Jantar-Mantar - 23 books and stories free download online pdf in Gujarati

જંતર-મંતર - 23

જંતર-મંતર

( પ્રકરણ : ત્રેવીસ )

રીમાની વાત સાંભળીને હંસા ચમકી ગઈ. એને સુલતાનબાબા યાદ આવી ગયા. એ મનોમન વિચારવા લાગી કે હવે સુલતાનબાબા વહેલાસર સિકંદરનો ફેંસલો કરી દે તો સારું, નહિતર આ સિકંદર રીમાને શાંતિથી જીવવા નહિ દે.’ મનમાં આવેલા વિચારોને ખંખેરતાં હંસાએ રીમાને પકડીને પાછી બેસાડી દીધી અને પછી પલંગ ઉપર સુવડાવી દેતાં કહ્યું, ‘રીમા, તારી તબિયત વધારે ઠીક નથી. તું સૂઈ જા..!’ રીમા ચૂપચાપ પલંગમાં લેટી ગઈ.

રીમાને પલંગમાં પાછી લેટાવીને હંસાની નજર સામેની દીવાલ ઉપર લટકતાં કેલેન્ડર ઉપર ગઈ. તેર તારીખ અને બુધવારનો દિવસ. હંસાના મનમાં ચમકારો થયો-આજે બુધવાર છે. સુલતાનબાબા આજે નહીં આવે. કાલે ગુરુવાર છે અને કાલથી સળંગ તેર ગુરુવાર સુધી સુલતાનબાબા સિકંદરને ખતમ કરવાની વિધિમાં લાગી જવાના છે...અને એનો મતલબ કે, આજની આખી રાત અને કાલનો દિવસ રીમાને બરાબર સાચવવી પડશે.

એ ઝડપથી બહાર નીકળી. બહાર સોફા ઉપર એની સાસુ રંજનાબહેન અને એના સસરા ચુનીલાલ ચિંતાભર્યા, ઉદાસ ચહેરે બેઠાં હતાં. હંસાએ એમની નજીક જતાં કહ્યું, ‘રીમાબહેનની તબિયત પાછી બગડી હોય એમ લાગે છે અને સુલતાનબાબા તો હવે કાલે ગુરુવારે જ આવશે.’

‘આપણે રીમાને આજની રાત સાચવવી પડશે.’ હંસાની વાતને ટેકો આપતાં રંજનાબહેને કહ્યું.

હજુ આ વાતો ચાલતી હતી ત્યાં મનોજ આવી પહોંચ્યો. મનોજે બધી વિગત જાણ્યા પછી માથું ખંજવાળતાં કહ્યું, ‘સ્સાલું, આમાં શું કરવું એ જ કંઈ સમજ પડતી નથી.’ અને પછી એ સીધો હાથ-મોઢું ધોવા બાથરૂમમાં ચાલ્યો ગયો.

બાથરૂમમાંથી બહાર નીકળીને હાથ લૂંછતા મનોજે હંસાની નજીક જતાં કહ્યું, ‘હંસા, તું રીમાના કમરામાં જ આજની રાત સૂઈ જા....’

મનોજની વાત સાંભળીને હંસાએ મોઢું બગાડીને, ભવાં ચડાવતાં કહ્યું, ‘તમેય કેવી વાત કરો છો...હું હેમંતને લઈને ત્યાં કેવી રીતે સૂઈ શકું ? મને તો એની પાસે સૂતા બીક લાગે છે, રાતે જો હું સૂતી હોઉં અને કયાંક એ કદાચ...!’ કહેતાં કહેતાં હંસા બાકીના શબ્દો ગળી ગઈ. ભયથી એના ચહેરા ઉપર પરસેવો દોડી આવ્યો.

છેવટે બન્ને જણાંએ મળીને નક્કી કર્યું કે રાતના રીમાના કમરાની બારીઓ બંધ કરી દેવી અને કમરાના દરવાજાને બહારથી તાળું મારી દેવું.

