Shikar - 31 books and stories free download online pdf in Gujarati

શિકાર : પ્રકરણ 31

આશ્રમમાં દર્શનને નિધિ સાથે સાંજે વાત કરતો જોયા પછી અજય મહારાજે એના બે માણસોને બોલાવ્યા હતા.

"રાઇન્સ, માર્શલ તમે બંને હવે દર્શનનું કામ ઝડપથી આટોપી લો."

"જી મહારાજ." બંને વિદેશીઓ બોલ્યા.

"વિજયી ભવ." તેજસ્વી સ્વરે અજય મહારાજે કહ્યું ત્યારે એ અવાજમાં મૂળ અમેરિકાના પણ ઇન્ડિયામાં આવીને મોટા પાયે હ્યુમન બોડી પાર્ટ્સ અમેરિકા પહોંચાડતા રાઇન્સ અને માર્શલ બને જણે હિન્દૂ હોય એમ ગરદન ઝુકાવી હતી.

બરાબર એ જ સમયે ચંદ્રાદેવીએ અજય મહારાજનો દરવાજો ખખડાવ્યો હતો. તરત રાઇન્સ અને માર્શલ તિજોરીના પરદા પાછળ લપાઈ ગયા. અજય મહારાજે દરવાજો ખોલ્યો પણ ચંદ્રા અંદર અવવાને બદલે બહારથી જ બોલી હતી. એણીએ કહ્યું હતું કે આચાર્યની તબિયત સારી નથી. તમને આચાર્યએ બોલાવ્યા છે.

તરત જવાબ વાળીને અજય મહારાજે કહ્યું હતું તમે જાઓ હું આવું છું કહીને દરવાજો બંધ કર્યો હતો. અને પેલા બંનેને ફરી સૂચના આપીને બહાર નીકળી ગયા હતા.

એ પછી રાઇન્સ અને માર્શલે દર્શન ઉપર નજર રાખી હતી. રાત્રે જ્યારે દર્શન નીકળ્યો ત્યારે જ એમણે દર્શનનો પીછો કર્યો હતો પણ નિધિના કમરામાં લાઈટો બળતી હતી એટલે એ લોકો થોડીવાર છુપાઈ રહ્યા હતા. એમને ખબર ન હતી કે નિધિ એને મળવા આવવાની છે.

જ્યારે નિધિ દર્શન પાસે પહોંચી ત્યારે એણીએ કમરાની લાઈટો બંધ કરી હતી એટલે હાર બંધ ચણેલી રૂમસની બીજી તરફ સંતાયેલા રાઇન્સ અને માર્શલને લાગ્યું કે હવે એ સુઈ ગઈ હશે. એટલે એ લોકો ધીરેથી આશ્રમનું એક ચક્કર મારવા ગયા હતાં ત્યારે નિધિ દર્શન પાસે આવી ગઈ હતી.

જ્યારે દર્શન સાથે એની વાતો ચાલતી હતી ત્યારે પેલા પરત ફર્યા હતા. નિધિની રૂમની લાઈટ પણ બંધ થઈ ગઈ હતી એટલે એ લોકોએ ગન કાઢી હતી. દર્શને અને નિધીએ એમના હાથમાં ગન જોઈને આ તરફ સરકવાનું શરૂ કર્યું હતું. અંધારામાં એ લોકોએ દર્શનને કે નિધીને જોયો ન હતો એમને એટલી જ ખબર હતી કે દર્શન અહીં ઓરડી પાછળ આવ્યો છે.

બરાબર એ જ સમયે બિલ્ડીંગમાં હોબાળો થયો એટલે રાઇન્સ અને માર્શલને થયું કે ચોક્કસ નિધિ કે કોઈ બીજું એમને ગન સાથે જોઈ ગયું છે એટલે રાડારાડ કરી છે. પરિણામે રાઇન્સ ગન લઈને બિલ્ડીંગના પાછળના ભાગે ભાગ્યો અને માર્શલ બિલ્ડીંગ તરફ. ચોકીયાત પણ અચાનક થયેલી રાડારાડથી ચમકીને એ તરફ ભાગ્યો ત્યારે દર્શન અને નિધીને મોકો મળી ગયો અને ગેટ બહાર નીકળી ગયા.

