Hanfe to ae shikshak shano? in Gujarati Comedy stories by Ketan Vyas books and stories PDF | હાંફે તો એ શિક્ષક શાનો?

Featured Books
Categories
Share

હાંફે તો એ શિક્ષક શાનો?

સર્વે ગ્રામજનોને જણાવવામાં આવે છે કે શાળામાં શિક્ષકની નિમણુંક કરવાની હોય, તેથી એક સ્પર્ધાનું આયોજન કરેલ છે......કોલેજ ભણતા કે કોલેજ પુરી કરેલ યુવકોએ હાજરી આપવી....

મંત્રી મંડળમાં ચર્ચા થઈ..આયોજન થયું..સ્પર્ધાના દિવસે માત્ર એક ઉમેદવારની હાજરી ને ગામની વસ્તી તો પાંચ હજાર જેવી...! આમતો સ્પર્ધા ને કોઈ અવકાશ નહોતો. શિક્ષક મળવા જ મુશ્કેલ હોય, પછી સ્પર્ધા શાની? એ જમાનો અલગ હતો... હજુ તો દેશ આઝાદ થયો... ને, કળ વાળીને માંડ બેઠો થયો તો...! સો - બસ્સો રૂપરડી પગાર ની માયામાં, પોતાના ખેતી કે વ્યવસાય થી વિપરીત કામ સૂઝે જ શાનું ? ..... દીવો લઈને શોધવા નીકળો ત્યારે માંડ માંડ તો શિક્ષક મળે... એકાદ મળે...આખે આખી શાળાને સાંભળી લ્યે એવો બળુંકો ! ... વર્ષો સુધી...., પછી, કોઈ સ્પર્ધાની વાત જ નહીં..! તેરી ભી ચૂપ.., મેરી ભી ચૂપ..!

સમય એવો જ હતો... ! ભણતર, ભણતર તરફનો લગાવ અને અભિગમ ધીમે ધીમે બદલાતા થયા.. ભાગ્યે જ અમુક યુવકો સ્નાતક સુધીનો અભ્યાસ કરે... હા, દશમાં ધોરણ પછી પીટીસીનો અભ્યાસ કરનારની સંખ્યામાં થોડો વધારો ચોક્કસ થયો..! પ્રાથમિક શાળાઓનું પ્રમાણ સંખ્યામાંય થોડું ઘણું વધારે.. ! શાળાએ જનાર દીકરીઓની સંખ્યાય કાંઈ ખાસ નહીં...સમાજની સમજ ખેતી, વ્યવસાય, ઘરકામ વગેરે પર ઝુકેલી વધારે રહે...!

સમય જતા...; થોડું વધુ ભણેલ નવયુવક ની સંખ્યામાં, શાળાની કામગીરી પ્રત્યેની રુચીમાં, સરકારી એવી કાયમી આવકની આશામાં, પોતાના ખેતી કે વ્યવસાય પ્રત્યે અણગમો - વગેરેમાં થોડી વૃદ્ધિ થવા લાગી. પછી તો શિક્ષકની એકાદ જગ્યા માટે પાંચ- છ ઉમેદવાર હાજર હોય - એય પીટીસી કરેલા.. ને પછી, બી.એડ. ભણેલાય !

હવે તો રખાય સ્પર્ધા..! મંત્રી મંડળના એક સુરમાં શરૂ થઈ 'શિક્ષક નિમણુંક પસન્દગી' અંતર્ગત સો મીટરની દોડ સ્પર્ધા...! પીટીસી નું ભણતર એ એના ઠેકાણે, આપણું ગામ કાંઈક નવું કરે તો જ કામ કેવાય..! " આમ પણ, હવેની દશ હજારની ગામની વસ્તીમાં ડંકો પડવો જોઈએ...! સો મીટરની દોડમાં જીતે એની શિક્ષક તરીકે નિમણુંક કરવી - એવું નક્કી થયું. શિક્ષકનો ઉમેદવાર યુવક ભલે પંડિત હોય પણ 'હાંફી જાય' એ કેમ ચાલે ?