રાતે લગભગ અગિયાર વાગ્યા પછી રીમા ઊંઘી ગઈ, એટલે મનોજ અને હંસાએ અગાઉથી નક્કી કર્યા પ્રમાણે બારી-બારણાં બરાબર મજબૂતાઈથી બંધ કરીને અંદરથી સ્ટોપર ચઢાવી દીધી. ત્યારપછી એમણે ટયુબલાઈટ બંધ કરી, ડીમલાઈટ સળગાવી અને પછી હળવેકથી, ખૂબ સંભાળીને અવાજ ન થાય એ રીતે બારણું બંધ કરી દીધું. બારણાની બહારથી સાંકળ બંધ કરીને, તાળું લગાવી દીધું અને ત્યારબાદ બન્ને પતિ-પત્ની નિરાંતે જઈને પોતાના કમરામાં સૂઈ ગયાં.

વહેલી સવારે હંસાની આંખ ખૂલી ત્યારે દૂધવાળો બહાર બૂમો મારી રહ્યો હતો. આમ તો દરરોજ એની સાસુ દૂધ લેવા જાગતાં હતાં. પણ આજે એ દૂધવાળાની ઉપરાઉપરી બે-ત્રણ બૂમો સાંભળીને એ ઊભી થઈને પોતાના કમરાની બહાર નીકળી.

પણ બહાર નીકળતાં જ એની આંખો અચરજથી ફાટી ગઈ. રીમા બહારથી આવીને, પોતાના કમરા તરફ આગળ વધી રહી હતી.

રીમાને જોતાં જ હંસાનું કાળજું જોશથી ધડકીને રહી ગયું. રીમાને રાતે એના કમરામાં બંધ કરીને બહારથી તાળું માર્યું હતું, છતાં રીમા બહાર કઈ રીતે આવી...? એણે રીમાને બૂમ પાડીને રોકવાનો વિચાર કર્યો. પણ એ વખતે એનું કાળજું એટલા જોરથી ધબકારા મારતું હતું કે એ રીમાને બોલાવવાનું સાહસ કરી શકી નહીં.

બહારથી ફરી એકવાર દૂધવાળાની બૂમ સંભળાઈ અને એ રસોડામાંથી વાસણ લઈને દૂધ લેવા માટે ઉતાવળે પગલે દોડી ગઈ. એનું શરીર એ વખતે પરસેવે રેબઝેબ થઈ ગયું હતું.

હંસા દૂધ લઈને પાછી ફરી, ઝડપથી રસોડામાં એણે દૂધનું વાસણ મૂકયું અને પછી એ રીમાના કમરા તરફ દોડી ગઈ. રીમાના કમરાનાં બારણાં બંધ હતાં અને બહાર તાળું મારેલું હતું.

ફરી એકવાર હંસાનું કાળજું જોશથી ધડકી ઊઠયું. એના માથામાં જબ્બર ઝણઝણાટી થઈ આવી. હમણાં જાણે એ ગડથોલું ખાઈને જમીન ઉપર પડી જશે એમ એને લાગ્યું. પણ એ હિંમત કરીને બેય હાથે પોતાનું માથું પકડીને પોતાના કમરામાં દોડી ગઈ.

ત્યારપછી મોડેથી મનોજ જાગ્યો ત્યાં સુધીમાં એણે ઘરમાં એ અંગે કોઈને કશી વાત કરી નહીં. મનોજને પણ એણે કંઈ કહ્યું નહીં. મનોજ જાગ્યો ત્યારે હંસાએ એને રીમાના કમરાનું તાળું ઉઘાડવાની યાદ આપી.

મનોજ તરત જ ચાવી લઈને રીમાના કમરાનું તાળું ખોલવા ગયો. હંસા રસોડાના બારણાં ઉપર ઊભી-ઊભી મનોજને જોઈ રહી.