રાડારાડ કેમ થઈ છે એ જાણવાનો એમને હવે રસ ન હતો અરે ઓડીની ચાવી લેવાની પણ હિંમત ન હતી.

પણ અજય મહારાજને દેવી બોલાવી લાવ્યા એ પછી લગભગ બે કલાકે આચાર્ય ચીર નિંદ્રામાં પોઢી ગયા હતા. એથી ચંદ્રાએ ભયાનક ચીસ પાડીને આક્રંદ શરૂ કર્યું હતું. બરાબર એ જ સમયે રાઇન્સ અને માર્શલ તેમજ પેલો ચોકીયાત ભડકયા હતા અને નિધિ અને દર્શનને કિસ્મતે સાથ આપ્યો હતો.

*

થોડોક આરામ કર્યા પછી ફરી નિધિ અને દર્શન બે ત્રણ કિમિ ચાલ્યા હતા પણ સદાય ઓડીમાં ફરનારી નિધિ માટે એક જ રાતમાં હવે વધારે ચાલવું શક્ય ન હતું. ઉપરાંત આશ્રમની સાડી પણ એને ફાવતી ન હતી. એના પગમાં જાણે વજન બાંધ્યું હોય એમ માસપેસીઓ કઠણ થઈ ગઈ હતી. છતાય જેમ તેમ કરી તે ચાલી હતી. બે માંથી એકેયને ચપ્પલ પણ પહેરવાનો સમય મળ્યો નહોતો. રોડ ઉપર વરસાદને લીધે ભીનાશ હતી પરિણામે નિધિના પગમાં તો ચામડી ફુગાઇ ગઈ હતી.

જે સફેદ વસ્ત્રો પહેરી અરીસામાં પોતાની જાતને જોતા તે એમ વિચારતી હતી કે હવે જ પોતે નિર્મળ થઈ છે. એ જ સફેદ વસ્ત્રો હવે એને લોહીથી ખરડાયેલાં અને ભારે બોઝલ લાગતા હતા.

અંતે સવાર સુધી કોઈ સાધન આવે એની રાહ જોતા બંને બેઠા હતા.

સવારે કિસ્મત જોગ એક ટેક્સી આવી હતી. અને એમાં બંને નીકળ્યા હતા.

*

આચાર્યએ અજય મહારાજને વિલ આપ્યા પછી એના ખોળામાં જ જીવ ત્યજી દીધો પછી દર્શનનું કામ થયું છે કે નહીં એ જાણવા માટે એ આખી રાત ત્યાંથી ખસી શક્યા નહી. બધા જ સાધ્વી અનુયાયીઓ એકઠા થઇ ગયા હતા. અજય મહારાજ આચાર્યનો મુખ્ય ચેલો હતો એટલે એ ક્યાંક જઇ શકે તેમ ન હતો. આચાર્યના દેહ પાસેથી ખસવાની એને કોઈ તક છેક સવાર સુધી મળી ન હતી.

આખરે સવારે સ્નાનના બહાને એ નીકળ્યો ત્યારે રાઇન્સ અને માર્શલ બંને ખરાબ સમાચાર લઈને આવ્યા હતા. કઈ રીતે દર્શન છટકી ગયો એ સમજાવ્યું. પણ દર્શનને કઈ રીતે ખબર પડી એ સમજાતું ન હતું. અને સવારથી નિધિ કેમ ગાયબ છે એ પણ કોઈને સમજાતું ન હતું. અજય મહારાજે બંનેને માત્ર એટલો ઓર્ડર આપ્યો હતો.

"એ છટકીને અમદાવાદ તરફ જ ગયો હશે તપાસ કરો. બીજા માણસો લઈ જઈને ગમે ત્યાંથી એને ખતમ કરો."

પણ અજય મહારાજને એ ખબર ન હતી કે નિધિ પણ સાથે જ હતી.

રાઇન્સ અને માર્શલ બંનેએ બીજા અમુક માણસોને સાથે લીધા અને પછી અમદાવાદ તરફ નીકળ્યા હતા. વચ્ચે જેટલા ગામ આવ્યા ત્યાં પૂછપરછ કરી હતી પણ કોઈએ સફેદ કપડામાં કોઈ અનુયાયીને જોયા ન હતા.

