nasho hele chadyo! in Gujarati Moral Stories by Ketan Vyas books and stories PDF | નશો હેલે ચડ્યો!

Featured Books
Categories
Share

નશો હેલે ચડ્યો!


પત્નીનું વર્તન દિવસે ને દિવસે બદલાતું હોય એવો અહેસાસ જીગરને થતો ગયો અને એની નશાની દીવાનગી શરૂ થઈ. નવા નશીલા મિત્રોની સોબત જામતી ગઈ. જીગરનું હૃદય વ્યાકુળતા, બેચેની અને સંશય થી ઘેરાઈ, થાકી ને હારી; આખરે દારૂની બોટલમાં હિલોળા લેતું થયું. પત્નીને પોતાની સાથે વાત કરવાનો કે બે ઘડી સ્મિત આપવાનોય અવસર ન હોય એમ કેમ ચાલે ! એની ફોન પરની વાતો - સમજ ન પડે - પણ, જિગરના હૈયામાં જાણે શૂળની જેમ ભોંકાવાં લાગી'તી. રસોઈ માં ક્યારેક સ્વાદ નો જાદૂ રહતો, જ્યાં હવે વારંવાર મીઠું વધ-ઘટ થાય તો ક્યારેક મરચું !


પત્નીનો પ્રેમ કોઈક દુનિયામાં જાણે લુપ્ત થઈ ગયો હોય, ને જીગર માટે 'દારૂનો નશો અને તૂટેલું હૃદય' એક નવીન નાચતી-જૂમતી-ઝુરતી દુનિયામાં સર્વસ્વ થવા લાગ્યું. પત્નીનું વર્તન, વ્યવહાર, ભાવ સાવ બદલાયેલા લાગતા, જીવન પાંખું પાંખું ને અંધકારમય થયું હોય એમ જીગર ની દિનચર્યા અસ્તવ્યસ્ત થવા લાગી. ઘરનું ઘર, પણ ઘરે આવવા-જવાનો કોઈ સમય નિશ્ચિત નહીં ! પોતે ચાલીને આવે કે નશાનાં વફાદાર દોસ્તો ઊંચકીને મૂકી જાય ! પત્ની સાવ નિઃશબ્દ, નિસહાય ! પણ જીગરને - એના મનને તો, પત્નીના ખાનગીમાં ચાલતા ફોન અને અવારનવાર એના પિયર જવાની માંગણીઓએ સાવ ડામાડોળ કરી દીધું.


બે મહિના, ચાર મહિના..., છ મહિના...! એક રાત્રી દારૂના નશામાં તરબત્તર જીગર ઘરે પહોંચ્યો તો એક નવા સાથીની ભેંટ મળી.. 'ખાલીપો - ઘરનો ખાલીપો' ! ઘરમાં પત્ની ની ગેરહાજરી ! એક સમયે જે પત્નીએ જીગરને પાણીનો પ્યાલો લેવા સહેજેય જહેમત નથી આપી...ક્યારેય કોઈ દુઃખનો અણસાર નથી થવા દીધો એ પત્ની... જીગર પર ક્યારેય ઘરના કામકાજનું કે સામાજિક-વ્યવહારિક કામો ની પરેશાની નથી થવા દીધી એ પત્ની...જેણે બાળકના ઉછેરમાં જીગરને બંધનમાં નથી રાખ્યો એ પત્ની... કે પછી, જેણે જીગરને સંશયના વાદળોમાં ગરકાવ કરી દીધો એ પત્ની; પણ એ પત્ની, આજે ઘરમાં નહોતી ! ત્રણ વર્ષના બાળક સાથે એ ક્યાં ગઈ હશે એ તૂટેલા હૃદયના લીધે દારૂના નશામાં ડૂબેલી જીગરની આંખોને રાત્રીના ખાલી ઘરના અંધકારમાં દેખાય એ શક્ય નહોતું ! સવાર સુધી નશાની જેમ મગજ પર ચડેલા ગુસ્સાને સચવાય તેમ નહોતું! ને પગમાં કે ભગ્ન હૃદયમાં પત્નીની શોધમાં નીકળી જવાય એવું જોમ નહોતું! પણ, ગુસ્સો અને અહમ નાક પર એવા ચડ્યા કે ઘરની કેટકેટલી વસ્તુઓ - વાસણો, અલમારીના કાચના ટુકડા, દીવાલ પર લાગેલી પ્રેમની સ્મૃતિઓ, ઘરની મર્યાદાને છાવરતા બારી-બારણાંના પડદાઓ, ટીપોય પર પડી રહેલા વર્તમાનપત્રો - ઘણું બધું ને સાથો સાથ દારૂનો ચડેલો નશો ને તૂટેલું હૃદય ભોંય પર તહસનહસ થઈ વિખરાઈ પડ્યું !!