મનોજે હળવેકથી તાળું ઉઘાડીને, સાંકળ ખોલી અને પછી બારણું ખોલી નાખ્યું. પણ બારણું ઉઘાડતાં જ મનોજે એક જબરી ચીસ નાખી અને એ ચીસની સાથે જ એક મોટો, કાળો અને વિકરાળ બિલાડો મનોજ ઉપર કૂદી પડયો.

ચારે તરફથી બિલકુલ બંધ કમરામાં એક મોટા બિલાડાને આ રીતે ત્રાટકેલો જોઈને મનોજ ડરીને ચીસ પાડી બેઠો થઈ હતો. ગભરાટને કારણે પળવારમાં તો એના હાથે-પગે પરસેવો વળી ગયો હતો. એની ચીસ સાંભળતાં જ હંસા એની પાસે દોડી ગઈ.

મનોજ જોશથી પાછળ ધસી જઈને પાછળની દીવાલ સાથે જકડાઈ ગયો અને રસ્તો મળતાં પેલો બિલાડો બહાર નીકળી ગયો. બહાર નીકળીને એ બિલાડો અચાનક રસ્તામાં જ અટકી ગયો. હવે એનું ધ્યાન સામેથી આવી રહેલી હંસા ઉપર મંડાયું હતું.

હંસા તો એ બિલાડાની ગોળ, ચમકતી, મોટી અને અંગારા ઓકતી આંખો જોઈને ખૂબ ગભરાઈ ગઈ હતી.

એકાદ પળ સુધી એ બિલાડો એને એકીટસે તાકી રહ્યો અને પછી એ લાંબું બગાસું ખાતો ત્યાંથી આગળ વધી ગયો.

હંસાએ મનોજની છાતીમાં મોઢું છુપાવી દીધું. એ રડવા જેવી થઈ ગઈ. એની આંખોમાં ઝળહળિયાં આવી ગયાં.

અત્યાર સુધી એક માત્ર હંસાએ જ હિંમત રાખીને, રીમાની બરાબર સારવાર કરી હતી અને દરેક કામમાં એ આગળ પડતો ભાગ લેતી હતી. રીમા જલદી સાજી થાય એ માટે એ પૂરેપૂરા પ્રયત્નો કરતી હતી.

પણ હવે એ જ હંસા જાણે ભાંગી પડી હતી. તેર ગુરુવાર સુધી તો કોણ જાણે કેવું કેવું વિતશે એની એને બીક લાગતી હતી. અત્યાર સુધીમાં હંસા કદી ડરતી નહોતી, પણ હવે એનેય બીક લાગવા માંડી હતી. જોકે, હજુય એને પેલા શયતાન સિકંદરની બીક લાગતી નહોતી, પણ એને આ બિલાડાની બહુ બીક લાગવા માંડી હતી. કોણ જાણે એ મૂવો પાડા જેવો બિલાડો અચાનક કયાંથી ટપકી પડે છે...?

હંસા પછી રસોડા તરફ આગળ વધી.

પણ હંસા હજુ રસોડા તરફ આગળ વધે એ પહેલાં જ રસોડામાંથી વાસણો પડવાનો અવાજ સંભળાયો. એ ઝડપથી રસોડા તરફ દોડી ગઈ.

રસોડામાં પેલો મોટો, કાળો, ચમકતી આંખોવાળો બિલાડો હંસાને જોતાં જ છલાંગ મારીને બારી ઉપર ચઢી ગયો અને પેલું સોયવાળું લીંબુ ગોખલામાંથી નીચે જમીન ઉપર આવીને પડયું હતું.

હંસાએ મનમાં ખિજવાઈને એ બિલાડા તરફ નજર કરી પણ એ વખતે એ બિલાડો કૂદીને બહાર ચાલ્યો ગયો હતો.