આખરે એ લોકોને એક ગામના સ્ટેશન પર ખબર મળી હતી કે એક સફેદ કપડાંવાળો ભાઈ અને એક એવા જ સફેદ કપડાંવાળી બાઈ અહીંથી ટેક્સીમાં હમણાં જ અમદાવાદ તરફ ગયા છે.

એ સાંભળીને રાઇન્સ અને માર્શલને સમજાયું હતું કે નિધિ કેમ ગાયબ હતી. એ ચોક્કસ દર્શન સાથે રાત્રે જ ભાગી હશે.

રાઇન્સ અને માર્શલને હવે ચિત્ર વધુ સ્પષ્ટ થયું હતું. નિધિની લાઈટ બળતી હતી કેમ કે એ દર્શનને મળવાની હતી. અને જ્યારે એના રૂમની લાઈટ બંધ થઈ ત્યારે એ બને એમ સમજ્યા હતા કે નિધિ હવે સુઈ ગઈ છે. એટલે બંને આશ્રમમાં કોઈ જાગતું નથી એ જોવા આંટો મારવા ગયા બરાબર એ જ સમયે નિધિ બહાર નીકળીને દર્શન પાસે ગઈ હતી. આ વાત અજય મહારાજના ધ્યાનમાં ન આવી એની બંનેને નવાઈ થતી હતી. જોકે આમ તો એ લોકો આંટો મારીને આવે ત્યાં સુધી દર્શન ત્યાં ઓરડીઓ પાછળ જ ઉભો રહે એવી એમની ગણતરી ન હતી પણ દર્શનને અહી બધા માનસિક અસ્થિર માનતા હતા કારણ કે એ હમેશા એકાંતમાં રહેતો. ઘણીવાર આમ રાત્રે બગીચામાં, પાછળ વ્રુક્ષોમાં, પાર્કિંગમાં કે ઓરડીઓ અને બાથરૂમ વચ્ચેની જગ્યાએ રાતના સન્નાટામાં એકલો કલાકો સુધી ઉભો રહેતો. ઘણીવાર રાત્રે ઊંઘ ઉડી જાય એ લોકો ટહેલવા નીકળતા ત્યારે દર્શન આવી સ્થતિમાં દેખાતો. અરે દર્શનને લીધે જ રાઈન્સ અને માર્શલ ઘણીવાર રાત્રે પોતાનું ગેરકાયદેસરનું કામ કરી શકતા નહી. એટલે છુપા રસ્તે એ કામ કરવા પડતા.

પણ અજય મહારાજ બીજા જ વિચારમાં હતો એટલે નિધિ દર્શનને સાંજે મળી એ રીતે રાત્રે મળવા ગઈ હશે એ વિચાર આવ્યો જ નહીં. એ તો વિલમાં બધી જ મિલકત બધી જ રોકડ રકમ અને બધા જ આશ્રમનો પોતે હવે કરતા હરતા બની ગયો છે એના વિચારમાં જ એ આ બધું ભૂલી ગયો હતો.

અલબત્ત અજય મહારાજે તો આચાર્ય ગુજરી ગયા છે અને હવે બધું જ આપણું છે એ જાણ કરવા ડોકટર મનોહર, સી.એ. હરીશ, અમદાવાદમાં જેનો ડંકો વાગતો એ રુસ્તમ અને લીલાધરને ફોન કરીને ખુશ ખબર પણ આપી દીધી હતી.

*

આચાર્યને કોઈ બ્લેકમેઈલ કરવા માંગતું હતું અને એ જ દિવસે આચાર્ય ગુજરી ગયા એટલે બ્લેક મેઇલર નવાઈ તો પામશે પણ એ જે બાબતો જાણે છે આશ્રમની હકીકત એ ક્યારેક તો આપણા વિશે પણ જાણશે જ. એને ખબર પડશે જ કે આ બધું આચાર્ય નહિ પણ આશ્રમનો મુખ્ય અનુયાયી કરતો હતો. અને ત્યારે એ બમણું જોર કરે એના કરતાં અત્યારે જ માંડવાલી કરીને એની સાથે દોસ્તી કરી લેવી એવું અજય મહારાજે નક્કી કર્યું.

