Duniya tari rit nirali in Gujarati Motivational Stories by Ketan Vyas books and stories PDF | દુનિયા તારી રીત નિરાલી

Featured Books
Categories
Share

દુનિયા તારી રીત નિરાલી

એક રાજ્યના એક જિલ્લાનું, શહેરથી દૂર આવેલું એક અંતરિયાળ પણ રળિયામણું ગામ. ગામમાં ચાલીસ પચાસ જેવા નાનાં અમથા ઘર ને તેમાં રહેતા થોડા ઘણા પછાત, અભણ ને બિચારા જેવા પરિવાર અને તેઓનાં સભ્યો. નાની-મોટી પહાડીઓ અને વન-વગડાથી ચોતરફ વીંટળાયેલ એ વિસ્તાર જ્યાં ભાગ્યે જ કોઈ શહેરી અવરજવર નો અહેસાસ થાય. દુનિયાથી અલિપ્ત એવી પ્રજા લગભગ ભગવાન ભરોસે - અરસપરસના સહારે જીવન ગુજારે..ને, ન કોઈ ખાસ સુવિધા..! બીમારીની હોય કે કુદરતી આફતની સ્થિતિ હોય કે અન્ય - મદદની ગુહાર દૂર સુધી ભાગ્યે જ પહોંચે. ને, થોડી ઘણી જે ખેતી હોય તેનાથી ગુજરાન થાય....., જીવ - જીવન નભે...!

વર્ષોથી ચાલતી અંધકારમય ઘટમાળમાં એક વખત સોનાનો સુરજ ઉગવાનું એ લોકોના જીવનમાં લખાયેલું હશે...એક ચાર પૈડાવાળી ગાડી એ ગરીબ વસ્તીમાં આવી ચડી...ને ગાડીમાં સવાર દંપતિને લોકોનું જીવન - સ્થિતિએ હચમચાવી દીધા... નાનાં-નાનાં નહિવત જેવા કપડામાં ટેણીયાઓ ગાડીને આસપાસથી ઘેરી વળ્યાં તા... જેના ચહેરા પર ભૂખનો થાક હતો...કેટલાય છોકરાઓ કુપોષણથી પીડિત હોય તેવા હતા... હાથમાં ને ચહેરા પર લાચારી, દયા ની યાચના હતી... અને દૂર અન્ય સ્થળોએ- ઘરમાં કે ખેતરમાં કામ કરતા બિચારા જેવા માં-બાપ અર્ધ વસ્ત્રોમાં, ઉઘાડા પગે અલગ અલગ કામમાં જોતરાયેલા હતા...સાવ કાળા ઓળાઓ આકાશમાંથી ઉતરીને એ લોકોને એવી રીતે ભરખી ગયા હોય કે જાણે પડછાયા ફરતા હોય તેવું લાગી આવે ! આવી કઠણાંઈયુક્ત સ્થિતિ જોઈને પૈસે ટકે સુખી દંપતિનું હૃદય દ્રવી ઉઠ્યું...!

દંપતિ ની અવારનવારની મુલાકાત, પ્રેમ, સ્નેહ, સહકાર, સહયોગ ને સહાય એ વસ્તીના લોકોને મળવા શરૂ થઈ ગયા.. કોઈ દૂરના વિસ્તારમાંથી આવેલ એ દંપતિ ગામલોકોના હિતેચ્છુ બની ગયા...જે, વધારે સમય એ વસ્તીમાં પસાર કરતા પણ થઈ ગયા....ભાત ભાતની સુવિધાઓ ઉભી કરવાનાં ઉમળકા સાથે સતત પોતાના અમૂલ્ય જીવનનું યોગદાન આપવા લાગ્યા...!

વસ્તીમાં નાનું દવાખાનું, શાળા, પાણીની સિંચાઈ વ્યવસ્થા, વીજળી વગેરે અન્ય સુવિધાઓ થી માત્ર નહીં, પણ સાથોસાથ ખેતી, ખેતીનો વિકાસ, વ્યાપાર, રસ્તાઓ ને ખોરાક અને યોગ્ય પોષણનું માર્ગદર્શન....એમ ઘણું બધું લોકોને મળવા લાગ્યું...! લોકો નિયમિતતાના પાઠ શીખવા લાગ્યા...લોકો માટે આ અજાણ્યું દંપતિ જાણે ઉપરવાળાએ કોઈ કૃપા કરી એમના માટે જ મોકલ્યા હોય તેવા હતા..કોઈ દૂત હતા.. સાથી હતા...માર્ગદર્શક હતા...ગુરુ હતા..!