હંસા લીંબુને ઠેકાણે મૂકવા માટે એને ઉપાડવા નીચેની તરફ ઝૂકી. પણ એ લીંબુને નીચેથી ઉઠાવે એ પહેલાં જ એનું ધ્યાન લીંબુમાંથી નીકળી ગયેલી સોય તરફ ગયું.

એણે ઝડપથી એ લીંબુ ઉઠાવી લીધું અને બહાર નીકળી આવેલી સોય બીજા હાથે ઉઠાવીને એણે લીંબુમાં પાછી ઘોંચી. પણ લીંબુમાં સોય ઘોંચાતાં જ જાણે વીજળીનો કરંટ લાગ્યો હોય એમ માથાના વાળથી માંડીને પગના અંગૂઠા સુધી એનું શરીર ઝણઝણી ઊઠયું. અને એક ગોળ ચકરી ખાઈને તીણી ચીસ સાથે હંસા જમીન ઉપર ઢળી પડી.

હંસાની ચીસ સાંભળીને ઘરનાં બધાં જ ગભરાઈને દોડી આવ્યાં. હંસાની પાસે જમીન ઉપર લીંબુ અને સોય પડેલાં જોઈને બધાંને મનમાં વહેમ પડયો કે જરૂર આ લીંબુને કારણે જ કંઈ થયું હશે.

સવારે મનોજ જાગ્યો ત્યારપછી રીમાના કમરામાંથી ઉછળીને એની ઉપર બિલાડો ધસી પડયો તે વખતથી જ મનોજ મનમાં ખિજવાયેલો હતો. આજે એની સવાર બરાબરની બગડી હતી. એ મનમાં ગુસ્સે થતો દાંત પીસીને બોલ્યો, ‘હવે તો હું બરાબર કંટાળી ગયો છું. તોબા આ શેતાનથી.’ એમ બબડીને ચૂપ થઈ ગયો.

થોડીકવાર સુધી તો ઘરના કોઈને શું કરશું એ સમજ પડી નહીં પણ પછી મનોજ પેલું લીંબુ ઉઠાવી લેવા માટે નીચે નમ્યો.

‘હું....હું....મનોજભાઈ, લીંબુને અડકશો નહીં, લીંબુને એમ જ રહેવા દો.’ રીમા એમ કહીને મનોજને ચેતવવા માંગતી હતી. પરંતુ કોણ જાણે કેમ પણ એ પોતાના મોઢેથી એક શબ્દ પણ બોલી શકી નહીં. શબ્દો એના ગળામાં જ ઠુંગરાઈ ગયા. જીભ જાણે તાળવા સાથે ચોંટી ગઈ હતી. પણ મનોજનો હાથ લીંબુને અડે એ પહેલાં જ મનોજની મા રંજનાબહેને ચિલ્લાઈને કહ્યું, ‘મનોજ રહેવા દે...લીંબુને અડીશ નહીં....’

એકાએક આંચકો લાગ્યો હોય એમ મનોજે હાથ પાછો ખેંચી લીધો. એણે રંજનાબહેન સામે જોયું. રંજનાબહેનનો ચહેરો રડવા જેવો થઈ ગયો હતો. એણે પોતાની નજર હઠાવીને રીમાના ચહેરા તરફ જોયું. રીમાના ચહેરા ઉપર ભય પથરાયેલો હતો. જાણે કોઈ બિહામણી ઘટના જોઈ રહી હોય એમ એની આંખો પહોળી થઈ ગઈ હતી. મોઢું પણ ઉઘાડું જ રહી ગયું હતું.

મનોજનું મન પણ ભરાઈ આવ્યું. ઘરના બધા પરેશાન છે અને પોતે જુવાનજોધ છે. છતાં ઘરનાઓને આ આફતમાંથી પરેશાન થતાં બચાવી શકતો નથી. એ બદલ પણ એને દુઃખ થયું.