એક પળ પણ જીરવાઈ એમ નહોતી ! પત્નીના વિયોગમાં તો કદાપિ ના જ હોય ! નશાની હાલતમાં કે નશો ચકનાચૂર થતા - કોણ જાણે કેમ - જીગરને એક વિચાર આવી ગયો .. સવારે સમાજ ને શું જવાબ આપીશ? તારી પત્ની...?? માથા પર 'સવાર' કે 'સમાજ' ની ઝઝૂમતી તલવાર જોઈને, જાણે ડાઘીઓ કૂતરો પાછળ પડ્યો હોય ને દોટ મુકે તેમ નીકળી પડ્યો - મોટરસાઇકલ પર સવાર થઈ વહેલી સવારે ત્રણેક વાગ્યે સાસરીની વાટે...બબડતો-ભડભડ બળતો.."જવાય જ કેમ એનાથી? જાવું હોય ત્યાં જાય... મારી દીકરીને કેમ લઈ જવાય? આજ દૂધનું દૂધ ને પાણીનું પાણી કર્યે જ છુટકો.. એનાં માં- બાપને સંભાળ લેવી હોય તો લ્યે... દીકરી મને આપી દયે..., ના .. ના.. એનાથી જવાય જ કેમ ? મારે સમાજને શું મોં દેખાડવાનું??" ...ગડમથલમાં ઝાડ સાથે અથડાતાં બચ્યો ! ... અચાનક સામાજિક જ્ઞાન ક્યાંથી આવી ગયું ?


બે કલાક ની મુસાફરીના અંતે પહોંચ્યો સાસરીમાં...! "જમાઈ આવી ગયા છે... હું ચાલ્યો એમની સાથે.. ચિંતા નહીં કરતા..." પત્નીના ભાઈ કઈ પણ વધારે બોલ્યા વગર જીજાજીની પાછળની સીટ પર બેસી ગયો.. " ચાલો જીજાજી, હું લઈ જાવ છું તમને" જીગરને બોલવાનો મોકો મળે તો કાંઈ બોલે ને ! વ્યાકુળ ભાવ ને અવાજે સાળા એ પરિસ્થિતિ નું વર્ણન શરૂ કરી દીધેલ, " સારું થયું તમે આવી ગયા.. બહેનને આઠ મહિના થી કહી કહી ને થાક્યા કે મમ્મીની તબિયત ઠીક નથી. મળવા તો આવ - ખબર જોવા તો આવ. બસ, એક જ જવાબ કે જીજાજી બહુ કામમાં છે... અવકાશ મળે એટલે આવી જઈશું ! મમ્મી એને યાદ કરી કરી ને અડધી થાય ને બહેન બિચારી બે-બે કલાક સુધી ફોન પર અમારા બધા સાથે વાત કરીને રડ્યા કરે.... મારે જીગરનું ય જોવું પડે, બાળકનું જોવાનું, ઘરનું જોવાનું.....પણ, સારું થયું તમે આવી ગયા. બહેનને સાંજે જોઈને મમ્મી મરતી બચી ગઈ, ને તમને જોઈને તો સાવ તાજી-માજી થઈ જશે...જોજો ! જો.. આવી ગઈ હોસ્પિટલ...


હોસ્પિટલ ની નજીક પહોંચતા જ મોટરસાઇકલ જાણે તેલ-બળતણ ખૂટયું હોય એમ... કાળો ધુમાડો કાઢતા સાયલેન્સરની સાથે ગરમ લાય થયેલું એન્જીન બે-ચાર ઝાટકા ખાઈ સાવ ગરીબ ગાયની જેમ શાંત થઈ ગયું.


"લગ્ન કર્યા એટલે પિયરે જવાનું, પિયરની વાતો, જ્યારે હોય ત્યારે મારું ઘર આમ ને મારા ઘરે આમ - આ બધું અહીં નહીં ચાલે. આ ઘર માં ફરી વાર માવતારની વાતો નહીં જોઈએ. જો ક્યારેય એ વિશે મારી સાથે વાત કરી છે તો ...? આજ તારું ઘર ને આજ સંસાર !.... વગેરે વગેરે આટ-આટલું કહ્યું છે છતાંય એણે જીગરના નામનું સાસરીમાં વટ વૃક્ષની જેમ જતન કર્યું ! નામ, ઈજ્જત, માન, મોભો... ,ને સંસાર, સમાજ....બધું અકબંધ રાખ્યું છે - અહીં ને ત્યાં બધેજ ! વિચારતાની સાથે જ જિગરના તૂટેલા હૃદયમાં ક્યારે શેર લોહી ચડી ગયું અને એનો નશો પણ... એ બાજુમાં ઉભેલા સાળા ને સહેજ અણસાર પણ નહોતો આવ્યો, પણ સામે ઉભેલી એની પત્નીએ હાથમાં ઊંચકેલી ત્રણ વર્ષની બાળકીના ગાલ પર બે-ચાર ચૂમીઓ ભરીને જણાવી દીધું.

~ કે. વ્યાસ