SAAHASMA HASAHAS books and stories free download online pdf in Gujarati

સાહસમાં હસાહસ

સાહસમાં હસાહસ...!

જીવદયાની બાબતે મારી વાઈફે, ક્યારેય જાહેરમાં ફરિયાદ કરી નથી. પ્રસંશાની તો વાત જ નહિ. પાડોશણ કદાચ પ્રસંશા કરતી હોય, પણ એના માર્કસ ગણતરીમાં લે કોણ..? વળી હું શાકાહારી છું, એવું કહેવાની પણ હિમત નથી. કેમ કે વાઈફનું લોહી તો પીધું જ હોય..! જીવદયાનો આગ્રહી હોવાને કારણે જ, ક્યારેય પ્રાણીઓ ઉપર તો ઠીક, પક્ષીઓ ઉપર પણ સવારી કરી નથી...! નાનો હતો ત્યારે, દાદાજીની લાકડી લઈને ઘોડો ઘોડો રમ્યો હશે. ઇવન.. પૈણવા ગયો ત્યારે ઘોડો તો શું, ઉદરડુંનો પણ ઉપયોગ કર્યો નથી. કોઈએ કદાચ ઘોડા ઉપર સવારી કરવા આગ્રહ કર્યો હશે તો પણ, ક્યાં તો મેં ના પાડી છે, ક્યાં તો સવારી કરવા આણેલું ઘોડું આડું ફાટ્યું હોય...! ઘોડાઓ ભણેલા ના હોય તો શું..? દયાવાન તો હોય. મને જોઇને જ ઘોડાને થયું હશે કે, ‘ભોંચું..નાહકનો મારા કારણે મરવાનો થયો લાગે છે..?’ ખંખેરી જો નાંખીશ તો હાડકાં ભેગાં કરતો થઇ જશે..!’ મારી ૫૬ ની છાતી ને ફૂલેલા બાવડાં જોઇને ભલે હું કોઈને પ્રતાપી માણસ લાગતો હોઈશ, બાકી ઘોડે ચઢીને સવારી કરવા માટે રાણા પ્રતાપ જેટલો પ્રતાપી હું નહિ. ક્યાં મારા વહાલાં રાણા પ્રતાપ ને ક્યાં આપણા જેવાં ઘોંસુના સંતાપ..? નમુના પૂરતા પણ લખ્ખણ નહિ...! જો કે, બે-એક વાર ઘોડે ચઢવાના સાહસ તો કરેલા, પણ ઘોડાએ એવો ખંખેરી નાંખેલો કે, મને ભાનમાં લાવવા ઘોડો પણ નહિ ઉભો રહેલો. આજે પણ કેલેન્ડરમાં જોયા વગર કહી શકું કે, હાલ કઈ ઋતુ ચાલે છે ? શિયાળો ચાલે છે કે ઉનાળો...! હજી શરીર કણસે છે બોલ્લો..! એમાંને એમાં હું સંપૂર્ણ આસ્તિક બની ગયો. શરીર દુખે ત્યારે દિવસમાં દશવાર ઘોડાને ને ભગવાનને યાદ કરું..!

બુદ્ધિને ધરતીકંપ આવે ત્યારે, ભણેલા કે અભણના લેખાં-જોખા થતાં નથી. આપણી પાસે બારેય જ્યોતિર્લીંગના દર્શન કર્યાનો પુરાવો હોય, તો પણ એકેય ભોળિયો પૂછવા નહિ આવે કે, ‘વ્હોટ કેન આઈ ડુ ફોર યુ..?’ આ બુદ્ધિ ભલે દેખાતી નહિ હોય, પણ અંદર બેઠી-બેઠી એવી સળી કરે કે, ક્યારેક તો ધોળા દિવસે પણ તારા બતાવી દે..! એના પરચા અપરંપાર હોય..! એ બગડી ત્યારે દેવદર્શન કરીને મેળવેલા બધાં જ પુણ્યોને પાણીચું પકડાવી દે. આપણા ચોઘડિયા આપણે જ સાચવવાના..! ભગવાન પણ ભાગી જાય. ને મૂળ વાત તો એ છે કે, ભગવાન કંઈ ચોકીદાર થોડાં છે કે, આપણી બુદ્ધિની ચોકી કરવા માટે ૨૪ કલાક આપણા આપણા બંગલે ચોંટીને ટીંગાયેલા રહે..! કવિ નરસિંહ મહેતાનું કહેલું પણ માનવું પડે મામૂ કે, ‘આપણે આપણા ધર્મ સંભાળવા, કર્મના ફળ તો કર્મ લેશે...!’ ઓહહ મા....! હજી શરીર ટણકે છે..!

