vaishyalay - 7 books and stories free download online pdf in Gujarati

વૈશ્યાલય - 7

દિવસો આમ જ પસાર થઈ રહ્યા હતા. જીવન એક યંત્રની માફક બની ગયું હતું. ખાવું, પીવું, કામ કરવું અને સૂવું. તહેવારો ઝૂંપડીમાં કેવા? પુરુષો કોઈપણ તહેવાર હોઈ શરાબ પી બેફામ ગાળો બોલતા. ઘણીવાર વિચાર આવ્યો કે સારું છે અમારા ઘરમાં કોઈ પુરુષ નથી નહિતર એ પણ અમારી કમાઈના પૈસાના દારૂ પી અમને જ ગાળો આપેત. ઘણીવાર નશાની હાલતમાં પુરુષો પોતાના છોકરા અને બૈરાંને મારતા મેં જોયા છે. શરાબ માટે ઝઘડો કરી પૈસા લઈ જતા. પુરા ટુન થઈને ગટરમાં ભૂંડની જેમ પડી રહેતા પુરુષો કરતા ઘરમાં પુરુષો વગરના જ સારા.

હું મારી માઁ સાથે એક ઘરનું કામ કરી રહી હતી. અચાનક મારી માઁ કામ કરતા નીચે પડી ગઈ. ચક્કર આવવાથી પડી ગઈ હશે એમ મને થયું અને મેં એને બેઠી કરવા પ્રયત્ન કર્યો. પણ ત્યારે જ એના મોઢામાંથી લોહી નીકળતું દેખાયું. મેં તરત જ શેઠાણીને કહ્યું, " બહેનબા મારી માઁના મોઢામાંથી લોહી નીકળે છે એને દવાખાને લઈ જવી છે. થોડા પૈસા આપી ને.." ત્યારે શેઠાણી બોલ્યા, "બસ તમારે કામ ન કરવું હોય એટલે આવા જ બહાના હોઈ હાથે કરી લોહી કાઢતા હશો... લે આ 50 રૂપિયા બતાવી ફટાફટ કામે લાગી જજે, આજે મારી કિટ્ટીપાર્ટીની ફ્રેન્ડ પણ આવવાની છે..." હું વિચાર શૂન્ય બની "જી બહેનબા" કહી મારી માઁ ને લઈ રીક્ષા કરી દવાખાને લઈ ગઈ. ત્યાં પણ ખૂબ ભીડ હતી, કેસ લખવાવાળાને મેં કહ્યું, " ભાઈ મારા માઁ ને કઈક થઈ ગયું છે એના મોઢામાંથી લોહી નીકળે છે. મહેરબાની કરી મને એને લઈ ડોક્ટર પાસે જવાદો.." પણ એ માણસે દયાહીન જવાબ આપી દીધો, "જો એટલી જ ઉતાવળ હોઈ તો પ્રાઇવેટ દવાખાને લઈ જા... મફતનું જોયું નથી કે આવ્યા નથી...રોજ તમારા જેવા કેટલાય આવે છે..." હું એમને છતાં વિનંતી કરતી રહી, " સાહેબ ડોકટર પાસે જવાદો ને લ્યો મારી પાસે 30 રૂપિયા છે, એ તમને આપું છું હવે તો જવાદો..." એ થોડો નરમ પડ્યો હોય એમ બોલ્યો, " ઠીક છે બે વારા પછી અંદર પાછળના દરવાજાથી લઈ જજે." આટલું કહી એને 30 રૂપિયા કોઈ જોવે નહિ એ રીતે અંદર પોતાના ખીસ્સામાં સરકાવી દીધા.

બે દર્દીએ બહાર નીકળ્યા એટલે હું પાછળના દરવાજે થી મારા માઁ ને લઈને ડોક્ટરની કેબિનમાં દાખલ થઈ. ડોકટર ની ઉંમર લગભગ ચાલીસ વર્ષ જેવી હતી. માથે થોડા સફેદ વાળ હતા, પેટ બહાર આવી ગયું હતું, ખુરશીમાં પણ માંડ સમાઈ શકતા હતા. તેને એની બાજુના ટેબલ પર મારી માઁ ને બેસાડવાનો ઈશારો કર્યો. મેં એમને ટેબલ પર બેસાડી અને હું એને પકડી ઉભી રહી. એના મોઢામાંથી હજુ પણ લાલ લાળ ટપકી રહી હતી. ડોક્ટર કડક અવાજે બોલ્યા, "શુ થયું છે..?" મેં અચકાતા જવાબ આપ્યો, " કામ કરતી હતી અને પડી ગઈ...કદાચ મોઢામાં લાગ્યું હશે...!" ડોક્ટર કશું બોલ્યા વગર મારી માઁ નું મોઢું ખોલી બત્તી કરી જોવા લાગ્યા. ડોકટરે કહ્યું, " કશું વધારે નથી મોઢાની અંદર માર લાગ્યો છે, દવા આપું છું, સાત દિવસ માત્ર પ્રવાહી જ આપવું અને શિરો ખવડાવવો, સાત દિવસ પછી બતાવી જવું." હું કૃતજ્ઞતાથી બોલી" આભાર સાહેબ, બીજું તો કશું નથી ને...?" ડોક્ટર કડક અવાજે બોલ્યા, " જે હતું એ કહી દીધું છે..." હું મારી માઁ ને બેઠી કરી મારા ખંભાના ટેકે બહાર લઈ આવી. એમને જે કાગળમાં દવા લખી હતી એ મેડિકલમાંથી લીધી અને સીધા ઘરે જતા રહ્યા રીક્ષા કરીને.

રીક્ષા માંથી મારી માઁ ને ઉતારી તો આજુબાજુની લગભગ સ્ત્રી ટોળું વળી ગઈ, 'અરે શુ થયું... લે મુઈ...શુ થયું...." મેં પણ એમ જ જવાબ આપ્યો, " શુ નથી થયું માસી થોડા ચક્કર આવ્યા તો પડી ગઈ હતી. ડોક્ટરે કહ્યું ચિંતા જેવું કશું નથી.." ઘરમાં લાવી એને પથારીમાં સુવાડી, એ બોલી શકતી ન હતી ફક્ત સાંભળી શકતી હતી. ઘા ઊંડો હતો. એ મારી સામે વિવશતાથી જોઈ રહી હતી. એની આંખોનું તેજ જતું હોઈ એવું મને દેખાઈ રહ્યું હતું. એ મારી તરફ એકધારી જોઈ રહી હતી. મેં એનો હાથ મારા હાથમાં લઈ થોડો હળવેથી દબાવી દીધો અને કહ્યું, " તું જરાય ચિંતા ન કરતી હું છું ને બધું કામ કરી લઇશ અને તું ઝડપી સાજી થઈ જઈશ." થોડીવાર એમ જ મૌન બેસી રહી હું પછી એની માટે ગોળવાળું પાણી લઈ આવી, એ પાણી પી ગયા પછી બે ગોળી આપી. એની આંખો ઘેરાતી હતી. મેં એને કહ્યું "તું આરામ થી સુઈ જા, હું શેઠજીને ત્યાં કામ પૂરું કરી આવું છું, નહિતર બહેનબા ખૂબ ખિજાશે.." એને થોડો ચહેરો હા માં હલાવ્યો અને હું કામે જતી રહી.

(ક્રમશ:)