તે પોતાના વર્ષોના સપના ઉપર પાણી ફરી વળે એ જોઈ શકે તેમ નહોતો. અજય સુરતમાં પ્રોફેશર હતો. તેણે મનોવિજ્ઞાન સાથે પી.એચ.ડી. કરી હતી. તે વ્યભિચારી હતો. એકવાર એણે કોલેજમાં એક છોકરી સાથે લફરું કર્યું હતું. પછી એ છોકરી રાધા પ્રેગ્નન્ટ થઈ એટલે એને મારી નાખવી પડી. બે મહિના આયોજન કરીને તેણે રાધાને ખતમ કરી હતી એટલે પોલીસ તપાસમાં એના ઉપર કોઈ ખાસ તપાસ જ નહોતી થી. પણ પછી તેના ઉપર અમુક પ્રોફેશરોને શક થયો એટલે એ બે મહિના પછી સુરતથી ભાગી ગયો હતો.

ખાસ્સું છ આઠ મહિના ભટક્યા પછી અહીં આશ્રમે આવ્યો અને પછી સંત બનીને એણે એનું પ્રિય કામ શરૂ કર્યું. એમાં ચંદ્રા મળી. ચંદ્રા દેખાવડી નહોતી પણ અજયને માત્ર શરીર અને શારીરિક ભૂખથી જ મતલબ હતો. એણે ઘણા લફરાં કરીને પકડાઈ જવાય એના કરતાં ચંદ્રા સાથે જ રહેવાનું નક્કી કર્યું. ચંદ્રા શરૂઆતમાં આશ્રમમાં આવ જા કરતી પછી આશ્રમમાં જ વસી ગઈ હતી. તેણે ખુબ સાલસ, સંસ્કારી, જ્ઞાની સંત તરીકે આચાર્ય સામે પ્રતિસ્થા ઉભી કરી હતી.

દરમિયાન અજયે આ બધા કોન્ટેકટ કર્યા હતા. એને સૌથી ધનવાન બનીને આશ્રમમાં રીતસરના નાગા નાચ ખેલવા હતા. એની ભૂખ તો રોજ એક નવી છોકરીની હતી. પણ એ માટે અઢળક પૈસા અને નામના જોઈએ. એ માટે બધા પૈસાનો વ્યવહાર પોતાના હાથમાં જોઈએ અને આશ્રમ અને તેની શાખાઓનો તે સર્વેસર્વ હોવો જોઈએ. એ માટે એણે આચાર્યને મારવાનો પ્લાન બનાવ્યો અને આચાર્યનો માનીતો બની ગયો હતો. પૈસાના કૌભાંડ માટે આચાર્યના મૃત્યુની રાહ જોવાય તેમ નહોતી કારણ આચાર્યને કાઈ દિવસ કે મહિનામાં મારી ન શકાય તે માટે આયોજન જોઈએ એટલે તેણે આશ્રમમાં સી.એ.ને ફોડ્યો હતો અને આચાર્યનો કાંટો કાઢવા ડોકટરનો ઉપયોગ કર્યો હતો.

મારી આ બધી મહેનત હું વ્યર્થ નહી જવા દઉં. હવે તો આચાર્યનો કાંટો પણ નથી રહ્યો હું ગમે તેમ એ બ્લેકમેઈલરનો કાંટો સામ, દામ, દંડ અને ભેદ ગમે તે રીતે કાઢી નાખીશ. અજયે નક્કી કર્યું.

*

સુલેમાન ચાચા ગાડીને લઈને દેમાર ઝડપે આવ્યા હતા પણ નિધિની ટેક્સી તો ખાસ્સી આગળ ચાલી ગઈ હતી.

છેક અમદાવાદ સુધી ક્યાંય ટેક્સી દેખાઈ નહિ. ત્યારે સરફરાઝને ટેક્સીનો નંબર ન નોંધવા માટે પોતાની જાતને ઠપકો આપવા લાગ્યો.