ગામની વસ્તી વધતાંની સાથે શાળાઓની સંખ્યા વધી, ને અધૂરામાં પૂરું, છ-સાત ગામનું સયુંકત મંડળ હવે તો ' શિક્ષક નિમણુંક પસંદગી સ્પર્ધા' નું આયોજન કરતું થયું. હવે, સો મીટર થી ચાલે જ શાનું ? રાખી દો બસ્સો મીટર......! ઉમેદવાર હાંફે શાનો...? શિક્ષક થવું છે... તો આટલું કરવું જ રહ્યું ! બે- ચાર ખાલી જગ્યા માટે સોએક જેવા શિક્ષક તરીકેના ઉમેદવાર હોય તો ચાળણીથી ચાળવા તો પડે જ ને..., કંકણ કાઢવા તો પડે જ ને...; એક વ્યવસ્થાના ભાગ રૂપે...!

શિક્ષક માટેની ઉમેદવારીમાંય એવી જ વૃદ્ધિ... કાયમી નોકરી, સુખી જીવન, અવનવી રાજાઓ, વિશ્રાન્તિના દિવસોનો લાભ, ગામ આંખાયમાં શિક્ષક તરીકેનો મોભો...! બીજી બાજુ, વ્યવસાયની કળાકૂટ, બારેમાસ ખેતરની સિમે જોતરાઈ રહેવું, અનિયમિત ને અસલામત - આવક ને જીવન...! બહેતર છે, ચાલો શિક્ષક થઈ જીવીએ.. થોડું શિક્ષક શિક્ષક રમીએ...!

છ ગામની વસ્તી એક લાખથી વધારે..ને, શિક્ષક પ્રતિસ્પર્ધીઓ ની કતાર...! બસ્સો મીટર થી નહીં ચાલે...! ચારસો મીટર ઉમેરાયું, ને સમયાંતરે, લાંબી કુદ, ઊંચી કુદ..., ને સાથોસાથ બૌદ્ધિક કસોટી, માનસિક કસોટી... વગેરે વગેરે.. ! એકાદ રાઉન્ડમાં તો પતે જ નહીં... ! .......! એટલું સારું છે કે આ જમાનો મલયુદ્ધ કે તલવારબાજી નો નથી...ને કોઈ સરહદની લસ્કરી અસર નથી..!

કાયમી સમાધાન તો મંત્રી મંડળ કે તેના સભ્યો પાસે તોય નહોતું... કરેય શુ બીજું ? શાળાઓની દેખરેખ.., સમાજની વ્યવસ્થા.., માન-મરતાબની જાળવણી.., મોંઘવારીની થપાટ..., ઘર-સંસારનો ભાર.., જાત-જાતના વ્યવહાર.., વિશેષ જીવનના સપના.., ભણતર નો અભાવ... ને ઘણું બધું....! ને વળી નોકરી ઇચ્છુક ઉમેદવારો ની લાંબી એવી કતાર - અરમાનો, અપેક્ષાઓ, ખેવના વગેરેની હરીફાઈ થી ભરેલી.... ! જીવન અને સમય ખર્ચી કાઢ્યા ભણતરમાં..! પેલા, પીટીસી થી પતી જતું...; ને હવે, બીજી બે-ત્રણ ડિગ્રીઓ ભેગી થાય ત્યારે તો તમને સ્પર્ધાનું ફોર્મ ભરવા મળે..!