વસ્તીના લોકો નિયમિતપણે દંપતીની કુટિર અને ઘરની મુલાકાત લેતા થયા. કુટિર એટલે દંપતિનું ભજન - સત્સંગ નું સ્થાનક. નાની એવી ઓરડી. અંદરની બાજુએ વીસ-ત્રીસ માણસો બેસી શકે એવી જગ્યા...એક દીવાલ બાજુ એક હાથ જેવડો રંગ કરેલો લંબચોરસ એવો પથ્થર...જેને, એ દંપતિ દેવ કહે.

રોજ એક કલાક જેવું લોકો એકઠા થાય... દંપતીની વાતો સાંભળે... દેવની વાતો થાય ને ગીતો ગવાય. જીવન કેવું હોય, કેમ જીવાય...કોના માટે જીવાય... શુ કરાય...શુ ન કરાય વગેરે વગેરે......

વસ્તીની સ્થિતિનો ને વ્યવહારનો ઉજાસ આજુબાજુની બે-ચાર નજીકની અન્ય વસ્તી પર પડ્યા વગર રહે જ શાનો? કાળા ડિબાંગ વાદળમાં વીજળીનો ચમકારો વધારે પ્રભાવક જ હોય તેમ - અસર ફેલાતી રહી..! અન્ય લોકો આવતા થયા - જીવતા થયા...! વર્ષોથી સાવ નિરાધાર લોકો ના જીવનમાં પ્રાણ ફૂંકાયો... શાળા, અધ્યયન, નિયમિતતા અને ટેકરી પર ના ભજન વગરેથી ટેણીયાઓ વિવિધ રંગોથી એવા ચમકવા લાગ્યા કે બે ઘડી લાગે કે કોઈ ફૂલોના બગીચામાં તમે આવી ચઢ્યા હોય....!

દશ વર્ષમાં તો ગામની સુરત ને સિરત સાવ બદલાઈ ગઈ. પ્રેમભાવ ને સહકાર તો એ લોકોના જીવનમાં રંગાઈ ગયા. જાદુ હતો .. ટેકરી પરની કુટિરના દેવનો કે દંપતિ નો કે દંપતીના પ્રેમભાવનો કે પછી કાંઈ અન્ય.. ! લોકોમાં એક જ ભાવ..કે તેઓ જો કોઈની વાત અનુસરે તો એ દંપતીની..અને ટેકરી પર થતા સત્સંગની... ! કુટિર ના દેવ ની સ્થાપના એ દંપતીએ જ તો કરી હતી, જે હવે વસ્તી ના લોકોનું દેવ સ્થાનક હતું. એનો પ્રભાવ હવે એ લોકોના જીવનમાં સંપૂર્ણ પણે વણાઈ ગયો હતો....

વિકાસના ભાગ રૂપે - શાળામાં શિક્ષક ના રૂપમાં, દવાખાનામાં તબીબના રૂપમાં, ખેતીમાં વ્યવસાયના રૂપમાં - ઘણા નિતનવા રૂપમાં શહેરે આ વન-વનરાઈઓમાં વિટળાયેલી વસ્તીમાં પ્રવેશ માત્ર નહોતો કર્યો, પણ સાથોસાથ, વસ્તીની સુવાસને શહેર માં પણ ફેલાવી રાખી તી...! આ મીઠી સુવાસે જાણે શહેરને મંત્રમુગ્ધ કરી દીધું હોય તેમ, મુલાકાતીઓ - જ્ઞાનીઓ, પંડિતો, વ્યવસાયીઓ, ભાવિકો, વગેરેની ચહેલ પહેલ પણ શરૂ થઈ... ! પણ ગામના લોકો માટે તો મહત્વનું જો કાઈ હોય તો એ 'દંપતિ' ને 'કુટિરના દેવ'..! શહેરમાં કાયમ એ ગામની ચર્ચા થાય.. દમ્પતીની ચર્ચા થાય...કુટિરના દેવની ચર્ચા થાય....

....પંડિતોમાં પણ ચર્ચા થાય... થતી રહી વિભિન્ન સ્વરૂપે.. ! નવી પેઢી સુધીમાં તો લગભગ ચર્ચાઓ નું કાઈ ખાસ અસ્તિત્વ નહોતું.. દંપતિ પણ ખૂબ વૃદ્ધ, છતાંય એ ગામની વસ્તી ની વચ્ચે જ રહેતા હતા...બસ બધું ચાલતું હતું... એમ જ..સ્વાભાવિક, રાબેતા મુજબ... ટેકરીની કુટિર પરના દેવ ની ભક્તિ, ખેતી, વ્યવસાય, વગેરે વગેરે.... બસ.. એમ જ !