"ચાચા સમીરે કહ્યું છે કોઈ પણ ભોગે નિધીનો પીછો કરવાનો છે. હવે શું કરીશું?" અમદાવાદ આવતા સરફરાઝ અવઢવમાં પડ્યો.

"મેં વહી સોચ રહા હું બચ્ચા. કઈ તરફ ગઈ હશે. અમદાવાદમાં એને શોધવી કઈ સરળ કામ નથી જ."

"એ વડોદરાની છે તો વડોદરા ફરફ ગઈ હોય એવું બને?" સરફરાઝે એક સામાન્ય તર્ક લગાવ્યો.

થોડીવાર સુલેમાન કે સરફરાઝ કોઈ બોલ્યા નહિ. બંને ગાડી બ્રેક કરીને ઉભા રહ્યા. સમય જાય એમ ટેક્સી આગળ નીકળવાની હતી.

સરફરાઝે પોતાના મગજના કોષ ઉપર દબાણ કર્યું. લોજીક લડાવ્યું. એક સમાન્ય છોકરી સૌ પ્રથમ શુ કરે? કોઈ પોતાની પાછળ પડ્યું છે એ જાણ્યા પછી જો હું એક સામાન્ય સ્ત્રી હોવ તો શું કરું?

પોલીસ પાસે જાઉં? ઘરે જાઉં? કે પોતાના કોઈ ઓળખીતા પાસે જાઉં?

ઓપ્શન 1 : પોલીસ પાસે હું તો ન જ જાઉં કારણ જો એટલા મોટા આશ્રમમાં કઈક ગરબડ હોય તો અમદાવાદ સુધીની પોલીસ એમાં મળેલી હોવી જોઈએ. પણ નિધિ એવું વિચારી શકે ખરા?

ઓપ્શન 2 : ઘરે તો ન જ જાઉં. કારણ માનવ સહજ રીતે જ પીછો કરનાર પણ ઘરે તપાસ કરશે જ એટલી સમજ તો દરેકની અંદર હોય જ. એ શકયતા નિધીએ પણ વિચારી જ હશે.

ઓપ્શન 3 : પોતાના કોઈ ઓળખીતા પાસે જાઉં? યસ ધેટ્સ ધ સોલ્યુશન. જેમ હું સમીરને શોધવા માટે સમીરના ઓળખીતા સુલેમાન ચાચા પાસે આવ્યો એ જ રીતે નિધિ પણ પોતાના ઓળખીતા પાસે જ જાય.

‘ઓહ નો.....’ એકાએક સરફરાઝ બરાડી ઉઠ્યો.

"શુ થયું?" દાઢીમાં હાથ પસવારતા ઝબકીને સુલેમાને પૂછ્યું.

"એ જુહીના ઘરે જશે. આઈ એમ સ્યોર ડેમડ જુહી... જુહી પાસે જશે તો એ ચોક્કસ અનુપને જાણ કરશે કે નિધિ અહીં આવી છે. અનુપ ભલે ગમે ત્યાં હોય નિધિ પાછળ પડેલા માણસોએ અનુપનો કકન્ટેક્ટ કર્યો જ હશે." હવે સરફરાઝ ઉત્સાહમાં આવ્યો.

"કિપ ગોઇંગ ટુવાર્ડઝ બરોડા... જલ્દી..."

પરિસ્થિતિ સમજીને સુલેમાન ચાચાએ પણ કઈ બોલ્યા વગર જ ગાડી દોડાવી. ગાડીના હલનચલનમાં સુલેમાનની લાંબી દાઢીના વાળ તેમની ચટ્ટાન જેવી છાતી ઉપર હાલક ડોલક થતા હતા...

*

હજુ સુધી સરફરાઝનો કોઈ ફોન કોલ આવ્યો કેમ નહિ? સમીર મુંજાઇ ગયો. ચોક્કસ નિધિ સરફરાઝને નહિ મળી હોય. જો એ ક્યાંક બીજે જ ગઈ હોય તો આપણને નહિ મળે.

પૃથ્વી ડ્રાઈવ કરતો હતો. મનું રસ્તા ઉપર આવતા જતા સાધનો જોઈ લેતો હતો. અને સમીર વિચારોમાં હતો. ત્યાં જ મનુએ કહ્યું, "પૃથ્વી ગાડી ધીમી કર."