મંત્રીમંડળના સભ્યો કે શિક્ષક ઉમેદવાર આશા છોડે તેમ નહોતાં. વરસાદ થાય એટલે વાવણી કરવાની ને મબલખ પાક લેવાનો એટલે લેવાનો...! શિક્ષક બનવું ને હાંફી જવું, એ આ રમત માં ન ચાલે...! પણ, 'બિચારો' સરપોલિયા જેવી મેગી અને બેકરી નો 'સફેદ રોટલો' ખાયને મોટો થયો હોય, સાયકલનું ટાયર ક્યારેય જોયું ન હોય.., ખેતર માં કદી હળ હાંકયું ન હોય.., જેને પૈસા અને પાણી વચ્ચેનું અંતર ખબર ન હોય..; એ લાંબી કુદ, ઊંચી કુદ કે ચારસો મીટરની દોડ કેમ કરવાનો???? હાંફી જવા કરતા ફાવી જવામાં મઝા હોય છે..! બસ પછી શું ? સમાધાન હાથવેંત હતું !

હ, સમાધાન ! શાળા માટે, ગામ માટે, મંડળ માટે આર્થિક સહાય કરી દો એટલે સ્પર્ધાના મેદાનમાં 'હાંફવા'માંથી મુક્તિ, પછી સાયકલ વાળો ઉમેદવાર ભલે પછી ટુંબલેસ ટાયર સુધી પહોંચવા 'જિંદગી' ને હવા ફૂંકયા કરે !!

રમત તો રમત જ હોય... પણ, આ રમતના રૂપ સોળે કળાએ ખીલતા ગયા - વસ્તી, ઉમેદવારી, આકાંક્ષાઓ, સપનાઓ, જરૂરિયાતો ... વધતાની સાથે સાથે ! જાતિ, જ્ઞાતિ, અભ્યાસ, પસંદગી પરીક્ષા, ગરીબી, સ્ત્રી, પુરુષ વગેરે ઘણા ઘણા મુદ્દાઓ 'શિક્ષક નિમણુંક પસંદગી' સ્પર્ધાના મેદાનમાં ઉતરી આવ્યા. દોડ તો થવી જ જોઈએ, બસ ! શિક્ષક બનવું ને હાંફી જવું - બેઉ સાથે ન ચાલે !

મંત્રી મંડળ ની સયુંકત બેઠકમાં નવા મુદ્દાઓની ચર્ચાઓ ને આખરે ઠરાવ થાય. દરેક સ્પર્ધમાં ભાગ લેનારે 'યોગ્યતા કસોટી'માંથી પસાર થવાનું. કસોટી માટે ઉમેદવારે નિયત શુલ્ક ભરી ફોર્મ ભરવાનું રહેશે. અગાઉ પ્રાપ્ત થયેલી યોગ્યતા ત્રીસની ટકાવારીમાં ગણાશે, કારણ કે એ લેખિત કસીટીઓમાં અર્જિત જ્ઞાન સંપૂર્ણ વ્યવહારિક છે એવું કહી ન શકાય; જે વર્ગખંડમાં ને પરિક્ષાખંડમાં થયેલું માત્ર વિચારીનું આદાન-પ્રદાન કે વાર્તાલાપ જેટલું સીમિત હોય શકે ! વર્તમાનમાં નિયત કરેલી કસોટી વીસની ટકાવારીમાં, અને પછી મેદાન પર થતી શારીરિક સક્ષમતા કસોટી પચાસની ટકાવારીમાં ગણાશે. ને ખાસ, દરેક તબક્કામાં આર્થિક, માનસિક, શારીરિક કે લૈંગિકતા વગેરે ને આધારે ટકાવારીમાં ચોક્કસ છૂટછાટ રહેશે.