પણ પછી મનોજે તરત જ સ્વસ્થતા જાળવી લીધી. ગુસ્સે થવાને કે ભાંગી પડવાને બદલે એણે હિંમત ભેગી કરી અને પછી એ હંસાને બેય હાથે ઊંચકીને પોતાના કમરામાં લઈ ગયો. રીમા અને રંજનાબહેન બેય એની પાછળ-પાછળ આવ્યાં.

હંસાને પથારીમાં લેટાવી દીધા પછી મનોજે પોતાની મા તરફ જોયું. એ વખતે રંજનાબહેનની આંખોમાં આંસુઓ ધસી આવ્યાં હતાં. આ દુઃખ જાણે તેમનાથી સહેવાતું ન હોય તેમ તેઓ ભાંગી પડયાં હતાં.

હંસાની આવી હાલત જોયા પછી રંજનાબહેનને મનમાં ફફડાટ પેસી ગયો હતો. એક તો રીમાની હાલત સારી નહોતી. રીમાના વળગાડથી ઘરનાં બધાં જ પરેશાન હતાં ત્યાં હંસાની હાલત બગડી. એમને સહુથી મોટો ભય એ હતો કે હવે આ શયતાન એક એક કરીને ઘરનાં બધાંને આ રીતે પરેશાન તો કરી નાખશે...કદાચ એ શયતાન બધાંને ખતમ પણ કરી નાખે.

મનોજથી પોતાની માનું આવું દુઃખ ન જોવાતું હોય એમ એ બોલ્યો, ‘મા, તું ચિંતા ન કર, હું હમણાં જ જઈને ડૉકટરને બોલાવી લાવું છું. હંસા તરત જ સાજી થઈ જશે.’ કહેતાં કહેતાં જ મનોજે બહાર નીકળવા માટે દોટ મૂકી, પણ એ દરવાજાની બહાર નીકળે એ પહેલાં જ રંજનાબહેનનો અવાજ એની પીઠ ઉપર અથડાયો, ‘ભાઈ, આમાં ડૉકટરનું કંઈ કામ નથી. તું જઈને બાબાને બોલાવી લાવ.’

મનોજ દરવાજામાં જ ઊભો રહી ગયો. એના કાળજામાં જાણે શેરડો પડયો, ‘તો શું હંસાને પણ રીમા જેવું જ હશે...? શું એ શયતાન સિકંદરે જ એને કંઈક કર્યું હશે ?’ એણે પાછળ ફરીને જોયા વિના જ એની માને જવાબ આપ્યો, ‘સારું મા, હું સુલતાનબાબાને હમણાં જ બોલાવીને પાછો આવું છું. તમે હંસાનું ધ્યાન રાખજો.’

પોતાના કમરામાંથી બહાર નીકળીને મનોજ આગળ વધી ગયો. બહારના બારણાં પાસે હાથમાં છાપું પકડીને બેઠેલા એના બાપા ચુનીલાલે પૂછયું, ‘કેમ છે હવે વહુને...?’

‘હજુ એ બેભાન છે, હું સુલતાનબાબાને બોલાવવા જાઉં છું.’ કહેતાં કહેતાં જ એ ઉંબરો ઓળંગીને બહાર નીકળી ગયો. હજી ફાટકની બહાર નીકળે એ પહેલાં એની આગળથી એક લાંબો વિકરાળ અને કાળો બિલાડો પસાર થઈ ગયો. મનોજનું ધ્યાન એ તરફ હતું નહીં પણ ઘરમાંથી ચુનીલાલ ઉચાટ મને, રઘવાયા બનીને દોડતા મનોજને જોઈ રહ્યા હતા. જેવો બિલાડો મનોજની આગળથી પસાર થયો કે તરત જ એમનાથી રાડ પડાઈ ગઈ, ‘બેટા, મનોજ....ઊભો રહે, થોડીકવાર રોકાઈ જા, અપશુકન થયા છે...!’ પણ મનોજે એમની રાડ સાંભળી હોવા છતાં એના શબ્દો એ બરાબર સાંભળી શકયો નહીં, એટલે એ દોડીને બહારની તરફ આવ્યો.