ભાગ્ય જો સીધી લીટીમાં ભાગતું હોય ને, તો બહુ એક્સીલેટર દબાવવું જ નહિ/ બુદ્ધિને બહુ બેફામ નહિ થવા દેવાની. રસવૃત્તિ ઉપર બ્રેકની લગામ જ રાખવાની. મારી શું મતિ બગડી કે, કચ્છના પ્રવાસે ગયો ત્યારે મને, ઊંટની સવારી કરવાની તાલાવેલી જાગી. સાલી માણસની ઈચ્છાઓ પણ ખરજવા જેવી હોય. જેમ જુની થાય તેમ એમાં નિખાર બહુ આવે, ને ઉભરે પણ વધારે. થયેલું એવું કે, લગન વખતે ઘોડાઓને હું ગરીબીની રેખા નીચેનો (બીપીએલ) વરરાજો લાગેલો. મારા કરતાં, ઘોડાનો ભાવ ઉંચો હતો. એટલે વરઘોડો કાઢવાનું માંડવાળ કરીને મેં વર-ગાલ્લુમાં જાન કાઢેલી.. ફાયદો એટલો જ થયેલો કે, વાજાવાળાની જરૂર નહિ પડેલી. બળદિયાઓએ જ એવાં ઊંચા ગજાના ઘૂઘરા ચઢાવેલા કે, વાજાવાળાની ખોટ સાલી જ નહિ. ઈચ્છાઓનું તો એવું છે ને દાદૂ, જેમ નારાયણ સરોવર જોઇને પિતૃ તર્પણ કરવાનું મન થાય, એમ, કચ્છના ઊંટડાઓ જોઇને મન સાલું એવું ચલિત થઇ ગયું કે, કચ્છના માંડવીના દરિયા કિનારે ઊંટની સવારી કરવાની મને ઉપડી. મને થયું કે, કચ્છ આવ્યો જ છું તો, મારી જૂની ઈચ્છાઓને ટાઢી કરી દઉં. ઘોડું હોય કે ઊંટડુ આપણે તો સવારી જ કરવાની ને..? આપણે ક્યાં એની સાથે ભવ માંડવાના છે..? ને કચ્છ માંડવીના બીચ ઉપર કન્યા શોધવા નીકળ્યો હોય એમ, એક પછી એક ઊંટના મોડેલ જોવા માંડ્યા. એક ઊંટ ધારકે તો, શાદી દોટ કોમની માફક ઊંટોના મોડલનું આખું આલ્બમ બતાવ્યું. એમાંથી એક ઊંટ મને ગમ્યું, પણ ઊંટે મને રીજેક્ટ કરી દીધો. એ ઊંટને મારામાં ૧૮ ને બદલે ૨૮ વાંકા દેખાયા. બીજા ઊંટવાળાને સવારીનો ભાવ પૂછ્યો તો, એના ભાવ ઊંટની ઊંચાઈ કરતાં પણ વધારે ઊંચા..! માંડ એક ઊંટડુ તૈયાર થયું. પણ એના માલિકે પહેલાં મારી સામે જોયું પછી ઊંટ સામે જોયું, ને ઘરાર ના પાડી દીધી. મને કહે, “અમે, માત્ર માણસની સવારી લઈએ, ઊંટ ઉપર ઊંટને બેસાડતાં નથી...! એના કપાળમાં કાંદા ફોડું..! મારી સુરતી ભાષાને મેં જેમ તેમ લગામ લગાવી. સુરતી ભાષાના વેણ એટલે નહિ વાપર્યા, કેમ કે મારે સારી હાલતમાં પાછું વલસાડ જવાનું હતું..! એ તો સારું થયું કે, મારો ઈરાદો તો વાઈફ સાથે ઊંટ સવારીની સહેલગાહ કરવાનો હતો. મને ઊંટ કહ્યો એમ પેલીને જો ગેંડી કહી હોત તો તો ખલ્લાસ..! કચ્છનો પ્રવાસ ત્યાં જ પૂરો થઇ જાત.! જેસલ તોરલ જેવી સમાધી માંડવીના બીચમાં ઉભી થઇ જાત. કોલંબસની જેમ રઝળપાટ કર્યા પછી, માંડ એક ઊંટવાળો ઉદાર મળ્યો, પણ એનું ઊંટ ઉધાર નીકળ્યું. જે વાઈફને મેં ૪૮ વર્ષ સાચવી, ઊંટ એને ૪૮ સેકંડમાં ઓળખી ગયું. કે આને બહુ માથે ચઢાવવા જેવી નથી. છતાં ઊંટ માલિકને વફાદાર હોવાથી માથે તો ચઢાવી, પણ વાઈફને સાચવી ના શક્યું...! કાચી સેકન્ડે એને ખંખેરી ને મારી સંયુક્તા હરણ જેવી મઝા લુંટવાની મુરાદ ઊંટે ભાંગી નાંખી...!