બધું જ માળખાકીય રીતે ગોઠવાઈ ગયું. શિક્ષકનું - સુખમય જીવન જીવવું હોય તો આટલું કરવું જ પડે. મંત્રી મંડળના સભ્યોનેય આટ-આટલું આયોજન કરવામાં ક્યારેક નાની યાદ આવી જતી હશે.. તો ક્યારેક છઠ્ઠી નું ધાવણ..! પણ, એ ભાર વિસરતા વાર ન લાગે, જ્યારે પેલો 'ટ્યુબલેસ પગો' એને એક 'લોન્ગ ડ્રાઈવ' નો અનુભવ કરાવી દે ! સાયકલ દોડી દોડી ને કેટલું દોડે ? હાંફી જાય ..! પણ, શિક્ષક બની સુખમય જીવન જીવવું એ તય છે. હવે કાંઈ થોડો બસો- ત્રણસોનો પગાર છે...? હવે, તો ચાલીસ, પાચસ,... સિત્તેર હજાર... હજારો માં રમવાનું... , મકાન બની જાય, સંસાર ગોઠવાય અને નભી જાય... ઠરીઠામ થવાય... ! આમાં હાંફી જવાય તો ન જ ચાલે ! સ્પર્ધાનું આયોજન તો સતત થાય, નિયમિત થાય...., પણ, પરિણામ ક્યારેક છ મહિને આવે, તો ક્યારેક બે- એક વર્ષે થાય ને ક્યારેક તો એમ કે જેમ સૂકા રણમાં મેઘ રાજા વરસવાનું નામ જ ન લ્યે તેમ...! ને, પરિણામ હોય પણ પરિમાણ ની હાજરી જ ન હોય !

મંત્રી મંડળને આ થોડું વ્યવસાયિક લાગ્યું.. શાળામાંથી જૂનાં શિક્ષક નિવૃત થાય નહીં ત્યાં સુધી, નવી જગ્યાઓ ઉભી ન થાય નહીં ત્યાં સુધી..., સ્પર્ધાની નિયમિતતાને કોઈ પણ હિસાબે ભંગ થવા દેવી નહીં..! સ્પર્ધા અને કસોટી પણ એક મેઘરાજાની મહેર થયા પછીની વાવણી તો છે. નિશ્વિત સમયે વાવણી ન થાય તો ખેતી - જમીન બેકાર જાય. બળદ હાંકવા પડે, હળ જોતરવા પડે, નિંદામણ કરવું પડે, બીજ રોપવા પડે...! નિયમિતતા નું પાલન તો થવું જ જોઇએ. આમેય, મંત્રી મંડળના એ સભ્યોને સમાજનું નેતૃત્વ કરવા ઇચ્છુક શિક્ષક ઉમેદવાર પર, તેમની હિમ્મત પર , ધીરજ પર , ખંત પર - અતુટ વિશ્વાસ છે હોય છે.

ને, એ અતુટ વિશ્વાસ રહેશે...શિક્ષક ઉમેદવાર હાર કદી નહીં માને, એ નવા સમાજના નિર્માણ માટે કોઈ પણ અગ્નિ પરિક્ષમાંથી પસાર થવા હંમેશા તત્પર રહેશે... એ જીવનનું સઘળું ન્યોછાવર કરતો રહી કસોટીઓ- સ્પર્ધાઓમાં ઝંપલાવતો રહેશે..., એ શિક્ષક થઈને જ ઝંપશે... એ રમતના મેદાનમાં સમયે સમયે નિયમિત પણે લડતો રહેશે... એ રમશે, દોડશે.., પણ હાંફશે તો નહીં જ !

..એ હાંફે તો ખરો ઉમેદવાર શાનો ? એ ચોક્કસ તેની હાજરી પુરાવશે.. એ દરેક કસોટીના ફોર્મ અચૂક ભરશે - નિયત મૂલ્ય સાથે....!" એ જ સાંત્વના - ગામના મંત્રીમંડળ અને તેના સભ્યોને બેકરીમાં તૈયાર થયેલ ' ગોળ એવા સફેદ રોટલા' પર પાથરેલ ચીઝ, સલાડ, અને પનીર ના સ્વાદની તેમજ નવા પચાસ હજાર ઉમેદવાર માટે બેઠકમાં તૈયાર થયેલ નવા ઠરાવ પર ગર્વની લાગણીની - અનુભૂતિ કરાવતી હતી....! સાંત્વના હતી....; ત્યાં સાંત્વના હતી, શાંતિ હતી - સ્પર્ધાના મેદાનથી દૂર..!

-- કે. વ્યાસ

વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે....શિક્ષક ઉમેદવાર ને સંમર્પિત.