રસ્તા તરફ આગળ વધી ગયો. જ્યારે ખુરશીમાંથી ઊભા થઈ ગયેલા ચુનીલાલ ઉચાટ જીવે રસ્તા તરફ તાકી રહ્યા. મનોજ એમને દેખાતો બંધ થયો ત્યારે તેઓ નિરાશાભર્યા અવાજે મનોમન બબડી પડયા, ‘હે ભગવાન, આ શું થવા બેઠું છે ?’ એમણે હળવેકથી પાછા ખુરશીમાં બેસીને, છાપાથી ચહેરા ઉપર હવા નાખીને, ચહેરા ઉપરનો પરસેવો સૂકવવા માંડયો.

મનોજ લગભગ ત્રણેક કલાકે સુલતાનબાબા અને મનોરમામાસીને લઈને પાછો ફર્યો. ત્યાં સુધી ઘરનાં બધાં જ એમ ને એમ ઊભાં હતાં. કોઈએ સવારની ચા પણ પીધી નહોતી અને કંઈ ખાધું પણ નહોતું.

મનોજ સુલતાનબાબાને લઈને પોતાના કમરામાં આવ્યો. પણ રસ્તામાં જ રસોડાના બારણા પાસે પડેલું પેલું લીંબુ અને એમાંથી નીકળી પડેલી સોય ઉપર નજર પડતાં જ સુલતાનબાબાના પગ આગળ વધતા અટકી ગયા. એમણે ગુસ્સાથી મનોજ સામે જોતાં પૂછયું, ‘આ કોણે કર્યું છે ?’

મનોજ કંઈક જવાબ આપે એ પહેલાં રંજનાબહેન બોલી ઊઠયાં, ‘બાબા, એમાં અમારો કંઈ વાંક નથી. વહુએ ચીસ પાડી અને અમે અહીં આવીને જોયું તો આ લીંબુ પડયું હતું. અમે ત્યારથી આ લીંબુને અહીં જ પડયું રહેવા દીધું છે. અમે એને બિલકુલ અડકયાં જ નથી.’

સુલતાનબાબાએ પોતાની નજર ખસેડીને રીમા તરફ જોયું. રીમાના હોઠ ધ્રૂજી રહ્યા હતા. સુલતાનબાબાએ કડક અવાજે રીમાને ધમકાવતાં કહ્યું, ‘આ બધાં તારાં કારસ્તાન છે. હું હમણાં જ તારી ખબર લઉં છું.’

સુલતાનબાબાને રીમા ઉપર ગુસ્સે થયેલા જોઈને રંજનાબહેને રીમાનો બચાવ કરવા માંડયો, ‘બાબા, એમાં એનો કંઈ વાંકો...’

‘તમે ખામોશ રહો...મને બધી જ ખબર છે....’ સુલતાનબાબાએ રંજનાબહેનની વાત અધવચ્ચેથી કાપી નાખી, પણ પછી તેઓ પોતાનો અવાજ ધીમો કરીને, નજર રીમાની આંખો ઉપર તાકી રાખતાં એમણે કહ્યું, ‘હું બધું જ જાણું છું. તમે જે જોઈ શકતાં નથી, એ હું જોઈ શકું છું.’

પછી..? પછી શું થયું..? એવું તો શું હતું કે જે સુલતાનબાબા જોઈ શકતા પરંતુ રંજનાબહેન નહોતા જોઈ શકતા..? રીમાનું શું થયું...? હંસાનું શું થયું...? રીમાનો ઈલાજ કરવા આવેલા સુલતાનબાબાએ શું કર્યું...? શું એમણે સિકંદરને ખતમ કર્યો ? અમરનું શુ થયું...? એ બધું જાણવા માટે ‘જંતર મંતર’નો રસભર્યો, રહસ્યોભર્યો અને રોમાંચભર્યો હપતો વાંચવો જ પડશે.

***