કારણ પૂછવાની જરૂર ન હતી. કારણ સામેથી એક ટેક્સી ફૂલ સ્પીડમાં આવતી હતી. બધાએ એ તરફ ધ્યાન આપ્યું. જોતજોતામાં તો ટેક્સી નજીક આવી. ત્રણેય ટેક્સીમાં જોયું. સફેદ કપડામાં નિધિ અને કોઈ પુરુષ પણ એવા જ કપડામાં ટેક્સીમાં ચિંતાતુર ચહેરે બેઠા હતા. ટેક્સી ત્રણ ચાર સેકન્ડમાં જ પસાર થઈ ગઈ પણ સમીર અને મનુ એટલા સતર્ક હતા કે માત્ર નિધિ જ નહીં એના ચહેરાના હાવ ભાવ પણ બંનેએ ઓળખી લીધા. પૃથ્વી નિધિને ઓળખતો ન હતો અને એનું ધ્યાન પણ ડ્રાઈવીંગમાં હતું.

છતાય જે ટેક્સી ગઈ એ સરફરાઝના વર્ણન મુજબ હોવી જોઈએ તેથી જ આ બંને આમ સફાળા બોલ્યા છે એટલું સમજતા પૃથ્વીને વાર ન લાગી. મનુએ કઈ કહેવાની જરૂર રહી ન હતી. પૃથ્વીએ રુલ્સની પરવા કર્યા વગર જ ગાડી યુ ટર્ન લીધી.

"પણ આ રોંગ સાઈડમાં શુ કામ આવી હશે?" સમીરે પૂછ્યું.

"કારણ કે પાછળ કોઈ આવે તો રાઈટ સાઈડમાં જ આવે. રોંગ સાઈડમાં નિધિ ભાગી હશે. છેક અમદાવાદથી વડોદરા સુધી નિધિ રોંગ સાઈડમાં જશે એવી કલ્પના પણ પીછો કરનારા કોઈ કરે નહિ જ." મનુએ તરત જ ધારણા કરી લીધી.

ખરેખર પણ નિધીએ એ જ ગણતરી કરી હતી. પાછળ કોઈ આવે તો એ કલ્પના જ ન કરે કે છેક અમદાવાદથી બરોડા કોઈ રોંગ સાઈડમાં જશે. નિધીએ ડ્રાઈવરને કહ્યું હતું કે પોલીસ રોકશે કે કઈ સમસ્યા થશે તો તારી ટેક્સીના બમણા રૂપિયા તને આપીશ. ટેક્સીવાળો પણ પરિસ્થિતિ સમજીને જોખમ લેવા તૈયાર થયો હતો. એ જ નિધીનું નસીબ હતું કારણ જો રોંગ સાઈડમાં નિધિ ન હોત તો મનુને એ દેખાઈ ન હોત. મનું સીધો જ અમદાવાદ જાઓત. અને નિધિ જુહીને ત્યાં. પછી સીધી જ આશ્રમમાં ! ત્યાંથી કદાચ ધરતીના પોલાણમાં ! દફન!

સમીરે તરત જ સરફરાઝને ફોન કર્યો.

“નિધિ મળી ગઈ છે.”

“ઓકે સમીર હું પણ વડોદરા તરફ આવું છું. મારા અંદાજે એ જુહીના ઘરે જશે. અને....” સરફરાઝે કહ્યું પણ એ આગળ શું બોલ્યો એ સમજાયું નહી.

સરફરાઝનો મોબાઈલ સ્વીચ ઓફ થઇ ગયો હતો એટલે સરફરાઝે કહેલું આગળનું વાક્ય “જુહીને ફોસલાવીને લંકેશે નિધિને ભયભીત કરવા એનો સહારો લીધો હતો.....” એ અધૂરું જ રહી ગયું... સુલેમાન ઉતાવળમાં ફોન લેવાનું જ ભૂલી ગયા હતા.

***

ક્રમશ:

લેખકની વાર્તાઓ અને લેખ વાંચવા અહી ફોલો કરો :

ફેસબુક : Vicky Trivedi

Instagram : author_vicky