એક કવિએ કહ્યું છે ને કે,

દરેક વખતે દ્રાક્ષ ખાટી નથી હોતી

ક્યારેક તો જીભ પણ તુરી હોય છે

લીમડાના પાન મેં પણ ચાવ્યા છે

માણસ કરતાં મને મીઠાં લાગ્યા છેન

ઈચ્છાઓ કોઈની અધુરી નથી રહેતી, ને છેલ્લા શ્વાસ સુધી પૂરી નથી થતી. રાનુ મંડલ જેવી પ્લેટફોર્મ સિંગર જો સ્ટાર પ્લેબેક સિંગર બની શકતી હોય તો, આપણો કેસ તો સાવ મામુલી કહેવાય..! ઈશ્વરની કૃપા એવી અપરંપાર નીકળી કે, એક ઊંટડુએ પાછળથી આવીને મારી પીઠ ચાટવા માંડી. મને વ્હાલ કરીને સીધી અપીલ જ કરી, કે ચઢ જા બેટા સૂળી પે, મૈ હૂ ના..? બે ઘડી તો એમ જ લાગ્યું કે, આ ઉટડુ નથી પણ દેવદૂત છે. નક્કી ગયા જનમમાં એ ‘હાસ્ય-કલાકાર’ હોવું જોઈએ. એ વિના મને એ ઓળખીને વ્હાલ નહિ કરે..! મેં ઊંટના મોઢાં તરફ જોયું તો, દાંત બતાવીને હસતું હતું. એના એક-એક દાંતમાંથી મારા ચાર-ચાર દાંત બને એટલા વિશાળ હતાં. જાણે મને એના ય્પર ચઢાવવાને બદલે મને ખાવાનો હોય એવું લાગ્યું. એકવાર તો એવી શંકા પણ ગઈ, કે મને ખાંધે ચઢાવીને ગયા જનમની કોઈ ઘૃષ્ટતાનો બદલો લેવા તો નથી આવ્યું ને..? પણ સવારી કર્યા વગર અનુમાન બાંધી લેવું, એના કરતાં સવારી કરીને હાર માની લેવી સારી. ને થયું પણ એવું જ, જેવી સવારી કરવા ગયો ને, ઊંટે તત્કાળ મને ખંખેરી નાંખ્યો..! એક સમર્થ કલાકારને સ્ટેજ ઉપરથી ધક્કો મારીને કોઈ ઉતારી દે, એટલો આઘાત લાગ્યો. પણ કરું શું..? હું રહ્યો સુરતી ને ઊંટ રહ્યું કચ્છી..! કચ્છી ભાષા સિવાય, બીજી કોઈ ભાષા ઊંટ સમજે નહિ. મારો આર્ટીસ્ટ કે આઈડેન્ટી કાર્ડ બતાવવાનો પણ કોઈ અર્થ નહિ. કારણ ઊંટડાઓ થોડા ભણેલા હોય..? આ વાતને ૧૦ દિવસ થયાં, હજી મીઠાના શેક કરું છું. વાઈફે તો સંભળાવ્યું પણ ખરું કે, “ઘોડે બેસીને પૈણવા આવનારા વર તો બહાદુર હોય, તમારા જેવા પોમલા નહિ કે, જેને ઊંટડે બેસતાં પણ નહિ આવડે...! મીઠાના રણમાંથી થોડુક મીઠું લાવ્યા હોત તો, અત્યારે શેક કરવા તો કામ આવ્યું હોત...!” ત્યારે મને ખબર પડી કે, ઊંટની સવારી કરવી એ કોઈ ખાવાના ખેલ નથી, મર્દાનગીના ખેલ છે. હજી આજે પણ મને સ્વ્પ્નામાં ઊંટ દેખાય છે દાદૂ...!

---------------------------------------------------------------------------------------------------------------------------------