નવી પેઢી - નવા વિચારો, નવી તકો, નવીનતમ સુવિધાઓ સાથે ત્રિસેક વર્ષ પછી - આ ગામની વસ્તીની સીમમાં આવી... જે છે તેમાં પણ વિશેષ કાંઈક કરી લોકોને જીવનની સાચી સમજ આપી દેવાની ખેવના લઇ...! સમાજ સુધારકોનો તો જાણે મેળો જ લગાવ્યો હોય તેમ વસ્તીમાં વિવિધ લાભાલાભની વાતો જામવા લાગી...સૌથી વધારે 'શહેર'નું ધ્યાન એક બાબત ની સુધારણાંમાં લાગેલું - એ હતું એ ગામના લોકોને સાચી દિશા આપવાનું - માર્ગદર્શન આપવાનું - એક વૃદ્ધ દંપતીની માયામાંથી મુક્ત કરવાનું...., 'મૂળ'થી વિચ્છેદ થયાનો અહેસાસ કરાવવાનું..!

શહેરથી, વર્ષો પછી આવેલા - ગાઢ નિંદ્રામાંથી જાગેલા લોકોની એક જ મનસા હતી... 'મનસા' એ હતી કે વસ્તીના લોકોને સાચા માર્ગ નો અહેસાસ કરાવવો... બહારની દુનિયાને જોવી.... જન્મભૂમિ પરની તેમની વાસ્તવિક પહેચાન ને સમજવી... ને પેલી 'દંપતિ'ની અને તેની ' કુટિર ના દેવ' ની સત્સંગ પ્રણાલીમાંથી મુક્તિ અપાવવી...! આવા કોઈ એક ' વિચાર' સાથે શહેર ના ટોળે ટોળા એ ગામની વસ્તી પર ઉતરી આવ્યા..... ગાડીઓ ભરી ને કાળા વસ્ત્રો પરિધાન કરી.....! ગામની વસ્તી- વિસ્તારમાં ધૂળની ડમરીઓ એવી ચડી કે જાણે જંગલના વૃક્ષોય બે ઘડી ક્યાંક ગાયબ થઈ ગયા હોય એવું લાગે.....

કાળા ડિબાંગ વાદળ ઉતરી આવ્યા હોય તેમ કાળા વસ્ત્રોમાં હજારેક માણસો વસ્તીની મધ્યમાં, ટેકરીની કુટિર વાળા મેદાનમાં ગોઠવાઈ ગયા.... સાથોસાથ કેટકેટલાય મીડિયાના લોકો હાથમાં કેમેરા સાથે સજ્જ......! " અમે અમારો વિરોધ જાહેર કરીએ છીએ... અમારો વિરોધ આ દંપતિ માટે... વિરોધ તેમની અમારા લોકો ઉપર લાગુ કરેલી નવી પ્રણાલી માટે... એમના સત્સંગ માટે....એમના કુટિરના દેવ માટે..... અમે અમારો વિરોધ જાહેર કરીએ છીએ.....આ વસ્તીના લોકો અમારા છે... એમની જરૂરિયાતની જવાબદારી અમારી છે...જે અમારું છે, એ આ લોકોનું છે... જે અમારી રીતિ-નીતિ કે જીવન પ્રણાલી છે, એ એમની હોવી જોઈએ... અમારા દેવ એ આ લોકોના પણ દેવ છે... ! આ વિસ્તાર, વસ્તી, વસ્તીના લોકો અમારાંમાનાં એક છે... એ 'લોકો' એ જગ્યા છોડે જે એમની નથી...!
" આ દુનિયા - અહીંની દુનિયા અમારી છે, આપણી અહીંની એક પ્રણાલી છે....!!"
આટલા બધા શોર બકોર - અવાજ - કોલાહલની - વૃદ્ધ દંપતિ પર કાંઈ જ અસર નહોતી...! એટલે કે, કદાચ, ત્યાં કુટિરમાં રહેલ સેવાભાવી ભક્તો એ દેવની પ્રતિમા સામે સુઈ રહેલા દંપતિ પર સુંદર ને સ્વચ્છ એવું સફેદ વસ્ત્ર ઓઢાડી રાખેલ હતું....!!!

બહારની દુનિયા સુધી ન પહોંચે તેમ, પ્રતિમા ની સામે જોઈ એક ભાવિકે " હે દેવ! દુનિયાની રીત કેવી નિરાલી છે ..! " એમ કહી દંપતીના ચહેરા પરના વસ્ત્રને ડોકના નીચેના ભાગમાં થોડું જોર કરી ભાવપૂર્ણ ગોઠવી દીધું.

- કે. વ્યાસ "સંકેત"