાં ઇજિપ્શિયન મંદિરોનાં અભ્યાસ કર્યા બાદ એમને હિંદુ સંસ્કૃતિ સાથે સાંકળ્યા છે! ઇજિપ્ટોલોજીસ્ટ આર.એ.સ્ક્વોલ્લર દે’ લુબિક્ઝનાં ૧૫ વર્ષનાં રિસર્ચ પરથી તારણો કાઢવામાં આવ્યા કે લક્ષોર તથા કર્નાક મંદિરોનાં કેટલીક જગ્યાઓ એવી છે જેનો સીધો સંબંધ માણસનાં સાત ઉર્જા-ચક્ર સાથે છે! ત્યાં બેસીને ધ્યાન ધરવાથી સાત ઉર્જા ચક્રોમાંની શક્તિને જાગ્રત કરવી સંભવ છે!

અહીં એક પ્રશ્ન થવો સાવ સ્વાભાવિક છે કે, ભગવાન જગન્નાથની રથયાત્રા ઇજિપ્તમાં ઓપેટ ફેસ્ટિવલનાં સ્વરૂપમાં કેવી રીતે શક્ય બની શકે? રથ યાત્રાનાં રીતિરિવાજો આખરે ત્યાં સુધી પહોંચ્યા કેવી રીતે? સરળ જવાબ છે. જૂના સમયમાં કોટ્ટન, હાથીદાંત, લોખંડ, સોનુ, મસાલા વગેરે જેવી જીવનજરૂરિયાતની ચીજોનું આદાન-પ્રદાન થતું જ! જે સર્વવિદિત બાબત છે. પહેલાનાં સમયનું ભારત તો અત્યાર કરતાં ઘણું વિસ્તરેલું હતું. પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઇરાન, ઇરાક, મ્યાનમાર, ઇન્ડોનેશિયા, થાઇલેંડ સહિતની ૧૨ લાખ સ્ક્વેર કિલોમીટરની ધરતી ભારતવર્ષ ગણાતી. તો શું એ શક્ય નથી કે આવી જ રીતે બે સંસ્કૃતિ, બે સભ્યતા, બે પૌરાણિક કથાઓ અને એમાંના રીતિરિવાજોનું પણ આદાન-પ્રદાન થયું હોય? ઇજિપ્શિયન સભ્યતાને ધ્યાનપૂર્વક જોશો તો સમજાશે કે ઘણી ખરી બાબતો હિંદુ ધર્મને મળતી આવે છે. સરસ્વતી નદીનાં સૂકાઈ જવા પર ઘણી મોટી માનવસંખ્યાને સ્થળાંતર કરવું પડ્યું હતું. નાઇલ નદીને કિનારે વસી રહેલી ઇજિપ્શિયન પ્રજા પણ આમાંની એક તો નથી ને!?

(સમાપ્ત)

bhattparakh@yahoo.com